મેટિની

આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે

આટલાં લાંબા ઈંતેજાર પછી આખરે ‘પાકિઝા’ છબીઘરોમાં પહોંચી ત્યારે બધાના શ્ર્વાસ અદ્ધર હતા…

ફિલ્મનામા -નરેશ શાહ

(ગતાંકથી ચાલુ)
મીનાકુમારી આખરે ‘પાકિઝા’ના સેટ પર આવ્યાં. અમરોહીને પેંડો ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું. ફરી પાકિઝા’નો જિર્ણોદ્ઘાર શરૂ થયો, પણ…
૧૯પ૭માં શરૂ થઈને ૧૯૬૪માં ઊભી રહી ગયેલી આ ફિલ્મ સાથે તો આગામી પાંચ વરસમાં કશું થવાનું નહોતું , પણ મીનાકુમારીના જીવનમાં આ સાઈઠ મહિના બહુ અહમ રોલ ભજવવાના હતા.
પહેલાં ગુલઝાર, ત્યાર બાદ ધર્મેન્દ્ર, એ પછી રાહુલ નામનો નિવોદીત કલાકાર એમનાં જીવનમાં આવ્યાં અને કેટલાંય સ્વજનોના સાચા ચહેરાં એમની સામે ખૂલી ગયા હતા. આશ્ર્વાસન માટે અમરોહીનો નહીં, માત્ર શરાબનો સાથ હતો.

શરાબના અતિ સેવનને કારણે મીનાકુમારીને લીવરનું સોરિયાસિસ થઈ ગયું, જેની ટ્રિટમેન્ટ માટે એ લંડન ગયાં અને સ્વસ્થ થઈને પાછા આવ્યાં, પરંતુ શરાબને કારણે ચહેરો , શરીર અને ઊર્જા હવે પહેલાં જેવા રહ્યાં નહોતાં. કેરિયરના સૂરજનું પણ આથમણાં ટાણું શરૂ થઈ ગયું હતું. મીનાકુમારીને દુશ્મન, જવાબ અને ગોમતી કે કિનારે (જે તેમના મૃત્યુ બાદ રિલીઝ થઈ ) જેવી ફિલ્મોમાં સેક્ધડ લીડ રોલ કરવા પડતા હતા. આ જ દિવસોમાં એમને કમાલ અમરોહીનું ખરું મૂલ્ય સમજાઈ રહ્યું હતું એટલે સંપર્કો અને મુલાકાતોનો પૂલ ફરી બંધાયો હતો. બેશક, હજુ ક્યાંય ‘પાકિઝા’ ચર્ચામાં આવ્યું નહોતું.

સંગીતકાર નૌશાદ, અભિનેતા સુનિલ દત્ત, કોમેડિયન મહેમુદ અને બીજા અમુક લોકોએ મંજુ-ચંદનને સમજાવ્યાં કે તમે બન્ને પતિ- પત્ની હોવાનું ભૂલી જઈને આગળ વધો અને પાકિઝા’ ફિલ્મ પૂરી કરો…
આખરે ૭ માર્ચ, ૧૯૬૯ના દિવસે મીનાકુમારી સેટ પર આવ્યાં. અમરોહીને પેંડો ખવડાવીને એમણે મોઢું મીઠું કરાવ્યું ને ફરી ‘પાકિઝા’નો જિર્ણોદ્ધાર શરૂ થયો, પણ… હવે ધર્મેન્દ્રની જગ્યાએ જાની રાજકુમાર આવી ગયા હતા. સંગીતકાર ગુલામ મોહમ્મદ અને કેમેરામેન જોસેફ વીરસિંહનું અવસાન થઈ ગયું હતું. મીનાકુમારીની હેલ્થ પણ હવે પહેલાં જેવી રહી નહોતી અને અમરોહી માટે એ મોટો પડકાર હતો. આ કારણે જ ઉંમરલાયક લાગવા માંડેલા મીનાકુમારીનો ચહેરો દેખાડવામાં વિશિષ્ઠ એંગલ અને દુપટાનો ઉપયોગ કમાલ અમરોહીએ ‘પાકિઝા’ માં ઠેકઠેકાણે ર્ક્યો છે. નૃત્યના કેટલાંય લોંગ શોટ આ કારણે જ લેવામાં આવ્યાં, કારણ કે તબિયતને કારણે મીનાજી નૃત્યના રિહર્સલ કે રિટેક ખમી શકે તેમ નહોતા.

આ સિરિઝ વાંચ્યા પછી પાકિઝા’ જોવાનું મન થાય તો ‘તીરે નજર દેખેંગે…’ ગીત જરૂર જોજો. તેમાં નૃત્યનાં દૃશ્યો પદમા ખન્ના પર ફિલ્માવવામાં આવ્યાં છે. અમરોહીની ટ્રેજેડી તો એ પણ હતી કે એના હીરો સનકી રાજકુમાર હતા. એના નખરાં ય પારાવાર. ચલો દિલદાર ચલો..’. ગીત અમરોહીને ગોવામાં કરવું હતું અને જાની ઈચ્છતાં હતાં કે એ ગીતનું શૂટિંગ મહાબળેશ્ર્વરમાં થાય. એમાં થયો ડખ્ખો.

રાજકુમાર તારીખ જ ન આપે. આખરે અમરોહી બિલ્કીસ અને રાજકુમારના ડુપ્લિકેટને લઈને ગોવા ગયા. એમણે ટ્રિકથી શૂટીંગ ર્ક્યું અને હીરો- હીરોઈનની બદલે બીજા દ્ર્શ્યોનો ઉપયોગ કરીને ચલો દિલદાર ચલો.. ગીત પુરું ર્ક્યું.

આ ગીતમાં અને ‘પાકિઝા’માં ઠેકઠેકાણે કમાલ અમરોહીએ મીનાકુમારીના બદલે એમનાં જેવી દેખાતી બિલ્કીસ નામની અભિનેત્રીનો ઉપયોગ ર્ક્યો છે. બિલ્કીસ દેખાવે મીનાકુમારી જેવાં જ લાગતાં હતાં અને એ કારણે જ કદાચ, કમાલ અમરોહીએ એમની સાથે ત્રીજા નિકાહ ર્ક્યા હતા.

‘પાકિઝા’ ૧૯૬૯માં ફરી ધબક્તી થઈ પછી તેના ટ્રેન (ફિલ્મમાં બહુ મહત્વ ધરાવે છે)નાં દૃશ્યો વિરાર સ્ટેશન પર અને પૂલ પરના દૃશ્યો વલસાડ પાસેના દમણગંગા પૂલ પર શૂટ કરવામાં આવ્યાં અને એ માટે પૂલ પર ફિલ્મી (નકલી) સિગ્નલ પણ ઉભું કરવામાં આવ્યું હતું. અમુક દ્ર્શ્યો મહાબળેશ્ર્વરમાં શૂટ કરવામાં આવ્યા ….
ફિલ્મ પૂરી થયા પછી ફરી સંગીતકાર ગુલામ મોહમ્મદની ઊણપ યાદ આવી, કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાનું હતું. ખૈય્યામ સાહેબે ના પાડી કે મારો અને ગુલામ મોહમ્મદના મ્યુઝિકનો ટેસ્ટ અલગ છે. હું ના ચાલું. આખરે નૌશાદે પાર્શ્ર્વસંગીત આપ્યું. મજા જુઓ કે ‘પાકિઝા’ના ગીત ઉપરાંત તેના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની લોંગ પ્લે રેકોર્ડ પણ ૧૯૭રમાં પ્રગટ પણ કરવામાં આવી હતી.

હા, તો આખરે આપણે અને પાકિઝા’ ૧૯૭ર સુધી પહોંચ્યા ખરા. એ વરસની ચોથી ફેબ્રુઆરીએ ‘પાકિઝા’ મુંબઈના મરાઠા મંદિરમાં (દિલ્હીમાં નેકસ્ટ વીક, ૧૧ તારીખે) રિલીઝ થઈ. શરૂઆત ધીમી રહી પણ ધીમે-ધીમે લોકોને ‘પાકિઝા’માં રસ પડવા લાગ્યો. રસ જાગવાનું એક કારણ એ પણ ખરું કે મીનાકુમારીની હેલ્થ બગડી જવાથી એમને મુંબઈના નેપિયન્સી રોડના ‘એલિઝાબેથ નર્સીંગ હોમ’માં દાખલ કરવામાં આવ્યાં હતાં. દિવસે-દિવસે એમની તબિયત કથળતી જતી હતી. છેલ્લાં પાંચેક દિવસ તો કોમામાં રહ્યા પછી અમરોહી અને સ્વજનોની સંમતિથી એમની સારવારની મથામણ અટકાવી દેવામાં આવી અને ૩૧ માર્ચ, ૧૯૭રના મીનાકુમારી જન્નતનશીન થયાં એ સાથે જ ‘પાકિઝા’ સુપરહિટના લિસ્ટમાં આવી ગઈ.


દામ્પત્ય જીવનની ગરમીમાંથી જન્મેલી અને પછી સંબંધોના અનેક ઉતાર ચઢાવમાં અટવાઈ ગયેલી ‘પાકિઝા’ ફિલ્મ અને મીનાકુમારીની જિંદગી ૧૯૭રમાં પૂરી થઈ , પણ મીનાકુમારી પછી ક્યારેય કમાલ અમરોહી સાથે રહેવા ગયાં નહીં. ચાલીસ વરસે જ જન્નતનશીન થઈ ગયેલાં મીનાકુમારી અને કમાલ અમરોહીના દામ્પત્ય જીવન (૧ર વરસ) કરતાંં ‘પાકિઝા’ તૈયાર થતાં વધુ (પંદર વરસ) સમય લાગ્યો,
પણ અમરોહી આ વાત સાથે સહમત નહોતાં. એ કહેતાં કે અમારા ખટરાગના છ વરસને ‘પાકિઝા’ -ના વિલંબમાં ગણવા યોગ્ય નથી. એ ફિલ્મ માટે અમે દોઢસો શિફટમાં શૂટિંગ ર્ક્યું હતું અને તેમાંથી વરસાદ અને બીજા કારણોસર પંચોતેર શિફટ વેડફાઈ ગઈ હતી. અલબત્ત, આ સર્જકનો બચાવ છે.

તેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર નથી, પણ અમરોહી સાહેબની એક વાત ખરેખર ગૌર ફરમાવવા જેવી છે.

‘પાકિઝા’ના હિટ જવા પાછળ મીનાકુમારીનું ક્વેળાનું મૃત્યુ જવાબદાર હોવાનું કહેવાય છે. એ વાતમાં અમુક અંશે વજૂદ ખરું, પણ કમાલ અમરોહીનું કહેવાનું હતું કે, આવું કહેનારાં મારી આવડત અને મંજુ (મીનાકુમારી)ના અભિનયની તૌહિન કરી રહ્યા છે. પાકિઝા સિમ્પથીથી-સહાનુમતીથી નહીં, તેના સત્ત્વને કારણે જ લોકોએ પસંદ કરી હતી. મંજૂ માટેની સિમ્પથીથી એ હિટ ગઈ હોત તો તો ખરેખર મંજુ (મીનાકુમારી)ના મૃત્યુ પછી રિલીઝ થયેલી ગોમતી કે કિનારે ફિલ્મ પણ હિટ થઈ હોત….
આ વાતની ખરાઈ કરવાને બદલે આજે ‘પાકિઝા’ જ જોઈ નાખીએ તો કેમ ?! (‘પાકિઝા’ લેખમાળા પૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા