મેટિની

પોતાનું દુ:ખ અનુભવવું એ જીવતા હોવાનું પ્રમાણ ભલે હોય, પણ બીજાના દુ:ખને સમજવું એ માણસ હોવાનું પ્રમાણ ચોક્કસ છે

અરવિંદ વેકરિયા

હું અને સહાયક બન્ને સેટ પર પહોંચ્યા. સુભાષજી ત્યારે બીજા સહાયક સાથે કોઈ વાતમાં બિઝી હતા. કલ્પનાબેન એમની અસિસ્ટન્ટ મિનાક્ષી (જેનો ઉલ્લેખ મેં આગળ કર્યો છે,) બન્ને એક બાજુ ખુરશી પર બેઠા હતા. રમેશ મહેતા ક્યાંય દેખાતા નહોતા. સુભાષજીએ સહાયક સાથેની વાત પૂરી કરી અને પહેલા કલ્પનાબેન પાસે ગયા. એમની સાથે ‘હેલ્લો…’ ‘હાય…’ કરી મારી તરફ આવ્યા. એમના મોઢા પરનું હાસ્ય હજી મારા માનસપટ પર સચવાય રહ્યું છે. એ જ હાસ્ય સાથે મને ‘ગુડ-મોર્નિંગ’ કહ્યું. પછી વાત આગળ વધારતા કે પછી મારી મશ્કરી (?) કરતા મને પૂછ્યું, ‘રાત બરાબર કટી?’ ‘ભલે આપણે થોડી લી પર બહોત દિનો કે બાદ લી ઇસીલિયે પૂછા.’ મેં કહ્યું, ‘જો ઓર જીતની લી વો તો ચડી નહિ, પણ તમે જે ‘ફિલોસોફી’ પીવડાવી એનો નશો હજી મગજમાં ધરબાયેલો છે. પગ સ્થિર છે પણ વિચારો થોડા લથડાય છે, કિસકો પસંદ કરું? આ કે પછી આ? તમારી દરેક વાતો માત્ર યાદ રાખવા જેવી જ નહિ પણ હાલતા-ચાલતા જીવનમાં ઉતારવા જેવી છે.’ તેઓ ખુલ્લું હસી પડ્યા. પછી મને કહે, ‘મને ચણાનાં ઝાડ પર ચઢાવો નહિ, આમ પણ તમારા જેવો છું. (કહી એમણે બે હાથ થોડા પહોળા કરી મારી સ્થૂળતા તરફ ઈશારો કર્યો.) ચણાનું ઝાડ તૂટીને સિંગ બની જશે.’ પછી અમે બન્ને ખૂબ હસ્યા.

મને કહે એક નાનો ‘કટ’ નરેશજી અને રોમાં માણેકનાં ગીત વચ્ચે રમેશ મહેતાનો લેવાનો હતો એ પતી ગયો છે. રમેશજી આવતા જ હતા ત્યાં લાઈટ-મેન ઉપર રિફ્લેકટર પડ્યું. એટલે જરા એમની પાસે બેઠા હતા. એ આવી જાય એટલે આપણે શરૂ કરી દઈએ.

મેં કહ્યું. “કમાલ છે… ત્યાં ધ્યાન રાખવા બીજા પણ હશે ને? તો… વચ્ચેથી મારી વાતને ઓવરટેક કરતાં કહે, “નરેશજી ઔર રોમાજી ભી ઉસે દેખ રહે હૈ! મેં કહ્યું, “વાહ… યે હોતી હૈ યુનિટી. મને કહે, “અરવિંદજી પોતાનું દુ:ખ અનુભવવું એ જીવતા હોવાનું પ્રમાણ ભલે હોય, પણ બીજાના દુ:ખને સમજવું એ માણસ હોવાનું પ્રમાણ ચોક્કસ છે. અબ બોલના નહિ કી ફિરસે ફિલોસોફી ઝાડ રહા હું. કહી મારા ખભા પર કોઈ પોતાનો માણસ સ્પર્શે એવો મીઠો ધબ્બો માર્યો. મને ગમ્યું. ત્યાં તો રમેશ મહેતા આવી ગયા. “કેમ છે એને? સુભાષજીએ લાઈટમેન વિશે પૃચ્છા કરી. “લોહી તો બંધ થઇ ગયું… હવે આપણા પ્રોડક્શન મેનેજર એને નજીકના દવાખાનામા ડ્રેસિંગ માટે લઇ જાય છે. રમેશ મહેતાએ જવાબ આપ્યો. “ઓહ ! એટલે લોહી નીકળતું હતું? મેં પૂછ્યું. “હા, પણ બહુ સીરીયસ નથી. ડ્રેસિંગ કરાવી ટીટનસનું એક ઇન્જેક્શન લઇ લેશે એટલે ફરી પાછો ડ્યુટી પર.. રમેશ મહેતા બોલ્યા. “મને ચિંતા તો થઇ, મેં કહ્યું “એણે આરામ તો કરવો જોઈએ. મને કહે, “આ બધા રોજીયા કહેવાય. એમનો દિવસ ભરવો જોઈએ. જો કે એ બધામાં પ્રેમભાવ ગજબનો હોય છે. એકબીજાને સાચવી લે. કોઈની ગેરહાજરી ન નોંધાય. પછી થોડો ખોંખારો ખાઈને કહે, “આ તો કંઈ નથી. તમારી પહેલી ફિલ્મ છે, અમે તો આવા નાના-મોટા કેટલાય અકસ્માતો શુટિંગ દરમ્યાન સેટ પર જોઈ ચુક્યા છીએ.

“સહી ફરમાયા સુભાષજીએ પોતાનું મંતવ્ય આપ્યું અને અમને સીન વાંચવાનો આદેશ કર્યો.

અમે, એટલે હું, કલ્પના દીવાન અને રમેશ મહેતા. અમે ત્રણેય સીન વાંચવા બેઠા. સુભાષજી લાઈટમેન અને કેમેરામેન સાથે ડિસ્કસ કરવામાં પરોવાયા.

સીન વાંચતા-વાંચતા રમેશ મહેતા અને કલ્પના દીવાન પોતાના ‘ઇન-પુટ્સ’ નંખાતા ગયા. મારે તો સીનમાં ‘ઇન’ જ બહુ ઓછું હતું ત્યાં હું શું ‘પુટ’ કરું?

થોડીવારમાં સીનનું લાઈટિંગ અને કેમેરા પોઝિશન તૈયાર થઇ ગયા. ત્યાં સહાયકે આવી, જે મને સીન વાંચતા ખૂટતું હતું એ, ‘શોટ-ડીવીઝન’ કહ્યું. પહેલા પાનામાં મારી ત્રણેક લાઈન્સ હતી એ અને છેલ્લે પાને એક લાઈન હતી એ, એક સાથે ‘થ્રી-શોટ’માં લેવાનું નક્કી થયું. એ પછી મારી લાઈન્સ માટે સોલો ક્લોસ-અપ લેવાનું નક્કી થયું. એ પતી જાય પછી કલ્પના દીવાન અને રમેશ મહેતા, જેમના સંવાદો વધુ હતા, એમનો ‘ટુ-શોટ’ અને પછી બન્નેનો પણ અલગ-અલગ ક્લોઝ-અપ, એ પછી એમના ડાયલોગ્સનાં રિએકશનનાં મારા ક્લોઝ-અપ…

સીન શૂટ કરવાનો શરૂ થઇ ગયો. ઉપર જણાવ્યું એ રીતે શૂટ કરવાનો પ્રારંભ થઇ ગયો. વચ્ચે એક-બે વાર કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે ‘કટ’ પણ થયા. પછી છેલ્લે આવ્યું મારા રિએક્શનનું શૂટ… આગલા દિવસે ‘સિરિયસ’ સીન સમજાવનાર સુભાષજીએ મને જાત-જાતનાં રિએક્શન કરી બતાવ્યા. કલ્પનાબેનની આ લાઈન પર ‘આ’ અને રમેશ મહેતાની ‘આ’ લાઈન પાર ‘આ’ રિએક્શન. ખાસ્સા રીએક્શનોનો ઢગલો શૂટ કરી લીધો. હું ખરેખર નવાઈ પામ્યો કે ‘લોકો કેમ રડશે એ સીન મારી પાસે કરાવનાર લોકો ખૂબ હસશે જ’ નાં સુભાષજીના આત્મવિશ્ર્વાસને હું વંદન કરી રહ્યો. મેં એમને કહ્યું, “સર! બહુ મજા આવી ગઈ. તમે તો… જસ્ટ, ગ્રેટ છો. હસાવી અને રડાવી શકો છો, “બ્રેવો! મને કહે, ‘આ ડીરેક્ટરની ટોપી’ પહેરીએ એટલે ‘જવાબદારી’ માથે લીધી હોય. વજન તો ન લાગે પણ મળેલી નિષ્ફળતા તમને થોડા પાછા તો જરૂર પાડી દે. નાટક જેમ તમારી ‘જવાબદારી’ એમ ફિલ્મો એ મારી ‘જવાબદારી’. બધું ‘બેસ્ટ’ થવું જોઈએ. પાયાના પથ્થરને હંમેશાં દબાઈને તો રહેવું જ પડે, તે બહાર નીકળે તો આખ્ખી ઈમારત પડી જાય, બસ ! યેહી બાત હૈ…
માત્ર એક વાક્યમાં એમણે ‘જવાબદારી’નું ખરું વિશ્ર્વેષણ મને કરી આપ્યું.

ખરેખર! કોમેડી-સીન સરસ શૂટ થઇ ગયો. વાતો હજી આગળ કરીએ એ પહેલા નરેશ કનોડિયા અને રોમા માણેક સાથે ચિનુ શિકારી સવારે શરૂ કરેલું સોંગ પૂરું કરી આવી પહોંચ્યા. સુભાષજીએ રોમાં માણેકની મારી સાથે ઓળખાણ કરાવતા કહ્યું, “એ હૈ રોમા માણેક. ફિલ્મમે એ તુમ્હારી પુત્રવધૂ બની હૈ. ઔર રોમાજી… અરવિંદજી હૈ… ઉસને કલ કિયા હુઆ સીનકી તારીફ મૈને સુની. મેં એમને ‘થેંક-યુ’ કહ્યું. ત્યાં સુભાષજી બોલ્યા “કલ આપ દોનોકા સીન હૈ. કાફી લંબા હૈ ઔર સિરિયસ-ઈમોશનલ ભી. ગ્લિસરીન યુસ કરના હૈ તો કર લેના… ખૂબ સારા રોના-ધોના હોગા.

મેં કહ્યું, “સર! તમે છો પછી ક્યા કઈ પ્રોબ્લેમ છે. હું તો સ્ટેશનરી મર્ચન્ટ છું. સોનાની બોલપેન આપું, પણ એણે શું લખવું એની સમજણ ન આપું તો મને રિઝલ્ટ ન મળે, પછી મારે તો મારી દુકાન બંધ જ કરવી પડે ને?

એ વાત પર નરેશજી અને રોમાજી બંને હસી પડ્યા. નરેશભાઈ મને કહે, “કાલે સુભાષજી તમને પેન આપશે અરવિંદભાઈ… જરા સમજીને લખજો. અને અમે બધા હસી પડ્યા…


કોણે કહ્યું જિંદગીના હપ્તાઓ મેં ભર્યા નથી?
લોન લીધી છે શ્ર્વાસની, બસ ! કાગળિયા થયા નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button