મેટિની

અમિતાભ બચ્ચનની એ ફિલ્મો જેમાત્ર ‘બોલબચ્ચન’ બનીને રહી ગઈ

ફોકસ -રાજેશ યાજ્ઞિક

અમિતાભ બચ્ચન, બસ નામ હી કાફી હૈ! તેમણે રોકોર્ડ બ્રેકિંગ કમાણી કરતી અનેક ફિલ્મો આપી અને હજી તેઓ અનોખી ફિલ્મો કરીને લોકોનું મનોરંજન કરતા રહે છે. અમિતાભ માત્ર લોકોના જ નહીં, પણ, તેમની કામ કરવાની પદ્ધતિને કારણે ફિલ્મ મેકર્સના પણ પસંદીદા કલાકાર રહ્યા છે. નિર્માતાઓ હોય, લેખકો હોય કે દિગ્દર્શકો,આજ દિવસ સુધી તેમને નજરમાં રાખીને ફિલ્મો બનાવવાનો, વાર્તાઓ લખવાનો સિલસિલો ચાલુ છે. અમિતાભની અનેક ફિલ્મો ખૂબ ચાલી, તો કેટલીય એવી ફિલ્મો છે જેના નસીબમાં ક્યારેય થિયેટર સુધી પહોંચવાનું લખ્યું નહોતું.

સિત્તેરના દાયકામાં એક ફિલ્મ બની રહી હતી ‘યાર મેરી જિંદગી’ ફિલ્મ બનાવી રહ્યા હતા મુકુલ દત્ત અને અમિતાભની સાથે હતા શત્રુઘ્ન સિંહા. આ ફિલ્મ બનાવવામાં અકલ્પનિય સમય ગયો. કેટલો જાણો છો? ૩૫ વર્ષ! અને આટલાં વર્ષો પછી પણ ફિલ્મના નસીબમાં થિયેટરનો પડદો લખાયો નહીં. ફિલ્મ હજી પણ ધૂળ ખાઈ રહી છે.

૧૯૭૨માં જ અમિતાભને લઈને ફિલ્મ શરૂ થઇ. નામ હતું અપને પરાયે. આ ફિલ્મની હિરોઈન હતી રેખા. આવું જબરું કોમ્બિનેશન હોય તો ફિલ્મ તો સુપરહિટ થાય એવું આજે આપણને લાગે. પણ એ સમયે અમિતાભ હજી એન્ગ્રી યંગ મેન બન્યા નહોતા, નવાસવા હતા અને રેખા પણ જાણીતી હિરોઈન નહોતી. ફિલ્મનું શૂટિંગ તો શરૂ થયું, પણ એ ક્યારેય પૂરી ન થઇ. નવાનિશાળિયાને લઈને બનેલી ફિલ્મ નહિ ચાલે તેવા અંદેશા સાથે ફિલ્મ પૂરી થવા પહેલાં જ તેનો ધી એન્ડ કરી નાખવામાં આવ્યો.

અમિતાભની શ્રીદેવી સાથે નેવુંના દાયકામાં આવેલી ખુદા ગવાહ ફિલ્મ તો બધાને ખબર જ છે. પણ આ જ નામ સાથે પહેલા ફિલ્મ ૧૯૭૮માં બનવાની હતી. હિરોઈન હતી પરવીન બાબી. કહેવાય છે કે ફિલ્મનું લગભગ ૭૦ ટકા જટલું શૂટિંગ પૂરું પણ થઇ ગયું હતું. પણ પછી ફિલ્મ સાથે સંકળાયેલાને લાગ્યું કે વાર્તા યોગ્ય રીતે આગળ વધી રહી નથી એટલે ફિલ્મ પડતી મુકાઈ ગઈ.

આમિર ખાનની સરફરોશ તો બધાને યાદ હશે. પણ એ પહેલા ૧૯૭૯માં મનમોહન દેસાઈ સરફરોશ નામે ફિલ્મ બનાવી રહ્યા હતા. ઓફકોર્સ હીરો હતો આપણો અમિતાભ બચ્ચન. તેમની આ જોડીએ ઘણી હિટ ફિલ્મો આપી છે. તે ઉપરાંત તેમાં પરવીન બાબી, ઋષિ કપૂર, કાદર ખાન અને શક્તિ કપૂર પણ હતા. આ ફિલ્મ ડબ્બાબંધ થઇ જવાનું ચોક્કસ કારણ તો બહુ બહાર ન આવ્યું, પણ કહેવાય છે કે ફિલ્મના શુટિંગ પહેલાં જ સમસ્યાઓ સર્જાતા તેને પડતી મુકવી પડી.

તે પહેલા ૧૯૭૮માં શિવા નામની પણ એક ફિલ્મ રેખા સાથે બનવાની હતી. અને જાણવા મળ્યા મુજબ ગ્રેટ મુહમ્મ્દ અલી તેમાં મહેમાન કલાકાર બનવાના હતા. ફિલ્મનું તો છોડો, કહેવાય છે કે તેની સ્ક્રીપ્ટ પણ પૂરી ન થઇ. જોકે, એ વખતે આમ પણ મોટાભાગની વાર્તા શૂટિંગ સમયે સેટ પર જ લખાતી અથવા બદલાઈ જતી.

સુભાષ ઘાઈ દિગ્ગજ
દિગ્દર્શક છે. તેમની ઈચ્છા પણ અમિતાભ સાથે ફિલ્મ કરવાની હોય એ સ્વાભાવિક છે. તેમણે ૧૯૮૭માં દેવા નામની એક ફિલ્મ અમિતાભને લઈને શરૂ કરી હતી. ફિલ્મની વાર્તા કપોઇ ડાકુની આસપાસ ઘુમરાતી હોવાનું કહેવાય છે. એક અઠવાડિયાના શૂટિંગ પછી જ ફિલ્મનું ફિંડલું વળી ગયું. એ વાર્તાને લઈને શુભાષ ઘાઈએ અન્ય કોઈ અભિનેતાને લઈને પણ ક્યારેય એ ફિલ્મ ન બનાવી.
નેવુંના દાયકામાં શુજીત સરકાર ‘શુ બાઈટ’નામે અમિતાભને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા હતા. ફિલ્મ બની પણ ગઈ. પણ ફિલ્મની વાર્તાના અધિકારને મામલે ફિલ્મ કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ. એ ફિલ્મની વાર્તા નિર્માતા શૈલેન્દ્ર સિંહે લખી હતી. પણ જાણીતા લેખક મનોજ નાઈટ શ્યામલનની વાર્તા લેબર ઓફ લવ ને મળતી આવતી હતી. પણ હજી તેનો ફેંસલો થાય તે પહેલા શૈલેન્દ્રને બાજુએ રાખીને ફિલ્મ બની ગઈ. પરિણામે કેસ થયો અને ફિલ્મ રજૂ કરવા પર પ્રતિબંધ લાગી ગયો.

અમિતાભને લઈને દિલીપ કુમાર ‘કલિંગા’ નામની ફિલ્મ બનાવવાના હતા. પણ ઓરિજિનલ મિસ્ટર પરફેક્શનિસ્ટને આગળ વધવામાં લાગતા સમયને કારણે નિર્માતા સુધાકર બોકાડેએ ફિલ્મ ન કરવાનો નિર્ણય કર્યો. અમિતાભ બચ્ચનને દેવદાસ અને મિર્ઝા ગાલિબ જેવાં પાત્રો ભજવવાની તક મળી હોવાનું પણ કહેવાય છે. પણ એ ફિલ્મોનું પણ કોઈ ભવિષ્ય ન બન્યું. જે પી દત્તાએ પણ અમિતાભને લઈને સરહદ નામની ફિલ્મ શરૂ કરી હતી. પણ ફાઇનાન્સના ચક્કરમાં એ ફિલ્મ અધૂરી રહી ગઈ.

કહેવાય છે કે અમિતાભની સમગ્ર કારકિર્દીમાં આવી તો લગભગ ઓછામાં ઓછી ૮૦ થી ૯૦ ફિલ્મો છે જે કાં તો બનતા બનતા રહી ગઈ અથવા બન્યા પછી ક્યારેય કોઈને જોવા ન મળી. તેમાંથી કેટલીકમાં પ્રતિભાશાળી નિર્માતા, દિગ્દર્શક અને કલાકારોની ફોજ હતી. એ હિસાબે એ ફિલ્મો બની હોત તો લોકો માટે નજરાણું બનવાની પૂરી શક્યતા હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button