મેટિની

ભીડમાં ખોવાયેલા એ ચહેરા

મુખ્ય પ્રવાહની ફિલ્મોની દુનિયાથી વેગળી વાટ પકડનારા ફિલ્મમેકર અને કલાકારોને ઓળખવા અને ગમે તો વખાણવા એ દર્શકની ફરજ છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

પાયલ કાપડિયા, ડો. ચિદાનંદ એસ નાઈક, માઇસમ અલી, સંતોષ સિવન, રેસુલ પુકુટ્ટી

પાયલ કાપડિયા, સંતોષ સિવન, ડો. ચિદાનંદ એસ નાઈક, માઇસમ અલી અને રેસુલ પુકુટ્ટી આ ‘પંચમ’નાં નામ મોટાભાગના વાચકો સંભવત: પહેલી વાર વાંચી રહ્યા હશે તો એમના વિશે કોઈ જાણકારી હોવાનો સવાલ જ નથી.

તાજેતરમાં ફ્રાન્સમાં આયોજિત કરવામાં આવેલા પ્રતિષ્ઠિત કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ પંચમે ભારતનું નામ રોશન કર્યું છે. આ લોકો જે ફિલ્મો સાથે સંકળાયા છે એ ફિલ્મો કેવળ મનોરંજન નથી કરતી, પણ દર્શકના ભાવવિશ્ર્વને ઢંઢોળવાનું કામ કરે છે. કોઈ પણ સ્વપરૂની કલાકૃતિ છેવટે તો મનુષ્યને જીવનમાં એક પગથિયું ઉપર ચડવામાં નિમિત્ત બનવી જોઈએ ને..? મુખ્ય પ્રવાહની ફિલ્મોની ભીડમાં ખોવાઈ ગયેલા આ ચહેરા વિશે જાણવાની કલા રસિક તરીકે આપણી ફરજ છે એ વાત સાથે વાચકો સહમત હશે.

૨૫ મે, ૨૦૨૪. ફ્રાન્સમાં આયોજિત પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઈમાં જન્મેલી ફિલ્મ લેખક અને દિગ્દર્શક પાયલ કાપડિયાને All We Imagine As Light ફિલ્મ માટે ગ્રાં પ્રિ એવોર્ડ (ફેસ્ટિવલનું બીજા નંબરનું પારિતોષિક) એનાયત કરવામાં આવ્યો. બરાબર એક મહિના પછી – ૨૬ જૂન, ૨૦૨૪ના દિવસે કોર્ટ કેસના આરોપી પાયલ કાપડિયાએ સુનાવણી માટે અદાલતમાં હાજર થવાનું છે. આ કેસ ૨૦૧૫નો છે , જ્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ પુણેમાં કાર્યરત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ ગજેન્દ્ર ચૌહાણની નિમણૂકનો વિરોધ વિદ્યાર્થી જૂથે કર્યો હતો અને એ જૂથની આગેવાની પાયલ કાપડિયાએ લીધી હતી. વક્રતા તો જુઓ કે તાજેતરમાં કાનમાં પારિતોષિક મળ્યા પછી પાયલ કાપડિયાને અભિનંદન આપનારામાં એક નામ એફટીઆઈઆઈ’નું પણ હતું. વાત આટલેથી અટકી નથી. પાયલ સામે કાનૂની પગલાં ભરનાર સંસ્થાએ એની સિદ્ધિમાં ભાગ પડાવવાની કોશિશ સુધ્ધાં કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એવી રજૂઆત કરવામાં આવી છે કે ‘એફટીઆઈઆઈ માટે આ ગર્વની ઘટના છે. સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ૭૭મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે.’

કહેવું પડે. નવ વર્ષ પહેલા જેની સ્કોલરશીપ રદ કરી હતી અને જેની સામે એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ, જે ગુનાઈત પ્રવૃત્તિ બદલ દાખલ કરવામાં આવે છે) દાખલ કરવામાં આવ્યો હતો એ જ પાયલ કાપડિયા પર પ્રશંસાનાં પુષ્પો વરસાવવાના અને એની સિદ્ધિ બદલ છાતી ફુલાવવાની. રીલ લાઈફ (પડદા પરનું ચિત્રણ) અને રિયલ લાઈફ (વાસ્તવિક જીવન)નો મેળ ઘણીવાર નથી ખાતો.

ખેર, કાયદો કાયદાનું કામ કરશે. આપણે તો વેગળી વાટ પકડનારા પાયલ કાપડિયા એન્ડ કંપનીની પ્રવૃત્તિઓથી વાકેફ થવાનું છે.

પાયલ કાપડિયાની ફિલ્મ કાન ફેસ્ટિવલમાં ૩૦ વર્ષમાં રજૂ થયેલી પહેલી ભારતીય ફિલ્મ છે અને મુખ્ય પ્રવાહની સ્પર્ધામાં ભારતીય મહિલા દિગ્દર્શકની રજૂ થઈ એવોર્ડ મેળવનારી પણ પ્રથમ ફિલ્મ છે. ૨૦૧૫માં ભારતીય દંડ સંહિતાના પાંચ સેક્શન હેઠળ ગુનો દાખલ થયા પછી ૨૦૧૭માં પાયલની ૧૩ મિનિટની શોર્ટ ફિલ્મ Afternoon Clouds’ ૭૦મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂઆત માટે પસંદ થઈ હતી. જોકે, ‘જવાન’, ‘એનિમલ’ ફિલ્મોને ગળે વળગાડનારા દર્શકોમાંથી કેટલા All We Imagine As Light વિશે જાણતા હશે એ એક એવો સવાલ છે, જેના જવાબનું અનુમાન ‘દસ ટકા માંડ’ એવું કાઢવું અઘરી વાત નથી. અલબત્ત, એક સારી વાત એ જોવા મળી રહી છે કે હવે ‘બારહવી ફેલ’ અને ‘લાપતા લેડીઝ’ જેવી ફિલ્મો માટે દર્શકોની રુચિ વધી રહી છે. જરૂર છે ગોકળગાય ગતિએ આગળ વધી રહેલી આ રુચિ કાચબાની ઝડપ ધારણ કરે અને પછી સમયાંતરે હરણની ઝડપ પકડે. એ દિવસ ઊગે એ માટે સિનેપ્રેમીઓએ થિયેટરમાં જઈ આ પ્રકારની ફિલ્મો જોવી જોઈએ અને જો એ ગમે તો એનો મુખ પ્રચાર કરી આ ફિલ્મોના દર્શકોની સંખ્યા વધે એ દિશામાં પ્રયત્નો કરવા જોઈએ.

અહીં કોઈ પ્રકારના પ્રચારનો હેતુ નથી. આશય એ છે કે અર્થપૂર્ણ સિનેમાની કોશિશ કરતા ફિલ્મમેકરોને એટલી સફળતા મળે કે એવા બીજા પ્રયાસ કરવાની એ લોકો હિંમત કરે તેમજ અન્ય ફિલ્મમેકરોને પણ એમાંથી પ્રેરણા મળે. એવોર્ડ સ્વીકાર્યા પછી પાયલ કાપડિયાએ બહુ મહત્ત્વની વાત કરી. એના શબ્દો હતા, ‘અમારી ફિલ્મને અહીં સુધી પહોંચાડવા બદલ કાન ફિલ્મ ફેસ્ટિવલના અમે ઋણી છીએ. બીજી ભારતીય ફિલ્મ ને કાનમાં રજૂ થવા માટે બીજાં ૩૦ વર્ષની રાહ ન જોવી પડે તો સારું.’ આ શબ્દો કાન ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોના કાન જરૂર આમળે છે અને સાથે સાથે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અને દર્શકોને પણ ઢંઢોળે છે, ખરું ને?

ભારતીય સિનેમાનું ગૌરવ
કાન આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવમાં પાયલ કાપડિયા ઉપરાંત અન્ય લોકો પણ સન્માનિત થયા છે. પાયલ કાપડિયાની સિદ્ધિના ગુણગાન ગાતી પોસ્ટમાં ‘એફટીઆઈઆઈ’ એ સંતોષ સિવન (મલયાલમ, તમિલ અને હિન્દી ફિલ્મોના સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક), માઈસમ અલી (ફિલ્મમેકર), ડો. ચિદાનંદ નાઈક (ફિલ્મમેકર)ને અભિનંદન આપી જણાવ્યું છે કે એમની સિદ્ધિઓ ભારતીય સિનેમાને નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે. આ ઉપરાંત એક મલયાલમ ફિલ્મ ફેસ્ટિવલના એક વિભાગમાં રજૂ થવાનું સન્માન મેળવી શકી છે. શાહરુખ ખાનની બે ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘અશોક’થી હિન્દી ફિલ્મ રસિકોમાં જાણીતા બનેલા સંતોષ સિવન પ્રતિષ્ઠિત Pierre Angœnieux એવોર્ડ મેળવનારા પ્રથમ એશિયન સિનેમેટોગ્રાફર છે. ‘કારકિર્દીમાં અસાધારણ ગુણવત્તા ધરાવતા કામના શિરપાવ સ્વરૂપે આ સન્માન શ્રી સિવનને આપવામાં આવ્યું છે’ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. સન્માન મેળવનારાઓની યાદીમાં એક નામ છે ડો. ચિદાનંદ એસ. નાઈક. માયસુરુ મેડિકલ કોલેજમાં ડોકટરની ડિગ્રી મેળવ્યા પછી પુણેની એફટીઆઈઆઈ’માં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહેલા ડો. ચિદાનંદની શોર્ટ ફિલ્મ Sunflowers Were the First Ones to Know ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ટૂંકી ફિલ્મ માટે ફર્સ્ટ પ્રાઈઝ La Cinef એનાયત થયું છે.

ફેસ્ટિવલના એક વિભાગ ACID Cannes sidebarમિાં હટકે, પરંપરાથી ચીલો ચાતરનારી ફિલ્મો રજૂ કરવામાં આવે છે. માઇસમ અલીની ૭૫ મિનિટની ફિલ્મ In Retreatફેસ્ટિવલના આ વિભાગમાં રજૂ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે. કાન ચિત્રપટ મહોત્સવમાં ગયા વર્ષથી ’ફેન્ટાસ્ટિક પેવિલિયન’ નામનો એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. અવનવા અખતરા કરતા ફિલ્મમેકરોના પ્રોજેક્ટ એમાં રજૂ થાય છે. આ વર્ષે આ વિભાગમાં જે સાત ફિલ્મને રજૂઆતનું સૌભાગ્ય સાંપડ્યું હતું એમાં એક હતી મલયાલમ ફિલ્મ Vadakkan. આ ફિલ્મમાં સાઉન્ડ ડિઝાઈનિંગનું કામ રેસુલ પુકુટ્ટીએ સંભાળ્યું છે. સિને રસિકોને યાદ હશે કે Slumdog Millionare (૨૦૦૮) માટે એમને સંયુક્તપણે બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો ઓસ્કર એવોર્ડ એનાયત થયો હતો. ભારતીય સિનેમાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનારા આ સાહસિકો અભિનંદનના અધિકારી અચૂક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો