મેટિની

ભૂલ ન કરતા‘સ્ત્રી-૨’ થી આ ભૂતાવળ જરાય અટકવાની નથી!

કલેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા

બહુચર્ચિત ‘સ્ત્રી- ૨’ થિયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. સ્વતંત્રતા દિવસ અને લાંબા વિકેન્ડનો લાભ લેવા માટે આ ફિલ્મ શુક્રવારને બદલે ગુરુવારે જ રિલીઝ થઇ. આટલું ઓછું હોય તેમ તેના પેઈડ પ્રિવ્યુઝ પણ બુધવારે સાંજે આયોજિત કરવામાં આવ્યા હતા , જેને જબરદસ્ત સફળતા મળી છે. ‘સ્ત્રી- ૨’ માટે જબરી હાઈપ ઊભી કરવામાં આવી હતી અને ફિલ્મ જોઇને પણ એવું લાગ્યું કે આ હાઈપ જરાય નાખી દેવા જેવી ન હતી.

એક સામાન્ય સમજ આપણી એવી છે કે આ ફિલ્મ જો ‘સ્ત્રી -૨’ છે તો એ ‘સ્ત્રી’ જે ૨૦૨૦માં આવી હતી તેની સિક્વલ હશે અને આ પણ જો ચાલશે તો તેનો ત્રીજો ભાગ પણ આવશે. જો આપણી આવી સમજ હોય તો આપણે એક મોટી ભૂલ કરી રહ્યા છીએ.

‘સ્ત્રી’ની અભૂતપૂર્વ સફળતા બાદ ફિલ્મના નિર્માતા દિનેશ વિજન અને એમની ‘મેડોક ફિલ્મ્સ’ ‘સ્ત્રી’નું આખું યુનિવર્સ તૈયાર કરી રહ્યા છે. અને આ ‘સ્ત્રી- ૨’ તો આ જ યુનિવર્સની ચોથી ફિલ્મ છે!

‘વ્હોટ?’ આ વાંચીને કદાચ કોઈને પણ પ્રશ્ર્ન થાય કે જો ‘સ્ત્રી- ૨’ એ સ્ત્રી યુનિવર્સની ચોથી ફિલ્મ છે તો બાકીની બે ફિલ્મો ક્યારે આવી ને ગઈ? તો તેનો જવાબ એ છે કે ૨૦૨૨માં વરુણ ધવન અને ક્રીતિ સેનનની ‘ભેડિયા’ આ જ સ્ત્રી યુનિવર્સનો ભાગ છે. આ વર્ષે જ આવેલી ફિલ્મ ‘મુંજિયા’ પણ આ યુનિવર્સનો એક અન્ય ચમકતો તારલો છે.

‘સ્ત્રી યુનિવર્સ ’ પણ રોહિત શેટ્ટીના ‘કોપ યુનિવર્સ’ની જેમ જ મોડેથી આવેલો આઈડિયા છે. રોહિતભાઈએ સિંઘમ’ અને સિમ્બાની’ સફળતા બાદ ‘કોપ યુનિવર્સ’ બનાવ્યું, જેમાં ‘સૂર્યવંશી’ તેની ત્રીજી ફિલ્મ બની હતી. આ જ રીતે દિનેશ વિજને પણ સ્ત્રી’ની સફળતા અને મોટાભાગે ‘ભેડિયાની’ પ્રશંસા બાદ આ યુનિવર્સનું નિર્માણ કરી દીધું હતું. હજી તો આ યુનિવર્સમાં ‘વેમ્પાયર્સ ઓફ વિજયનગર’નો પણ સમાવેશ થવાનો છે, એટલે તે વધુ તગડું બનશે.

યુનિવર્સ ફિલ્મોની સમાનતા એ હોય છે કે તેની ફિલ્મોનો વિષય અલગ અલગ હોય છે, પરંતુ તેનાં મુખ્ય પાત્રો એકબીજાની ફિલ્મોમાં ડોકાં દઈ દેતા હોય છે. જે લોકો ‘મારવલ સ્ટુડિયો’ની ફિલ્મોના ચાહકો હશે એમના માટે આ યુનિવર્સની વાત નવી નથી. તે સુપર હીરોઝનું યુનિવર્સ છે, પરંતુ આ સ્ત્રી યુનિવર્સ એ હોરર કોમેડી યુનિવર્સ છે. સ્ત્રીના બંને ભાગ, ભેડિયા અને મુંજિયા આ ત્રણેયમાં જો હોરર મુખ્ય જોનર હતું તો તેમાં કોમેડીએ તેનો ભરપૂર સાથ પણ આપ્યો છે.

‘સ્ત્રી’ના પહેલા ભાગમાં રાજકુમાર રાવ, અપાર શક્તિ ખુરાના, અભિષેક બેનરજી અને પંકજ ત્રિપાઠી કોમેડી કરીને સ્ત્રીને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગઈ કાલે ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મના બીજા ભાગમાં પણ આ જ ચાર બંદા ‘સર કટા’ ના આતંકથી પોતાના નાનકડા શહેર ચંદેરીને બચાવવ મથી રહ્યા છે.

‘ભેડિયા’ માં ભલે દર રાત્રે વરુણ ધવન માણસમાંથી વરુ થઇ જતો પણ જ્યારે એ માણસ હોય ત્યારે અભિષેક બેનરજી સાથે મળીને કોમેડી જ કરતો હોય છે તો ‘મુંજિયા’માં પણ કોંકણ ક્ષેત્રના કોઈ ભૂતની વાત છે અને તેમાં કોમેડી હાજરાહજૂર છે.

આમ ‘મેડોક ફિલ્મ્સ’નું આ હોરર કોમેડી યુનિવર્સ આપણને ડરાવતા ડરાવતા હસાવે છે અને હસાવી હસાવીને ડરાવે છે.

જો યુનિવર્સની લિંકની વાત કરીએ તો આપણે જાણ્યું તેમ અભિષેક બેનરજી એ ‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ આ બંનેમાં એક સમાનતા એ છે કે ‘સ્ત્રી’માં અભિષેક બેનરજી જે જનાર્દનનું પાત્ર ભજવે છે એ ચંદેરી ગામનો વતની છે અને ઈએએસની તૈયારી કરવા દિલ્હી જાય છે, જ્યાં એનો કઝીન ભાસ્કર એટલે કે વરુણ ધવન રહે છે.

આ ભાસ્કર પોતાના એક પ્રોજેક્ટ માટે જનાર્દનને પરાણે અરુણાચલ પ્રદેશ લઇ જાય છે અને ત્યાં એ અમુક કારણોસર વરુ બની જાય છે. હવે ‘સ્ત્રી- ૨’ના અંતમાં આ જ જનાર્દન Plan B મુજબ પોતાના ભાઈ વરુ, સોરી વરુણ ધવનને બોલાવે છે અને આ ફિલ્મના મુખ્ય પાત્રોને મદદ કરે છે. એટલે હવે આ યુનિવર્સમાં જનાર્દન અને વરુણ ધવનનો વરુ એ બંનેએ બે ફિલ્મને જોડી છે.

‘સ્ત્રી- ૨’ ના અંતમાં જે પ્રમાણે એક સંવાદ અભિષેક બેનરજી અને વરુણ ધવન દ્વારા બોલવામાં આવ્યો છે એનો સંદર્ભ લેવામાં આવે તો તેમાં ’ વેમ્પાયર ઓર વિજયનગર’ ની વાત કરવામાં આવી છે, જે દિલ્હીની ક્યાંક આસપાસ છે. એટલે હવે એવું લાગી રહ્યું છે કે ‘સ્ત્રી-૨’ પછી આ ‘વેમ્પાયર ઓફ વિજયનગર’નું આગમન આવનારા બે વર્ષમાં થઇ જશે.

ત્યારબાદ કદાચ ‘ભેડિયા- ૨ આવશે’ અને પછી ‘સ્ત્રી-૩’… ટૂંકમાં ‘સ્ત્રી- ૨’ એ અંત નથી, પરંતુ સ્ત્રી યુનિવર્સને જ આગળ વધારવાનું એક મહત્ત્વનું સાધન છે.

‘મેડોક’ના આ હોરર કોમેડી યુનિવર્સની એક ખાસિયત એવી છે કે જેમ ‘સ્ત્રી’માં પંકજ ત્રિપાઠી એક એવું પાત્ર છે જે હળવી કે ગંભીર બંને પરિસ્થિતિમાં મમરા મૂકીને આપણને હસાવે એવા જ પાત્રો ‘ભેડિયા’ અને ‘મુંજિયા’માં પણ છે. ‘ભેડિયા’માં આવું પાત્ર દીપક ડોબરિયાલે ભજવ્યું હતું , જ્યારે ‘મુંજિયા’માં આ જવાબદારી સથ્યરાજ પર નાખવામાં આવી હતી. સથ્યરાજ યાદ આવ્યા કે? પેલા કટપ્પા યાર… !
આ હોરર કોમેડી યુનિવર્સની એક બીજી અને સહુથી મોટી ખાસિયત એ છે કે તેના જે ભૂત છે તે ભક્ષણ નહીં, પરંતુ રક્ષણ કરે છે. ‘સ્ત્રી’નો પહેલો ભાગ જોઈએ તો જે સ્ત્રી પુરુષોને લઇ જતી હતી તેમાંથી એક અન્ય સ્ત્રી જ આવીને બચાવ કરે છે. એવી જ રીતે વરુણ ધવન પર્યાવરણની રક્ષા માટે માણસમાંથી ભેડિયા બની જાય છે. ‘સ્ત્રી- ૨’માં તો સર કટાના આતંકથી સ્ત્રી ચંદેરીને બચાવે છે.

ટૂંકમાં આ યુનિવર્સનું મુખ્ય ભૂત પોઝિટીવ ભૂત છે એમ આપણે કહી શકીએ. ‘સ્ત્રી- ૨’ પછી , હવે રાહ જોઈએ કે આ યુનિવર્સની આગલી ફિલ્મ કઈ હશે? જો ‘વેમ્પાયર ઓફ વિજયનગર’ હશે તો તેમાં આપણને એક નવો ભૂત જોવા મળશે , જે આયુષ્માન ખુરાના હશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button