મેટિની

સોફ્ટવેર એન્જિનિયરિંગથી અભિનય સુધીની આ બર્થ-ડે ગર્લની સફર માણવા જેવી છે

વિશેષ -પ્રથમેશ મહેતા

બૉલીવૂડમાં આમ તો કેટલીયે અભિનેત્રીઓની એન્ટ્રી થતી રહેતી હોય છે, પણ દરેક અભિનેત્રી પોતાની આગવી છાપ છોડી નથી શકતી, પણ હા કેટલીક અભિનેત્રીઓ હોય છે જે પોતાનું ટેલેન્ટ ઉજાગર કરીને દમદાર કલાકાર તરીકે ઊભરે છે. આજે આપણે એવી જ એક ટેલેન્ટેડ અભિનેત્રીની વાત કરીએ જેણે ગઇ કાલે (૧ ઑગસ્ટે) પોતાનો જન્મદિન ઉજવ્યો. બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું પાળી રહી હતી પણ તેનો રસ્તો એકદમ સીધો-સટ તો નહોતો જ. કેટકેટલા વળાંકો આવ્યા બાદ તેને બૉલીવૂડમાં પ્રવેશ મળ્યો અને સફળતા પણ.

જી.. હા, અહીં વાત થઇ રહી છે તાપસી પન્નુની જેણે પહેલા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવ્યો અને પછી બૉલીવૂડમાં આવતાની સાથે જ છવાઇ ગઇ. તમિળ, તેલુગુ અને હિન્દી ફિલ્મ જગતમાં શાનદાર અભિનય કરીને નામના કમાઇ ચૂકેલી આ અભિનેત્રીની સંઘર્ષયાત્રા ઘણી મજેદાર રહી. ચાલો આ બર્થ ડે ગર્લના જીવન સાથે જોડાયેલા કિસ્સાઓ આપણે માણીએ.

પોતાની અદાઓ દ્વારા લોકોના દિલ જીતી લેનારી તાપસીને ઘરવાળાઓ ‘મૈગી’ કહીને બોલાવે છે. તાપસીના વાળ બાળપણથી જ ઘૂંઘરાળા છે એટલે જ તેને આવું હુલામણું નામ મળ્યું છે. તાપસી ભણવામાં પણ હોશિયાર તેને ૧૨મા ધોરણમાં ૯૦ ટકા મળ્યા હતા. ત્યાર બાદ તેણે ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનોલોજીમાં ભણીને સૉફ્ટવૅર એન્જિનિયરની ડિગ્રી મેળવી. જોકે, આ દરમ્યાન તેનું મન તો મોડેલિંગક્ષેત્રે જ ઢળ્યું અને પછી તેણે પોતાનું કેરિયર બદલાવાનો નિર્ણય લીધો.

વર્ષ ૨૦૦૮માં ચેનલ ‘વી’ ના ટેલેન્ટ શૉ ‘ગેટ ગોર્જિયસ’માં તાપસીએ પ્રવેશ કર્યો. આ જ વર્ષે તેણે ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો. બે વર્ષ સુધી ઘણી મોટી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું. ત્યાર બાદ ૨૦૧૦માં એને સૌપ્રથમ તેલુગુ ફિલ્મ ‘ઝુમ્માંડી નાદમ’માં એન્ટ્રી મળી. ત્યાર બાદ તે ૨૦૧૩માં ફિલ્મ‘ ચશ્મે બદ્દુર’માં જોવા મળી. આ ફિલ્મ ખાસ ચાલી નહીં, પણ તેને હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો રસ્તો તો મળી જ ગયો. ત્યાર બાદ તો એ ઘણી હિટ ફિલ્મો જેમ કે ‘નામ શબાના’, ‘પિન્ક’, ‘થપ્પડ’, ‘હસીન દિલરૂબા’, ‘બદલા’, ‘ડંકી’ જેવી ફિલ્મોમાં નજરે ચઢી.

તાપસી પન્નુની અંગત લાઇફની વાત કરીએ તો તેણે હાલમાં જ તેનાથી ૭ વર્ષ મોટા મૈથિયાસ બોેએ સાથે લગ્ન કર્યા છે. ૩૭ વર્ષની તાપસીએ કોઇ ફિલ્મી સ્ટાર સાથે નહીં, પણ એક બેડમિન્ટન ખેલાડીને પતિના રૂપમા પસંદ કર્યો છે. ડેન્માર્કના મૈથિયાસે પોતાના દેશ તરફથી રમતા ૨૦૧૫માં યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૬માં ચીનના કુશાનમાં યોજાયેલા થૉમસ કપમાં પણ એણે ડેન્માર્કને જીત અપાવી હતી. મૈથિયાસે ૨૦૧૨ની ઓલિમ્પિકમાં સિલ્વર મૅડલ પણ મેળવ્યો હતો. ૨૦૨૦માં તેણે ક્ષેત્રસંન્યાસ લીધો અને હાલમાં ભારતીય ડબલ્સ ટીમના કૉચ તરીકે સેવા આપે છે. બન્નેની મુલાકાત બેડમિન્ટન મેચ દરમ્યાન જ થઇ હતી. ૨૦૧૩માં ઇન્ડિયન બેડમિન્ટન
લીગ ચાલી રહી હતી.તાપસી પન્નૂ હૈદરાબાદ હૉટશૉટ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી. મૈથિયાસ બોએ લખનઊની ટીમ અવધ વોરિયર્સ માટે રમી રહ્યો હતો. આ સમય દરમ્યાન તેઓ એકબીજાની નજીક આવ્યા અને કાયમ માટે એકબીજાના થઇ ગયા.

છેલ્લે તાપસી રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી જે સુપરહિટ સાબિત થયેલી. હવે તેની ફિલ્મ ‘ફિર આઇ હસીન દિલરૂબા’ રિલીઝ થવાની તૈયારી છે, જેમાં વિક્રાંત મૈસી અને સની કૌશલ પણ છે. આ ફિલ્મ આજે નેટફ્લિક્સ પર રજૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button