આ બોલીવૂડ ફિલ્મોએ કર્યું મહિલાઓનું ખરું સશક્તીકરણ
મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મોથી યુવતીઓ લઇ રહી છે પ્રેરણા ક સેક્સિઝમ અને ભેદભાવ: મહિલાઓ પર બનતી સ્પોર્ટ્સ ફિલ્મોનું કેન્દ્રબિંદુ
પ્રાસંગિક -કૈલાશ સિંહ
મોટા પડદો હોય કે નાનો પડદો, ટેલિવિઝન સિરીયલ હોય કે પછી ફિલ્મ, તેની અસર જનમાનસ ઉપર ઊંડી થાય છે અને અમુક ફિલ્મો ક્યારેય ન ભૂંસાય તેવી છાપ પણ લોકોના માનસ ઉપર છોડી જાય છે. યુવાનો અને ખાસ કરીને બાળકોના મગજ ઉપર તેની અસર ઘેરી થાય છે. આર્મી ઉપર બનેલી બૉર્ડર, એલઓસી કારગિલ, લક્ષ્ય જેવી ફિલ્મોથી પ્રેરિત થઇને અનેક યુવાનો ભારતીય સેનામાં જોડાયા હોવાના પણ અનેક દાખલા છે. જોકે, આવી જ રીતે સ્પોર્ટસ ઉપર બનતી ફિલ્મો ઉપરથી પ્રેરણા લઇને પણ લોકો એથ્લિટ બનવાના સપના સેવતા હોવાનું હાલમાં જ બનાવાયેલી ફિલ્મો ઉપરથી જણાય છે. તેમાં પણ વિશેષ કરીને મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મો જે સ્પોર્ટ્સ ઉપર આધારિત ફિલ્મોએ નવો જ ચીલો ચાતર્યો છે.
પણ શું ખરેખર કોઇ રમતને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મો ઉપરથી યુવા પ્રેરણા લઇને જે તે સ્પોર્ટ્સમાં પોતાની કારકિર્દી બનાવવાનું વિચારી શકે? આ સવાલનો જવાબ આપતા અભિનેત્રી ઋતિકા સિંહ જણાવે છે કે જે સંખ્યામાં યુવાઓ મારી પાસે આવીને કહે છે કે તેમણે ‘ઇરુધિ સૂત્ર’ફિલ્મ જોયા બાદ બોક્સિગં કરવાનું શરૂ કર્યું. તો તેનાથી તો એવું જ લાગે છે કે ફિલ્મો ખરેખર લોકોને પ્રભાવિત કરે છે. મને ખરેખર ગર્વ થાય છે કે હું આ ફિલ્મનો એક ભાગ રહી. જે રિલીઝ થયાના આઠ વર્ષ બાદ પણ લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડી રહી છે. મારી હાલની તેલુગુ ફિલ્મ ‘વલારી’ માટે મારે એક ફાઇટ સીન કરવા માટે સીલમબામ કરવાનું હતું. ભારતીય સ્પોર્ટ્સ અને આર્ટ ફોર્મ્સને પડદા ઉપર વધુ બતાવવામાં આવે તો મને આનંદ થશે.
૨૦૦૭માં જ્યારે શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ રિલીઝ થઇ હતી ત્યારે મહિલા ખેલાડીઓ ઉપર બનાવાયેલી અત્યંત મુશ્કેલ ફિલ્મ માનવામાં આવી રહી હતી. ૧૬ વર્ષ બાદ પણ આ ફિલ્મને યાદ કરવામાં આવે છે. કારણ કે તેના કારણે ઊભરતી મહિલા હોકી ખેલાડીઓને સકારાત્મક દિશા મળી હતી અને તેમના જીવનમાં આ ફિલ્મનું એક મોટું યોગદાન તેને ગણાય. મહિલા હોકીમાં આ ફિલ્મ બાદ અત્યંત નાટકીય પરિવર્તન આવ્યું હતું. ત્યારબાદ ૨૦૧૬માં જ્યારે ‘દંગલ’ ફિલ્મ આવી તો મહિલા કુશ્તી ઉપર બધાનું ધ્યાન આકર્ષાયું હતું. આજે સાક્ષી મલિક કે ફોગાટ બહેનો મીડિયામાં સ્ટાર ગણાય છે તો તેમાં તેમની મહેનત અને ઉપલબ્ધિઓ ઉપરાંત આ ફિલ્મના યોગદાનને પણ નજરઅંદાજ ન કરી શકાય. ખાસ કરીને ભારતીય મીડિયાનું ફોકસ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ અને ટેનિસના સ્થાને અન્ય રમતો ઉપર પણ આવ્યું.
આ બંને ફિલ્મો અનેક યુવતીઓ માટે મશાલ બની અને તેમાં પણ ખાસ કરીને જે રાષ્ટ્રીય ખેલાડી બનવા માગતી હતી તેમ જ એ સપનું પૂરું કરવા માટે જે પોતાના કુટુંબ, બ્યુરોક્રસી અને સમાજ વિરુદ્ધ સંઘર્ષ કરીને એક મુકામે પહોંચી. જેમણે પડદા ઉપર પોતાના જીવનને પહેલી વખત એક કહાણીના રૂપમાં જોયું. હાલના વર્ષોમાં જાણીતી મહિલા ખેલાડીઓના જીવન ઉપર ફિલ્મો બની છે, જેમ કે મિથાલી રાજના જીવન ઉપરથી ‘શાબાશ મીઠુ’, જૂલન ગોસ્વામી ઉપરથી ‘ચકદા એક્સપ્રેસ’, સાઇના નહેવાલ ઉપરથી ‘સાયના’ જેવી ફિલ્મો બની. જોકે, ‘ચક દે ઇન્ડિયા’, ‘દંગલ’ અને ‘મેરી કોમ’ જેવી ફિલ્મોએ એ અનુભવ કરાવ્યો કે સ્પોર્ટ્સમાં મહિલા સ્ટાર્સ પણ છે. મેરી કોમ પાંચ વખત વિશ્ર્વ વિજેતા રહી ચૂકી હતી, પરંતુ તેમના ઉપર ફિલ્મ બની તે પહેલા માત્ર ગણતરીના લોકો જ તેમને ઓળખતા હતા. ઉમંગ કુમારને મેરી કોમના આ જ તથ્યએ ફિલ્મ બનાવવા માટે પ્રેરણા આપી. ‘ચક દે ઇન્ડિયા’થી જાણ થઇ કે રમત જગતમાં મહિલાઓને લોકો ગંભીરતાથી લે એ માટે તેમણે સિસ્ટમ અને સમાજ વિરુદ્ધ કેટલો સંઘર્ષ કરવો પડે છે.
અરુણરાજા કામરાજની ફિલ્મ ‘કૌશલ્યા કૃષ્ણમૂર્તિ’માં ઐશ્ર્વર્યા રાજેશને એક ખેડૂતની દીકરી દેખાડાઇ છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનવાનું સપનું ધરાવે છે અને એ માટે અથાગ પ્રયાસો કરે છે. પોતાનું સપનું સાકાર કરવા માટે તેને જે પડકારોનો સામનો કરવો પડે છે, તે લગભગ દરેક ભારતીય મહિલાના જીવનની કહાણી છે. આ ફિલ્મે અનેક મહિલાઓને ક્રિકેટના મેદાનમાં ઊતરવા માટે પ્રરિત કરી. જોકે, આ બધાનું કહેવું છે કે આ મામલે મહિલાઓનું સશક્તીકરણ ઘરથી જ શરૂ થવું જોઇએ. એ વાત સાચી છે કે ફિલ્મો જાગરૂકતા લાવી શકે, પરંતુ વાસ્તવિક સશક્તીકરણ ઘરથી જ શરૂ થવું જોઇએ અને દરરોજ લેવામાં આવતાં પગલાંઓથી જ શક્ય બની શકે. શિક્ષા અને રોજગાર પણ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ ખરો પડકાર એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે મહિલાઓને વિશેષરૂપથી યુનિવર્સલ એક્સેસ આપવામાં આવે. ‘ચક દે ઇન્ડિયા’ના લેખક જયદીપ સાહનીએ સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે ભારતીય મહિલા હોકી ટીમે એક મોટી ચેમ્પિયનશીપ જીતી છે અને ત્યારે તેમને એ જાણ નહોતી કે ભારતમાં મહિલાઓની પણ હોકીની ટીમ છે. ‘દંગલ’ ફિલ્મના સહ-લેખક તેમ જ દિગ્દર્શક નિતેશ તિવારીનું કહેવું છે કે મહાવીર ફોગાટ અને તેમની દીકરીઓએ મને અનેક કારણોસર આકર્ષિત કર્યા, જેમાં મુખ્ય સંદેશ એ હતો કે છોકરીઓને જો યોગ્ય મોકો આપવામાં આવે, તો તે પણ ચમકી શકે છે. જો તમે તમારાં સંતાનો પછી તે છોકરો હોય કે છોકરી, તેની પ્રતિભા જુઓ અને પછી તેમનું સંપૂર્ણરૂપે સમર્થન કરો. તેઓ જરૂર સારું પ્રદર્શન કરશે.
મહિલાઓ ઉપર સ્પોર્ટ્સની ફિલ્મોમાં વધારો જરૂર થયો છે, પરંતુ છતાં ભારતમાં મહિલા ખેલાડીઓ ઉપર એટલી ફિલ્મો નથી બનતી જેટલી મહિલાઓને સંબંધિત અન્ય વિષયો ઉપર બને છે. તેનું મોટું કારણ એ છે કે વધુ પડતા કલાકારોમાં એથ્લેટીક બ્લડનો અભાવ છે અને તેની અછત ત્યારે જ પૂરી થઇ શકે જ્યારે એક્ટર ટ્રેનિંગ પાછળ વર્ષો સુધી પસીનો પાડે. જેથી સ્પોર્ટ્સ ઉપર ફિલ્મો બનાવવાની મૂળ જરૂરિયાતો પૂરી થઇ શકે. આર બાલ્કિ ‘ઘૂમર’ ફક્ત એટલા માટે બનાવી શક્યા કારણ કે સિયામી ખેર મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમમાં એક ફાસ્ટ બોલર રહી ચૂકી હતી. બાલ્કિેએ જણાવ્યા અનુસાર વધુ પડતી સ્પોર્ટ્સની ફિલ્મો એટલા માટે બનાવટી લાગે છે કારણ કે તે ભાવનાત્મક પાસાઓ ઉપર વધુ મદાર રાખતી હોય છે. બાલ્કિ ‘ઘૂમર’ને મહિલા સ્પોર્ટ્સ ફિલ્મના રૂપમાં નથી જોતા, પરંતુ એક સ્પોર્ટ્સ ફિલ્મ તરીકે જોવે છે. જેમાં ચરિત્ર પડકારો ઉપર વિજય મેળવવાનો પ્રયાસ કરે છે. તેલુગુની પહેલી મહિલા સ્પોર્ટ્સ ફિલ્મ ‘અશ્ર્વિની’માં અશ્ર્વિની નાચપ્પા, પૂર્વ ભારતીય એથ્લિટે પોતે જ પોતાની ભૂમિકા ભજવી છે.
‘ચક દે ઇન્ડિયા’ની રિલીઝ ઉપર એક આંતરરાષ્ટ્રીય અખબારે ટીપ્પણી કરી હતી કે ફિલ્મનું કેન્દ્ર બિંદુ ભારતમાં સેક્સિઝમ ઉપર છે. ત્યારબાદની ફિલ્મોમાં ભારતીય રમતોમાં લિંગના મુદ્દાને સંબોધિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘મેરી કોમ’માં જ્યારે યુવા મેરી બોક્સિગંના ગ્લોવ્સ તેના પિતાને દેખાડે છે ત્યારેે તે કહે છે કે આ છોકરીઓના રમવાનું રમકડું નથી. તારું નાક કે મોં તૂટી ગયું તો તારી સાથે લગ્ન કોણ કરશે? ‘દંગલ’માં પિતાના સમર્થન છતાં સમાજ છોકરીઓ કુશ્તી કરે તેની વિરુદ્ધ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ટૂંકમાં એમ કે મહિલાઓ ઉપર બનેલી બધી જ સ્પોર્ટ્સની ફિલ્મોમાં સેક્સિઝમ અને ભેદભાવને દેખાડવામાં આવ્યો છે અને પછી તે પસંદગીકારોએ કર્યો હોય કે કુટુંબ કે પછી પાડોશીઓએ. આ મુદ્દાને મહિલાઓની ફિલ્મોમાં સૌથી વધુ દર્શાવવામાં આવ્યો છે.