મેટિની

મારી જ ફિલ્મના પ્રીમિયરમાં પહોંચવા બસના પૈસા નહોતા

અનેક વર્ષ નવકેતન ફિલ્મ કંપની સાથે જોની વોકર સંકળાયેલા રહ્યા, પણ દેવ આનંદની સ્ટાઈલ સાથે ક્યાંય મેળ ન બેસવાને કારણે જોની વોકર અને દેવસાબ વચ્ચે કાયમ અંતર રહ્યું

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) શરાબીના ટ્રેડમાર્ક રોલમાં કોમેડિયન અને દેવ આનંદ સાથે ‘ટેક્સી ડ્રાઈવર’માં

શરાબીનો અભિનય કરી ફિલ્મમેકર ગુરુ દત્તનું દિલ જીતી લેનારા અફલાતૂન કોમેડિયન જોની વોકરના ગુરુ દત્ત સાથેના સંબંધો વિશે એમના જ શબ્દોમાં આપણે ગયા સપ્તાહે કેટલીક મજેદાર વાતો જાણી. એમની જન્મ શતાબ્દી નિમિત્તે હવે દેવ આનંદ સાથે જોની વોકર સાહેબના કેવાં સમીકરણ હતાં અને દેવ-દિલીપ-રાજ ત્રિપુટી સાથેના તેમના અભિનય પ્રવાસ વિશે જાણીએ. ઈન્ડસ્ટ્રીમાં પગ જામી ગયા પછી કામયાબીની બુલંદી સુધી પહોંચેલા શ્રી જોની વોકરના પ્રારંભના દિવસો ગજબની કઠણાઈના રહ્યા હતા. વાંચો તેમના જ શબ્દોમાં.

ગુરુ દત્ત અને દેવ આનંદ ઘનિષ્ઠ મિત્ર હતા. મારી અને ગુરુ દત્તની મૈત્રી વિશે તો મેં તમને જણાવી જ દીધું છે. જોકે, મારી અને દેવ આનંદની દોસ્તી વિશે વિશેષ કંઈ કહેવા જેવું નથી. અમારી વચ્ચે મૈત્રી ક્યારેય પાંગરી નહીં. એનું ચોક્કસ કારણ છે. દેવ આનંદની પદ્ધતિ અને એની શૈલી-સ્ટાઈલ જોયા પછી મને ખ્યાલ આવી ગયો કે અમારો મેળ ક્યારેય નહીં બેસે. અનેક વર્ષો દેવ આનંદની કંપની નવકેતન ફિલ્મ્સ સાથે હું સંકળાયેલો હતો, પણ એકંદરે અમારી વચ્ચે કાયમ એક અંતર રહ્યું. અલબત્ત નવકેતન સાથેના એ સમયની ઘણી મધુર સ્મૃતિઓ મારું સંભારણું બની રહી છે. મને ક્રિકેટ સિવાયની અન્ય રમતો માટે કાયમ રુચિ રહી છે. નવકેતનની પોતાની ક્રિકેટ ટીમ હતી અને એ ટીમ કેટલીક મેચોમાં વિજય મેળવવામાં સફળ પણ રહી હતી. જોકે, હું ક્યારેય ટીમમાં સામેલ નહોતો થયો. સ્ટેન્ડમાં બેસી રમતનો આનંદ લેતો હતો. જોકે, નવકેતનની ફિલ્મમાં કામ કરતો હોઉં કે નહીં, અઠવાડિયામાં ત્રણ વાર નવકેતનની ઓફિસમાં જરૂર જતો. આ સિલસિલો અનેક વર્ષ સુધી ચાલતો રહ્યો.

નવકેતનની ફિલ્મમાં પહેલી મહત્ત્વની ભૂમિકા મળી મને ચેતન આનંદની ‘આંધિયાં’માં. મુંબઈના લિબર્ટી થિયેટરમાં યોજાયેલો એ ફિલ્મનો પ્રીમિયર શો હું ક્યારેય નહીં ભૂલું. જે દિવસે પ્રીમિયર શો હતો એ દિવસે મારા ખિસ્સામાં માત્ર ચાર આના હતા. મારા ઘરેથી થિયેટર અને વળતી બસની મુસાફરી માટે એ પૈસા પૂરતા નહોતા. એટલે મેં ઘરેથી વહેલા નીકળવાનું નક્કી કર્યું. બસ કંડક્ટરની નોકરી કરી હોવાથી અનેક કંડકટર સાથે દોસ્તી થઈ હતી. એટલે મારો ઓળખીતો કંડકટર દેખાય એ બસમાં જવાનું નક્કી કર્યું, જે મારી ટિકિટ ફાડ્યા વિના મને લિબર્ટી સુધી મફત જવા દે. થોડી વાર રાહ જોયા પછી નસીબજોગે ઓળખીતા ક્ધડક્ટરવાળી બસ આવી અને ટિકિટ લીધા વિના ફિલ્મ શરૂ થાય એ પહેલા હું થિયેટર પહોંચી ગયો. ઈન્ટરવલમાં પ્રેસના કેટલાક ફોટોગ્રાફરોએ મને ફિલ્મ પૂરી થયા પછી થોભી જવા કહ્યું, કારણ કે તેમને મારી કેટલીક તસવીર પાડવી હતી. જોકે એ વાત જાણી મને ટેન્શન થઈ ગયું, કારણ કે જો હું ફિલ્મ પૂરી થયા પછી રાહ જોઉં તો છેલ્લી બસ ચુકી જવાય અને પછી મારે કેટલાક માઈલ ચાલતા ચાલતા ઘરે પહોંચવું પડે. એટલે ફિલ્મ પૂરી થવાને વાર હતી ત્યાં કોઈને ખબર ન પડે એમ હું થિયેટરમાંથી બહાર નીકળી ગયો. હજી જરા ચાલ્યો હોઈશ ત્યાં અચલા સચદેવ (‘વક્ત’ની જોહરા જબી) અને તેમના પતિ જ્ઞાન સચદેવની કાર બરાબર મારી બાજુમાં આવીને ઊભી રહી. હું ઘરે જઈ રહ્યો છું એ જાણ થતા મને માહિમ સુધી કારમાં આવવા આગ્રહ કર્યો. આમ વળતાની મુસાફરી આનંદદાયક રહી અને પતિ-પત્ની સાથે ફિલ્મોની ઘણી વાત થઈ અને તેમણે મારા કામની પ્રશંસા કરી. ખિસ્સાની અવસ્થા ઘણી વાર માણસના વર્તનનો પડઘો પાડતી હોય છે. ફિલ્મ પૂરી થયા પછી જો હું થિયેટરમાં રોકાયો હોત અને ફોટોગ્રાફરોને મારી તસવીરો લેવા દીધી હોત તો એનાથી મારી ફિલ્મ કારકિર્દીને ચોક્કસ લાભ થયો હોત. જોકે ખિસ્સું ખાલી હોવાથી મારે એ તક જતી કરવી પડી.

શરૂઆતની ફિલ્મોમાં મેં મારું મૂળ નામ બદરુદ્દીન કાઝી જ રાખ્યું હતું. મારું નામ ‘જોની વોકર’ પડ્યું શ્રી ચેતન આનંદને કારણે. તેમનું કહેવું હતું કે ફિલ્મોમાં હું જે રોલ કરું છું એને અનુરૂપ મારે મારું પડદા પરનું નામ રાખવું જોઈએ. મારા ‘આંધિયાં’ના મસ્તરામના શરાબીના રોલની ખાસ્સી પ્રશંસા થઈ હતી. એટલે શરાબની ફેમસ બ્રાન્ડ જોની વોકર પરથી મારું નામ બદરુદ્દીન કાઝીમાંથી જોની વોકર થઈ ગયું. જોકે, એક હકીકત પ્રત્યે મારે બધાનું ધ્યાન દોરવું છે કે મારે અને શરાબને કોઈ કનેક્શન ક્યારેય નહોતું. મેં શરાબનું સેવન ક્યારેય નથી કર્યું, માત્ર શરાબીના રોલ કર્યા છે.

મારી ફિલ્મ કારકિર્દી દરમિયાન મેં મોટાભાગના ટોચના લોકો સાથે કામ કર્યું એનો મને ગર્વ છે. દરેક જણ પાસેથી પ્રેમ-આદર મળ્યા છે અને ફરિયાદ કરવાનો કોઈએ મને મોકો નથી આપ્યો. અમારા સમયમાં દેવ-દિલીપ -રાજની ત્રિપુટીનો ઈન્ડસ્ટ્રીમાં દબદબો હતો. મેં દેવ આનંદ અને દિલીપ કુમાર સાથે કામ કર્યું, પણ રાજ કપૂર સાથે ફિલ્મ કરવાનો મોકો ક્યારેય ન મળ્યો. હા, બે પ્રસંગ એવા છે જ્યારે સાથે કામ કરવાના સંજોગો નિર્માણ થયા હતા. કમનસીબે બંને ફિલ્મ જાહેરાતથી આગળ ન વધી. હા, રાજ કપૂરના નાના ભાઈ શમ્મી કપૂર સાથે મારે સારી યારી દોસ્તી હતી. અમારી દોસ્તી કેવી હતી એનો એક પ્રસંગ હું ટાંકું છું જેના પરથી તમને ગાઢ મિત્રતાનો ખ્યાલ આવી જશે. ૨૩ ઓગસ્ટ, ૧૯૫૫ના દિવસે શમ્મી ગીતાબાલી સાથે મારા ઘરે પહોંચ્યો. ત્યાં એને ખબર પડી કે હું તો કોઈ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો છું. સ્ટુડિયોનું નામ અને એડ્રેસ લઈ એ મને મળવા નીકળ્યો. દરમિયાન મારી પત્નીએ મને ફોન કરી શમ્મી-ગીતાબાલી આવી રહ્યાં છે એની જાણ કરી દીધી. મેં શમ્મી સાથે મજાક કરવાનું વિચાર્યું. મેં સ્ટુડિયોમાં લોકોને શમ્મી કપૂર આવે ત્યારે હું કામ પતાવી ઘરે જવા નીકળી ગયો છું એમ કહેવા જણાવ્યું. શમ્મી-ગીતાબાલી આવ્યાં ત્યારે હું સંતાઈ ગયો અને મેં જે પ્રમાણે કહ્યું હતું એ જ વાત શમ્મીને કહેવામાં આવી. મને નહીં જોતા નિરાશ થયેલો શમ્મી અન્ય એક વ્યક્તિને લઈ દક્ષિણ મુંબઈના મંદિરે ગયો અને ત્યાં ગીતાબાલી સાથે તેણે લગ્ન કરી લીધાં. મજાક કરવાની મારી આદતને કારણે હું શમ્મી કપૂર-ગીતા બાલીના લગ્નનો સાક્ષી બનતા રહી ગયો.
(વધુ આવતા સપ્તાહે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button