મેટિની

ખુશ થવાના બે રસ્તા છે: જે પસંદ હોય તે મેળવો અથવા જે મળ્યું છે એને પસંદ કરો…

અરવિંદ વેકરિયા

ખરેખર, પુસ્તક જેવો મિત્ર અને માર્ગદર્શક કોઈ નહિ. એમાં પણ તમે પ્રવાસે હો કે પછી એકલા પડ્યા હો ત્યારે તમારો ભેરુ બની તમને સાથ આપે. સહાયક દિગ્દર્શકની રાહ જોવામાં ખાસ્સો સમય હું પુસ્તકમાં જ અટવાયેલો રહ્યો. મેક-અપ થઇ ગયો, કોસ્ચ્યુમ પહેરી લીધા પછી ઘણો સમય ગયો છતાં સહાયક આવ્યો નહિ! એ વખતે મોબાઈલ ફોન તો હતા નહિ કે પૂછી શકું… વધુ પડતું વાંચન હવે મને અકળાવતું હતું. પછી માંડ મન મનાવ્યું કે ‘ખુશ રહેવાના બે જ રસ્તા છે, જે પસંદ હોય તે મેળવો અથવા જે મળ્યું છે એને પસંદ કરો…’ મેં મને મળેલું એકાંત પસંદ કરી પુસ્તક જરા બાજુ પર મૂક્યું અને બહાર થોડી ઠંડક મેં મેક-અપ કરતી વખતે અનુભવી હતી એ ઠંડક લેવા અને સાથે કોઈ પ્રોડ્ક્શનવાળું મળી જાય તો ‘સ્ક્રીપ્ટ ક્યારે મળશે’ એ પૂછી શકું. આવા વિચાર સાથે હું બહાર નીકળવા તૈયાર થયો. ‘મેં દરવાજો ખોલ્યો ત્યાં તો જિસે ઢુંડતે થે ગલી-ગલી વો તો દરવાજા ખોલતે હી મિલી’

સામે સહાયક ઊભો હતો. મને નવાઈ સાથે પૂછ્યું, ‘ક્યાય બહાર જાવ છો?’ ‘ના ભાઈ, તારી જ રાહ જોતો’તો.’ મેં કહ્યું. તો મને કહે, ‘કમાલ છે… મેં તો દરવાજો ખખડાવ્યો જ નહોતો અને તમે ખોલ્યો?’ મેં કહ્યું, ‘યોગાનુયોગ… સમજ. હવે ઝટ મારો યોગ એટલે કે સ્ક્રીપ્ટ સમજાવ.’

અમે બંને અંદર આવ્યા. મેં દરવાજો અટકાવ્યો. ખાસ્સો લાંબો સીન હતો. એ સીનમાં મારી માતા કેવા સંજોગોમાં અલોપ થઇ ગઈ. હું ફોટા વગરની લંબચોરસ લાકડાની ખાલી ફ્રેમની પ્રેમથી કેમ પૂજા કરું છું એની વાત મારી પુત્રવધૂ-રોમાં માણેકને કહેવાની હતી. એના સવાલોના મારે કરુણામય જવાબો આપવાના હતા.

મેં સહાયકને કહ્યું, ‘સીન બહુ લાંબો છે.’ મને કહે, ‘તમને કોઈ વાંધો નહિ આવે સર! આમ પણ સુભાષજી તમારા બહુ વખાણ કરતાં હતા કે…’ મેં એને વચ્ચેથી અટકાવતા કહ્યું, ‘સુભાષજી કદાચ સાચા વખાણ જ કરતા હશે. બાકી મારો અનુભવ તો કહે છે કે આજનું સત્ય એ છે કે વખાણ વગર કોઈ ખુશ નથી થતું અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ નથી થતા.’

સહાયક અસમંજસ નજરે મને જોઈ રહ્યો. મેં કહ્યું, ‘એટલો મુંજાય ન જા. મેં તો મારો અનુભવ કહ્યો તને. બાકી છેલ્લા બે દિવસમાં મને સુભાષજીનો અનુભવ ખૂબ સારો રહ્યો છે અને આનંદ એ વાતનો પણ છે કે તેઓ મારા કામથી ખુશ છે. પોતાપણું લાગે એવો વર્તાવ એમણે મારી સાથે કર્યો છે. બાકી દુનિયાનું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. આપણામાંથી આપણા શોધવા.’ મારી આ વાત પણ કદાચ સહાયકને પલ્લે ન પડી હોય એવું લાગ્યું. મને કહે, ‘આપણે ડાયલોગ્સ કરીએ?’

એ પછી લગભગ અમે એકાદ કલાક સુધી સંવાદો વાંચતા રહ્યા. હું મારા સંવાદ વાંચું અને રોમાં માણેકનાં સંવાદો સહાયક વાંચે. મને અખો સીન કડકડાટ મોઢે થઇ ગયો. ‘હવે જઈએ?’ એણે પૂછ્યું. મેં કહ્યું, ‘ત્યાં બધું તૈયાર છે?’ મને કહે, ‘હા… માત્ર રોમાજીની રાહ જોઈ રહ્યાં છીએ. એ આવશે કે સીન તરત શરૂ કરી દઈશું.’

હું અને સહાયક બંને સેટ પર પહોંચ્યા. સુભાષજીને ‘ગુડમોર્નિંગ’ કર્યું. ‘સીન દેખ લિયા?’ એમણે પૂછ્યું. મેં કહ્યું, ‘હા… પઢ લિયા… કાફી સીરીયસ હૈ…’

મને એક ખુરશીમાં બેસવાનું કહી પોતે બીજી ખુરશી લઇ મારી બાજુમાં બેઠા. એમણે ગપ-સપ શરૂ કરી. ‘તમારી આ પહેલી ફિલ્મ તો પૂરી થઇ સમજો. હવે આગળ શું વિચાર કર્યો છે?’ મેં કહ્યું, ‘જોઈએ… મહેનત કરતો રહીશ. સપનાઓ તો જાત-જાતના છે… સપના પૂરા ન થાય તો રસ્તો બદલીશ પણ સિદ્ધાંત નહિ બદલું… વૃક્ષ પણ પાંદડા બદલે છે મૂળ-થડ નહિ, બરાબર ને?’ મને કહે, ‘અરે વાહ! મારી ફિલોસોફીની અસર તમને પણ થઇ ગઈ?’ કહી હસતા-હસતા તાળી મારી. ત્યાં જ રોમાં માણેક આવી ગયા એટલે મારી અને સુભાષજીની ગપ-સપ ત્યાં જ અટકી.

પછી હું, સુભાષજી, રોમાજી અને સહાયક, ચારેય જણા ડાયલોગ્સ વાંચવા લાગ્યા. રોમાંજીને બધા ડાયલોગ યાદ હતા. વાંચતા-વાંચતા જ વચ્ચે-વચ્ચે સુભાષજી સૂચનો આપતા જતા હતા.

‘સીન શૂટ’ કરવાનો શરૂ કર્યો. લગભગ ૧૦થી ૧૨નો સીન હશે. સુભાષજીએ બધું વિચારી રાખેલું. રાઉન્ડ ટ્રોલી (ફિલ્મી ભાષા)માં સીન શૂટ કરવાનો હતો. મને સુભાષજી કહે, ‘અરવિંદજી, અગર વન-ટેકમેં એ સીન આપ દે શકો તો મજા આ જાયેગા.’ મને ડર તો લાગતો હતો છતાં કહ્યું, ‘ચાલો ટ્રાય તો કરતે હૈ. મૈ પૂરી કોશિશ કરુંગા.’ સીન શરૂ થયો. ખબર નહિ કઈ શક્તિ કે પછી નટરાજનાં આશીર્વાદ, આખો સીન ‘વન-ટેક’માં ‘રોના-ધોના’ સાથે, સુભાષજીને જોઈતો હતો એ રીતે શૂટ થઇ ગયો. સીન પૂરો થતા જ સુભાષજી ખરા દિલથી મને ભેટી પડ્યા. ભેટી તો પડ્યા, સાથે નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડ્યા. મને કહે, ‘મેરી એ હાલત હો ગઈ હૈ, તો ઓડિયેન્સ તો આપકો મતલબ આપકે ઇસ રોલ કો અપને દોનો હાથોસે ઉઠા લેગી.’ મેં કહ્યું, ‘યે સબ આપકી હી તાલીમ હૈ.’ મને કહે, ‘મૈને તો સિર્ફ બતાયા, સીનમેં જાન તો આપને ડાલી હૈ…’ અલ્પવિરામ બની ગયેલો માણસ જયારે પૂર્ણવિરામ બને છે ત્યારે ભલભલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે. ‘તુમને વો કર દિખાયા.’ એમણે પાછી ફિલોસોફી છાંટી. રોમાજીએ પણ મને અભિનંદન આપ્યા. મને આ બહુ ગમ્યું.

બસ! મારું કામ પૂરું થયું. હવે માત્ર ક્લાયમેક્ષનો એક દિવસ બાકી હતો. મને સુભાષજી કહે, ‘આજ આપ નિકલ જાવ… અબ એક દિનકા કામ બાકી રહેતા હૈ. વો આપશે બાત કરકે ફાયનલ કરેંગે. એક બાત હૈ, યે સંબંધ અબ હમારા બના રહેગા. દેખો! મેળવવા કરતાં ટકાવવું એ જ આવડત છે. પછી એ વસ્તુ હોય કે સંબંધ.’ મેં કહ્યું, ‘થેંક યુ. બાકી હું ફિલ્મ કરીશ એવું તો મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું, પણ ખરા દિલથી કહું છું કે આપની સાથે ખૂબ મજા આવી. સારું થયું ફિલ્મ કરી.’ મને કહે… ‘વાવાઝોડું હંમેશાં જીવનમાં હેરાન કરવા નથી આવતું, કોઈક વાર તમારો રસ્તો સાફ કરવા પણ આવતું હોય છે.’ એમણે છેલ્લી ફિલોસોફી કહી. અમે ભેટ્યા. મેં એમના ચરણ સ્પર્શ્યા… અને હું મારી રૂમ તરફ જવા ભારે પગે રવાના થયો.

રાત્રે મારા મુંબઈ જવાની વ્યવસ્થા થઇ ગઈ હતી. ‘હું’ બધાને આવજો કહી મુંબઈ આવવા રવાના થયો. મારા બપોરના નાટકના શૉનું ટેન્સન પણ ગયું. એ પછી એક દિવસ નક્કી થયો અને એ ક્લાયમેક્સનો સીન સવારથી સાંજ સુધીમાં પતી ગયો. હું ખુશ તો થયો પણ નાટકથી જે તૃપ્તિ મળે છે એવી તૃપ્તિ કદાચ મળી, પણ સંતોષનો ઓડકાર ન આવ્યો.

એ પછી ડબિંગ પૂરું થયું, જે મુંબઈમાં જ હતું. ફિલ્મ રીલિઝ થઇ. લોકોએ સારો પ્રતિસાદ પણ આપ્યો. પણ વિધિની વિચિત્રતા કેવી… મને મારી પહેલી જ ફિલ્મમાં ગુજરાત સરકાર તરફથી ‘બેસ્ટ સપોર્ટિંગ આર્ટિસ્ટ’નો એવૉર્ડ પણ જાહેર થયો. એ સમારંભ, રાજકોટનાં આલીશાન સભાગૃહ ‘હેમુ ગઢવી સભાગૃહ’ જે પ્રથમ વાર ખૂલ્યું અને એ વખતના સી.એમ. કેશુભાઈ પટેલના હસ્તે વિજેતાને ઇનામ વિતરણ થવાનું હતું. યાદ છે ત્યાંસુધી એ વખતે જજ ગોપી દેસાઈ, સોહાગ દીવાન વગેરે હતા. મારી પહેલી જ ફિલ્મ ‘આંગણે વાગે રૂડા ઢોલ’, પહેલી જ ફિલ્મમાં ગુજરાત સરકાર તરફથી એવૉર્ડ… પણ જે દિવસે એ ફંક્શન હતું, એ જ દિવસે મુંબઈમાં મારો શૉ હતો એટલે હું જ ન જઈ શક્યો. મારા વતી મારો એવૉર્ડ કેશુભાઈના હસ્તે સોહાગ દીવાને સ્વીકાર્યો. ‘એક હરખ તો હતો જ કે પહેલી જ ફિલ્મ અને યાદગાર એવૉર્ડ’ સફળતા ત્યાં છે જ્યાં તમારી તૈયારી તમને તક સાથે મળે છે.

નાટકની છેલ્લી વાત મારા લેખ તા: ૨૩.૦૬.૨૩માં કરેલી જે ચંદ્રવદન ભટ્ટનું નાટકસુખના સુખડ જલે (જૂનું નામ) ભાગ્યરેખા (નવું નામ) સાથે રજૂ કરેલું જેનો માત્ર એક જ શૉ થયેલો. એ વખતે જે. ડી. તરફ મેં ‘આંગળી ચિંધ્યાનું પુણ્ય’ (કે પાપ?) કરેલું. એ જે.ડી. સાથે કરેલી ફિલ્મ દરિયાછોરું (જે જે.ડી.ની પહેલી ફિલ્મ હતી.) અને એમાં મારી પહેલી ફિલ્મની વારતાનાં મંડાણ થઇ ગયા. હવે દિપાવલીના આવતા દિવસોમાં ફરી પાછા ફરીશું, મારી નાટકની દુનિયામાં…

થોડી આપણા હાથે, થોડી કુદરતનાં હાથે લખાયેલી નાની-નાની વાતોનો સંગ્રહ એટલે મારી આ સફર-યાત્રા.

કોઈ તમારી આંખમાં રમતું હશે, કોઈ તમારી વાતોથી હસતું હશે,

ખુદની ખુશીની ચિંતા ન કરતાં મિત્રો, કોઈ તમારા માટે મંદિરમાં નમતું હશે!

અમેરિકાવાળા ડ્રાઇવર વગરની ગાડી બનાવી રહ્યાં છે એવી ખબર પડી કે ગુજરાતીએ પૂછ્યું,
ઈ ગાડી આપણને ભટકાય તો આપણે મારવો કોને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button