મેટિની

વહેચી નાખે એવા ઘણાં છે, પણ કોઈ તમારા માટે ખર્ચાય જાય એવા બહુ ઓછા

અરવિંદ વેકરિયા

આમ કિશોર દવે પોતાનાં નવા નાટકનો શો કરવા માટે મુલુંડ જવા તો નીકળી ગયા, પણ મારા નાટકમાંથી પણ ‘નીકળી’ ગયા.

ભટ્ટ સાહેબે લીધેલા આ નિર્ણય વિશે મને કોઈ જાણ નહોતી. શો પૂરો થયો કે ભટ્ટ સાહેબે મને કહ્યું, ‘કાલથી નવા કલાકારની શોધ શરૂ કરી દે’. હું જરા ઉદાસ થઈ ગયો હતો. કોઈ કલાકાર પોતાની કોઈ અંગત મુશ્કેલી નિર્માતાને જણાવી યોગ્ય સમય આપી નાટક છોડી દે એ ઠીક છે, પણ આપણે સામેથી એને રવાના કરી દઈએ એ મારી પ્રકૃતિ વિરુદ્ધની વાત હતી. એમણે જે કર્યું એ ચોક્કસ ખોટું જ કરેલું અને અમને બધાને વિશ્ર્વાસમાં લીધા વગર તેમજ કોઈ સમય આપ્યાં વગર લીધેલો નિર્ણય હતો, છતાં’ય….ભટ્ટ સાહેબ મને કહે, ‘કોઈ પણ કલાકાર કોઈને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લે એ ન ચાલે. આપણે તો બધા સાથે સંબંધ રાખવા જ માંગતા હોઈએ છીએ. માનું છું, સંબંધો તોડવા તો ન જોઈએ પણ જ્યાં કદર ન હોય ત્યાં નિભાવવા પણ ન જોઈએ.’

ભટ્ટ સાહેબે જે કર્યું હશે એ એમનાં અનુભવને લીધે જ કર્યું હશે અને આમ પણ ભટ્ટસાહેબ વડીલ હતા, ભાગીદાર હતા અને મેં આ સમસ્યાનું નિવારણ એમનાં પર જ છોડેલું એટલે મારે એ સ્વીકારવું જ રહ્યું. સાચું કહું તો હું પણ કિશોરભાઈની ‘એટીટ્યુડ’ થી કંટાળેલો હતો. કલાકાર સારા . લાલુ શાહ અમને કહેતા કે કલાકાર બે આની નબળો ચાલે પણ માથે ચડી તબલા વગાડે એમને સો જોજન દૂરથી સલામ.
હવે આવતી કાલથી નવો ‘અરવિંદ’ (કિશોર દવે ભજવતા હતા એ પાત્રનું નામ) શોધવાની કવાયત શરુ કરી દેવી પડશે. શત- પ્રયોગની ઉજવણી માથે હતી તો અમદાવાદનાં શોનું ટેન્શન પણ સાથે ચાલતું હતું. અભય શાહ અને મહેશ વૈદ્યે અમદાવાદનો મોરચો સાંભળી લીધો હતો એ પણ કદાચ કુદરતના આશીર્વાદ હશે એવું હું માનું છું. બાકી, વહેચી નાંખે એવા ઘણાં છે આ જગતમાં. પણ કોઈ તમારા માટે ખર્ચાય જાય એવાં બહુ ઓછા.

ઘરે પહોંચ્યા અને યાદ આવ્યો, સનત વ્યાસ. હું, સનત,પ્રતાપ સચદેવ અને સોહિલ વિરાણી લાલુ શાહ સાથે બહુરૂપી’ સંસ્થામા સાથે મળ્યા. આ નાટકમાં સોહિલ મારી સાથે. મેં, સનતે અને પ્રતાપે એક જ નાટક સાથે કરેલું, એ લાલુ શાહનું અભિમાન’. બાકી કોઈ વાર હું અને સનત, ક્યારેક પ્રતાપ સચદેવ અને હું તો ક્યારેક વળી સનત અને પ્રતાપ સાથે રહેતા. સગપણ એવા હોવા જોઈએ જેને નિભાવવા વિધિની જરૂર ન હોય અને એને યાદ કરવા કોઈ તિથિની જરૂર ન હોય. મેં તરત સનતને ફોન કર્યો.

આમ પણ એ સમયે એના હાથમાં જે નાટક હતું એ બંધ થયેલું અને નવું નાટક એણે શરૂ કર્યું છે કે કરવાનો છે એની મને જાણ નહોતી. સનત સાથે વાત કરતાં ખબર પડી કે તે હાલમાં ફ્રી છે અને જે નાટકનાં નિર્માતા સાથે એની વાત થયેલી એ બે-અઢી મહિના પછી શરૂ કરવાના હતા અને એ નાટકમાં કામ કરવાનું ‘કમિટમેન્ટ’ સનતે આપી દીધું હતું. એ કારણે, એ જ્યાં સુધી ફ્રી છે ત્યાં સુધી મારું નાટક સાચવી લેવા માટે એણે હા કહી. આમ પણ એણે નાટક જોયું હતું એટલે રિહર્સલ થોડા સરળ પડશે એવું મેં માની લીધું. બીજા દિવસે ક્યાં અને કેટલા વાગે મળીશું એ નક્કી કરી લીધું. મારા આ નિર્ણયની વાત મેં ભટ્ટ સાહેબને જણાવી દીધી. જવાબદારી એમણે મારા પર છોડેલી એટલે વધુ વાત પણ ન કરી. ‘સરસ’ એક શબ્દમા વાત પતાવી દીધી. વડીલ હતા એટલે મેં પણ વધુ લંબાણ ન કર્યું. પોતાની જાતને રાજા ન બનાવી શકો તો કઈ નહિ, પણ વજીર જરૂર બનાવજો. બેશક, પદ નાનું લાગશે પણ એની સલાહ વગર રાજા એક ડગલું પણ ન ભરે. મેં મારી જાતને સમર્પિત કરી દીધેલી.

બીજે દિવસે સનત સાથે રિહર્સલ શરૂ કરી દીધા. બે દિવસમાં તો સનત તૈયાર પણ થઈ ગયો.

અમદાવાદ નાટકની તૈયારી બાબત ફોન પર વાત થયા કરતી હતી. કોને ખબર, નવી ટીમ સાથે શરૂ કરેલા આ જ નાટક માટે મને રસ ઓછો થઈ રહ્યો હતો. એ નાટક માટે નકારાત્મક વિચારો કોઈ અગોચર વિશ્ર્વમાંથી મારા મગજ ઉપર હાવી થઇ જતાં હતા, છતાં જવાબદારી તો પૂરી કરવાની જ હતી.

બુધવારે ૧૦૦ મા શોની જા.ખ. આવી ગઈ. નવાઈ તો મને ત્યારે લાગી કે ભટ્ટ સાહેબે મને કહ્યું કે કિશોર દવે એ ૧૦૦ મા શોની શુભેચ્છા આપી છે અને પોતે જે વર્તણૂક કરેલી એ બાબત ખૂબ પસ્તાવો તો કર્યો અને ફોન પર અનેકાનેક વાર માફી પણ માગી. પાછું કહ્યું કે ભવિષ્યમાં મારી જો જરૂર પડે તો ગઈ ગુજરી ભૂલી જઈ મને બોલાવી લેજો.!

હું આ સાંભળી નવાઈ પામી ગયો. માણસ આટલી સહેલાઈથી આવી વાત કરી શકે? હું તો ન જ બોલી શકું. નિર્ણય અને વર્તન ખોટા હતા એ ખોટા જ હતા, છતાં આટલી હળવાશથી કેમ બોલી શકે? બાકી હળવા માણસને મળવાથી મન સાચી દિશામાં વળવા લાગે છે, સંબંધો તો સ્વર્ગમાં રચાય છે, પૃથ્વી પર તો ફક્ત સરનામાં શોધાય છે, મારાથી ખોટું સરનામું શોધાયેલું, હવે સનત વ્યાસ નામનું સાચું સરનામું મળી ગયું હતું.

સનતને જી.આર. ની જરૂર નહોતી, કહ્યું હોત તો બધા કલાકારો સહકાર આપવા તૈયાર હતા.

સનત મિત્ર તો હતો જ એટલે તરત જ પાત્રમાં અને સાથી કલાકારો સાથે મિક્ષ પણ થઇ ગયો. નસીબ જુવો કે સ્નતની એની એન્ટ્રી ૧૦૦ મા શોમાં થવાની હતી. ઉજવણીની જા. ખ. પણ વ્યવસ્થિત કરી. તુષારભાઈ અને ભટ્ટ સાહેબ બંને ઉત્સાહિત હતા. મારી સ્થિતિ ‘ડાયલેમાં’ જેવી હતી. અમદાવાદ પ્રોજેક્ટનાં પૈસા તો તુષારભાઈનાં હતા પણ ચિંતા, મને હતી,‘નાટક સારું જાય તો સારું’ એવો વિચાર આવ્યા જ કરતો એમાં ૧૦૦ મા શોનો ઉત્સાહ થોડો ઓછો થતો.
શનિવારે રાત્રે અભયભાઈનો ફોન આવ્યો કે ‘રાજકોટમા બુકિંગ નિરાશાજનક છે’ મારો અંદેશો સાચો હતો. મને નકારાત્મક વિચારો આવ્યા જ કરતાં હતા. ખેર! નાટકમાં કરંટ બુકિંગ વધારે આવતું હોય છે, ખાસ કરીને આવાં નાટકોમાં.’ મેં કહ્યું, ‘અભયભાઈ, ગમે તે થાય, શો તો કરવો જ પડશે, મિત્રો-સંસ્થાઓ, જેમને બોલાવવા જેવા લાગે એમને બોલાવી લેજો. ઓડિયન્સ હશે તો કલાકારો અભિનયનો આનંદ માણી શકશે.’
આ વાત પતાવી હું હજી કોઈ વિચારે ચડું ત્યાં કુમુદ બોલેનો ફોન આવ્યો…


ન જાણ્યું કઈ ફરિયાદનાં શિકાર થઇ ગયા,
જેટલું સારું હૃદય રાખ્યું, એટલાં ગુનેગાર થઇ ગયા.


દુકાનદાર: લો આ, ‘પીટર ઇંગ્લેન્ડ’ નો બુશર્ટ જુઓ.
ઘરાક: કેટલાનો છે?
દુકાનદાર: ૩૫૦૦/- નો….
ઘરાક: બહુ મોંઘો છે, ‘પીટર રાજકોટ’ હોય તો બતાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button