મેટિની

ત્યારે હતો ઈરાનમાં હિન્દી ફિલ્મોનો જબરો દબદબો…

એ જમાનામાં જોર્ડન- મિસ્ર- લેબેનોન- ગ્રીસના લોકો પણ હિન્દી ફિલ્મો જોવાં ઊમટતાં હતા…

ફિલ્મનામા -નરેશ શાહ

ઈઝરાયલ – હમાસ વચ્ચેની જંગ શરૂ થઈ ત્યારે હમાસને સૌથી પહેલો સપોર્ટ ઈરાને ર્ક્યો હતો અને એ ટેકો આ વાંચો છો ત્યારે પણ ચાલુ જ છે.

‘ફિલ્મનામા’ ને અલબત્ત, એ યુદ્ધચાળામાં રસ નથી , પરંતુ ધ સોંગ ઓફ સ્પેરો, ધ સેપરેશન, ચિલ્ડ્રન ઓફ હેવન, લો ઓફ તહેરાન, કાંધાર, ધ કલર ઓફ પેરેડાઈઝ જેવી અદભુત, કલાત્મક અને સંવેદનશીલ ફિલ્મો આપી ચૂક્યો હોય એ ઈરાન દેશ યુદ્ધ જેવી વિભિષ્ાીકાનાં તાપણાંમાં સપોર્ટનું ઘી હોમે એ ચચરે એવી વાત છે.

અહીં મજા તો એ છે કે આજે આખી દુનિયાની સિનેમાઆલમે ગંભીરતાથી જેની ફિલ્મોને લેવી પડે છે એ દેશમાં એક જમાનામાં આપણી હિન્દી ફિલ્મોની એવી લોકપ્રિયતા તેમજ દબદબો હતો કે વાત જલ્દી ગળે ઊતરે નહીં, પરંતુ સચ્ચાઈ એ છે કે, રાજકપૂરની શ્રી ૪ર૦ ઈરાનમાં દોઢ વરસ સુધી ચાલી હતી તો સંગમ ફિલ્મે સતત ત્રણ વરસ સુધી ઈરાની લોકોનું મનોરંજન ર્ક્યું હતું. દેવઆનંદની ગાઈડ (૧૯૬પ), અમીર ગરીબ (૧૯૭૪), મનોજકુમારની રોટી કપડાં ઔર મકાન (૧૯૭૪) તો ફિરોઝ ખાનની ધર્માત્મા (૧૯૭પ) અને કુર્બાની (૧૯૮૦) સહિત દીવાર વગેરેએ ઈરાનમાં ધમાલ બોલાવી હતી. મધર ઈન્ડિયા અને શોલે પણ ઈરાનમાં એક-એક વરસ સુધી ચાલી હતી. આ ફિલ્મોના ઈરાનમાં પ્રીમિયર થતાં અને રાજકપૂરથી લઈને નરગિસ સુધીના કલાકારો તેમાં હાજરી આપવા જતાં.

જો કે આપણી હિન્દી ફિલ્મો માત્ર ઈરાનમાં જ નહીં, જોર્ડન- મિસ્ર- લેબેનોન અને ગ્રીસમાં પણ ત્યારે રિલીઝ થતી હતી… આપણે માત્ર એટલું જાણીએ છીએ કે રાજકપૂર રશિયામાં બહુ લોકપ્રિય હતા અને સઈદ જાફરી, ઓમપૂરી, ઈરફાન ખાન, પ્રિયંકા ચોપરા વગેરેને કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની નોંધ આજે હોલીવુડે પણ લેવી પડે છે. છેલ્લાં બે દશકામાં હિન્દી ફિલ્મોનું વૈશ્ર્વિક માર્કેટ પણ ઓપન થયાની ગતાગમ આપણને છે ,પણ ૧૯૬૦-૭૦ ના દશકામાં તેનો પાયો મુસ્લિમ અને આરબ દેશોમાં નખાયો હતો અને એ કામ કરનારા હતા: હિન્દુજા ઉદ્યોગગૃહના ગિરધર હિન્દુજા- ગોપીચંદ હિન્દુજા- શ્રીચંદ આહુજા અને પ્રકાશ આહુજા… આપણું વૈશ્ર્વિક સમૃદ્ધિનું જ્ઞાન અત્યાર તો અંબાણી અને અદાણી પર આવીને સમાપ્ત થઈ જાય છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે દશકાઓ સુધી બ્રિટનના ઉદ્યોગગૃહોમાં હિન્દુજાનું સ્થાન નંબર વનનું રહ્યું છે. હિન્દુજા પરિવારના ફાઇનાન્સથી કેટલી હિન્દી ફિલ્મો બની હશે તેનો તો કોઇ હિસાબ કે ક્યાય નોંધ મળતો નથી,પણ લીના યાદવની ‘શબ્દ’ અને બેન કિંગ્સલે અને અમિતાભ બચ્ચનની ‘તીન પતી ’નામની ફિલ્મનાં પ્રોડયુસર અંબિકા હિન્દુજા હતાં,જે પ્રકાશ હિન્દુજાની દીકરી છે. આપણા દેશમાં બનેલી બારસો જેટલી ફિલ્મોને ઈરાન સહિતના દેશોમાં રિલીઝ કરીને ૧૯૬૦ના દશકાથી જ હિન્દુજાઓએ હિન્દી ફિલ્મોને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનું નક્કર કામ ર્ક્યું છે એ વાત જ ચક્તિ કરી દે તેવી છે, પણ સાચી છે.

પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી ૧૯૧૯માં પરમાણંદ હિન્દુજાએ ઈરાનની રાજધાની તહેરાનમાં પોતાનો વ્યવસાય શરૂ ર્ક્યો ત્યારે તેમની ઉંમર અઢાર વરસની હતી. એ પછી એમણે પોતાના એક ભાઈને અફઘાનિસ્તાન અને બીજા ભાઈને કરાચી બિઝનેસ માટે મોકલ્યો હતો. આઝાદી પછી પરમાણંદ હિન્દુજાએ પોતાના મોટા દીકરા ગિરધર હિન્દુજા (અવસાન : ૧૯૯ર) ને તહેરાન બોલાવી લીધો. એ વખતે ઈરાનમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરતા હતા. એમને ધ્યાનમાં રાખીને િગિરધર હિન્દુજાને ઈરાનમાં હિન્દી ફિલ્મો લાવવાનો વિચાર આવ્યો. મુંબઈ રહેતાં નાના ભાઈ શ્રીચંદ આહુજાને કામે લગાડયો. એમણે ઈરાનમાં ‘શ્રી ૪ર૦’ દેખાડવાના રાઈટસ પાંચ હજારમાં લઈને ૧૯પપ માં (ઈરાનની) ફારસી સબ ટાઈટલ સાથે દર્શાવી અને પછી તો હિન્દુજાઓને જાણે જેકપોટ લાગી ગયો. આ દરમિયાન ઈરાનીઓને હિન્દી સિનેમાનો એવો ચસકો લાગ્યો કે હિન્દુજા બ્રધસે હિન્દી ફિલ્મોને ફારસી સબ ટાઈટલ સુધી જ સીમિત ન રહેવા દીધી. મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં એમણે કોન્ટ્રાકટ કરીને હિન્દી ફિલ્મોને ફારસી ભાષ્ાામાં ડબ કરવાનું શરૂ કરી દીધું. ડબિંગ માટેના આર્ટીસ્ટને એ છેક ઈરાનથી મુંબઈ બોલાવતાં અને પછી ડબિંગ કરતાં. જરૂર જણાય તો ફિલ્મનું નામ (દુર્ગેશ નંદિની ફિલ્મ ઈરાનમાં ‘અકબર-એ-હુકમ’ તરીકે દર્શાવવામાં આવી હતી) પણ બદલી નાખવામાં આવતું. અરે, ઈરાન કે બીજા મુસ્લિમ દેશોને ધ્યાનમાં રાખીને એને આડેધડ એડિટ પણ કરી નાખવામાં આવી હતી. રાજકપૂરની ‘સંગમ’ અને ‘મેરા નામ જોકર’ને પણ ટૂંકાવીને બારેક રીલની કરી
નાખવામાં આવી હતી. જો કે તેના પ્રીમિયરમાં રાજકપૂર આવેલાં ત્યારે ગોપીચંદ હિન્દુજા ધડકતાં હૈયે થિયેટરમાં તેમની બાજુમાં બેઠા હતા. એડિટ થયેલી પોતાની ફિલ્મ જોઈને રાજકપૂર શું રિ-એકશન આપે છે, એ જાણવાનો તેમનો ઉચાટ હતો, પણ… સ્કોચ પીતાં-પીતાં ફિલ્મ જોઈ લીધા પછી રાજકપૂર પ્રેમથી ગોપીચંદ હિન્દુજાને ભેટયું અને કહ્યું : આટલું સરસ એડિટ હું પણ ન કરી શક્યો હોત… જો કે બારસો જેટલી ફિલ્મોને વિદેશમાં રિલીઝ ર્ક્યા પછી હિન્દુજા બ્રધર્સે ૧૯૭૮માં સિનેમાનો આખો બિઝનેસ લાલચંદ લૂંડને વેચી દીધો અને હિન્દુજાઓ પણ મુસ્લિમ દેશ છોડીને લંડન (બ્રિટન ) શિફટ થઈ ગયા.

આ રીતે સિનેમાની પ્રીતિ છોડવાનું કારણ આપતાં ગોપીચંદ હિન્દુજાએ એક ઈન્ટરવ્યુમાં કહેલું કે, એક તો અમારા બિઝનેસનું વિસ્તરણ મોટું થઈ જતાં અમારી પાસે સમય બચતો નહોતો.આ બિઝનેશમાંથી અમે ખસી ગયા. જો કે નિર્માતાઓને મદદ કરવાનું અમે બંધ નથી ર્ક્યું… જરૂર પડે અમે હિંદી ફિલ્મના નિર્માતાઓની પડખે ઊભા રહ્યા છીએ….બાકી આજે રાજકપૂર- દેવ આનંદ-દિલીપકુમાર જેવા માણસો પણ દુર્લભ બની ગયા છે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ