મેટિની

કડવા વેણના ઘા દેખાતા નથી, પણ વાગે અંદર સુધી….

અરવિંદ વેકરિયા

ફોન પર સામે છેડે કિશોર દવે હતા.
એમણે કહ્યું, ‘દાદુ, મારે તારી સાથે એક ખુલ્લી વાત કરાવી છે.’ મને ધ્રાસકો પડ્યો, જે સાચો હતો.

સવારે છાપામાં જયસિંહ માણેકની જા.ખ. જેમાં હતું મુ.ભૂ. : કિશોર દવે, જેનો શો રાત્રે ૯.૩૦ વાગે મુલુંડમાં હતો. સાંજે ૭.૪૫ વાગે અમારો શો પાટકરમાં હતો. મને હતું કે મારો શો પતાવી આ માણસ મુલુંડ પહોંચશે કઈ રીતે?

મને ખાતરી હતી કે ‘ખુુલ્લી’ વાત આ વિશે જ હશે.મારે વૈચારિક તૈયારી રાખવાની હતી. હા, મારા નાટકમાં બીજા અંક પછી એમનો રોલ પૂરો થઈ જતો હતો તો પણ બે અંક એના સમયે કઈ રીતે પૂરા થાય? ફોન પર એમણે કહ્યું ‘દાદુ. મેં એક બીજું નાટક લીધું છે, થોડા શો માટે. કાલે એનો શો રાત્રે મુલુંડમાં છે. આપણા નાટકનાં શોનો સમય થોડો વહેલો કરી શકાય?’ મેં કહ્યું : તમે બીજું નાટક લીધું એનો મને કોઈ વાંધો નથી પણ જે નાટક તમારા હાથમાં છે અને સારું ચાલી રહ્યું છે તો એના નિર્માતા-દિગ્દર્શકને ફોડ પાડી કહેવું તો જોઈએ ને! આપણા નાટકની જા.ખ. બુધવારથી પેપરમાં આવે છે. એમાં સમય લખેલો જ છે તો હું એ કઈ રીતે વહેલો કરી શકું?’

‘ગમે તેમ પણ તારે કરવું પડશે, હું નવમાં પાંચ સુધી રહીશ. ત્યાં સુધીમાં બીજો અંક પતી જ જવો જોઈએ. નહીં તો નીકળી જઈશ, પછી તું જાણે અને તારું નાટક’ એમણે કહ્યું. એમની વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો.

મેં કહ્યું, કિશોરભાઈ, આ તો બ્લેક મેલિંગ કહેવાય. આપણી વચ્ચે કોઈ લેખિત કરાર તો હોતા નથી, માત્ર મોરલ બાઈડિંગ હોય છે એનો આવો ગેરલાભ?’

‘મને એ કહે: ’ મેં તને કહી દીધું, ખુુલ્લમ-ખુુલ્લા ! હું નીકળી જઈશ એટલે ૧૦૦% નીકળી જઈશ’. કહીને કિશોર દવેએ ફોન મૂકી દીધો.

આટલી નફ્ફટાઈ મેં પહેલીવાર જોઈ. ત્યારે મને સમજાયું કે સારું બોલવાવાળા કરતાં સાચું બોલવાવાળા પર વધારે ભરોસો કરવો. સારું થોડો સમય સુખ આપે જયારે સાચું જીવનભર સાથ આપે. એમની પાસે કામ નહોતું ત્યારે કેવા લટુડા-પટુડા કરી રોલ માગ્યો.! આવા માણસની તાસીર આવી હતી, જેનો અનુભવ આગળ પણ મને થઈ ચૂક્યો હતો જે આ લેખમાળામાં હું અગાઉ લખી ચૂક્યો છું. પોતાની ભૂલ હતી છતાં કેવી કડવાશ હતી એમના બોલવામાં? કડવા વેણનાં ઘા દેખાતાં નથી પણ વાગે અંદર
સુધી. મારું મગજ બહેર મારી ગયું. માણસ આટલી હદે પણ જઈ શકે?. ક્યારેક બંને વેન્ટિલેટર પર હોય છે, અંદર જિંદગી અને બહાર લાગણી. મારી દશા એવી જ હતી. આ પ્રોબ્લેમ પણ
સોલ્વ કરી નાખત પણ સમય નહોતો. ‘સેટ’ થયેલું નાટક ‘અપસેટ’ થઈ જશે તો.? એ ડર મનમાં ઘોળાયા કરતો હતો. કોઈએ
સાચું જ કીધું છે કે ઝાડ પર ક્ષમતાથી વધુ ફળ લાગે તો એની ડાળીઓ તૂટવી શરૂ થઈ જાય છે. માણસને પોતાની ક્ષમતાથી વધુ મળી જાય તો એ સંબંધો તોડવાનું શરૂ કરી દે છે. પરિણામે, ધીમે ધીમે ઝાડ પોતાનાં ફળથી અને માણસ સંબંધોથી વંચિત રહી જાય છે.

કાલ માટે હવે શું કરવું? એકાદ બાદબાકી ક્યારેક બધા સરવાળાને શૂન્યમાં ફેરવી નાખે છે. શો રદ કરવો પડશે? મેં ભટ્ટસાહેબને ફોન જોડ્યો. કિશોરભાઈ સાથે થયેલ વાત એમને વિસ્તારથી કહી. ભટ્ટ સાહેબે દસ મિનિટમાં ફોન કરવા કહ્યું.

દસ મિનિટ પહેલા જ ભટ્ટ સાહેબનો ફોન આવ્યો : ‘તું પેનિક ન થા, ધીરજ રાખ. દાદુ, હારે છે એ જે ફરિયાદ કરે છે, અને જીતે છે એ જે કોશીશ કરતો રહે છે. હવે આપણો સ્વાર્થ શોધી
આપણે રસ્તો કાઢવો પડશે.શો લગભગ હાઉસ-ફૂલ છે. આપણી આંતરિક આવી લડાઈ માટે પ્રેક્ષકોનો તો કોઈ વાંક નથી. કોને ખબર, કોણ ક્યાંથી પાટકર હોલ સુધી લાંબુ થતું હશે ! અત્યારે તો પ્રેસ પણ બંધ થઈ ગયા નહી તો સમય થોડો ઉપર-નીચે કરી શકત.’

‘પણ…તો હવે શું કરીશું?’ મેં કહ્યું. ભટ્ટ સાહેબ મને કહે,‘આપણે ૭.૪૫ નો શો રાખેલ છે. આમ તો દરેક શો પંદર મિનીટ પછી જ શરુ કરતાં હોઈએ છીએ. કાલે બરાબર ૭.૪૫ વાગે શો શરૂ કરી દઈશું. બીજું, તારી, રાજેશ મહેતા અને કિશોર દવે વચ્ચે પહેલો સીન લગભગ ૧૫-૧૭ મિનિટ ચાલે છે એમાં કાપ મૂકી દે. કિશોર અને રાજેશને થિયેટર પર વહેલાં બોલાવી લે. બધા ‘કટ’ સમજાવી દે. બીજું ઓડીયેન્સમા આવતા રિસ્પોન્સને ઓવરટેક કરી સંવાદો બોલવાનું ચાલુ રાખજો. મને લાગે છે વાંધો નહિ આવે. બાકી જે થવાનું હશે એ થશે. ‘આપણે આપણી રીતે પ્રયત્ન કરીશું.’ ફોન મુકાય ગયો.

આજે મને સમજાય ગયું કે આ દુનિયા મતલબી છે, તમારી જરૂર હોય ત્યાં સુધી ‘હમ સાથ સાથ હૈ’ અને જરૂર પૂરી થાય પછી ‘હમ આપકે હૈ કૌન? .
મેં મન મોટું રાખી સ્ક્રીપ્ટમાં કાપ-કૂપ કરી લીધી. રાજેશભાઈ અને કિશોરભાઈને ચાર વાગે પાટકર પર ચાર વાગે બોલાવી લીધા.
આખી વાત સાંભળી રાજેશભાઈને પણ નવાઈ લાગી. વાત સમજણની હતી પણ હવે ચૂપ સંબંધો થઈ ગયાં હતાં. સ્ક્રિપ્ટમાં કટિંગ તો કર્યું, પણ જ્યાં રિસ્પોન્સ આવતો હતો એવા પણ સંવાદો કાપતાં ખૂબ દુ:ખ થયું. ખરું કહું, આંખમાંથી એકાદ બે આંસુ પણ સરી ગયાં. કિશોર દવે ભલે સારા કલાકાર, પણ એમની વાણીએ મને હતપ્રભ કરી દીધો.લાંબી જીભ માણસને નાનો બનાવી દે છે, એ કિશોર દવેએ સાબિત કરી દીધું.
બીજે દિવસે ચાર વાગે અમે મળ્યા. ભગવાનનું નામ લઈ બધા ‘કટ્સ’ મેં બંનેને જણાવી દીધા. બે-ત્રણ વખત એનું રીડિંગ કરી લીધું. ૭.૨૫ વાગે પહેલી બેલ આપી દીધી. મેનેજર સામ કેરાવાલાને પણ નવાઈ લાગી. શો હાઉસફૂલ હતો એટલે ૭.૪૫ ને બદલે ૭.૪૦ વાગે જ શરૂ કરી દીધો. મન વગર પહેલો અંક પૂરો કર્યો. મધ્યાંતર પણ પાંચ મિનિટમાં પતાવી બીજો અંક શરૂ કરી દીધો. બરાબર, ૮.૪૦ વાગે બીજો અંક પૂરો થઈ ગયો.નફ્ફટાઈની હદ ત્યારે થઇ જયારે કિશોર દવેએ પૂછ્યું, મારું કવર’ તૈયાર છે?’

ભટ્ટસાહેબ ઊભા જ હતા કવર લઈને. બોલ્યા,
‘હા, તૈયાર જ છે. આ લે. આજે તારો છેલ્લો શો હતો.!’
‘શું’? કિશોરભાઈના મોઢામાંથી ફાટેલો અવાજ નીકળ્યો.
‘જે કલાકાર એથીક્સને નેવે મૂકી નિર્માતાનું ‘નાક’ દબાવે એના ‘શો નો શ્ર્વાસ’ બંધ કરતાં અમને આવડે છે. ’


ખુદા નામે રોજ નવા ફતવા નીકળે,
રામ નામે રોજ લોક અહીં છળવા નીકળે.


એક ભાઈએ ગ્રુપમાં પોસ્ટ મૂકી કે હું પરણી ગયો.’
નીચે કોમેન્ટ આવી,’ વ્યક્તિગત સમસ્યાનાં રોદણાં ગ્રુપમાં રોવાં નહિ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button