મેટિની

રામનું પાત્ર ભજવનારપ્રેમ અદીબની વણ કહી વાતો

ફોકસ -કૈલાશ સિંહ

દિગ્દર્શક વિક્રમ ભટ્ટના ફિલ્મ નિર્માતા દાદા વિજય ભટ્ટે ભગવાન રામની કાલાતીત વાર્તા પર ત્રણ ફિલ્મો બનાવી હતી, જેમાંથી ‘રામરાજ’ (૧૯૪૩) વિશેષ સ્થાન ધરાવે છે; કારણ કે આ એકમાત્ર એવી ફિલ્મ છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં જોઈ હતી. આ તે જમાનાની વાત છે જ્યારે પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બોક્સ ઓફિસ પર રાજ કરતી હતી. તે સમયે બોમ્બે (હાલનું મુંબઈ) માત્ર બાંદ્રા સુધી હતું અને ‘રામરાજ’ ગ્રાન્ટ રોડના સુપર સિનેમામાં રિલીઝ થઈ હતી, જ્યાં તેના બે શો હિન્દીમાં અને એક મરાઠીમાં હતો. આ ફિલ્મ ૧૦૨ અઠવાડિયા સુધી ચાલી હતી. આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી રામરાજના પ્રસંગનો ઘણીવાર ઉલ્લેખ કરતા હતા. આથી ફિલ્મના શીર્ષકએ તેમને આકર્ષ્યા અને તેમના માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીએ આ પહેલા કે પછી કોઈ ફિલ્મ જોઈ ન હતી.

પ્રેમ આદિબે ‘રામરાજ’માં ભગવાન રામનો રોલ કર્યો હતો. તેમનો રેકોર્ડ આજે પણ યથાવત છે કે તેમનાથી વધુ અન્ય કોઈ અભિનેતા રામની ભૂમિકામાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યા નથી. પ્રેમ અદીબ આ ભૂમિકા એટલી અસરકારક રીતે ભજવતા હતા કે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ઘરનાં મંદિરોમાં ભગવાન રામની તસવીર લગાવીને પૂજા કરવામાં આવતી હતી. આજે પણ તમને એવા ઘણાં મંદિરો જોવા મળશે, જેમાં રામની મૂર્તિ અને પ્રેમ આદિબની મૂર્તિમાં એટલી બધી સામ્યતા જોવા મળશે કે તેમને જોઈને એવું લાગે કે જાણે તેમને જોઇને જ મૂર્તિ પસંદ કરવામાં આવી હોય. ૧૯૪૦ ના દાયકામાં બોલીવૂડના જે ટોચના કલાકારો હતા જેમ કે પહાડી સન્યાલ, અશોક કુમાર, પીસી બરૂઆ, માસ્ટર વિનાયક વગેરે…તેમાં પ્રેમ અદીબનું નામ પણ આવતું હતું.‘રામરાજ’ ઉપરાંત, પ્રેમ અદીબે ‘ભરત મિલાપ’ (૧૯૪૨), ‘રામબાણ’ (૧૯૪૮) વગેરે જેવી ફિલ્મોમાં રામની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મોમાં તેમની સાથે શોભના સમર્થ સીતાની ભૂમિકા ભજવતાં હતાં. ૧૯૪૩ થી ૧૯૫૦ સુધી, અદીબ-શોભના રામ-સીતા તરીકે સ્ક્રીન પર એટલા પ્રખ્યાત થયાં કે તેમના ચિત્રો ધાર્મિક સામયિકો અને કેલેન્ડરના કવર પર પ્રકાશિત થતા, જે મંદિરોમાં પૂજા માટે પણ રાખવામાં આવ્યાં હતાં.

પ્રેમ નારાયણ અદીબનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૧૭ના રોજ સુલતાનપુર (અવધ)માં કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પિતા પંડિત રામપ્રસાદ અદીબ વકીલ હતા. રામપ્રસાદના પિતા ૧૯મી સદીમાં કાશ્મીરથી અવધમાં રહેવા આવ્યા હતા. તેમના જ્ઞાનથી અવધના છેલ્લા નવાબ એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે તેમના પરિવારને અદીબનો ખિતાબ આપ્યો હતો, જેનો અર્થ થાય છે વિદ્વાન અને સંસ્કારી વ્યક્તિ. પ્રેમ અદીબના લગ્ન પૂર્વ કેન્દ્રીય પ્રધાન શીલા કૌલ (કૈલાશનાથ કૌલ, પંડિત જવાહરલાલ નહેરુના સાળા) ની બહેન કૃષ્ણા કુમારી કૌલ (ઉર્ફ પ્રતિમા) સાથે થયા હતા, જેની સાથે તેમને એક પુત્રી દામિની સોહોની અને એક પૌત્ર અંકુશ સોહોની હતો. પ્રેમ અદીબનું ૨૫ ડિસેમ્બર ૧૯૫૯ના રોજ બ્રેઈન હેમરેજને કારણે માત્ર ૪૨ વર્ષની વયે બોમ્બેમાં અવસાન થયું હતું. પ્રેમ અદિબે ૧૯૩૮માં ફિલ્મ ‘તલાક’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને તેમની છેલ્લી ફિલ્મ ‘અંગુલિમલ’ તેમના મૃત્યુના બીજા વર્ષે એટલે કે ૧૯૬૦માં રિલીઝ થઈ હતી. પ્રેમ અદીબે લગભગ ૨૧ વર્ષની કારકિર્દીમાં ૨૫ ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી તેમની માત્ર ધાર્મિક ફિલ્મો જ સફળ રહી. પ્રેમ અદીબે તેની કારકિર્દીમાં ૨૬ ગીતો પણ ગાયા હતા.

પ્રેમ અદીબે પડદા પર ભલે આદરણીય પાત્રો ભજવ્યાં હોય, પરંતુ તેમના અંગત જીવનમાં તેઓ ઘણા વિવાદોથી ઘેરાયેલા હતા. ઉદાહરણ તરીકે, એક સગીર અભિનેત્રીએ પ્રેમ અદીબ સામે તેના પિતા દ્વારા કેસ દાખલ કર્યો અને આરોપ લગાવ્યો કે તેણે કામ સંબંધિત કોન્ટ્રેક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસ કાનૂની સાહિત્યમાં રાજરાણી વિરુદ્ધ પ્રેમ અદીબ તરીકે પ્રખ્યાત થયો. છોકરી સગીર હોવાથી, તેના તરફથી તેના પિતાને સહી કરવા દેતા ન હોવાથી પ્રેમ અદીબ કેસ જીતી ગયો. પ્રેમ અદીબના મૃત્યુ પછી, એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે તેની સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને તે તેના બાળકનો પિતા હતો. તે દિવસોમાં ડીએનએ ટેસ્ટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે આ મામલો આગળ વધી શક્યો ન હતો અને તેનું સત્ય બહાર આવી શક્યું નહીં.

પ્રેમ અદીબ પહેલા અને પછી પણ અનેક કલાકારોએ ફિલ્મી પડદે રામની ભૂમિકા ભજવી છે, પરંતુ તેમને જે સ્ટારડમ અને દરજજો મળ્યો તે કોઈ મેળવી શક્યું નથી. શાયરીના શોખીન પ્રેમ અદીબને અભિનયનો શોખ ફિલ્મ ‘અનારબાલા’ જોયા પછી લાગ્યો. તેણે જેમ તેમ પોતાનો અભ્યાસ તો પૂરો કર્યો, પરંતુ તેના પરિવારને તેઓ એક્ટર બનવા માગે છે તે માટે મનાવી શક્યા નહીં. તેથી તેઓ ઘરેથી ભાગીને કલકત્તા પહોંચી ગયા. અભિનેતા બનવું ત્યારે પણ સરળ નહોતું. તેઓ કલકત્તાની શેરીઓમાં ફર્યા અને લાહોર ગયા, પછી અંતે ૧૯૩૬માં બોમ્બે પહોંચ્યા જ્યાં તેમનું નસીબ ખૂલ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button