મંદિરની ઘંટડી જેવા અવાજની માલિક શમશાદ બેગમની ન સાંભળેલી વાતો
ફોકસ -કૈલાશ સિંહ
‘કજરા મોહબ્બત વાલા, આંખ મેં ઐસા ડાલા, કજરે ને લેલી મેરી જાન, હાય રે મે તેરે કુરબાન’, ‘મેરે પિયા ગયે રંગૂન, વહા સે કિયા હૈ ટેલિફોન’, ‘લેકે પહેલા પહેલા પ્યાર, ભરકે આંખો મેં ખુમાર’, ‘કભી આર કભી પાર’ જેવા સદાબહાર ગીતો તમે રવિવારની બપોરે તમારા ઘરની બાલ્કનીમાં આરામ કરતી વખતે સાંભળ્યા જ હશે, ભલે તેમના ગાયકનું નામ યુવા પેઢીને ખબર ન હોય. એ પણ શક્ય છે કે તમે આ ગીતોના રિમિક્સ સાંભળ્યા હશે. આ ગીતો શમશાદ બેગમે તેમના સૂરીલા અવાજથી ગાયા છે, જે હિન્દી સિનેમામાં પ્લેબેક આપનાર પ્રથમ મહિલાઓમાંની એક છે અને નૂરજહાં અને લતા મંગેશકર બંનેથી સિનિયર હતી. ઘણા મોટા સંગીતકારો જેમ કે ગુલામ હૈદર, ઓ.પી. નય્યર, એસ.ડી. બર્મન, નૌશાદ, સી રામચંદ્ર વગેરે તેના અવાજના દિવાના હતા. શમશાદ બેગમે માત્ર ઉર્દૂ અને હિન્દીમાં જ નહીં પણ ગુજરાતી, પંજાબી, મરાઠી, તમિલ અને બંગાળીમાં પણ સેંકડો ગીતો ગાયા હતા.
શમશાદ બેગમનો જન્મ ૧૪ એપ્રિલ ૧૯૧૯ ના રોજ લાહોરના એક ધાર્મિક પરિવારમાં થયો હતો, તેથી તેણે પાર્શ્ર્વ ગાયિકા બનવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો અને ધર્મની દિવાલો તોડી નાખી અને ૧૫ વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા. જો કે શમશાદ બેગમે ક્યારેય ગાયકીની ઔપચારિક તાલીમ લીધી ન હતી, તેમ છતાં તેમની પાસે જન્મજાત પ્રતિભા હતી, જેને ૧૯૨૪ માં તેમના પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પ્રથમ વખત ઓળખવામાં આવી હતી. તેમને વર્ગખંડની પ્રાર્થનાની મુખ્ય ગાયિકા બનાવવામાં આવી હતી. જ્યારે તે દસ વર્ષની થઈ, ત્યારે તેણે ધાર્મિક કાર્યક્રમો અને પારિવારિક લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું. ૧૯૩૧માં જ્યારે તે ૧૨ વર્ષની હતી, ત્યારે તેના એક કાકા તેને ઝેનોફોન મ્યુઝિક કંપની માટે ઓડિશન આપવા લઈ ગયા. લાહોર સ્થિત સંગીતકાર ગુલામ હૈદર તેના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેમણે શમશાદ બેગમને ૧૨ ગીતો માટે કોન્ટ્રાક્ટ આપ્યો. શમશાદ બેગમના પિતા મિયા હુસૈન બક્ષ રૂઢિચુસ્ત માનસ ધરાવતા માણસ હતા, તેમણે તેમની પુત્રીના ગીતોને એ શરતે રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી કે તે બુરખો પહેરીને ગાશે અને તેનો કોઈ ફોટો લેવામાં આવશે નહીં. નિર્માતા દિલસુખ પંચોલીએ શમશાદ બેગમને પોતાની ફિલ્મમાં રોલ ઓફર કર્યો હતો. પરંતુ શમશાદ બેગમના પિતાએ ધમકી આપી હતી કે જો તે કેમેરાની સામે જશે તો તેનું ગાવાનું પણ બંધ કરી દેવામાં આવશે.
કદાચ આ જ કારણ છે કે શમશાદ બેગમને તેમના જીવનના અંત સુધી તેમના ફોટોગ્રાફ્સ લેવાનું પસંદ નહોતું અને તેથી તેમના ફોટોગ્રાફ્સ ભાગ્યે જ ઉપલબ્ધ છે. તેનેે ક્યારેય ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો નથી. ૧૯૩૩ અને ૧૯૭૦ વચ્ચેના તેમના ફોટોગ્રાફ્સ બહુ ઓછા લોકોએ જોયા છે. તેમણે પોતાને પ્રચારથી દૂર રાખ્યા હતો. જોકે શમશાદ બેગમે શરૂઆતમાં ગાયનની કોઈ તાલીમ લીધી ન હતી, પરંતુ બાદમાં તેમણે સારંગી ઉસ્તાદ હુસૈન બક્ષવાલે સાહેબ અને ગુલામ હૈદર પાસેથી ૧૯૩૭ અને ૧૯૩૯ વચ્ચે તાલીમ મેળવી હતી. ગુલામ હૈદરે તેમની શરૂઆતની ફિલ્મોમાં શમશાદ બેગમના અવાજનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને જ્યારે તેઓ ૧૯૪૪માં બોમ્બે (હવે મુંબઈ) શિફ્ટ થયા ત્યારે શમશાદ બેગમ પણ તેમની ટીમ સાથે બોમ્બે શિફ્ટ થઈ ગયા, લાહોરમાં તેમના પરિવારને છોડીને એક કાકા સાથે રહેવાનું શરૂ કર્યું. વિભાજન સમયે, ગુલામ હૈદર (જેમણે નૂરજહાંની પણ શોધ કરી હતી) પાકિસ્તાન ગયા અને શમશાદ બેગમે અન્ય લોકો માટે પણ ગાવાનું શરૂ કર્યું.
નૌશાદ પોતાની સફળતાનો શ્રેય શમશાદ બેગમને આપતા હતા. તેમના મતે તે ખૂબ જ મૃદુભાષી, લાગણીશીલ સ્ત્રી હતી જેને પ્રસિદ્ધિની કોઈ ઈચ્છા નહોતી. શમશાદ બેગમને ૨૦૦૯માં ઓપી નૈયર એવોર્ડ અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે તે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાનો પુરસ્કાર પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે તેણે ભાવનાત્મક રીતે કહ્યું હતું કે, “તમારી દુવાઓમાં મને યાદ રાખો… હું તમારા હૃદયમાં રહેવા માગુ છું.
પ્રચારની ઇચ્છા ન હોવા છતાં, શમશાદ બેગમ ૧૯૪૦ થી ૧૯૫૫ અને ફરીથી ૧૯૫૭ થી ૧૯૬૮ સુધી સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકા હતી. તેમના પતિ ગણપત લાલ બટ્ટોનું ૧૯૫૫માં એક અકસ્માતમાં અવસાન થયું, ત્યાર બાદ તેમણે ગાવાનું બંધ કરી દીધું. ઓ.પી.નય્યરે તેમને ફરીથી ગાવા માટે સમજાવ્યા. શમશાદ બેગમ નય્યરને લાહોરમાં મળ્યા હતા, જ્યારે તેણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાયું હતું અને નય્યર ઓફિસ બોય તરીકે કામ કરતા હતા અને મુખ્ય ગાયકોને કેક પીરસતા હતા. ૧૯૫૪માં જ્યારે નય્યરને સંગીતકાર તરીકે બ્રેક મળ્યો ત્યારે તેઓ ફિલ્મ ‘મંગુ’ માટે ગીતો રેકોર્ડ કરવા માટે તક મળી, ત્યારે સૌથી પહેલા તે શમશાદ માત્ર બેગમ પાસે જ ગયા હતા અને તેમને આ સંબંધને અંતિમ શ્ર્વાસ સુધી જાળવી રાખ્યો હતો. નય્યરે કહ્યું કે શમશાદ બેગમનો અવાજ તેના સ્વરની સ્પષ્ટતાને કારણે ‘મંદિરની ઘંટડી’ જેવો હતો.
૧૯૪૦ના દાયકાના અંત ભાગમાં મદન મોહન અને કિશોર કુમાર શમશાદ બેગમના ગીતોમાં કોરસ ગાતા હતા. તે સમયે શમશાદ બેગમે મદન મોહનને વચન આપ્યું હતું કે જ્યારે તે સંગીત નિર્દેશક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરશે, ત્યારે તે તેના માટે ઓછી ફીમાં ગીત ગાશે. તેણે પોતાનું વચન પાળ્યું. તેણે કિશોર કુમાર વિશે ભવિષ્યવાણી કરી હતી કે તે એક મહાન ગાયક બનશે. આ વાત સાચી પડી અને બાદમાં તેણે કિશોર સાથે યુગલ ગીતો પણ ગાયા. લાંબી માંદગી પછી, શમશાદ બેગમનું ૯૪ વર્ષની વયે ૨૩ એપ્રિલ ૨૦૧૩ના રોજ મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની પુત્રી ઉષા
રાત્રા છે.