મેટિની

વાત રહસ્યથી રગદોળાયેલી ત્રણ ફિલ્મની…

ફિલ્મનામા -નરેશ શાહ

ઓટીટીના આ યુગમાં દર અઠવાડિયે એટલું બધું આપણી સામે પેશ થાય છે કે શું જોવું – શું પડતું મૂકવું તેની કશમકશ કાયમી થઈ છે ત્યારે આજે ત્રણ એવી ફિલ્મની વાત કરીએ, જે લગભગ તમારી નજર ચૂકવી પણ ગઈ હોય એની શક્યતા વધુ છે:

ગ્લાસ ઑનિયન: રહસ્યનાં પારદર્શક જાળાં
૨૦૧૯માં આવેલી ‘નાઈવ્સ આઉટ’ ફિલ્મ પર સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રીના ચાહકો સમરકંદ બુખારા ઓવારી ગયા હતા. પ્રશંસકો અને વિવેચકોએ પણ તેની નોંધ લીધેલી અને એ ફિલ્મ બનાવનારા દિગ્દર્શક રિઆન જોન્સન એવી જ ધારદાર છરી લઈને ત્રણ વરસ પછી ‘ગ્લાસ ઑનિયન: ધ નાઈવ્સ આઉટ મિસ્ટ્રી’ સાથે ‘નેટફ્લિક્સ’ પર ત્રાટક્યાં છે. ‘ગ્લાસ ઑનિયન’ પણ એમની છેલ્લી ફિલ્મની જેમ તમને ખુરશી કે સોફાની ધાર સુધી ખેંચી લાવે તેવી ચુસ્ત છે. આ ફિલ્મની થીમ આમ જુઓ તો ૧૯૬૫માં આવેલી આપણી ‘ગુમનામ’ ફિલ્મ જેવી છે. ‘ગુમનામ’ ફિલ્મમાં અમુક લોકો એક ચોક્કસ સ્થળે ફસાઈ જાય છે અને પછી એક પછી એક હત્યા થવી શરૂ થઈ જાય છે.

‘ગ્લાસ ઓનિયન’ ફિલ્મમાં ટેક બિલિયોનર માઈલ્સ બ્રોન પોતાના ગ્રૂપના છ મિત્રને ગ્રીસના ટાપુ પરના પોતાના આલિશાન વિલામાં (દર વર્ષની પરંપરા મુજબ) આમંત્રે છે.

પોતાની અજીબ આમંત્રણપત્રિકામાં જ માઈલ્સે જણાવ્યું છે કે ‘આપણે ભેગા થઈશું એ પછી તમારે મારી હત્યાનો ભેદ ઉકેલવાનો છે…!’ બધા સાથીદારો, જેમાં ભૂતપૂર્વ ટોપ મોડલ, ગવર્નર બની ગયેલી દોસ્ત તેમ જ માઈલ્સ સાથે કામ કરનારું દંપતી તેમ જ હર્ટ થયેલી અને કોર્ટે ચઢેલી પાર્ટનર એન્ડી પણ છે. યોટ ટાપુ પર પહોંચે છે ત્યારે મિત્રો સાથે મશહૂર જાસૂસ બેનોત બ્લેન્ક (ડેનિયલ કેગ – ભૂતપૂર્વ જેમ્સ બોન્ડ)ને જોઈને માઈલ્સને અટપટું લાગે છે, પરંતુ એ પછી અણધારી ઘટનાઓ બને છે. પ્લાનિંગ મુજબ તો માઈલ્સ બ્રોનનું મર્ડર થવાનું હોય છે, પણ હત્યા એના મિત્ર ડયૂકની થઈ જાય છે. એ પછી કોર્ટમાં કેસ લડી રહેલી પાર્ટનર એન્ડી પણ ફાયરિંગનો ભોગ બને છે.

૨૦૧૯ની ‘નાઈવ્સ આઉટ’ ફિલ્મના જાસૂસ બેનોત બ્લેન્કે જ ‘ગ્લાસ ઑનિયન’ની મર્ડર મિસ્ટ્રી ઉકેલવા આવે છે. આખી ફિલ્મ ટાપુ પર છે, પરંતુ દર્શક સમજી જાય છે કે આ કોવિડના લૉકડાઉનના સમયકાળની વાત છે. ટાપુ પરના માઈલ્સ બ્રોનના આધુનિક તેમ જ કાચ (ગ્લાસ)ના ઠેરઠેર ઉપયોગથી બનેલી વીલા અપનેઆપમાં લાજવાબ છે. જો કે મર્ડર મિસ્ટ્રીમાં અનુમાન કરીને ગોથાં ખાવાનો એક રોમાંચ હોય છે અને ડિરેક્ટર રિઆન જોન્સન એ સફળતાપૂર્વક ખવડાવે છે. ફિલ્મનું ટાઈટલ ‘ગ્લાસ ઑનિયન’ બિટલ્સની ધૂન પરના એક ગીત પરથી લેવામાં આવ્યું છે અને એ રીતે જ ટાપુ પરનો વીલા (સેટ) ડિઝાઈન થયો છે. બે કલાક અને ઓગણીસ મિનિટના આ રોમાંચ અને રહસ્યમાં સામેલ થવાનું તમને આહ્વાન છે!

ધોખા:
રાઉન્ડ ધી કોર્નર
રસપ્રદ અને મજબૂત ફિલ્મો ક્યારેક નજર ગૂપચાવીને થિયેટરમાંથી ઊતરી જાય એવું ભૂતકાળમાં બન્યું છે, કારણ કે માઉથ પબ્લિસિટીનો લાભ મળે તે પહેલાં બીજી મોટી રિલિઝને કારણે તેણે થિયેટર ગુમાવી
દેવા પડે છે. બેશક, હવે એ સુધારો થયો છે કે તમે તેને ઓટીટી પ્લૅટફૉર્મ પર ઝડપી શકો છો.

આર. માધવનની ‘ધોખા: રાઉન્ડ ધી કોર્નર’ આવી જ ફિલ્મ છે.

પત્ની સાંચી (ખુશાલીકુમાર) એ કરેલી ડિવોર્સ પેપર પર સાઈન કરી દેવાની તાકીદમાં હામી ભરીને પરેશાન પતિ યથાર્થ સિંહા (આર.માધવન) ફ્લૅટથી નીકળીને ઑફિસ પર પહોંચે છે ત્યાં જ ખબર પડે છે કે, એક ફરાર આતંકવાદી હક રિયાઝ ગુલ (અપારશક્તિ ખુરાના) એમના ફ્લૅટમાં ઘૂસી ગયો છે અને પત્ની સાંચીને એણે બાનમાં લીધી છે… એ પછી શું થાય છે? એ જોવાની મજા તો ‘નેટફ્લિક્સ’ પર સ્ટ્રીમ થયેલી ‘ધોખા: રાઉન્ડ ધી કોર્નર’ ફિલ્મમાં છે. ‘રોકેટ્રી’ પછી રિલીઝ થયેલી આર.માધવનની આ ફિલ્મ છે. એમાં એ રાબેતા મુજબ પરફેક્ટ છે. જોકે ‘ધોખા’માં આતંકવાદી તરીકે અપારશક્તિ ખુરાનાની મહેનત પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. યાદ એટલું રાખજો કે આ ફિલ્મ તમારી નજર ભલે ચૂકવી ગઈ હોય, પણ એ ગૂડ ટાઈમ પાસ તો છે જ…

અલોન:
‘યાદેં’ પછીનું યાદગાર’
હિન્દી સિનેમાના પરદે ૧૯૬૪માં આવેલી એક ફિલ્મ ૨૦૨૩માં પણ ‘વન એન્ડ ઑન્લી’ તરીકે નોંધાયેલી છે. એ ફિલ્મનું નામ: ‘યાદેં ’ આ જ નામથી સુભાષ ઘઈએ પછીથી જેકી શ્રોફને લઈને ફિલ્મ બનાવેલી, પરંતુ સુનીલ દત્તની ‘યાદેં’ એટલે અનોખી રહી કે એક કલાક ત્રેપન મિનિટની આ ફિલ્મમાં એકમાત્ર કલાકાર સુનીલ દત્ત હતા. અખ્તર અલ ઈમાને લખેલી ‘યાદેં’ ફિલ્મ ખરેખર તો સોલોલોકી હતી. પરદા પર માત્ર અને માત્ર સુનીલ દત્ત જ દેખાતા હતા. હા, ઘરે પહોંચ્યા પછી સુનીલ દત્તને ખબર પડે છે કે પત્ની (નરગિસ) અને પુત્ર (સંજય દત્ત) ઘરમાંથી ગાયબ છે. બેશક, બન્નેના અવાજ ફિલ્મમાં વપરાયા છે, પણ સ્ક્રીન પર માત્ર સુનીલ દત્ત જ આપણને જોવા મળે.

‘યાદેં’ બહુ ચાલી નહોતી, પણ હિન્દી સિનેમાનાં સો વરસમાં એ એક ‘માઈલસ્ટોન’ તરીકે નોંધાઈ ગઈ છે. એ પછી આવો સિનેમેટિક પ્રયોગ (થવો જોઈતો હતો પણ) થયો નહોતો.

૨૦૨૩માં મલયાલમ ભાષામાં એ પ્રયોગ થયો, સુપરસ્ટાર મોહનલાલ સાથે. ‘અલોન’ નામે. બે કલાક અને બે મિનિટની ‘અલોન’ ફિલ્મમાં સ્ક્રીન પર માત્ર મોહનલાલ જ તમને જોવા મળે છે. દિગ્દર્શક શાજી કૈલાસ અને રાઈટર રાજેશ જયરામે આ પ્રયોગાત્મક ફિલ્મમાં કોવિડ-કાળનો સમયકાળ વાપર્યો છે. લૉકડાઉનના દિવસે જ ભાડાંના ફ્લૅટમાં રહેવા આવેલા કાલીદાસ (મોહનલાલ)ને ખબર પડે છે કે આ જ ફ્લૅટમાં અગાઉ ભાડેથી રહેતાં માતા-પુત્રીએ આત્મહત્યા કરી હતી, પણ એમાં કશુંક અણધાર્યું જરૂર બન્યું છે.

ફ્લૅટમાં લૉકડાઉન દરમિયાન એકલાં રહેતાં-રહેતાં જ એ મોબાઈલ ફોનની મદદથી સચ્ચાઈ સુધી પહોંચે છે. કાલીદાસ ફોનથી જેની સાથે વાત કરે છે એ પાત્રોના અવાજ (પૃથ્વીરાજ સુકુમાર, મંજુ વોરિયર, મલ્લિકા સુકુમારન જેવા સ્ટાર) આપણને સાંભળવા મળે છે, પણ ‘યાદેં’ની જેમ અહીં સ્ક્રીન પર માત્ર મોહનલાલ જ જોવા મળે છે. ‘ડિઝની હોટસ્ટાર’ પર આ ફિલ્મ જોઈ શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button