દુનિયામાં એક જ વસ્તુ રિ-સાઈકલ કરી શકાતી નથી એ છે વેડફી નાખેલો સમય!
અરવિંદ વેકરિયા
અમદાવાદની ટ્રીપ આમ તો સફળ રહી કહેવાય. કલાકારોની વરણી બાબત. એક કોલગર્લ માટે વાત અટકી એ ખટકો હતો. મને અભયભાઈની નિસ્વાર્થ ભાવના ગમી. મિત્ર હતા પણ મળતાં ત્યારે અથવા ક્યારેક પ્રસંગોપાત ફોન પર હાઈ-હેલ્લો, બસ ! આથી વિશેષ કઈ નહિ. અમદાવાદમાં એમણે અમારે માટે ખર્ચેલો સમય જાણે મિત્રને આપણા’ બનાવી દીધા. કોઈએ બહુ સુંદર વ્યાખ્યા બાંધી છે : તમે’ ‘તમારા’થી જયારે ખોવાઈ જાઓ ત્યાતમને’ શોધવામાં તમારી’ મદદ કરે તે આપણા’. બાકી પોતાનું કામ છોડી આટલાં પ્રેમથી તમને કોણ સમય આપે?
દુનિયામાં એક જ વસ્તુ ‘રિ-સાઈકલ’ કરી શકાતી નથી અને એ છે વેડફી નાંખેલો સમય. મુંબઈ આવીને સવારે પહેલો ફોન
ભટ્ટ સાહેબને કરી અમારી અમદાવાદની આખી ટ્રીપ વિશે
જણાવી દીધું. આ નિષ્ફળ નાટકને સફળ અને સુપરહિટ
બનાવવા માટે ભાગીદાર’ બની જે મોકો આપ્યો એ કેમ ભુલાય? આમ પણ જીવનમાં બે વ્યક્તિ નવી દિશા આપે છે, એક જે
‘મોકો’ આપે અને બીજી જે ‘ધોખો’ આપે. અમને ‘મોકો’ આપનાર ભટ્ટ સાહેબને વાત કરી પછી યાદ આવી કોલગર્લ અને સાથે
યાદ આવ્યો મિત્ર વિજય મહેતા. (જે હવે હયાત નથી). એમને મેં ફોન જોડ્યો. એમને આખી વાત કરી- કોલગર્લના ખૂટતા પાત્ર
વિષે વાત કરી. મને કહે : ‘હિન્દીભાષી ચાલે?’ મેં વિચાર્યું કે આમ પણ કોલગર્લનો રોલ તો નાનો છે, માત્ર ગ્લેમર પૂરતો. મેં કહ્યું, ‘ચાલશે’
તુષારભાઈ ક્યારેક ડ્રીંક લેતા હતા. વિજયભાઈ કહે, પાર્લામાં હરીશ બાર છે, એની બાજુમાં દીપા બાર છે. ત્યાં મારી એક-બે મિત્રો છે, વાત કરી જોઈએ. લગભગ તો વાંધો નહિ આવે, ‘કામ થઇ જશે.’ અમે સાંજે દીપા બાર પાસે મળ્યા. અમે દીપા બારમાં પ્રવેશ્યા. વાતાવરણ જ નશીલું અને મારા માટે ગભરાટભર્યું… દાખલ થયા ત્યારે એક યુવતી કોઈ હિન્દી ફિલ્મીગીત ગઈ રહી હતી. ટેબલો બધા ગોઠવાયેલા હતા. બધા ‘પીવા’ નાં અને ‘સંગીત’ નાં મુડમા જ હતા.
સમય થોડો વહેલો હતો એટલે ખાસ ગીરદી હતી નહિ. વિજયભાઈ અમને ત્યાંથી બીજા રૂમમાં ને પછી ત્રીજા રૂમમાં લઇ ગયા. મારે માટે આ બધું થોડું વિચિત્ર અને સાવ નવું હતું.ત્યાં એક યુવતીએ આવીને વિજયભાઈને હગ કર્યું .અમારી ઓળખાણ કરાવી. એ છોકરી મૂળ બંગાળી હતી, નામ રૂપાલી હતું. એને નાટક અને રોલ વિષે બધી વાત કરી.
મારો તો આ વાતાવરણમા જીવ મુંઝાતો હતો. થતું હતું કે બારમાંથી બહાર નીકળીશ અને કોઈ ઓળખીતું જોઈ જશે તો મારા વિષે શું વિચારશે? રૂપાલી કહે, ‘હમારે યંહા તો શામકો કામ શરૂ હોતા હૈ. દુપહરકા શો તો મૈ કર સકતી હું. ઔર પૈસે…. મેં કહ્યું ના, બહેન. અહીં તો બપોર-સાંજ ગમે ત્યારે શો કરવા પડે અને આ તો પાછુ ગુજરાતમાં…’ અમે ત્રણેય હાથ હલાવતા
બહાર નીકળી ગયા ત્યારે મને હાશકારો થયો. હવે જટિલ પ્રશ્ર્ન તો ઉભો જ હતો ‘કોલગર્લ’… વિજયભાઈએ કહ્યું, બેસવું હોય તો થોડીવાર..’ મેં વચ્ચે થી જ કહ્યું,’ ના ભાઈ.. એવું લાગ્યું
જાણે એક કોલગર્લને શોધવા આખી બજાર’મા આવી ગયા હોય એવું લાગ્યું.
અમે વિજયભાઈનો આભાર માની છુટા પડ્યા. રવિવારે ફરી વાત મધરાત પછીની’ નો શો તેજપાલમાં હતો. હવે એક દિવસ હું જરા વિચારવામાં કાઢું છું.’ મેં તુષારભાઈને કહ્યું. મુંબઈનાં શો પૂરતો જ મામલો હોત તો કોઈ પણ રીતે ગોઠવાય શકે, પણ અમદાવાદ માટે અહીંથી કોઈની શોધ કરવી અને અમદાવાદના કલાકારો સાથે ‘જેલ’ કરવી જરા અઘરું તો હતું જ.
ખેર, મેં આખો વિચાર ભગવાનને ખોળે ધરી દીધો. મને વિશ્ર્વાસ છે કે ઈશ્ર્વર મારી સાથે છે તો શું ફરક પડે છે કે કોણ મારી સામે છે.! અને નાટક ક્યા કાલે ને કાલે કરવાનું છે? શનિવારે આખો દિવસ બધાને ફોન કરી મારી તકલીફ જણાવતો રહ્યો. એક આશાએ કે ક્યાંકથી નિવારણ મળે મારી સમસ્યાનું, પણ પરિણામ શૂન્ય. ઘણાએ ઘણાં સૂચનો આપ્યા જે મારે ગળે ન ઊતર્યા. મને હતું કે હારેલાની સલાહ અને જીતેલાનો અનુભવ જો સાથે હોય તો માણસ જરૂર આગળ વધે., પણ મારા અથાગ પ્રયત્નો છતા શક્ય ન બન્યું. છેવટે મેં અભયભાઈને અમદાવાદ ફોન કરી જણાવી દીધું કે ત્યાંથી થોડી વધુ મહેનત કરી શોધવાનો પ્રયત્ન કરીએ…
જિંદગી અને ગણિતને જોડાશો તો ખાશો ખતા,
લેણ-દેણ હશે તો લેશો-દેશો, બાકી શૂન્યનાં સરવાળા નથી હોતા.
ડૉક્ટર: (ઈજાગ્રસ્ત દરદીને) જુઓ, જયારે કોઈ લેડી ગાડી ચલાવી રહી હતી તો તમારે રોડથી દૂર ચાલવું જોઈએને?
દરદી: કયો રોડ? હું તો ગાર્ડનમાં આરામ કરતો હતો..