રામાયણનો આધુનિક અવતાર: સત્કાર ને તુચ્છકાર
હિન્દી ફિલ્મ બનાવતા નિર્માતા – દિગ્દર્શક પૌરાણિક કથાને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાની કોશિશ કરતા રહ્યા છે. એમાં કેટલાકને મળ્યો છે આવકાર તો અમુકને જાકારો!
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
(ડાબેથી) બાબુભાઈ મિસ્ત્રીની ’કલયુગ ઔર રામાયણ’ અને કંગનાની ’સીતા’
ભારતીય ચિત્રપટ સૃષ્ટિના જનક ગણાતા ધુંડીરાજ ગોવિંદ ફાળકે – દાદાસાહેબ ફાળકેએ ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખી ’રામાયણ’ પર આધારિત પહેલી ફિલ્મ ‘લંકા દહન’ ૧૦૭ વર્ષ પહેલાં બનાવી ત્યારે ભારત હજી બ્રિટિશ શાસન હેઠળ હતું. આ સિવાય ભગવાન રામને કેન્દ્રમાં રાખી દાદાસાહેબ ફાળકેએ ‘રામ મારુતિ યુદ્ધ’ (૧૯૨૩) અને ‘રામ રાજ્ય વિજય’ (૧૯૨૬) નામની બે મૂંગી ફિલ્મ પણ બનાવી હતી.
એ સમયે જનતા-દર્શકોને ઈશ્ર્વરમાં ગજબની આસ્થા હોવી જોઈએ, કારણ કે ફિલ્મ જોવા લાંબી લાઈન લાગતી. એવી પણ નોંધ છે કે ટિકિટ કોને મળશે એ માટે લાઈનમાં ઊભેલા લોકો સિક્કો ઉછાળી અનુમાન લગાવતા. ટિકિટ માટે હુંસાતુંસી બહુ સામાન્ય બાબત ગણાતી. ભગવાન શ્રી રામ અને સીતા મૈયા માટે લોકોના હૃદયમાં એવો ભક્તિભાવ હતો કે થિયેટર જાણે મંદિર ન હોય એમ લોકો બૂટ – ચપ્પલ ઉતારી ફિલ્મ જોવા બેસતા. આની સામે ગયા વર્ષે આવેલી ‘આદિપુરુષ’ને સરખાવો. રામાયણના આધુનિક અવતારની ફિલ્મ તરીકે એના ગીત રિલીઝ પહેલા વગાડવામાં આવ્યા હતા જેને કારણે ફિલ્મ રસિકોમાં એના માટે કુતૂહલ અને ઉત્સાહ જાગ્યા હતા. પણ થયું શું? ‘આદિપુરુષ’ નામના આધુનિક અવતાર પર લોકો એવા ભડક્યા કે સ્ક્રીન પર બૂટ- ચપ્પલ ફેંકે એવી નોબત આવી ગઈ. પરંપરા સાથે છેડછાડ સામે દર્શકોનો રોષ ભભૂકી ઊઠ્યો. ૧૯૧૭ અને ૨૦૨૩ના બે અંતિમો વચ્ચે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રામ-રામાયણને પરંપરાગત રીતે તેમજ આધુનિક સ્વરૂપે રજૂ કરવાની કોશિશ થઈ છે.
જો કે, પરંપરા પ્રેમી દેશમાં પરંપરાને પડકારતી ધાર્મિક ફિલ્મોના નવા અવતારને દર્શકો આવકારે એના કરતાં જાકારો આપે એવી સંભાવના વધુ હોય છે.
રામાયણના અનેક ‘અવતાર’ છે, પણ અસલી રામાયણ તો વાલ્મીકિની જ એવું માનતા લોકોની બહુમતી છે. એ જ રીતે રામાયણ પર ઘણી ફિલ્મો બની છે, પણ વિજય ભટ્ટની ‘રામ રાજ્ય’ (૧૯૪૩) અને બાબુભાઇ મિસ્ત્રીની ‘સંપૂર્ણ રામાયણ’ (૧૯૬૧) તથા રામાનંદ સાગરની ‘રામાયણ’ ટીવી સિરિયલ દર્શકોના હૃદયમાં બિરાજમાન થવામાં અગ્રેસર અલબત્ત, બીજી પણ કેટલીક ફિલ્મો બની છે અને રામાયણને આધુનિક પરિપ્રેક્ષયમાં દર્શાવવાનો પ્રયાસ પણ થયો છે. મનોજ કુમારે લખેલી વાર્તા પરથી બાબુભાઈ મિસ્ત્રીએ દિગ્દર્શિત કરેલી ‘કલયુગ ઔર રામાયણ’ (૧૯૮૭) આધુનિક સ્પર્શનું જાણીતું ઉદાહરણ છે. ભગવાન શ્રી રામના આદેશથી હનુમાન મનુષ્ય વેશ ધારણ કરી પવન કુમાર (મનોજ કુમાર) તરીકે અનેક મુસીબતોથી ઘેરાયેલા પરિવારને કેવી રીતે ઉગારે છે એ કથાનું કેન્દ્ર હતું. જો કે, કળિયુગ અને રામાયણને આ રીત સાંકળી લેવાના એ પ્રયાસનો વિરોધ થયો હતો પછી સેન્સર બોર્ડના આદેશથી ફિલ્મનું નામ ‘કલયુગ કી રામાયણ’માંથી ‘કલયુગ ઔર રામાયણ’ કરવું પડ્યું હતું.
શ્યામ બેનેગલની ‘ભારત એક ખોજ’ના બે એપિસોડ ‘રામાયણ – ભાગ ૧’ અને ‘રામાયણ – ભાગ ૨’માં પણ રામાયણને અલગ દ્રષ્ટિએ નિહાળવાનો પ્રયાસ થયો હતો. મૃત્યુશૈયા પરથી રાવણ ભગવાન શ્રી રામ દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના તાત્વિક જવાબ રાવણ આપે છે એ ભાગ ઘણો રસપ્રદ બન્યો છે.
આધુનિક અવતારની વાત કરીએ ત્યારે મણિરત્નમની ‘રાવણ’ (૨૦૧૦)ને અચૂક યાદ કરવી જોઈએ. ફિલ્મમાં રામાયણને રાવણની નજરે જોવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન બીરા મુંડા નામના નક્સલવાદીનું પાત્ર ભજવે છે, જે પોલીસની ડાયરીમાં ગુનેગાર છે, પણ જનતામાં આદર ધરાવે છે. કથામાં બીરા મુંડા પોતાની બહેન જમુનિયાની હત્યાનો બદલો લેવા પોલીસ પત્નીને ઉઠાવી જાય છે… તમે સમજી ગયા હશો કે રાવણ અને શૂર્પણખાની વાતનો આધાર છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘આદિપુરુષ’ની રજૂઆત પર લોકો કેવા ભડક્યા હતા એ વાત જાણીતી છે. હવે બધાની નજર કંગના રનૌટની આવનારી ફિલ્મ ‘સીતા’ પર છે. આધુનિક દ્રષ્ટિકોણ હશે તો પણ ફિલ્મમાં સીતા – રામ અને એકંદરે રામાયણના ગુણગાન ગાવામાં આવ્યા હશે એવું કંગનાના વ્યક્તિત્વના પરિચય પરથી જરૂર કહી શકાય.