મેટિની

નૌશાદને ચાન્સ આપનાર ગીતકાર

એક્ટર તરીકે શરૂઆત કર્યા પછી ૧૯૩૦ના દાયકામાં બ્રિટિશ સરકારની ટીકા કરવા બદલ ફિલ્મ ડિરેક્શનથી વંચિત રહેલા દીનાનાથ મધોકે ગીતકાર તરીકે ગજું કાઢ્યું હતું

હેન્રી શાસ્ત્રી

બોલપટના પ્રારંભના દોરમાં અનેક કલાકાર એવા હતા જેઓ એકથી વધુ જવાબદારી નિભાવતા હતા. રેલવેની નોકરી છોડી મુંબઈ આવેલા દીનાનાથ મધોક (ડી. એન. મધોક)ને સંગીતમાં રુચિ હતી અને ગીતકાર તરીકે કારકિર્દી બનાવવાની પ્રબળ ઈચ્છા હતી. જોકે દેખાવમાં હેન્ડસમ લાગતા યુવાન દીનાનાથને પહેલી ઓફર મળી ફિલ્મમાં અભિનય કરવાની. બીજું કોઈ હોય તો આવી ઓફરથી રાજી રાજી થઈ જાય પણ આપણા મધોક સાબ તો નિરાશ થઈ ગયા, કારણ કે કેમેરા સામે નહીં, કેમેરાની પાછળ રહી કલમનો કસબ દેખાડવાની તમન્ના હતી. જોકે, વ્યવહારુ નીતિ અપનાવી તેમણે ‘કૃષ્ણ સુદામા’ ફિલ્મમાં એક્ટિંગ કરવાની ઓફર સ્વીકારી લીધું. એ નિમિત્તે ડિરેક્ટરના સંપર્કમાં આવી શકાશે અને એમની સમક્ષ પોતાની ગીતકારની આવડતનો ઉલ્લેખ કરી પોતાના મક્સદમાં આગળ વધી શકાશે એવી તેમની ગણતરી હતી. આ ગણતરી બહુ જલદી ખરી સાબિત થઈ અને ‘કૃષ્ણ સુદામા’ રિલીઝ થવા પહેલા જ મિસ્ટર મધોકને ‘રાધે શ્યામ’ ફિલ્મમાં એક્ટિંગ સાથે ગીત લખવાની ઓફર મળી અને તમે માનશો, આ ફિલ્મમાં દીનાનાથ મધોકે પાંચ – સાત નહીં પણ પૂરા ૨૯ ગીતો લખ્યાં. આ બધા ગીતની યાદી ઉપલબ્ધ છે.

જોકે, ગીતકાર તરીકે ગજું કાઢવા માગતા મધોક સાહેબને રણજીત મુવીટોનમાંથી ઓફર આવી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની. અફસોસ કરવાની વાત તો દૂર રહી, સહેજ પણ ખચકાયા વિના તેમણે આ તક ઝડપી લીધી. તેમની ઈચ્છા તો ઈન્ડસ્ટ્રીમાં ઘૂસવાની હતી અને ઘૂસી ગયા પછી પોતાનો મનસૂબો પાર પાડે એવો તેમને વિશ્ર્વાસ હતો. આવડત અનેક હોવાથી ટૂંક સમયમાં તેમણે ગીતકાર ઉપરાંત ફિલ્મ ડિરેક્ટરની જવાબદારી પણ નિભાવી. ‘દિલ કા ડાકુ’, ‘દિલ ફરોશ’ અને ‘શમા પરવાના’ ફિલ્મો તેમણે ડિરેક્ટ કરી. ૧૯૩૭ની રણજીત સ્ટુડિયોની (નિર્માતા ચંદુલાલ શાહ) ‘શરાફી લૂટ’ મધોક સાબની કારકિર્દીમાં વળાંક લાવનારી સાબિત થઈ. રિલીઝ થયા પછી ફિલ્મને ખાસ્સી લોકપ્રિયતા મળી પણ અચાનક એને સેન્સર કરવામાં આવી, કારણ કે ફિલ્મમાં બ્રિટિશ સરકારને ખરાબ ચીતરવામાં આવી હતી અને એને કારણે સત્તાધીશો રોષે ભરાયા અને દીનાનાથ મધોક પર ફિલ્મ ડિરેક્ટ કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અલબત્ત શ્રી મધોક માટે તો આ બાબત ‘ભાવતું’તું ને વૈદે કીધું’ જેવી સાબિત થઈ. તેમનું બધું ધ્યાન કલમ પર કેન્દ્રિત થયું અને પટકથા લેખન અને ગીતકાર તરીકે કામ કરવા લાગ્યા. ૧૯૪૦ – ૫૦ના દાયકામાં તેમના ગીત એવા ગુંજવા લાગ્યા કે તેઓ ‘મહાકવિ મધોક’ તરીકે ઓળખાવા લાગ્યા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઊંચા ગજાના સંગીતકાર નૌશાદ સાબ જાણીતા બન્યા ‘રતન’ (૧૯૪૪)થી જેમાં મધોક સાહેબનાં જ ગીતો હતાં, પણ નૌશાદજીને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું ત્યારે ‘પ્રેમ નગર’ (૧૯૪૦)માં ડી એન મધોકના કહેવાથી નૌશાદજીને તક મળી હતી. આ વાત ખુદ નૌશાદજીએ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. આ ફિલ્મ પછી મધોક – નૌશાદ જોડીની બીજી ફિલ્મ ‘શારદા’ (૧૯૪૨)માં નૌશાદજીએ સુરૈયાને ગાયિકા તરીકે પહેલી તક આપી અને પછી સુરૈયાએ કેવી ઊંચાઈ હાંસલ કરી એ વાત જાણીતી છે.

૧૯૪૦ના દાયકાના બે ઊંચા દરજ્જાના ગાયક ખુર્શીદ અને કુંદનલાલ સાયગલે પણ મધોક સાબના લખેલાં ગીતો ગાયાં હતાં. ‘તાનસેન’ ફિલ્મના ‘સપ્ત સુરન તીન ગ્રામ ગાઓ સબ ગુણીજનો’, ‘મોરે બાલાપન કે સાથી’ અને ‘ઘટા ઘનઘોર ઘોર’ ગીતો આજે પણ એ સમયનાં સંગીત પ્રેમીઓ નહીં ભૂલ્યા હોય એવી લોકપ્રિયતા મળી હતી. અલબત્ત પોતાના સમયના યાદગાર ગીતો આપવા ઉપરાંત નૌશાદ સાબની આંગળી પકડી આગળ તેમને આગળ કરનાર ગીતકાર તરીકે ડી એન મધોક કાયમ સ્મરણમાં રહેશે.

‘વંદે માતરમ્’ માટે ‘સંગીત લડાઈ’
वंदे मातरम्। सुजलाम् सुफलाम् मलयजशीतलाम् मातरम्। આ શબ્દો કાને પડતા કે વાંચવામાં આવે એટલે ભાવવિભોર થઈ જવાય અને દેશાભિમાનથી છાતી ગજ ગજ ફૂલી જાય. ભારતીય ઈતિહાસમાં ૧૮૫૭નું વર્ષ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ૧૯૪૭માં ભારત બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું એના બીજ ૯૦ વર્ષ પહેલા રોપાયા હતા. એ સમયે બંગાળના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નામના એક લબરમૂછિયા યુવકને ૧૮૫૭ની સ્વાતંત્ર્ય લડતનું જબરું આકર્ષણ હતું. ૧૮૫૭માં જ બ્રિટિશ સરકારે ‘ગોડ સેવ ધ ક્વીન’ એ બ્રિટિશ રાષ્ટ્રગીત ભારતમાં ઠોકી બેસાડવાની કોશિશ કરી રહી હતી. તેમનું રાષ્ટ્રગીત ભારતનું પણ રાષ્ટ્રગીત છે એવું વાતાવરણ તૈયાર કરવાની કોશિશ થઈ રહી હતી. આ વાત બંકિમચંદ્રને ખૂબ ખટકી. ભારતની જનતા બ્રિટિશ રાષ્ટ્રગીતનો તિરસ્કાર કરી રહી હતી. આજથી ૧૫૦ વર્ષ પહેલા એટલે કે ૧૮૭૩માં તેમને પહેલી વાર વિચાર આવ્યો કે ભારતનું પોતાનું રાષ્ટ્રગીત હોવું જોઈએ અને ૧૮૭૬ની ૭ નવેમ્બરે તેમણે દેશભક્તિની ભાવનાથી છલકાતું અને ભારતને માતૃભૂમિનું સંબોધન કરી નમન કરતું ‘વંદે માતરમ્’ લખ્યું. ૧૮૮૨માં બંકિમચંદ્રની ‘આનંદ મઠ’ નામની નવલકથા પ્રકાશિત થઈ જેમાં ‘વંદે માતરમ્’ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોગાનુજોગ આજે જેમની ૫૦મી પુણ્યતિથિ છે અને ૧૨૫મી જન્મજયંતીનું વર્ષ ચાલી રહ્યું છે એ મરાઠી સંગીત નાટકના મહારથી તેમજ મરાઠી ચિત્રપટમાં સંગીતકાર સ્વરૂપે યોગદાન આપનારા માસ્તર કૃષ્ણરાવ ફુલંબ્રીકરએ ‘વંદે માતરમ્’ માટે ‘સંગીત લડાઈ’ ચલાવી હતી.

‘બહુઆયામી કલાવંત’ અને ‘ભૈરવી કે બાદશાહ’ જેવી ઓળખ મેળવનારા માસ્તર કૃષ્ણરાવને ‘વંદે માતરમ્’ માટે અધિક પ્રીતિ હતી. ૧૯૩૫ની આસપાસ તેમણે સમગ્ર ગીતને સ્વરબદ્ધ કરી પ્રભાત ફિલ્મ કંપનીના સ્ટુડિયોમાં સ્વરબદ્ધ પણ કર્યું. એ સ્વર રચના થોડી અઘરી હતી, પણ દરેક ઉંમરનાં સ્ત્રી – પુરુષ ગાઈ શકે એ પ્રકારે એની સ્વર રચના પણ કરી. ત્યારબાદ તેમણે આ ગીતનું રેકોર્ડિંગ બહાર પાડ્યું અને એ રચના ખૂબ લોકપ્રિય થઈ હતી. ૧૯૪૭ – ૧૯૫૦ના સમયકાળમાં માસ્તરે દિલ્હીમાં સંસદમાં બંધારણ સમિતિના સભ્યો સમક્ષ ‘વંદે માતરમ્’ને દેશના રાષ્ટ્રગીત તરીકે અપનાવવા આગ્રહ કર્યો. જોકે, તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ અગાઉ જ ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે નક્કી કરી લીધું હોવાથી માસ્તર કૃષ્ણરાવની સર્વ કોશિશ એળે ગઈ. જોકે, ‘વંદે માતરમ્’ની સંપૂર્ણ બાદબાકી ન થઈ અને ભારત સરકારે તેને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો. આ ઘટના પછી કૃષ્ણરાવે સ્વરબદ્ધ કરેલા ‘વંદે માતરમ્’ ગીતની રેકોર્ડ વિવિધ શાળા – કોલેજ તેમજ વિવિધ સંસ્થાઓ અને જાહેર કાર્યક્રમો અને સભા – સંમેલનોમાં અનેક વર્ષો સુધી વગાડવામાં આવતી હતી. માસ્તર કૃષ્ણરાવનું બીજું મહત્ત્વનું યોગદાન એટલે સંપૂર્ણ બુદ્ધ વંદના સંગીતથી મઢી અને આ કામ તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિનંતીને માન આપીને કર્યું હતું. આ કામમાં કોઈ કસર બાકી ન રહે એ માટે કૃષ્ણરાવે મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં પાલી ભાષાનો અભ્યાસ કર્યો હતો. સંગીત નાટક, સંગીત દિગ્દર્શન તેમજ અભિનયમાં અતુલનીય યોગદાન આપનારા તેમજ પદ્મ ભૂષણથી સન્માનિત થનારા આવા ગુણી કલાકારને આજે ભાગ્યે જ કોઈ યાદ કરે છે, પણ તેમનું બહુમૂલ્ય યોગદાન લોકોના હૈયામાં કોતરાઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button