મેટિની

આખી દુનિયાને હસાવનારનું જીવન બન્યું એક ટ્રેજેડી!

જુનિયર મહેમુદ ઝઝૂમી રહ્યા છે કૅન્સરથી

ફોકસ -રાજેશ યાજ્ઞિક

તમે મુંબઈ સમાચારમાં વાંચ્યું જ હશે કે જુનિયર મહેમુદ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. તેમની ‘આખરી ઈચ્છા’ બાળપણમાં જેમની સાથે ખૂબ કામ કર્યું એવા બે કલાકારોને મળવાની હતી. એ હતા જીતેન્દ્ર અને સચિન. બંને કલાકારોએ પોતાના સાથી કલાકારની ઈચ્છાને માન આપ્યું અને તેમને મળવા હોસ્પિટલમાં ગયા. જુનિયર મહેમુદ તરીકે જાણીતા થયેલા આ કલાકારનું મૂળ નામ તો મોહમ્મદ નઇમ સૈયદ હતું. પણ મહાન કોમેડિયન મહેમુદે સ્વયં તેમને જુનિયર મહેમુદનું ઉપનામ આપ્યું, જે પછી તેઓ એ જ નામે જાણીતા થયા. અત્યારે તેઓ હોસ્પિટલમાં ચોથા ચરણના પેટના કૅન્સર સામે ઝઝૂમી રહ્યા છે. કહેવાય છે કે તેમને થયેલા કૅન્સરની જાણ બહુ મોડી થઇ હતી. કૅન્સરની જાણ માત્ર એક મહિના પહેલા જ થઈ હોવાનું કેટલાંક માધ્યમોએ જણાવ્યું છે અને તે તેના ચોથા સ્ટેજ પર છે અને તેના ફેફસાં અને અન્ય ભાગોને અસર થઈ છે. સમાચારો મુજબ ડૉક્ટરોએ કહ્યું કે તેમની પાસે માત્ર ૪૦ દિવસ છે પરંતુ ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
૧૯૫૬માં જન્મેલા જુનિયર મહેમુદે તેમની કારકિર્દીની શરૂઆત જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. કહેવાય છે કે એક વખત જુનિયર મહેમુદના ભાઈ તેમને એક ફિલ્મનું શૂટિંગ જોવા લઈ ગયા હતા. ફિલ્મનું નામ હતું, ’કિતના નાઝૂક હૈ દિલ’. ત્યારે બીજા દિગ્ગજ કોમેડિયન જ્હોની વોકર શૂટિંગ કરી રહ્યા હતા. પણ તેઓ તેમના ડાયલોગ વારંવાર ભૂલી રહ્યા હતા. ચપળ જુનિયર મહેમુદને થોડી વારમાં જ એ ડાયલોગ મોઢે થઇ ગયા એટલે જ્હોની વોકર જ્યાં ભૂલ્યા ત્યાં બાળક નઇમથી રહેવાયું નહીં અને ડાયલોગ બોલવા ઊભો થઇ ગયો. આ જોઈને ફિલ્મના ડાયરેક્ટર સહિત બધા પ્રભાવિત થઇ ગયા અને તેમને પહેલી ફિલ્મમાં બ્રેક મળ્યો.

જી.પી. સિપ્પીની ’બ્રહ્મચારી’ (૧૯૬૮) સાથે તેમની કારકિર્દીની શરૂઆત થઇ, અને એ ફિલ્મ માટે જ તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ત્યારથી તે સફળતાની સીડીઓ ચઢતા ગયા અને તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. એ સમયે કોમેડિયનોની બોલબાલા હતી અને એકએકથી ચડિયાતા કોમેડિયનોનો દબદબો હતો. તેમના વિના ફિલ્મો અધૂરી લાગતી. જુનિયર મહેમુદે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા હતા. નાની ઉંમરમાં મોટા સ્ટાર બની ગયેલા કલાકારોમાં એક નામ જુનિયર મહેમુદનું પણ આવે છે.

૧૯૭૨માં તેમને બી. નાગીરેડ્ડીની ‘ઘર ઘર કી કહાની’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પાંચ દાયકા જેટલી લાંબી કારકિર્દીમાં અત્યાર સુધીમાં તેમણે ૭ અલગ-અલગ ભાષાઓમાં લગભગ ૨૬૫ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ૬ મરાઠી ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે. મેહમુદને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઈવેન્ટ્સ, કોમેડી શો, સ્ટાર નાઈટ્સ, પાર્ટીઓ વગેરેનું આયોજન પણ કરતા હતા, જેમાં માત્ર પ્રતિભાશાળી નામો અને પોતે એક કલાકારનો સમાવેશ થાય છે. તેમણે નઈમા સૈયદ સાથે લગ્ન કર્યા છે અને તેમનાં બાળકો હસનૈન સૈયદ લેખક અને સંગીત મેનેજર અને હસનરફી સૈયદ છે.

તેમણે જેમાં કામ કર્યું તેવી કેટલીક નોંધપાત્ર ફિલ્મોમાં ‘કટી પતંગ’, ‘હાથી મેરા સાથી’, ‘કારવાં’, ‘જુદાઈ’, ‘ગીત ગાતા ચલ‘, ‘મેરા નામ જોકર’, ‘અખિયોં કે ઝરોખોં સે’, દીવાનગી અને બ્રહ્મચારી વગેરેનો સમાવેશ થાય છે. બદલાતા સમય સાથે તેમણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. તેમને તમે પ્યાર કા દર્દ મીઠા-મીઠા, પ્યારા પ્યારા, એક રિશ્તા સાઝેદારી કે અને તેનાલી રામા જેવી સિરિયલોમાં જોયા હશે. જૂના સમયના કલાકારો સાથે બને છે તેમ, આથમતા સૂર્યની સામે કોઈ જોતું નથી. જુનિયર મહેમુદ અને તેમના જેવાં અનેક નામો જે એક સમયે લોકજીભે રમતા હતાં તેઓ ગુમનામીમાં અને આર્થિક સંકડાશમાં જીવનના આખરી દિવસોમાં સંઘર્ષ કરતા જોવા મળે છે. આપણા જીવનમાં ભલે થોડા સમય માટે, જેમણે આનંદ ફેલાવી દીધો, તેવા આ કલાકારના અંતિમ દિવસો પીડા રહિત અને શાંતિપૂર્ણ વીતે એવી પ્રાર્થના આપણે કરવી જ
જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button