તન જેટલું ફરે એટલુ સ્વસ્થ નેમન જેટલું સ્થિર રહે એટલું મસ્ત!
દાદુ, સલાહની પણ વિચિત્રતા છે, ક્યારેક લેનારો આગળ નીકળી જાય છે, તો ક્યારેક દેનારો ત્યાંનો ત્યાં જ રહી જાય!
અરવિંદ વેકરિયા
‘તું ચિન્તા છોડ, હું બધું સંભાળી લઈશ’ આવું અભય શાહે કહી તો દીધું, પણ એ સાંભળી મને ગુસ્સો તો આવ્યો. ગમે તેમ તો પણ હું નાટકનો ડિરેક્ટર હતો. પછી શાંત મને વિચાર્યું કે મેં જ નિર્માતાનો ખર્ચ ન વધેએ માટે કહેલું, અને વધુ રિહર્સલો કરી બધા કલાકારોને ‘મોનોટોનસ’ નહોતા કરી મુકવા. અભયભાઈ તો એક મિત્ર અને લાગણી સાથે મને સહાયરૂપ બનતા હતા. એમનો કોઈ નીજી સ્વાર્થ નહોતો એટલે ગુસ્સો કરવો પણ ઉચિત નહોતો. કોઈની સારપનો એટલો પણ ફાયદો ન ઉપાડો કે એ ખરાબ બનવા મજબૂર થઈ જાય. ખરાબ એ જ બનતો હોય છે જે સારો બનીને થાકી ગયો હોય છે.
અભયભાઈ પણ જે સારપ નિ:સ્વાર્થપણે દાખવી રહ્યા હતા એ ‘સારપ’ ને મારે ‘ખરાબ’ માં પરિવર્તિત નહોતી કરવી. શુક્ર-શનિ જેમ નજીક આવતા હતા એમ જી.આર. કેવું રહેશે? એની ચિન્તા મનને ટટળાવતી રહી. અભયભાઈની વાત સાચી જ હતી : મારી હાજરી મારે માટે જરૂર હરખાવા જેવી હતી પણ અભિનય તો તખ્તા પર કલાકારો જ કરવાનાં હતાં. ત્યારે થયું કે ક્યારેક એકલા બેસીને ખુદમેં એક સવાલ પૂછવો જોઈએ કે મારી ગેરહાજરી પછી કોને ફરક પડશે? હા, એક દિગ્દર્શક તરીકે ચિન્તા કરો બાકી
બીજા બધાને એમના હાલ પર છોડી દો. મનને મજબૂત કરી
આ વાત મગજમાં ફીટ કરી દીધી જેથી લોહી-ઉકાળામાંથી થોડી રાહત મળે.
જીવ તો ચોક્કસ ઉચક રહે એટલે રોજ રાત્રે બે ફોન કરી લેતો, એક અભય શાહને અને બીજો મહેશ વૈદ્યને બંને ફોન ઉપર સકારાત્મકતા બતાવતાં. મનને મનાવતો પણ મન કાબૂમાં ન રહેતા આંખો ભીની થઈ જતી. એથી વધારે યાતના તો બીજી કઈ હોય કે ભીતર સમુદ્ર હોય અને આંસુ જડે નહિ. મારી પત્ની ભારતી મને આ વાત સમજાવતી, ‘ત્યાંની ચિન્તા કરવામાં અહીંનું ન બગડે…’ ‘બાવાના બે ય ન બગાડાય’ ત્યારે મને એની વાત સાચી લાગતી.
એક વાર એક સમારંભમાં મને ભટ્ટ સાહેબ મળી ગયા. એ દિવસે ગુરુવાર હતો. શુક્રવારથી શરુ થતાં અમદાવાદનાં જી.આર. માટે હું લાખ પ્રયત્નો છતાં ચિંતિત તો હતો. અમે એટલે કે હું અને ભટ્ટ સાહેબ સાથે બેઠાં હતા. એમણે પૂછ્યું, અમદાવાદનાં જી. આર. આવતી કાલથી છે ને? મેં કહ્યું કે ‘હા, એટલે થોડો અસ્વસ્થ છું.’ મને કહે, ચિન્તા ન કર..અભય જેવો તને દોસ્ત મળી ગયો છે…નોટની જગ્યાએ દોસ્ત ભેગા કર્યા હોય તો જૂના થાય તો પણ ચાલે.’ કહી થોડું હસ્યા. પછી અમે સમારંભનાં માહોલમાં ખોવાઇ ગયા. અચાનક મેં પ્રશ્ર્ન કર્યો:
ભટ્ટ સાહેબ, તમે આ ગુજરાતનાં પ્રોજેક્ટમા કેમ સાથે ન જોડાયા?’ થોડીવાર ચુપકીદી રહી પછી ભટ્ટ સાહેબ બોલ્યા : ‘ખરાબ નહિ લગાડતો…મારે તારો આત્મવિશ્ર્વાસ તોડવો નહોતો. તને તુષારભાઈએ સલાહ આપી અને તે રોમાંચિત થઈ મને આ વાત કરી. તને કદાચ એમની સલાહ યોગ્ય લાગી હશે.. પણ દાદુ, સલાહની પણ વિચિત્રતા છે, ક્યારેક લેનારો આગળ નીકળી જાય છે તો ક્યારેક દેનારો ત્યાં નો ત્યાં જ રહી જાય છે.એની સલાહ અને તારું જનૂન બંને સફળ નીવડે એવું હું ઈચ્છું. બીજી વાત, આપણું એ જ નાટક મુંબઈમા આટલું સરસ ચાલે ત્યારે અહીંની જ ટીમ સાથે આપણે ગુજરાત ન જઈ શકીએ? આ મારો પ્રેક્ટિકલ વિચાર હતો પણ જે ઉત્સાહથી તે મને વાત કરી, તારો એ ઉત્સાહ હું તોડવા માંગતો નહોતો. બીજું, તારું નાટક અહીંના જેટલું જ સરસ ચાલે..પણ કદાચ ૧૯-૨૦ થયું ત્યારે આપણી સાથે ગુજરાતની ટુરનો જરૂર વિચાર કરીશું.
મને ખરેખર એમની વાતમાં તથ્ય દેખાયું. તુષારભાઈ તો નાટકમાં આવી ગયા બાકી મૂળ તો વેપારી માણસ.. બધી બાજુએથી બધું ભેગું કરી લેવું એ વેપારીની તાસીર એમને વહેમ હોય છે કે આખો બાગ આપણો છે, પણ વા-વંટોળ પછી ખબર પડે કે સુકાયેલા પાન પર હક તો હવાનો જ રહેવાનો… ભગવાન કરે નાટકની હવા સારી ફેલાય અને વેપારી’ની ભેગા કરવાની વૃતિમાં વૃદ્ધિ થાય.
ભટ્ટ સાહેબની વાત મારા મગજમાંથી નીકળી નહિ. ઘરે
જઈને મહેશને ફોન કર્યો. મને ચિંતા ન થાય એટલે કદાચ ‘સરસ તૈયારી છે’ એમ કહ્યું તો ખરું સાથે ‘શક્ય બને તો આવજો.’ એમ પણ કહ્યું.
શૂટિંગનું કામ લઈને બેઠેલો એટલે શક્ય હતું જ નહિ. એ
સમયે આમ પણ નાટકની ઈકોનોમી એવી નહોતી કે હું ફ્લાઈટમાં આવ – જા – કરું.એ વખતે રાજકોટની વિમાની સેવા બહુ
લિમિટેડ હતી. શુક્રવારે રાત્રે મહેશના ફોનની હું કાગડોળે રાહ
જોતો હતો. મોડી રાત્રે ફોન આવ્યો. મને કહે, એક-બે નાની
મોટી ભૂલો થઇ પણ એકંદરે જી.આર. સરસ રહ્યું. થયેલ ભૂલો આવતી કાલના જી.આર.માં સુધારી લઈશું, સો ડોન્ટ વરી.’ પછી અભયભાઈ સાથે વાતો કરી તો એમના તરફથી પણ એવો જ જવાબ મળ્યો.
મારે તો માત્ર હૈયા ધારણ જિલવાની હતી. મારી હાલત જોઈ પત્ની ભારતીએ સરસ કહ્યું, જુઓ, તન જેટલું ફરતું રહેશે એટલું સ્વસ્થ રહેશે અને મન જેટલું સ્થિર રહેશે એટલું મસ્ત રહેશે. ‘બીઝી નહિ, ઇઝી’ બનો તો આનંદ બમણો થશે. આમ પણ હવે જે શક્યતા દેખાતી જ નથી એવી અસંભવ વાતો ઉપર વિચાર કરી દુ:ખી શા માટે થવું? મેં મુક સંમતિ એની વાતને આપી અને આંખો બંધ કરી સૂવાનો પ્રયત્ન કર્યો.
શનિવાર- સવારે મહેશને ફોન કર્યો. બધી તૈયારી થઈ ચુકી હતી. રવિવારે સવારે મેટાડોર ( એ વખતે મેટાડોરનું ચલણ વધુ હતું.) લઈ રાજકોટ રવાના થવાનું નક્કી કરેલું. મારા નાટકની જા,ખ, જોતો હતો ત્યાં જયસિંહ માણેકનાં નાટકની જા.ખ. પર મારી નજર ગઈ. ‘સરી જતો સાંવરિયો’ (કદાચ આ જ નામ હતું, આજે બરોબર યાદ નથી.) ત્યારે મુલુંડમાં
નાટકો સોનાવાલા ગ્રાઉન્ડમાં ભજવાતા. આજે જે વિશાલ
કાલીદાસ સભાગૃહ છે, એ અસ્તિત્વમાં નહોતું. જા.ખ. વાંચી
મારો જીવ ઊંચો થઈ ગયો. જા.ખ. માં લખેલું કાલે રાત્રે
મુલુંડમાં ૯.૩૦ વાગે. બુકિંગ જલારામ ફરસાણ માર્ટ.મુખ્ય ભૂમિકા-કિશોર દવે.’
હું વિચારમાં પડ્યો, કે અમારો શો પાટકર હોલમાં સાંજે ૭.૪૫, જે આઠ વાગે શરૂ થાય તો આ કિશોર દવે ૯.૩૦ ના શો માં મુલુંડ પહોંચશે કેવી રીતે? ત્યાં જ મારો ફોન રણક્યો. સામે કિશોર દવે હતા. ફોન ઉપર એમણે કહ્યું, ‘દાદુ, મારે તારી સાથે એક ખાસ વાત કરવી છે’ મને ધ્રાસકો પડ્યો.
કૃષ્ણ તારી આંખો પણ કોઈને શોધતી હતી એવું લાગ્યું,
વૃંદાવન છોડ્યા પછી તને પણ તારામાં કઈક ખૂટતું લાગ્યું.
બજેટ અને બૈરા, અમુક ભાગ્યશાળીને જ સમજાય છે.