રામને નામે ફિલ્મ ઉદ્યોગ પણ તરે છે!
વિશેષ -રાજેશ યાજ્ઞિક
આજકાલ રામાયણ ફરી એકવાર ચર્ચામાં છે. હિન્દી ફિલ્મોના ચોકલેટી હીરો વત્તા અદ્ભુત અદાકાર રણબીર કપૂરને લીડ રોલમાં લઈને રામાયણ ફિલ્મ ફ્લોર પર છે. કહે છે કે અત્યાર સુધીની આ સૌથી મોંઘી ‘રામાયાણ’નું બજેટ છે રૂપિયા ૮૩૫ કરોડ રૂપિયા!
દિગ્દર્શક નિતિશ તિવારીની આ ફિલ્મમાં રણબીર અને સાઈ પલ્લવીના લીડ રોલમાં છે. એના ફર્સ્ટ લુક થી લઈને કોણ રાવણ, કોણ હનુમાનના રોલમાં ગોઠવાઈ જશે એના વિશેની અનેક વાતો આપણને વાંચવા -સાંભલ્વ મળી રહી છે.
આમ તો હિન્દી ફિલ્મો અને રામાયણનો નાતો કંઈ નવો નથી, આ સંબંધ તો લગભગ ૧૦૦ વર્ષ જૂનો છે. જી હા, રામાયણના વિષયને લઈને કેન્દ્રમાં રાખીને આ ઇન્ડસ્ટ્રીમાં સો વર્ષથી ફિલ્મો બની રહી છે. આનો ઈતિહાસ પણ જબરો રસપ્ર્દ છે,જેમકે
૧૯૧૨માં સૌપ્રથમ ફિલ્મ બની હતી રાજા હરિશ્ર્ચંદ્ર. બધા જાણે છે તેમ એ ફિલ્મ બનાવી હતી દાદાસાહેબ ફાળકેએ. તેના પાંચ વર્ષ બાદ ૧૯૧૭માં રામાયણના વિષય પર સૌપ્રથમ ફિલ્મ બની ‘લંકા દહન’ ફિલ્મની વાર્તા રામના ૧૪ વર્ષના વનવાસથી શરૂ થઈ હતી અને રાવણના વધ સાથે સમાપ્ત થઈ હતી. આ ફિલ્મે થિયેટરને મંદિરમાં ફેરવી દીધું હતું, કેમકે દર્શકો પગરખાં-
ચપ્પલ બહાર ઉતારીને થિયેટરની અંદર જતા હતા. ‘લંકા દહન ’ સુપરહિટ ફિલ્મ રહી અને ૨૩ અઠવાડિયા સુધી સતત થિયેટરમાં ધૂમ ચાલી. એ ફિલ્મે માત્ર દસ દિવસમાં આ ફિલ્મે ૩૫,૦૦૦ રૂપિયાની કમાણી એ જમાનામાં કરી હતી! એ ફિલ્મની કમાણીને બળદગાડામાં ભરીને પ્રોડ્યુસરના ઘરે પહોંચતી કરવામાં આવતી હતી કેમકે કમાણી મોટાભાગે સિક્કાઓમાં ચુકવાતી હતી.
ત્યારબાદ ૧૯૩૧માં રામાયણના પ્રસંગ ઉપરથી વધુ એક ફિલ્મ આવી : ‘ચંદ્રસેના’ , જે અહિરાવણની પત્ની હતી. આ ફિલ્મ પ્રભાત ફિલ્મ કંપની દ્વારા બનાવવામાં આવી હતી, જે વર્ષો સુધી હિન્દી સિનેમામાં કલાત્મક ફિલ્મો માટે જાણીતું નામ રહ્યું. તે પછી ૧૯૪૨માં આવી જાણીતા ગુજરાતી ફિલ્મમેકર વિજય ભટ્ટની ભરત મિલાપ.’ આ ફિલ્મની મહત્ત્વની વાત એ કે ફિલ્મમાં રામનું પાત્ર ભજવનાર કલાકારનું નામ હતું, પ્રેમ અદીબ. જી હા, એક મુસ્લિમ કલાકારે આ પાત્ર ભજવેલું. જોકે, પ્રેમ અદીબ માટે કહેવું પડે કે એમણે પૌરાણિક કથાનકો ધરાવતી અનેક ફિલ્મોમાં અભિનય કરીને ટોચના સ્ટાર તરીકેનું બહુમાન મેળવ્યું હતું , પણ મુસ્લિમ થઈને હિન્દુ દેવોનાં પાત્રો ભજવવા બદ્દલ એમની ખુબ આલોચના પણ થઇ હતી.
૧૯૪૩માં વિજયભાઈ ફરી એકવાર રામાયણ આધારિત ફિલ્મ લઈને આવ્યા. નામ હતું, રામરાજ્ય. ફિલ્મનું નામ સાંભળીને ચમકારો થયો? ન થયો હોય તો જણાવીએ કે મહાત્મા ગાંધીએ એમના સમગ્ર જીવન દરમિયાન જોયેલી એક માત્ર ફિલ્મ હતી આ ‘રામરાજ્ય’ આ ફિલ્મે તે જમાનામાં ૬૦ લાખ રૂપિયાનો વકરો કર્યો હતો.
ચાલીસ અને પચાસના દશકમાં રામાયણ આધારિત ફિલ્મોનો જાણે વાયરો વાયો હતો. રામ રાજ્ય પછી, રામબાણ, હનુમાન પાતાળ વિજય, રામાયણ, સંપૂર્ણ રામાયણ, બજરંગબલી જેવી ફિલ્મો આવતી રહી. તે ઉપરાંત બ્રહ્મર્ષિ વિશ્ર્વામિત્ર, લવ-કુશ, જેવી અનેક ફિલ્મો પણ આવી.
ભારતની બધીજ ભાષાઓમાં એક અથવા અલગ રૂપે રામાયણ આધારિત ફિલ્મો આવતી જ રહી. કહેવાય છે કે અત્યાર સુધીમાં ભારતમાં લગભગ ૪૮ જેટલી ફિલ્મો રામાયણ આધારિત બની ચુકી છે.
લેટેસ્ટમાં આપણે ‘આદિપુરુષ’ પણ જોઈ. હજી કંગના રનૌતની સીતા ઉપર એક ફિલ્મ આવવાની વાતો સંભળાય છે. હ્રિતિક રોશન પણ ‘રામાયણ’ ત્રિયોલિજીમાં રામ બનતો દેખાશે. તે ઉપરાંત રણબીરના મૂખ્ય પાત્ર સાથેની ‘રામાયણ’ તો ખરી જ.
આ તો થઇ ફિલ્મોની વાત. તે ઉપરાંત લગભગ ૧૮ જેટલી રામાયણ આધારિત ટીવી સિરિયલો પણ ભારતની અનેક ભાષાઓમાં
બની ચુકી છે. જોકે, રામની વાત આવે ત્યારે આપણને હંમેશા ક્લિન શેવ્ડ રામ જોવાની આદત થઇ ગઈ છે. માત્ર બે ફિલ્મોમાં રામ મૂછોવાળા હતા. તેમાંથી એક તો છેલ્લે આવેલી ‘આદિપુરુષ’ અને તે પહેલા વર્ષ ૨૦૦૦માં આવેલી તેલુગુ ફિલ્મ ‘દેવુલ્લુ’ !
રામાયણ પર આવેલી આટલી બધી ફિલ્મો અને સિરિયલો જોઈને કહેવાનું મન થાય કે રામને નામે માત્ર પથરા નથી તરતા, પણ ઇન્ડસ્ટ્રી સુધ્ધાં તરે છે અને ધૂમ કમાય પણ છે !