ઢોલ ઢબૂકતો હતો
ટૂંકી વાર્તા -રાઘવજી માધડ
સમીસાંજથી ચંદ્રાને ફડક બેસી ગઇ હતી. એટલે લક્ઝરી બસનું હોર્ન સાંભળતાં જ તે પથારીમાં સફાળી બેઠી થઇ ગઇ. રાતે પથારીમાં લંબાવ્યા પછી પણ એક-બે વખત ઝબકીને જાગી ગયેલી. એક વખત તો ઊભી થઇને છેક ડહેલી સુધી પહોંચી ગયેલી, પણ ફળિયામાં સૂતેલા ચંદ્રાના બાપુએ, ખોંખારો ખાઇને પડખું બદલ્યું એટલે મનોમન ભોંઠપ અનુભવતી તે પાછી પથારીમાં લાંબી થઇ ગયેલી અને સૂઇ ગઇ હોવાનો ડોળ કરવા લાગેલી.
ચંદ્રા ઊઠયા પછી, થોડીવાર પથારીમાં બેઠી. પછી હડ્ફ કરતી તેની બા પાસે ગઇ. ક્ષણભર અટકી અને બાવડું પકડી હલબલાવતા બોલી: ‘બા, ઊઠ્યને… મારા બાપુને જગાડ્ય.’
આમ સૂઇ રહેવા બદલ ચંદ્રાને તેની બા પર ભારોભાર ખીજ ચઢી પણ સામે તેની બાએ કટાણું મોં કર્યું તે, ચંદ્રાની ખીજ પાછી હતી ત્યાં ને ત્યાં બેસી ગઇ. તેની બાના ચહેરા પર ઊગેલા દયાના ભાવ જોવાને બદલે બીજી પથારીઓ તરફ વળી.
‘એય નાનકા, ઉઘણસી ઊઠ જોવે.’ ચંદ્રા વાંકી વળીને ગોદડું ખેંચતા બોલી. મારો વીરો સો ને!
‘એય નંદુડી, હાળી વાસડા જેવી થૈ તોય લૂગડાં હાંસવતા નો આવડયું!’ કહેતી ચંદ્રાએ નંદુનો ચણિયો સરખો કર્યો.
‘મારે હંધાયને ઉઠાડવા. ઊઠી જાવું નો જોઇ?’ કહેતી ચંદ્રા સહેજ મોં બગાડતા ડહેલી બાજુ જોવા લાગી.
હમણાં જાન આવીને ઊભી રહેશે!
ચંદ્રાનાં મોં પર ઊઘડતી ઉષા જેવી લાલાશ ઘૂંટાવા લાગી અને હૈયું તો જાણે થડ્ક-ઉથડ્ક!
ફળિયામાં ઊભી ચંદ્રાએ ઓસરીમાં જોયું. કોઇ ઊઠયા નહોતા. સૌની માથે એક્સામટી દાઝ ચઢી. પાણિયારેથી ગોળા ઊંચકીને પથારીમાં ઠાલવી દેવાનું મન થઇ આવ્યું. પણ…
ચંદ્રાએ દાતણ કર્યું ન કર્યું ને સાવરણો હાથમાં લીધો.
‘ન’ભાય રાંડું, એક દિ’તો મને પો’રો ખાવા દ્યો.’
એક ઝપાટે ફળિયું વાળ્યું. એટલે ધૂળની ડમરી ચઢી. ધૂળની ડમરીના લીધે ચંદ્રાના બાપુને ઉધરસ ચઢી.
‘મર્ય… મર્ય… ચંદુડી…’
‘હા… હા… હું તો આજ હાલી જાવાની છંવ, પસી કે‘જ્યો ને મર્ય મર્ય આ નંદુડીને!’ આટલું બોલીને ચંદ્રા સોજનની જેમ ઊભી રહી. તેની આંખોમાં પિયુ મિલનનો તલસાટ સાગરની જેમ ઘૂઘવવા લાગ્યો અને મોં પર આછો આછો મલકાટ!
પણ ચંદ્રાના બાપુ એક શબ્દેય બોલ્યા વગર, ભળભાંખળું હોવા છતાંય ચંદ્રાના મોં સામે ટગરટગર જોઇ રહ્યા અને હળવે હળવે માહ્યલું દરદ આંખોમાં ડોકાવા લાગ્યું.
‘બાપુ, મને ભાળી નથી તે…’ કહેતી ચંદ્રાએ પાણિયારેથી બેડું લીધું. માથે હાંડો અને કાંખમાં ગાગર ટેકવી ચાલતી થઇ.
‘ગડદી હસે તો વારો નંઇ આવે…’
પણ નળે પાણી ભરવા કોઇ આવ્યું નહોતું. ચંદ્રાએ હાશકારો લેતા, નળ નીચે બેડું મૂકીને ચકલી ફેરવી…
-ચંદ્રા, ગઇ કાલે આમ જ પાણી ભરવા આવી હતી. ત્યારે પાણિયારીઓ વાતો કરતી હતી: ‘ઓણ તો લગનગાળો ફાટી નીકળવાનો…’
ચંદ્રાએ કાન સરવા કરેલા.
‘કાલ્ય, ઠેઠ અમદાવાદથી જાન આવવાની છે…’
હેં…! મારી જાન….!!? કહેતી ચંદ્રા ગાંડાની માફક ભાગેલી.
‘ગાંડી… એ ગાંડી…!’
પણ સાંભળે કોણ?
નંદુને માથું ખંજવાળતી જોઇને ચંદ્રા બેડું ઉતારતા બોલી: મે’માનને પાણી વગર પાસો હું? તમારું…
નંદુ સમજી ગઇ હોય એમ હરફ ઉચ્ચાર્યા વગર રસોડામાં ચાલી ગઇ.
સઘળું કામ પરવારીને ચંદ્રા ફળિયામાં ઊભી રહી. ચોખ્ખું ચણાક ફળિયું ઊડીને આંખે વળગ્યું. એકલી-એકલી પોરસાઇ. ત્યાં નાનકાને જોયો.
‘પગલાં નો પાડતો, મારો ભાય સોને?’
‘તે માથે પગ લયને હાલુ’!?’ નાનકો બોલ્યો.
ચંદ્રાને હસવું આવી ગયું.
મોં સુઝણું થવા આવ્યું હતું. નવલો ઉજાશ, વર લાડલાની જેમ હળવે હળવે પગલાં ભરતો પથરાઇ રહ્યો હતો. નિર્મળ વાતાવરણ પગ વાળીને બેસે એ પહેલા, ફટાકડાનો મોટો ધડાકો થયો. ને પછી ઢોલ, શરણાઇ, ગીતની… એકસામટી બોથરાટી બોલવા લાગી.
ચંદ્રાએ એકદમ માથે ઓઢી લીધું. પાંપણો, લજામણીના પાન જેમ આપોઆપ ઢળી ગઇ અને ધીમાં ધીમાં પગલાં માંડતી તે ઓસરી ચઢી ગઇ.
ઓસરીમાં ઊભેલી ચંદ્રાની માએ ચંદ્રા સામે જોયું, આછા-ઉજાશમાં ચંદ્રાનો લજ્જાળુ ચહેરો વધારે ગમતીલો લાગ્યો ક્ષણભર હૈયું હરખાઇ ઊઠયું. પણ તુરંત જ હૈયાફાટ નિસાસો નખાઇ ગયો.
ઢોલનો અવાજ નજીક ને નજીક આવતો હોય એવું લાગ્યું. ચંદ્રા બેઠી હતી તે સડક કરતી ઊભી થઇ ગઇ. થાંભલીને પકડી નીચે પગ મૂકવા ગઇ. પણ પગ અધ્ધર જ તોળાઇ રહ્યો.
“માંડવો ક્યાં!!?
‘એમ પડી જવાય દીકરી…’
હા… હા… કરતી તે ફળિયામાં ઊભી રહી. મૃગલી જેવી હડપચીને હાથ પર ટેકવી વિચારમાં ખોવાઇ ગઇ…
-અને આંખોમાં આખેઆખો મંડપ ઊગી નીકળ્યો. ચોરી, શમિયાણું, સાજન-માજન…
બસ, હમણાં જ જાન ફળિયામાં આવીને ઊભી રહેશે.
ચંદ્રા, ઉતાવળા પગલે ઘરમાં આવી અને નવાં કપડાં પહેરવા પોતાનો કબાટ ફેંદવા લાગી.
ગાડું જોડતા ચંદ્રાના બાપુ આગળ તેની મા ઊભી રહી. કંઇ બોલી નહીં, પણ એની ભારઝલ્લી નજરમાં, ન કહેવાનું ઘણું ઊભરી આવતું હતું, એટલે ગાડું જોડવાનું માંડી વાળી,’ બળદને પાછા કોઢારમાં બાંધ્યા.
ચંદ્રાની સુવાણ માટે કેટલાય દવાખાના ફર્યા’તા. પથ્થર એટલા પીર કરીને પૂજ્યા’તા. છેલ્લે ભૂવા-ભરાડી પાસે દોરાં-ધાગા પણ કરાવી લીધેલા…
ગામમાં જાન આવી હતી. એટલે ઢોલ, શરણાઇ અને ફટાકડાની ધડ્બડાટી બોલતી હતી.
સારું લાગ્યું નહિ. થયું કે, ત્યાં જઇને સઘળું બંધ કરાવી દે. ઢોલ ફાડી નાખે અને ફટાકડા પાણીમાં પધારવી દે! પણ સમસમી ગયા સિવાય કોઇ રસ્તો નહોતો. ઘરમાં લૂગડાં ફંફોસતી ચંદ્રાને કારણ વગર સાદ પાડ્યો: સંદરી!
‘એ, હા… હું તિયાર થાવ સંવ…’
ચંદ્રાના મા-બાપ, ખીલાની જેમ એકબીજા સામે ખોડાઇ રહ્યાં.
પણ આ ક્યાં પહેલી વખત બન્યું હતું? જ્યારે જ્યારે લગનગાળો આવે. ઢોલ ઢબૂકે અને…
એક દિવસ આમ જ ઢોલ ઢબૂક્યો હતો ને, પોતાના આ કુંવારા ફળિયામાં!
-અત્યારે આ ઢોલ નથી વાગતો. પણ પોતાના કાનમાં કોઇક ટોટાં ફોડી રહ્યું છે. દારૂ-ગોળો, ધરબી-ધરબીને મોટા ધડાકા કરી રહ્યું છે. હમણાં સઘળું ઊડશે… છિન્નભિન્ન થઇ જાશે.
પાનેતર ઓઢતાં તો ચંદ્રાના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ ચામડી થડકવા લાગી. કપડું નહિ પણ સુંવાળો અને હૂંફાળો હાથ માથે ફરવા લાગ્યો. રૂંવાડા, એક પછી એક બેઠા થવા લાગ્યા. જાણે શરીરનું સુખ…
ચંદ્રા બહાર આવી ત્યારે ઓસરી અને ફળિયામાં સોનેરી કિરણો, મખમલી ચાદરી બિછાવી રહ્યા હતા.
‘મા…!’ ચંદ્રા થોડા રોષ સાથે બોલી: ‘તને એમ કે હું ગાંડી સું? અને ગાંડપણમાં આ ફતુર કરું સું!?’
હાથમાં પકડેલ કંકુની ડબ્બી અને આભલાને નીચે મૂકી, થાંભલીની લગોલગ બેસતા ચંદ્રા બોલી: મા, મને હંધીય ખબર સે. પણ આટલું સુખ તો…
ચંદ્રાની મા અને કોઢારમાં સાંતી સરખું કરતાં તેના બાપુ, ચંદ્રાની વાતે અવાક્ થઇને ફાટી આંખે તેની સામે જોઇ રહ્યાં.
-દર વખત કરતાં જુદું જ…
આભલું થાંભલીના ટેકે ગોઠવી તેમાં જોયું. પછી બાજુમાં રાખેલ કંકુની ડબ્બીમાંથી ચપટી ભરી…
‘સંદરી..!’ ચંદ્રાની માનો અવાજ ફાટી ગયો.
પણ ચંદ્રાએ તેની માના અવાજને ગણકાર્યા વગર માથા પર આંગળી ફેરવીને વાળ સરખા કર્યા અને બરાબર વચ્ચેના ધોરીયામાં કંકુ પૂર્યું. હાથ નવરો થયો એટલે એક હાથે આભલું ઊંચકયું ને મોં સામે રાખ્યું…
-સેંથા લાલ લાલ કંકુની સાથે પ્રવાહી ભળવા લાગ્યું હોય એવું લાગે છે.
ચંદ્રાની આંખો ફાટી રહે છે.
લાલ લાલ લોહી છે.
લોહી દડ્દડવા લાગ્યું છે. નીચે ઊતરવા લાગ્યું છે.
હવે તો, લોહીના ફુવારા ઊડે છે!
ઢોલનો અવાજ, માણસોની ચિચિયારીમાં ભળવા લાગ્યો છે. ફટાકડાના ધડુમ… ધડુમ અવાજ, બે વાહનોની અથડામણ સાથે…
‘બચાવો… બચાવો…’
ચિચિયારી… રોક્કળ…
માણસોનું લોહીમાં તરફડવું…
-એક માણસના વરવાઘા લોહીથી ખરડાઇ ગયા છે.
ચંદ્રાના સ્નાયુ તંગ થવા લાગ્યા. ચહેરાની રેખાઓ બદલાવા લાગી અને હજુ તો તેની મા કે બાપુ ઊભા થઇને પાસે આવે એ પહેલા તો, હૈયાફાટ ચીસ નાખી: નંઇઇ…
-અને હાથમાં પકડેલા આભલાનો જોરથી ઘા કર્યો… અફળાયો અથડાયો…. તૂટીને કટચ્ કટચ્ થઇ ગયો. ચંદ્રાના સૌભાગ્યની જેમ.