સપનું હતું એક્ટર-ફિલ્મમેકર બનવાનું ને બની ગયા, કલમકાર!
ચાર દાયકા પછી લેખક જોડીના પુનર્મિલન નિમિત્તે એમની આલીશાન કારકિર્દીની કેટલીક રસપ્રદ ઘટનાની એક ઝલક
હેન્રી શાસ્ત્રી
સલીમ ખાન અને જાવેદ અખ્તર…
ફિલ્મ દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવવાનો વર્ષો જૂનો સિલસિલો આજે પણ અકબંધ છે. સલીમ ખાન એક્ટર બનવા અને જાવેદ અખ્તર ફિલ્મ મેકિંગ શીખવા મુંબઈ દોડી આવેલા. ‘સરહદી લૂટેરા’, ‘તીસરી મંઝિલ’, ‘દીવાના’ સહિત ડઝનેક ફિલ્મોમાં એક્ટિંગ પર હાથ અજમાવ્યા બાદ આ આપણું કામ નથી એવી ખાતરી સલીમ ખાનને થઈ ગઈ.
બીજી તરફ, ગુરુ દત્તને મળી એમની પાસે ફિલ્મ મેકિંગના પાઠ ભણવાનો જાવેદ અખ્તરનો મનસૂબો પાર ન પડ્યો, કારણ કે એમના આગમનના અઠવાડિયામાં જ ગુરુ દત્તનું અવસાન થયું સ્ટ્રગલના દિવસોમાં સલીમ ખાન અને જાવેદ અખ્તરની મુલાકાત ફિલ્મ ડાયરેક્ટર એસ. એમ. સાગરની ૧૯૬૬ની ‘સરહદી લુટેરા’ ફિલ્મના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં સલીમ ખાન એક્ટર હતા જ્યારે જાવેદ અખ્તરને મૂળ સંવાદ લેખક અચાનક ગાયબ થવાથી કેટલાક સંવાદ લખવાની તક મળી હતી. સલીમ ખાનને જાવેદ અખ્તરના ડાયલોગ બહુ ગમ્યા અને બંને વચ્ચે મૈત્રીના બીજ રોપાયા.
એક્ટિંગ અને ફિલ્મ મેકિંગમાં નહીં, પણ રાઈટિંગમાં જ આપણું ભવિષ્ય છે’ એવી માન્યતા બંધાઈ ગયા બાદ સલીમ ખાન અને જાવેદ અખ્તરે કલમકારીને પ્રાધાન્ય આપવાનું શરૂ કરી દીધું.
૧૯૬૯માં નિર્માતા – દિગ્દર્શક બ્રિજ (વિક્ટોરિયા નંબર- ૨૦૩) માટે‘દો ભાઈ’ ફિલ્મની વાર્તા સલીમ ખાને ‘પ્રિન્સ સલીમ’ના નામથી લખી હતી અને એ જ વર્ષે આવેલી દેવેન વર્મા નિર્મિત અને બ્રિજના દિગ્દર્શનમાં બનેલી ધર્મેન્દ્રના ડબલ રોલવાળી ‘યકીન’ના ડાયલોગ દેવેન વર્મા સાથે જાવેદ અખ્તરે લખ્યા હતા. એક્ટિંગનો અધ્યાય પૂરો થયો અને લેખનકાર્યની સ્વતંત્ર કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હતી. કમનસીબે આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હોવાથી સલીમ અને જાવેદને નવું કોઈ કામ મળ્યું નહીં.
સલીમ-જાવેદ પાસે કામ નહોતું, પણ હતાશ ન થયા અને ફરી એક્ટિંગ કે ફિલ્મ મેકિંગ તરફ વળવાનો વિચાર પણ આવ્યો નહીં. એસ. એમ. સાગરે એક નાનકડી વાર્તા પરથી પટકથા તૈયાર કરવાની જવાબદારી એ મિત્રોને આપી. અશોક કુમાર અને નંદાની ‘અધિકાર’ માં પહેલી વાર બંનેએ સાથે મળીને પટકથા લખી. જોકે, ફિલ્મના ટાઇટલ્સમાં સલીમ – જાવેદનો કોઈ ઉલ્લેખ નહોતો, પણ મહેનતાણા પેટે પાંચ હજાર ્પિયા મળ્યા ખરા. ફિલ્મની વાર્તા હટકે હતી. એક યુવાન યુવતી પ્રેમમાં પડે છે અને યુવતી પ્રેગ્નન્ટ થાય છે. જોકે, ગેરસમજ થવાથી યુવક અન્ય યુવતી સાથે લગ્ન કરે છે. લગ્ન કરનારી યુવતીને તરછોડી દેવાયેલી યુવતી વિશે જાણ થાય છે અને એ યુવતીના બાળકને પોતાના ઘરે લઈ આવે છે અને પતિને કહે છે કે આ બાળક એનું પોતાનું છે. એ સમયે આ વાર્તા અનોખી હતી અને એના પરથી તૈયાર કરવામાં આવેલી પટકથા સાગરના સહાયક સુધીર વાહીને બહુ પસંદ પડી. શ્રીમાન વાહીએ સલીમ – જાવેદને સિપ્પી ફિલ્મ્સમાં કોશિશ કરવાની સલાહ આપી.
સિપ્પી ફિલ્મ્સના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં સલીમ ખાન અને જાવેદ અખ્તરને નોકરી મળી અને એક અનોખી લેખન યાત્રાના બીજ રોપાયા. જી. પી. સિપ્પી શમ્મી કપૂર અને રાજેશ ખન્નાને લઈ ફિલ્મ બનાવવા માગતા હતા અને એના ડિરેક્શનની જવાબદારી એમના દીકરા રમેશ સિપ્પીને સોંપવામાં આવી હતી. એ સમયના પ્રતિષ્ઠિત ફિલ્મ રાઇટર સચિન ભૌમિકે ૧૯૬૬ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ટોચનો એવોર્ડ મેળવનારી ફ્રેન્ચ ફિલ્મ Un homme et une femme (A Man and a Woman)) પરથી હિન્દી ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. વાર્તા રમેશ સિપ્પીને પસંદ પડી અને ‘અંદાજ’નો પાયો તૈયાર થઈ ગયો. વાર્તા સચિન ભૌમિકે લખી હતી અને ડાયલોગની જવાબદારી ગુલઝારને સોંપવામાં આવી હતી. એ સમયે ભૌમિક અને ગુલઝારના પગ ઈન્ડસ્ટ્રીમાં જામી ગયા હતા અને તેમ છતાં પટકથા લખવાની તક સલીમ- જાવેદને મળી. ૨૩ એપ્રિલે રિલીઝ થયેલી ‘અંદાઝ’ સલીમ – જાવેદની પ્રથમ ફિલ્મ હતી, પણ આ ફિલ્મના લેખનકાર્યમાં સચિન ભૌમિક, ગુલઝાર અને સતીષ ભટનાગર પછી સલીમ ખાન અને જાવેદ અખ્તરના નામ હતા. આ સાથે એક્ટર સલીમ ખાન અને લેખક જાવેદ અખ્તર સલીમ – જાવેદ લેખક જોડી બની ગઈ.
ફિલ્મ બની રહી હતી એ દરમિયાન રાજેશ ખન્ના સલીમ-જાવેદ સાથે સંપર્કમાં રહી એમની સાથે ચર્ચા કરતા રહેતા હતા. લેખક જોડીની વાતચીતથી પ્રભાવિત થયેલા રાજેશ ખન્નાએ એક દિવસ સલીમ ખાન અને જાવેદ અખ્તરને કહ્યું કે ‘મારી એક ફિલ્મ માટે પટકથા લખી આપો. મેં સાઉથની એક ફિલ્મ સાઈન કરી છે , જે એક હાથી અને માણસ વિષે છે. ફિલ્મની વાર્તા વિચિત્ર છે, પણ મારે આ ફિલ્મ કરવી જ પડશે કારણ કે એ સાઈન કરવા માટે પ્રોડ્યુસરે મને તગડી રકમ આપી છે. મારે એક બંગલો ખરીદવો છે એટલે મારે ફિલ્મ કર્યા વિના છૂટકો નથી. શું તમે બંને સાઉથની ફિલ્મની ઢંગધડા વગરની સ્ક્રિપ્ટને મઠારી હિન્દી ફિલ્મના દર્શકોને ગમે એવી બનાવી શકો? તમનેય સારા પૈસા મળે અને પડદા પર તમારું નામ પણ આવે એ મારી જવાબદારી.’
સલીમ – જાવેદ માની ગયા અને ચિનપ્પા દેવરની આ ફિલ્મ પટકથા લેખકની જોડી તરીકે એમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ હતી. રાજેશ ખન્નાએ આપેલા વચન અનુસાર ‘હાથી મેરે સાથી’માં સલીમ – જાવેદને સ્વતંત્ર ક્રેડિટ મળી હતી. ફિલ્મને બોક્સ ઑફિસ પર સિપ્પીની ‘અંદાઝ’ કરતાં પણ વધુ સફળતા મળી. ફિલ્મ રાજેશ ખન્નાને બંગલો મેળવી આપવામાં નિમિત્ત બની, જ્યારે સલીમ – જાવેદ લેખક જોડીની ઈમારતનો પાયો આ ફિલ્મથી નખાયો. જોકે, કોઈ કારણસર નિર્માતાએ ફિલ્મના ત્રીજા અઠવાડિયા પછી પબ્લિસિટીમાંથી સલીમ – જાવેદનું નામ કાઢી નાખ્યું હતું. સ્વાભાવિક છે કે આ વાત લેખક જોડીને રુચિ નહીં અને ફરી ક્યારેય દેવર સાથે કામ નહીં કરવાના સોગંદ ખાધા. ચિનપ્પા દેવર ધર્મેન્દ્ર અને રિશી કપૂર સાથે ફિલ્મ બનાવવા માંગતા હતા ત્યારે આ એક્ટરોએ સલીમ – જાવેદની સ્ક્રિપ્ટ હશે તો પોતે ફિલ્મ કરશે એવું કહ્યું હતું, પણ સલીમ – જાવેદ તૈયાર ન થયા. (ક્રમશ:)