ડાયલોગમાં `દાદાગીરી’ તો દિલીપકુમારની જ..!
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મઉદ્યોગના `ટે્રજેડી કિગ’ ફિલ્મમેકિગમાં હસ્તક્ષેપ કરવા માટે અને સંવાદમાં ફેરફાર કરવા માટે જાણીતા હતા, પણ એમના એ ફેરફાર અવ્વલ રહેતા ! હિન્દી ફિલ્મોમાં મા – દીકરાના સંબંધના કેટલાક સીન યાદગાર છે. `દીવાર’માં ગંભીર બીમારીમાં પટકાયેલી માતા (નિરુપા રોય)ને પોલીસ પહેરાને કારણે ગુનેગાર દીકરો વિજય (અમિતાભ બચ્ચન) નથી મળી શકતો ત્યારે ઈશ્વરને ફરિયાદ કરવા એ મંદિરમાં જાય છે. પ્રભુની મૂર્તિ સામે થોડી ક્ષણ તાકી વિજય બોલે છે : `આજ ખુશ તો બહુત હોગે તુમ. દેખો, જો આજ તક તુમ્હારે મંદિર કી સિઢીયાં નહીં ચઢા, જિસને આજ તક તુમ્હારે સામને સર નહીં ઝુકાયા, જિસને આજ તક તુમ્હારે સામને કભી હાથ નહીં જોડે વો, વો આજ તુમ્હારે સામને હાથ ફૈલાયે ખડા હૈ…’ત્રણ મિનિટ લાંબો એ સીન છે. ડાયલોગ પણ લાંબા છે અને `મુજે મેરી માં વાપસ દે દો’ સાથે સીન પૂરો થાય છે અને પછીના દ્રશ્યમાં નિરુપા રોય ભાનમાં આવી જાય છે. આ એક આઈકોનિક સીન છે અને હિન્દી ફિલ્મોના અવિસ્મરણીય સીનની યાદીમાં સ્થાન ધરાવે છે.
`દીવાર’ 1975માં રિલીઝ થઈ હતી. 1952માં દિલીપ કુમારની `દાગ’માં પણ મરણ પથારી પર રહેલી માતાનો એક સીન અને એ સીન પાછળની અત્યંત દિલચસ્પ કથા જાણવા જેવી છે. દિલીપ કુમારની ગણના કેમ ગ્રેટેસ્ટ એક્ટર તરીકે થાય છે એના સમર્થનમાં જે કારણો આપવામાં આવે છે એમાં આ સીન પણ હોવો જોઈએ. દિલીપ કુમારની અભિનય સફરનો પ્રારંભ થયો `જ્વાર ભાટા’ (1944) ફિલ્મથી. એના ડિરેક્ટર હતા અમિય ચક્રવર્તી. ત્યારબાદ `જુગનુ’, ‘શહીદ’, `જોગન’, `બાબુલ’, `દીદાર’ વગેરે ફિલ્મોથી દિલીપ કુમાર પ્રથમ પંક્તિના એક્ટર બની ગયા. એ સમયે અમિય ચક્રવર્તીએ `દાગ’ (1952)માં દિલીપ કુમારને સાઈન કર્યા. હીરોઈન હતી નિમી. ફિલ્મના ડાયલોગ મશહૂર લેખક રાજિન્દર સિંહ બેદીના હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજી નવાસવા હતા બેદી સાહેબ, પણ ઉર્દૂ ભાષાના લેખક તરીકે એમના માનપાન હતા. `દાગ’ની કથામાં એવો સીન આવે છે જ્યારે શંકર (દિલીપ કુમાર)ની મા (લલિતા પવાર) ખૂબ જ માંદી હોય છે, પણ ડોક્ટરને બોલાવવા માટે શંકર પાસે ફૂટી કોડી નથી. શંકરને દિલોજાનથી ચાહતી પાર્વતી – પારો (નિમી) પોતાનું ઘરેણું આપી એ વેચીને પૈસા ઉપજાવી ડોક્ટરને બોલાવવા કહે છે. શંકર જાય છે, પણ દારૂનો નશો કરી બેસે છે. મા માટેની દવાના કેટલાક પૈસાનો દારૂ પીવાઈ ગયો છે અને કેટલાક ચોરાઈ જાય છે. ભાનમાં આવ્યા પછી ઘરે પાછા ફર્યા બાદ શંકરને માના મૃત્યુની જાણ થાય છે….
માની દવાના પૈસા શંકરે દારૂ પીવામાં વેડફી નાખ્યા અને માનો સ્વર્ગવાસ થયો એ દર્દનાક સિચ્યુએશન ફિલ્મ માટે મહત્ત્વની હતી. `ટે્રજેડી કિગ’ના આવા સીન ફિલ્મનું આભૂષણ ગણાતા. આ વાત સારી પેઠે જાણતા રાજિન્દર બેદી સાહેબે ત્રણ પાનાં ભરી સીન લખ્યો, જેમાં ઘણા ડાયલોગ હતા. સેટ પર દિલીપ કુમાર આવ્યા અને એમના હાથમાં ત્રણ પાનાં પકડાવી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ છે તમારા ડાયલોગ. દિલીપ સાબ વાંચી ગયા અને ‘બહુત બઢિયા લિખા હૈ આપને’ એમ કહી બેદી સાહેબની પ્રશંસા કરી. પછી હળવેકથી કહ્યું કે `હું આજે શૂટિગ નહીં કં, કારણ કે આટલા લાંબા ડાયલોગ હું બોલી જ નહીં શકું. મારી નમ્ર વિનંતી છે કે લખાણ થોડું ઓછું કરો તો સાં.’ દિલીપ કુમાર ફિલ્મ મેકિગમાં અને ખાસ કરીને પોતાના ડાયલોગ્સમાં ફેરફાર કરવા માટે જાણીતા હતા.
Also read: ‘રોટલી’: માણસને મેળવવા માટે દોડાવે ને પચાવવા માટે પણ..!
દિલીપ કુમારની વાત તો માનવી પડે એવો એમનો દબદબો હતો. બીજા દિવસે રાજિન્દર બેદી ત્રણ પાનાંનો સીન ડાયલોગ સાથે બે પાનામાં સમાવીને લાવ્યા. સેટ પર આવી દિલીપ કુમાર ફરી વાંચી ગયા અને ફરી લેખકની તારીફ કરી પણ ફરી પાછું એ જ રટણ ચાલુ રાખ્યું કે `આટલું લાંબું લાંબું મારાથી નહીં બોલાય. એટલે આજે પણ હું શૂટિગ નહીં કં. આની લંબાઈ હજી ઓછી કરો.’ નારાજ થઈ ગયેલા બેદી સાહેબ ત્રીજે દિવસે એક પાનું લખીને લાવ્યા અને દિલીપ કુમારે ફરી કહ્યું કે પોતે આટલા લાંબા સંવાદો નહીં બોલે. બે દિવસ તો શૂટિગ કેન્સલ થઈ ચૂક્યું હતું અને ત્રીજે દિવસે પણ એવું જ થશે એવું લાગી રહ્યું હતું. દિગ્દર્શક અમિય ચક્રવર્તી, રાજિન્દર સિંહ બેદી અને અન્ય કેટલાક લોકો આનો તોડ દિલીપકુમાર શું કાઢે છે એ જાણવા ઉત્સુક હતા ત્યારે દિલીપ કુમારે એમના આગવા અંદાજમાં કહ્યું : `હું આટલા બધા ડાયલોગ નહીં બોલું, બે ચાર વાક્યમાં જ આખી વાત રજૂ કરીશ.’ આ વાત રાજિન્દર બેદીને હાડોહાડ લાગી ગઈ. લેખક તરીકે પોતાનું અપમાન લાગ્યું. ત્રણ પાનાંનો સીન એક પાનામાં ઓછા ડાયલોગ સાથે તૈયાર કર્યા પછી પણ દિલીપ કુમાર એ કરવા તૈયાર નહોતા એથી નારાજ થઈ બેદી સાહેબ તો સેટ પરથી ચાલતી પકડવા તૈયાર થઈ ગયા. એ કહે : `યુસુફ મિયાં, આપ ડાયલોગ લખો અને હું હીરો બની કેમેરા સામે ઊભો રહી જાઉં છું’ એવો ટોણો પણ માર્યો. દિલીપ કુમારે એમનું સ્પેશ્યલ હળવું સ્મિત કર્યું. લેખકશ્રીનો હાથ પકડ્યો અને કહ્યું કે `શરાબી દીકરો, માતાનું અવસાન અને પુત્રની પીડાનું તમે જે વર્ણન કર્યું છે એ બહુ સુંદર છે, પણ આ જ વાત મને મારી રીતે કહેવા દો. શોટ લીધા પછી જો તમને એ બરાબર નહીં લાગે તો તમે કહેશો એમ જ કરીશ અને ભવિષ્યમાં ક્યારેય આવા આગ્રહ નહીં રાખું.’ ડિરેક્ટર ચક્રવર્તી અને લેખક બેદી સાહેબને આ રજૂઆત ગળે ઉતરી ગયો.
શોટ ગોઠવાયો. ડિરેક્ટરે `એક્શન’ કહેતાંની સાથે દિલીપ કુમાર :
`પારો! મેરી માં મર ગઈ’ એ એક જ લાઈન દિલીપ કુમાર અત્યંત લાગણીવશ થઈ નવ વખત એવી રીતે બોલ્યા કે સેટ પર બધા સ્તબ્ધ થઈ ગયા. શોટ પૂરો થતા અમિય ચક્રવર્તી અને રાજિન્દર બેદી દિલીપ કુમારને ભેટી પડ્યા. માત્ર પાંચ શબ્દોના એક ડાયલોગ ત્રણ પાનાંના સીન કરતાં ચડિયાતો સાબિત થયો. આ વાત ખુદ સંવાદ લેખક રાજિન્દર સિંહ બેદીએ સ્વીકારી. દિલીપ કુમારની આ કમાલ હતી. એ સીન ફિલ્મમાં રાખવામાં આવ્યો અને ડાયલોગ્સમાં આગ્રહ રાખવાનું દિલીપ કુમારે
ચાલુ રાખ્યું. `દાગ’ના રોલ માટે દિલીપકુમારને `બેસ્ટ એક્ટર’ નો પહેલો `ફિલ્મફેર’ એવોર્ડ મળ્યો હતો.