મેટિની

ઈકરારના ગીતમાંથી ઊભી થઈ હતી તકરાર

વિશેષ -કવિતા યાજ્ઞિક

ગીતકાર શૈલેન્દ્રએ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં છે. એ ગીતો એવા છે કે જે આજે પણ લોકોના હૈયે અને હોઠે છે. ફક્ત એમણે જે ફિલ્મો માટે ગીતો લખ્યાં છે તેની યાદી જુઓ તો પણ એમનાં ગીતો મન ચમકારો કરી જાય તેમ છે. મધુમતી, તીસરી કસમ, યહૂદી, શ્રી ૪૨૦, દિલ એક મંદિર, આવારા, ગાઈડ, સંગમ, અનાડી વગેરે. આમ તો શૈલેન્દ્ર ફિલ્મી ગીતકાર પછી બન્યા, પહેલા તો એ પોતે બહુ સારા ઉર્દૂ શાયર અને કવિ હતા, એટલે એમણે લખેલાં ગીતોમાં એ કાવ્યાત્મક સ્પર્શ ચોક્કસ વર્તાય. હીરા પારખું રાજ કપૂરની નજરે તેમની આ ખૂબી જોઈ લીધી અને મુશાયરાની મહેફિલોમાંથી શૈલેન્દ્રને ફિલ્મી માહોલમાં ખેંચી આવ્યા. નિર્માતા રાજ કપૂર, સંગીતકાર શંકર-જયકિશન અને ગાયક મુકેશ સાથે ચોકડીમાં શૈલેન્દ્ર. બધા જ પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ એવા આ કલાકારોએ સાથે મળીને યાદગાર ગીતો આપ્યાં.

પણ જ્યારે કલાકારો સાથે કામ કરતા હોય ત્યારે સર્જનાત્મક મતભેદ પણ રહેવાના જ. આવો જ એક મજેદાર કિસ્સો શૈલેન્દ્રના લખેલા ગીતનો પણ છે. એ ગીતની ફક્ત ધૂન વાગે તો તમે ઓળખી જાઓ અને અનાયાસે ગાવા લાગો તેટલું અમર થયેલું છે. એ ગીતની બીજી મજેદાર વાત એ કે આ ગીતના જ એક સીનને પછીથી રાજકપૂરે પોતાના પ્રસિદ્ધ આરકે બેનરનું સિમ્બોલ બનાવ્યું! ઓળખી ગયાને કયા ગીતની વાત કરીએ છીએ?! જી હા, ગીત છે, પ્યાર હુવા ઈકરાર હુવા. પણ કહેવાય છે કે ઈકરારનું આ ગીત જયારે લખાયું ત્યારે તેમાંથી એક તકરાર નિર્માણ થઇ ગઈ હતી જેની બહુ ઓછા ચાહકોને જાણ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ કરીને સંગીતકારો અને ગીતકારો થોડા મિજાજી સ્વભાવના હોય. સ્વાભાવિક પણ છે કેમકે કલાકારો, સર્જકો સ્વભાવે થોડા તો તરંગી જ હોય. ખાસ કરીને ગીતકાર અને સંગીતકાર વચ્ચે અનોખો સંબંધ પણ હોય છે અને તેમની વચ્ચે અનન્ય સમન્વય અને સંવાદિતા પણ હોય છે, જેના કારણે શ્રેષ્ઠ ગીતોનું સર્જન થાય છે. પણ તેમની વચ્ચે જ્યારે મતભેદ થઇ જાય ત્યારે ભગવાન બચાવે! એવું કહેવાય છે કે પ્યાર હુવા ઈકરાર હુવા ગીતમાં શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર વચ્ચે પણ ગાંઠ પડી ગઈ હતી. વાત રમૂજી લાગે તેવી છે. પણ, પોતાના સર્જનમાં સર્જકોની કેટલી ઊંડી નજર રહેતી કે નાનામાં નાની વાતને ઊંડાણથી સમજ્યા વિના સ્વીકાર ન કરે, એક શબ્દ પણ આમ થી તેમ ન ચાલે, તેવી સર્જન પ્રત્યેની નિષ્ઠા પણ જાણવા જેવી છે. એમ ને એમ કંઈ આ સર્જકો મહાનની શ્રેણીમાં નથી આવતા સાહેબ.

બધા સંગીત પ્રેમીઓ જાણે છે કે શૈલેન્દ્ર સંગીતકાર શંકર જયકિશનના પ્રિય ગીતકાર હતા. શૈલેન્દ્રને પણ કિશનજી કરતાં શંકરજી માટે વધુ માન હતું, પરંતુ ક્યારેક જ્યારે બંને કોઈ મુદ્દે લડતા ત્યારે ચર્ચા ક્યારેક ઉગ્ર રૂપ લઇ લેતી. વાત એ સુવર્ણ કાળની છે જ્યારે બંને રાજ કપૂરની નવી ફિલ્મ માટે ગીતો તૈયાર કરી રહ્યા હતા. આ ફિલ્મ બીજી કોઈ નહીં અદ્ભુત ફિલ્મ શ્રી ૪૨૦. શૈલેન્દ્રજીએ આ ફિલ્મ માટે એક પ્રણયગીતનું મુખડું લખ્યું અને તેમણે રાજ કપૂર અને શંકરને સાંભળવા કહ્યું.

ગીતના શબ્દો હતા, “પ્યાર હુવા, ઈકરાર હુવા હૈ, પ્યાર સે ફિર ક્યું ડરતા હૈ દિલ, કહેતા હૈ દિલ રસ્તા મુશ્કિલ, માલૂમ નહીં હૈ કહાં મંઝિલ. મુખડાના બોલ સાંભળીને શંકરજી તો ખુશ થઇ ગયા અને તેમના મોઢેથી અનાયાસ વાહ! નીકળી ગયું. પોરસાઈને શૈલેન્દ્રએ પહેલો અંતરો સંભળાવ્યો, ‘દિલ કહે ઇસ માંગ કો તારો સે સજા દું…..’ આ સાંભળીને શંકર ડોલી ઉઠ્યા અને આગળ સંભળાવવા કહ્યું. શૈલેન્દ્રએ આગળ રજૂ કર્યું, “રાતેં દસો દિશાઓ સે કહેંગી અપની કહાનિયા… આ શબ્દો સાંભળતાં જ સંગીતકાર શંકરના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા. તેમણે તરત શૈલેન્દ્રને અટકાવ્યા.તેમને લાગ્યું કે દિશાઓ તો ચાર હોય છે ને શૈલેન્દ્ર દસ દિશાઓની ધડમાથા વગરની વાત કરે છે? તમે જુઓ, ગીતના એકએક શબ્દમાં સંગીતકારો પણ કેટલો ઊંડો રસ લેતા હતા.

આ વાતે બંને વચ્ચે જરા ઉગ્ર ચર્ચા જામી પડી. જોકે, તેમાં અંગત નહીં રચનાત્મક મતભેદ જ હતો. વાત કોણ સાચું ઉપર આવી. કવિ કહે કે હું સાચો તો શંકર કહે તમે ખોટા. સરસ મજાનું ગીત ક્યાંક આ વિવાદમાં પડતું મુકાઈ જાય તેવી નોબત આવી ગઈ. રાજ કપૂર ત્યાં હાજર હતા. રાજ કપૂરે બંનેને પહેલા તો શાંતિથી સાંભળ્યા અને પછી શંકરને સમજાવ્યું કે ચાર દિશાઓની તમારી વાત સાચી, પણ ચાર ખૂણાની ચાર દિશાઓ પણ ગણાય છે. શંકર કહે, તો દિશાઓ આઠ થઇ, દસ નહીં. બીજી બે દિશાઓ ક્યાંથી આવી? શૈલેન્દ્ર માર્મિકપણે હસ્યા અને પછી પહેલા આકાશ તરફ આંગળી કરી અને પછી નીચે જમીન તરફ આંગળી કરી. ચર્ચાનો ત્યાં જ અંત આવ્યો. શૈલેન્દ્ર, શંકર અને રાજ કપૂર ત્રણેય હસી પડ્યા. એ ગીત શબ્દોમાં ફેરફાર વગર સંગીતબદ્ધ થયું અને તે પછી જે બન્યું તે ઇતિહાસ આપણે સહુ જાણીએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button