મેટિની

બોલીવૂડમાં માહોલ બનાવવા માટે ફેક ફેન્સનો ધંધો પુરજોશમાં છે…!!

ફોકસ -નિકહત કુંવર

માર્કેટિંગના આ યુગમાં શું સાચું છે અને શું ખોટું છે તે જાણવું અને કહેવું ખૂબ મુશ્કેલ છે. ચૂંટણીઓ અને અન્ય રાજકીય કાર્યક્રમો દરમિયાન, ઘણીવાર ભાડાની ભીડ એકત્રિત કરવામાં આવે છે, એટલે કે, લોકોને પૈસાની અથવા અન્ય લાલચ આપીને કાર્યક્રમના સ્થળે લાવવામાં આવે છે જેથી દાખવી શકાય કે સંબંધિત નેતા અથવા રાજકીય પક્ષનો કેટલો પ્રભાવ છે. કદાચ આનાથી જ પ્રેરિત થઈને હવે બોલીવૂડમાં પણ ભાડાનાં ચાહકો એકત્રિત કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એ વાતને નકારી ન શકાય કે જ્યારે કોઈ ફિલ્મના ટીઝર લોન્ચ વખતે અથવા કોઈ એક્ટરની ચાહકોને મળવાના પ્રસંગે મોટી ભીડ હોય છે, ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે ખ્યાતિ તરીકે લેવામાં આવે છે, પરંતુ મોટાભાગના પ્રસંગોએ આ ભીડ અસલી કે વાસ્તવિક નથી હોતી. આ બધા ફેક ફેન્સ હોય છે, જેને આયોજકો માટે માર્કેટિંગ એજન્સી દ્વારા પૈસા આપી ઉપલબ્ધ કરવામાં આવે છે. તો વાત ફેક ન્યૂઝથી ફેક ફેન્સ સુધી પહોંચી ગઇ છે અથવા તો એમ કહેવું વધુ સારું રહેશે કે, ફેક ફેન્સ દ્વારા ફેક પ્રચાર માટે ફેક ન્યૂઝ બનાવવામાં આવે છે. મુંબઈમાં જ્યારે પણ કોઈ ફિલ્મનું ટ્રેલર કે ટીઝર લોન્ચ કરવામાં આવે છે ત્યારે એક્ટરની ફેન્સ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ત્યાં ૨૫૦-૫૦૦ લોકો હાજર હોય છે. આ ભીડ વ્યક્તિ દીઠ રૂ. ૨૦૦ થી રૂ. ૫૦૦ આપી એકત્રિત કરવામાં આવે છે. આમ કરી સુનિશ્ર્ચિત કરવામાં આવે છે કે અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત થાય છે અને એ મેસેજ આપી શકાય કે અભિનેતા લોકપ્રિય છે અને તેના પ્રશંસકો મોટી સંખ્યામાં છે. આ બિલ્ટ-અપ ભીડ અને ખ્યાતિનો ખ્યાલ તમને કદાચ આશ્ર્ચર્યચકિત કરી શકે છે, પરંતુ હકીકત એ છે કે માયાનગરીમાં આ કામ વર્ષોથી થઈ રહ્યું છે અને હવે તો આ સ્થાપિત ટ્રેડ બની ગયો છે. ખ્યાતિનું આ નાટક એવો ભ્રમ ઊભો કરવા માટે કરવામાં આવે છે કે અભિનેતાના વાસ્તવિક ચાહકો તેમના માટે ઉત્સાહિત છે.

સ્વાભાવિક છે કે આ બધું આપ મેળે નથી થઈ રહ્યું પરંતુ હાઈપ ઉત્પન્ન કરવા માટે પબ્લિસિટ ટીમ અને માર્કેટિંગ એજન્સીઓ નકલી ચાહકોની ભીડ એકઠી કરવામાં લાગેલી છે. આ પ્રકારની ઇવેન્ટ માટે એજન્સીઓ રૂ. ૬૦,૦૦૦ થી રૂ. ૨-૩ લાખ ચાર્જ કરે છે. નવાઈની વાત એ છે કે ભાડાની ભીડ માત્ર ઉત્સાહ આપવા માટે જ નહીં પરંતુ ફિલ્મનો વિરોધ કરવા માટે પણ એકત્ર કરવામાં આવે છે. ફિલ્મી દુનિયામાં વિવાદનો પર્યાય પ્રચાર છે. નેગેટિવ પબ્લિસિટીના કારણે, ફિલ્મની પાયાના સ્તરેથી ચર્ચા થવા લાગે છે અને ઉત્સુક લોકો સિનેમાઘરોમાં એ જોવા પહોંચી જાય છે કે આ બધો વિવાદ શેના માટે છે અને આમ નિર્માતાઓની નીકળી પડે છે. શોર્ટ નોટિસ પર નકલી ફેન્સ એકત્રિત કરનાર એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, તાજેતરમાં, કેમ્પસ પોલિટિક્સ પર એક ફિલ્મને પબ્લિસિટીની જરૂર હતી અને આ માટે, દિલ્હી, લખનઊ અને મુંબઈમાં એવી ભીડ ઊભી કરવાની હતી જે ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કરી શકે, પરંતુ છેલ્લી ઘડીએ બજેટની મર્યાદાને કારણે આયોજકોએ પીછેહઠ કરી હતી. પ્રમોશનની આ નિયમિત વ્યૂહરચનામાં, જે નકલી ચાહકોને પૈસા ચૂકવીને એકત્રિત કરવામાં આવે છે તેમને જુનિયર આર્ટિસ્ટ કહેવામાં આવે છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે એક લોકપ્રિય પંજાબી અભિનેતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા અને તેની આગામી ફિલ્મ માટે એક ઇવેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વાતનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો હતો ત્યારે અમે અભિનેતા પાસેથી જાણ્યું કે જુનિયર આર્ટિસ્ટનું શું કરવું છે? અભિનેતાને આંચકો લાગ્યો કે ને એક્ટરનો ઉત્સાહ વધારવા માટે જુનિયર આર્ટિસ્ટને હાયર કરવામાં આવે છે. બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં પંજાબી અભિનેતાએ કહ્યું- અમે તાળીઓ પાડવા માટે ફેન્સ નથી બોલાવ્યા, તમે જાતે જ પાડી દો. મુંબઈમાં ફેક ફેન્સની વ્યવસ્થા કરવી વિચિત્ર નથી, રૂટિન છે. સૂત્રોનું કહેવું છે કે એ-લિસ્ટર્સની ફિલ્મોને બાદ કરતાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઘણી મોટા બજેટની ફિલ્મોએ ફેક ફેન્સ હાયર કર્યા હતા. સાઉથની ઘણી ફિલ્મો માટે પણ ભાડાની ભીડનું આયોજન કરવામાં આવ્યું છે.

થોડા દિવસો પહેલા ગ્વાલિયરમાં એક ઈવેન્ટ હતો, જેમાં કબીર ખાન એમ કહેતા સાંભળ્યા હતા કે, ‘જ્યારે અમે મુંબઈમાં આવી ઈવેન્ટ્સ આયોજિત કરીએ છીએ ત્યારે ભીડ વધુ હોય છે, પરંતુ તેમાંથી અડધાને પૈસા ચૂકવીને બોલાવવામાં આવે છે. જ્યારે નિર્માતાઓ અને અભિનેતાઓ પાસે ખર્ચ કરવા માટે પૂરતા પૈસા નથી હોતા અને તેમ છતાં ઇચ્છે છે કે યુવા ભીડ તેમનો જયકાર કરે તો તેઓ શાળા અને કોલેજ ફેસ્ટિવલનું આયોજન કરનારાઓનો સંપર્ક કરે છે, જે સીટ ભરવા માટે વિદ્યાર્થીઓને મોકલી દે છે.’ એક સૂત્રના જણાવ્યા અનુસાર, “શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ખ્યાતિની ધારણા ઊભી કરવા અને તેઓ વાસ્તવિક ચાહકો છે તે બતાવવા માટે આવી ઇવેન્ટ્સમાં લાવવામાં આવે છે. પરંતુ આ ફેન્સ એગેજમેન્ટ પ્રવૃત્તિઓમાં કંઈ જ ઓર્ગેનિક કે વાસ્તવિક હોતું નથી.
વાસ્તવમાં, પ્રોડક્શન હાઉસ ભાડાની ભીડ એકઠી કરવા માટે વધારાનો ખર્ચ એ માટે કરે છે, જેથી વાતાવરણ બનાવી શકાય. ફેક ફેન્સને એટલા માટે પૈસા ચૂકવવામાં આવે છે જેથી તેઓ બૂમો પાડે, સીટી વગાડે, જોરથી ચિયર કરે અને તમામ હદ વટાવીને સંદેશ આપે કે ફિલ્મ એટલી શાનદાર છે કે દર્શકો તેને જોવાનું ભૂલતા નહીં. બધા જુનિયર આર્ટિસ્ટને વાસ્તવિક ચાહકોની જેમ વર્તવા અને ઇવેન્ટમાં મોટા અવાજે કલાકારોના નામનો ઉચ્ચાર કરવા માટે સંક્ષિપ્ત કરવામાં આવે છે. આ ક્લિપ્સ હાઇપ બનાવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ અને શેર કરવામાં આવે છે. આ સ્ટ્રેટેજીથી મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ તો પરિચિત છે જ, પરંતુ અન્ય શહેરોમાં બનાવટી ભીડની બનાવટી પ્રશંસાને ઘણીવાર ફિલ્મ અથવા અભિનેતા પ્રતિ સાચો પ્રેમ સમજી લેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button