મનોરંજનમેટિની

ચંદુલાલ શાહની ‘ગુણસુંદરી’નો જન્મ શી રીતે થયો?

મહેશ નાણાવટી

હિન્દી ફિલ્મોમાં ‘સરદાર’નું બિરુદ પામનારા અને પ્રખ્યાત રણજિત સ્ટુડિયોની સ્થાપના કરીને ૧૫૦થી વધુ ફિલ્મો આપનારા દિગ્ગજ ગુજરાતી નિર્માતા નિર્દેશેક ચંદુલાલ શાહની એક જમાનામાં ક્રાંતિકારી ગણાતી ‘ગુણસુંદરી’ નામની ફિલ્મનો જન્મ શી રીતે થયો એ જાણવું રસપ્રદ છે…બન્યું એવું કે મુંબઈની એક મજાની બપોરના મેટિની શોમાં બેસીને ચંદુલાલ શાહ એક અંગ્રેજી ફિલ્મની મજા માણી રહ્યા હતા

ત્યારે થિયેટરના અંધારામાં પ્રવેશેલી એક વ્યક્તિએ એમની પાછળ પહોંચીને એમના ખભે ટપલી મારતાં કહ્યું: ‘જરા બહાર આવોને, તમારા માટે અગત્યનો સંદેશો છે.’ ફિલ્મ અધૂરી મૂકીને ચંદુલાલ શાહ બહાર આવ્યા ત્યારે ખબર પડી કે એ સંદેશો મોકલનાર ચંદુલાલે બનાવેલી પહેલી ફિલ્મના પ્રોડ્યુસર એટલે કે એ સમયના મુંબઈના ‘ઈમ્પિરીયલ’ થિયેટરના માલિકનો હતો. સંદેશો શું હતો?

સંદેશો એમ હતો કે નવી નવી ‘લક્ષ્મી ફિલ્મ કંપની’ના સ્થાપક બની ચૂકેલા એ ઈમ્યિરીયલ થિયેટરનાં માલિકે એક મોટા બજેટની ફિલ્મ બનાવી આપવા માટે ‘કોહિનૂર ફિલ્મ કંપની’ને એડ્વાન્સ રકમ પણ ચૂકવી આપી હતી, પરંતુ અહીં પ્રોબ્લેમ એ હતો કે કોહિનૂર કંપનીના ખાસ ડિરેક્ટર હોમી માસ્ટર, જે આ ફિલ્મનું ડિરેક્શન કરવાના હતા એમના પગમાં ફ્રેકચર થઈ ગયું હતું.

એ જમાનામાં હાડકું ભાગે તો બે મહિનાનો ખાટલો નિશ્ર્ચિત ગણાતો હતો, પરંતુ અહીં સમસ્યા એ હતી કે સામે આવી રહેલા તહેવારોમાં જ આ ફિલ્મ તૈયાર કરીને રિલીઝ કરવી પડે તેમ હતું. ઈમ્પિરીયલ થિયેટરના માલિક જુબાન આપી ચૂક્યા હતા, પણ પેલા હોમી માસ્ટરે ખાટલો પકડી લીધો હતો! ‘હવે ફિલ્મ બનાવે કોણ?’


Also read: સફળતા ને નિષ્ફળતામાં ફરક ‘પાવર’નો નહી, ‘વિલ-પાવર’ નો હોય છે…


ફિલ્મ તો કોઈપણ બીજો દિગ્દર્શક બનાવી શકે, પણ આ નિર્માતાને ચંદુલાલ શાહ જ કેમ યાદ આવ્યા? તો એના જવાબ માટે આ ફલેશબેકના પણ ફલેશબેકમાં જવું પડશે…

ફલેશબેકની શરૂઆત ત્યાંથી થાય છે જ્યારે ચંદુલાલ શાહ નામના આ ગુજરાતીને ફિલ્મોમાં કે ફિલ્મલાઈનમાં જરાય રસ નહોતો. એ તો શેરબજારમાં દલાલી કરીને કમાણી કરી જ રહ્યા હતા, પરંતુ એમના મોટાભાઈ એ વખતે બની રહેલી મુંગી ફિલ્મોમાં સિનેરિયો લખવાનું કામ કરતા હતા. (ફિલ્મો મુંગી હતી એટલે સંવાદો નહોતા. પરંતુ કયાં દૃશ્યમાં શું બનશે અને વચ્ચે જરૂર પડે તો સંવાદ લખેલું જે કાર્ડ આવે તેનું લખાણ વગેરેને સિનેરિયો કહેતા.)

યુવાન ચંદુલાલ નવરા પડે ત્યારે મોટાભાઈના સ્ટુડિયોમાં લટાર મારવા જતા. એમનો જીવ એક તો ગુજરાતી, ઉપરથી વણિક એટલે એમનું ધ્યાન ધંધાદારી બાબતોમાં વધારે જતું હતું. એ મોટાભાઈને કહેતા: ‘તમારા સ્ટુડિયોમાં સમયનો બહુ બગાડ થાય છે, મજૂરો અને મિસ્ત્રીઓ નવરા બેસી રહે છે, લેબોરેટરીમાં અડધા દિવસોમાં કંઈ કામ નથી હોતું. કલાકારો બિનજરૂરી ભાવ ખાય છે.’ વગેરે.
આવી જ લટારો દરમ્યાન ચંદુલાલને જાણવા મળ્યું કે અગામી દિવસોમાં જ્યાં દિવાળી અને ઈદ એકસાથે આવી રહી છે એ મોકાનો લાભ લેવા માટે મુંબઈના ઈમ્પિરિયલ થિયેટરના માલિક એક સારી ફિલ્મની શોધમાં હતા, જેને થિયટેરમાં લગાડી શકાય. !

ચંદુલાલ શાહે થિયેટર માલિક પાસે જઈને ઑફર મૂકી કે ‘હું તમને સાવ નવી ફિલ્મ માત્ર ૨૦ હજારમાં બનાવી આપું તો?’ ચંદુલાલે આખી પ્રપોઝલનાં ગણિત એવાં છટાદાર રીતે રજૂ કર્યાં કે થિયેટરના માલિકે ૧૦ હજાર રૂપિયા એડવાન્સ આપી દીધા! ચંદુલાલ શાહની એ પહેલી ફિલ્મનું નામ હતું ‘વિમલા,’ જે ઈમ્પિરિયલમાં સળંગ દસ અઠવાડિયા લગી ચાલતી રહેલી!
પ્રોડ્યુસરે એ ફિલ્મ ભારતનાં બીજા થિયેટરોમાં રિલીઝ કરીને ખૂબ રૂપિયા કમાઈ લીધા. ચંદુલાલે પણ શેરબજાર છોડીને એ જ પ્રોડ્યુસરને વધુ બે ફિલ્મો બનાવી આપી: ‘પંચદંડ’ અને ‘કામકુંડલ’. જોકે વેપારી દિમાગ ધરાવતા ચંદુલાલ સમજી ગયા કે ભલે પોતે ઝડપથી અને સારી ફિલ્મ ઓછા ખર્ચે બનાવી શકે છે, પરંતુ દિગ્દર્શક તરીકેની જે ‘મજૂરી’ મળે છે એમાં કંઈ માલ નથી.

‘ખરી કમાણી તો ત્યારે જ થાય જ્યારે પોતે પ્રોડ્યુસર હોય અને ડિસ્ટ્રિબ્યુશનમાં પણ પોતાનો ભાગ હોય..’.
આ બધું ગણિત જોયા પછી ચંદુલાલ ફિલ્મ લાઈનને બાય બાય કરીને ફરી પોતાની શેરબજારની લાઈનમાં જતા રહ્યા હતા. તો અહીં સવાલ એ થાય કે પેલા મેટિની શોમાં આવેલી ઑફરમાંથી પ્રખ્યાત ‘ગુણસુંદરી’નામની ફિલ્મનો જન્મ શી રીતે થયો? હંઅ, તો વાત એમ હતી કે ચંદુલાલે માત્ર વિવેક ખાતર પ્રોડ્યુસરનું માન રાખવા પેલા હોમી માસ્ટરની મુલાકાતે જવાની હા પાડી, પણ ત્યાં હોસ્પિટલમાં શું થયું?

હોમી માસ્ટર પલંગમાં સૂતા હતા. ચંદુલાલે વિચાર્યું હતું કે પોતે હોમી માસ્ટરને ઝટ સારા થઈ જવાની શુભેચ્છા આપીને ત્યાંથી નીકળી જશે, પરંતુ હોમી માસ્ટરે પોતાના ઓશિકા નીચેથી જાણે પોતાનો વ્હાલો દીકરો સોંપતા હોય એ રીતે ચંદુલાલના હાથમાં ફિલ્મની સ્ક્રિપ્ટ આપતા કહ્યું: ‘ચંદુલાલ, ચિંતા ન કરો, ફિલ્મની હીરોઈન ગોહરબાનો છે
એટલે ફિલ્મ તો હિટ જ થશે.’

બસ! ગોહરબાનોનું નામ સાંભળતાં જ ચંદુલાલે પોતાનો વિચાર બદલી નાંખ્યો… કેમ કે એ જમાનામાં ગોહરબાનો ટોચની હીરોઈન ગણાતી હતી. ત્યાર બાદ જે કંઈ થયું તે ઈતિહાસ છે, કેમ કે ચંદુલાલે હોમી માસ્ટરની સ્ક્રિપ્ટ સાવ રદબાતલ કરીને રાતોરાત નવી લખી! સતત ૧૦૪ ડિગ્રી તાવ રહેતો હોવા છતાં દિવસે શૂટિંગ થાય, રાત્રે તેની પટ્ટીઓ લેબોરેટરીમાં ડેવલપ થાય અને બીજા દિવસે તો તેનું એડિટિંગ પણ થઈ જાય… એવી સુપર-ઝડપી મેથડથી આખી ફિલ્મ રેકોર્ડ ટાઈમમાં એમણે તૈયાર કરી દીધી!


Also read: દૂરિયાં નજદિકીયાં બન ગઇ….! છૂટાછેડાની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક


‘ગુણસુંદરી’ ૧૯૨૭માં સુપરહિટ સાબિત થઈ અને એ પછી જતે દહાડે ગોહરબાનો અને ચંદુલાલની પાર્ટનશીપમાં ‘રણજિત સ્ટુડિયો’ની સ્થાપના થઈ…જસ્ટ વિચાર કરો, જો તે દિવસે ચંદુલાલના હાથમાં સ્ક્રિપ્ટ આપતી વખતે હોમી માસ્ટર ‘ગોહરબાનો’નું નામ ના બોલ્યા હોત તો?!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button