મેટિની

તેરા પીછા ના… મૈં છોડુંગા સોણિયે…

વર્ષના પહેલા છ મહિનામાં ત્રણ સિક્વલ આવી અને બાકીના છ મહિનામાં નવેક સિક્વલ જોવાનો લ્હાવો હિન્દી ફિલ્મના દર્શકોને મળવાનો છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

‘તમને ચોથા માળે રહેતા અશ્રુલેખાબહેનની દીકરી મનસ્વીની વાતની ખબર પડી?’

આવો એક સવાલ જો સોસાયટીની કોઈ મહિલા અન્ય મહિલાને કરે અને એનો જવાબ ન મળે તો સોસાયટીની ચારેચાર વિંગમાં રહેતા સમસ્ત નારીગણને એ સવાલના જવાબની જાણ ન થાય ત્યાં સુધી રાત્રે સરખી નીંદર ન આવે. ‘પછી શું?’ કે ‘આગળ શું?’ એ બે શબ્દો એવું અને એ હદનું કુતૂહલ પેદા કરી શકે છે કે વાત ના પૂછો.

-અને એનો જ આધાર લઈ ‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’ સવાલને દર્શકો સમક્ષ લટકતો મૂકી દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી ‘બાહુબલી- ૨: ધ કનકલુઝન’ સિક્વલ બનાવી ૧૭૦૦ કરોડ રૂપિયા ઘરભેગા કરી શકે છે. ‘પછી શું’ એવું બીજ છે જેમાંથી અનેક સિક્વલનો જન્મ થયો છે અને હવે પછી થતો રહેશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૮૧ વર્ષ પહેલા ‘હંટરવાલી કી બેટી’ નામની પહેલી સિક્વલ બની હતી અને આજે ’સારી સ્ટોરી નથી લખાતી’ એવી દલીલ આગળ કરી બાયોપિક અને સિક્વલ બનાવવાને પ્રાધાન્ય મળી રહ્યું છે. સિક્વલ બનાવવા માટે મૂળ ફિલ્મની સફળતાને કારણે દર્શકોમાં પેદા થયેલી રુચિ ઉપરાંત નાણાંકીય વળતર મળવાની ઉજળી સંભાવના પ્રમુખ કારણો ગણાય છે. ૨૦૨૪માં આપણે અધવચ્ચે પહોંચ્યા છીએ. પ્રથમ છ મહિનામાં ‘કાગઝ ૨’, ‘સાઇલન્સ ૨: ધ નાઈટ આઉલ બાર શૂટઆઉટ’, અને ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ સિક્વલ રિલીઝ થઈ ગઈ છે અને વર્ષના અંત સુધીમાં બીજી આઠેક સિક્વલ દર્શકોની નજરમાં વસી જવા તલપાપડ છે. અહીં માત્ર આ વર્ષે રિલીઝ થનારી સિક્વલનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. અલબત્ત, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ સિક્વલના ખેલ દેખાડી રહી છે એવું નથી. હોલિવૂડ આપણા કરતાં બે ડગલાં આગળ ચાલી
રહ્યું છે.

સ્ત્રી ૨
વર્ષના બીજા અડધિયામાં રિલીઝ થનારી પહેલી સિક્વલ છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ હોરર કોમેડી ૨૦૧૮માં આવેલી ‘સ્ત્રી’ની સિક્વલ છે. પહેલી ફિલ્મના મુખ્ય ચાર કલાકાર હીરો – હિરોઈન ઉપરાંત પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના સિક્વલમાં પણ નજરે પડશે. રાત્રે પુરુષનું અપહરણ કરતા સ્ત્રીના ભૂતને કેન્દ્રમાં રાખી બનેલી ‘સ્ત્રી’ને બોક્સ ઓફિસ પર બહોળો આવકાર મળ્યો હતો. સ્ત્રી અને અજાણી મહિલા વચ્ચેનું સમીકરણ રસપ્રદ છે. સિક્વલમાં શ્રદ્ધાના પાત્ર ફરતે વીંટળાયેલા રહસ્ય પરથી પડદો ઊઠશે એવી વાત વહેતી કરવામાં
આવી છે.

સિંઘમ અગેન
રોહિત શેટ્ટીની પોલીસ ઓફિસરોને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવતી શ્રેણીબદ્ધ ફિલ્મો (કોપ યુનિવર્સ)નું નવું પ્રકરણ ’સિંઘમ અગેન’ છે. પહેલી ફિલ્મ ‘સિંઘમ’ ૨૦૧૧માં આવી હતી અને દર્શકોનો અઢળક પ્રેમ મેળવવામાં સફળ રહી હતી. ત્યારબાદ ‘સિંઘમ રિટર્ન્સ’ સિક્વલ સ્વરૂપે બનાવાવમાં આવી. સિંઘમનુંરસાયણ બોક્સ ઓફિસ પર એવું સત્વશીલ સાબિત થયું છે કે હારમાળાનો ત્રીજો મણકો ‘સિંઘમ અગેન’ દિવાળીના ફટાકડાનીસાથે ધૂમ મચાવશે. ત્રણે ફિલ્મમાં અજય દેવગન હીરો હતો જ્યારે હિરોઈન બદલાઈ છે. પહેલીમાં કાજલ અગ્રવાલ હતી અને ‘સિંઘમ રિટર્ન્સ’માં કરીના કપૂર – ખાન હતી. ‘સિંઘમ અગેન’માં કરીના ઉપરાંત દીપિકા પાદુકોણ પણ છે. ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર ડીસીપી સૂર્યવંશીનારોલમાં અને રણવીર કપૂર ‘સિમ્બાના’ રોલમાં છે. ‘સૂર્યવંશી’ અને ‘સિમ્બા’ કોપ યુનિવર્સનીફિલ્મોનો હિસ્સો છે.

ભૂલભૂલૈયા ૩
મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક ‘ભૂલભૂલૈયા’ ૨૦૦૭માં રિલીઝ થઈ ત્યારે ભારે કુતૂહલ જન્માવ્યું હતું. ભૂતના કાલ્પનિક ભયને માનસશાસ્ત્રીની દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ, અક્ષય કુમાર – વિદ્યા બાલનનો અભિનય, પ્રિયદર્શનનાડિરેક્શનનું કાબેલ સંયોજન વિષયને દરેક વર્ગને પ્રભાવિત કરી શક્યા હતા. ૧૫ વર્ષ પછી આવેલી ‘ભૂલભૂલૈયા ૨’માં ડિરેક્ટર અને અક્ષય કુમાર – વિદ્યા બાલન બદલાઈ ગયા. દિગ્દર્શન અનીસબઝમીનું હતું અને લીડ રોલમાં
કાર્તિક આર્યન અને તબુ હતા. ૨૫૦ કરોડથી વધુ કલેક્શન મેળવી ૨૦૨૨ની પહેલી પાંચ સફળ ફિલ્મમાં સિક્વલે સ્થાન મેળવ્યું હતું. ત્રીજી ફિલ્મમાં દિગ્દર્શક અનીસ બઝમી જ છે, હીરો કાર્તિક આર્યન અને સાથે ‘એનિમલ’ પછી ખાસ્સી લોકપ્રિયતા મેળવનાર તૃપ્તિ ડિમરી તેમજ વિદ્યા બાલનનું પુનરાગમન દિવાળી વખતે રિલીઝ થનારી ફિલ્મ માટે કુતૂહલ જરૂર જન્માવ્યું છે.

મેટ્રો ઈન દિનો…:
અનુરાગ બાસુની ૨૦૦૭ની ‘લાઈફ ઈન અ મેટ્રો’ ફિલ્મની કથા મુંબઈ શહેર અને એનાં પાત્રોની ફરતે આકાર લે છે. ધર્મેન્દ્ર, ઈરફાન ખાન, શિલ્પા શેટ્ટી, કોંકણાસેન શર્મા, કે કે મેનન, કંગના રનૌટ જેવી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મને સારો આવકાર મળ્યો હતો. ૧૭ વર્ષ પછી એની સિક્વલ ‘મેટ્રો ઈન દિનો’ દિવાળી પછી રિલીઝ થઈ રહી છે. મુંબઈ શહેરમાં બદલાયેલું જીવન, બદલાયેલી પ્રેમની વ્યાખ્યા કથાનું હાર્દ છે. મૂળ ફિલ્મની માત્ર કોંકણા સેન શર્માને રિપીટ કરવામાં આવી છે. અન્ય કલાકારોમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, અનુપમ ખેર, નીના ગુપ્તા વગેરેનો સમાવેશ છે.

વેલકમ ટુ જંગલ:
અનીસ બઝમી દિગ્દર્શિત ‘વેલકમ’ (૨૦૦૭) કોમેડી ફિલ્મ હતી જે ફિરોઝ ખાનની અંતિમ ફિલ્મ તરીકે પણ યાદ રહી ગઈ છે. બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયેલી આ ફિલ્મની સિક્વલ ‘વેલકમ બેક’ (૨૦૧૫) પણ અનીસબઝમીએજ ડિરેક્ટ કરી હતી અને મૂળ ફિલ્મના ઘણા કલાકારો રિપીટ કરવામાંઆવ્યા હતા. હવે આ વર્ષે વેલકમ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ આવી રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક છે કોરિયોગ્રાફર તરીકે શઆત કરી દિગ્દર્શન તરફ વળેલા અહમદ ખાન. ફિલ્મ એક્શન કોમેડી હશે એવી વાતો સાંભળવામાં આવી છે. પહેલી બે ફિલ્મના મુખ્ય કલાકારમાંથી અનિલ કપૂર અને નાના પાટેકરને પડતા મૂકવામાં આવ્યા છે. બંનેની લોકપ્રિયતા ત્રીજી ફિલ્મ માટે કુતૂહલ પેદા કરવામાં તો સફળ રહેશે જ.

સિતારે ઝમીં પર:
‘વેલકમ ટુ જંગલ’ સાથે જ રિલીઝ થવા તૈયાર ‘સિતારે ઝમીં પર’ આમિર ખાનના ચાહકોને રોમાંચિત કરી દેશે. ‘શુભ મંગલ સાવધાન’ ફિલ્મ ડિરેક્ટ કરનાર આર. એસ. પ્રસન્ના આમિર ખાનની ‘તારે ઝમીં પર’ની સિક્વલ બનાવી રહ્યો છે. ફિલ્મમાં આમિર ખાન અને દર્શીલ સફારી ઉપરાંત જેનેલિયા ડિસોઝા છે. ‘ડાઉન સિન્ડ્રોમ’ નામની શારીરિક તકલીફ કથાના કેન્દ્રમાં છે અને ફિલ્મ દર્શકોને લાગણીવશ નહીં પણ ખડખડાટ હસાવશેએવોદાવો કરવામાં આવ્યો છે.

ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ:
શાહિદ કપૂરની ‘ઇશ્ક વિશ્ક’ (૨૦૦૩)ની આ સ્પિરિચ્યુઅલ સિક્વલ છે. નવા કલાકાર સાથેની આ રોમેન્ટિક કોમેડી આજે રિલીઝ થઈ રહી છે. આ સિવાય મરાઠી ફિલ્મ ’સૈરાટ’ પરથી બનેલી હિન્દી ફિલ્મ ‘ધડક’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ ‘ધડક ૨’ રિલીઝ થશે જેના નિર્માતાઓમાં એક નામ કરણ જોહરનું પણ છે. સ્પિરિચ્યુઅલ સિક્વલમાં મૂળ ફિલ્મની થીમ જળવાઈ હોય, પણ એની કથા ઘણી જુદી પડતી હોય છે.

હોલિવૂડના હાલહવાલ
વિદેશની ધરતી પર મતલબ કે હોલિવૂડમાં સર્વપ્રથમ સિક્વલ (ફુલ લેન્થ ફીચર ફિલ્મ) The Fall of a Nation 1916માં બની હતી. આ ફિલ્મ Birth of a Nation(1915) ફિલ્મની સિક્વલ હતી. જાણવાની વાત એ છે કે થોડો ઈતિહાસ + થોડી કલ્પનાનું મિશ્રણ ધરાવતી The Birth of a Nation ફિલ્મમાંયુએસ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનની હત્યા અને યુએસમાં થયેલા આંતરવિગ્રહ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો અને બોક્સ ઓફિસ પર તેને ધૂંઆધાર સફળતા મળી હતી. સિક્વલThe Fall of a Nation પહેલા વિશ્ર્વયુદ્ધ દરમિયાન કેન્દ્રમાં રહેલા મિત્ર રાષ્ટ્રોના પ્રચાર જેવી હતી. દર્શકોએ ફિલ્મનેડિંગો દેખાડ્યો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ ઊંધે માથે પછડાઈ હતી. ત્યારબાદ સિક્વલનોઆઈડિયા ધીમે ધીમે આકાર લેવા લાગ્યો અને એવી નોંધ છે કે The Godfather Part II (1974) ને બોક્સ ઓફિસ પર સફળતા અને શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ અને ત્યારબાદ The Empire Strikes Back (1980)) ને બે ટેક્નિકલ ઓસ્કર એવોર્ડ અને કમાણીમાં ધોધમાર વરસાદનો અનુભવ થયા પછી ફિલ્મ નિર્માણ કરતા સ્ટુડિયોને સિકવલ બનાવવાની ચળ ઊપડી. આજે તો પરિસ્થિતિ એવી છે કે હોલિવૂડમાં સિકવલ બનાવવાનું પ્રમાણ આપણા કરતાં અનેકગણું વધારે છે. આ વર્ષ દરમિયાન Deadpool 3, Spider-Man: Beyond The Spider-Verse, Joker: Folie ¸ Deux, The Karate Kidand Kung Fu Panda 4સહિત દોઢ ડઝનથી વધુ સિક્વલ રજૂ થઈ ગઈ છે અથવા રિલીઝ થવાની છે. કેટલીક ફિલ્મો તો હારમાળાનો ત્રીજો કે ચોથો અવતાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button