મેટિની

‘ટેલર સ્વિફ્ટ ધ એરાઝ ટૂર’ એટલે એક માસ્ટરસ્ટ્રોક

કોન્સર્ટ જેવો જ અનુભવ કરાવતી ટેલરની કોન્સર્ટ મૂવીની વિશેષતાઓ

પોપસ્ટાર્સની દરેક યાદીમાં ટેલર સ્વિફ્ટ પહેલું નહીં તો ટોચ ત્રણમાં તો સ્થાન ધરાવે જ છે. ઉપરાંત તેની આ કોન્સર્ટ સાથે પણ લોકોને અને ખાસ કરીને સ્વિફટીઝ તરીકે ઓળખાતા તેના વિશાળ ચાહકવર્ગને પસંદ પડે તેવી વિશેષતા જોડાયેલી છે.

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

(ભાગ – ૨)
અત્યાર સુધીની સૌથી સફળ કોન્સર્ટ મૂવીની આપણે ગયા સપ્તાહે વાત કરી રહ્યા હતા. ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર અનેક બોક્સ ઓફિસ રેકોર્ડ્સ તોડીને હિટ તો સાબિત થઈ જ છે, એ ઉપરાંત ડિસ્ટ્રીબ્યુશન મોડલમાં ક્રાંતિકારી ફેરફાર કરવા માટે પણ ટેલર સ્વિફ્ટ અને તેની આ મૂવીની ચર્ચા થઈ છે તેની આપણે વાત કરી હતી. ‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ના કારણે તેની આસપાસ રિલીઝ થતી અનેક મૂવીઝના ફિલ્મમેકર્સે તેની રિલીઝ ડેટ બદલવી પડી હતી, પણ માર્ટિન સ્કોર્સેસી જેવા ધૂરંધર દિગ્દર્શકની ‘૨૦ ઓક્ટોલ્મ કિ’ સાથેની તેની સ્પર્ધા વિશે ઇન્ડસ્ટ્રી અને દર્શકોમાં ખૂબ વાતો થઈ છે.

એ ફિલ્મમાં લિયોનાર્દો ડી કેપ્રિયો અને રોબર્ટ ડી નીરો જેવા સ્ટાર્સ હોવા છતાં એ ટેલર સ્વિફ્ટની કોન્સર્ટ સામે પછાડ પામી છે. તેનું કારણ છે કે સામાન્ય કોન્સર્ટ મૂવી કરતા આ મૂવી અનેક રીતે સાચી કોન્સર્ટની જ ફીલ આપે છે.

ટેલર સ્વિફ્ટની લોકપ્રિયતા ઉપરાંત આ કોન્સર્ટ મૂવીની સફળતાના કારણોમાં તેની સાથે જોડાયેલી અનેક વિશેષતાઓ છે જે કોન્સર્ટ પ્રિય દર્શકો માટે આકર્ષણ બની છે.

એક તો ટેલરની આ કોન્સર્ટ મૂવી કરતા પણ ક્યાંય ગણી વધુ આખા વિશ્ર્વની ઈકોનોમી પર અસર ઊભી કરી શકી છે. કોન્સર્ટનો ખુદનો જ હાઇપ દર્શકોમાં એટલો બધો છે કે ટેલરે તેના શરૂઆતના શોઝમાંથી જ આ મૂવી શૂટ કરી લીધી અને આપણે વાત કરી હતી તેમ કોન્સર્ટ ટૂર ૨૦૨૪માં પૂરી થાય એ પહેલાં જ તેને રિલીઝ કરીને એ હાઇપનો ફાયદો ઉઠાવતો વધુ એક માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

હાલના પોપસ્ટાર્સની દરેક યાદીમાં ટેલર સ્વિફ્ટ પહેલું નહીં તો ટોચ ત્રણમાં તો સ્થાન ધરાવે જ છે. ઉપરાંત તેની આ કોન્સર્ટ સાથે પણ લોકોને અને ખાસ કરીને સ્વિફટીઝ તરીકે ઓળખાતા તેના વિશાળ ચાહકવર્ગને પસંદ પડે તેવી વિશેષતા જોડાયેલી છે. ફક્ત અમુક પસંદગીનાં કે નવાં ગીતોના બદલે ૧૦ એક્ટમાં ટેલરના અત્યાર સુધીના ૧૦ હિટ આલ્બમ્સના કુલ ૪૪ ગીતો તેની સાડા ત્રણ કલાક ચાલતી આ કોન્સર્ટમાં છે.

ટેલરની અંગત જિંદગી અને સંઘર્ષના કારણે પણ ટેલરને ચાહતા લોકો આ ૧૦ આલ્બમ્સના કારણે કોન્સર્ટ તરફ વધુ આકર્ષાય એ સ્વાભાવિક છે. એટલે જ આ કોન્સર્ટે એન્ટરટેઇન મીડિયા અને સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચર્ચા જગાવી અને કોન્સર્ટને હાઇપ અપાવ્યો. એ બધો જ હાઇપ કોન્સર્ટ મૂવીને પણ મળ્યો.

ટેલર સ્વિફ્ટે રિલીઝ અને માર્કેટિંગને લઈને જે પદ્ધતિઓ અપનાવી એ આપણે જોઈ હતી. એ સાથે એક નવી પદ્ધતિ તેણે વાપરી જે પણ બીજા આર્ટિસ્ટ્સની કોન્સર્ટ મૂવી કરતા અલગ પડે છે અને મૂવીની સફળતા માટે એક ખાસ્સું મોટું કારણ બન્યું છે. એ પદ્ધતિ એટલે થિયેટર્સમાં મૂવી ચાલવાના દિવસો.

સામાન્ય રીતે કોઈ પણ મૂવી અઠવાડિયાના બધા જ દિવસો થિયેટરમાં ચાલતી હોય છે, પણ ટેલરે એક્ઝિબિટર્સ સાથે કરેલી ડીલ મુજબ મૂવી થિયેટર્સમાં ફક્ત ગુરુવાર થી રવિવાર સુધી જ બતાવવામાં આવી છે. પહેલી દૃષ્ટિએ એમ લાગે કે આ તો ખોટનો સોદો કહેવાય, પણ આમ ટેલરની સ્માર્ટનેસ છૂપાયેલી છે.

આ દિવસો પસંદ કરવાનું મુખ્ય કારણ છે દર્શકો માટે ઊભી કરવામાં આવતી કોન્સર્ટ ફીલ. રિયલ સ્ટેજ કોન્સર્ટસ હોય છે વિકેન્ડસ પર. ફિલ્મને આ દિવસોમાં બતાવીને ટેલરે દર્શકોને તેઓ મૂવી નહીં પણ વિકેન્ડસ પર સાચે જ કોન્સર્ટ જોવા જાય છે એ અનુભૂતિ કરાવી છે.
આ રીતે તેમના માટે આ મૂવી કરતા વધુ એક ઇવેન્ટનો અનુભવ બની જાય છે. તેની આ પદ્ધતિથી ફિલ્મ થિયેટર્સમાં અઠવાડિયાના ગણતરીના દિવસો જ રહે એથી દર્શકોમાં તેને જોવાની ઇંતેજારી વધારે એવું પણ બન્યું છે. જેમ કોઈ ચીજ ઓછી હોય તો એની માગ વધારે હોય એ રીતે.

કોન્સર્ટ નહીં પણ કોન્સર્ટ મૂવી જોઈને પણ તેની ફીલ લેવા પ્રેરીને ટેલરે તેના ચાહકોને અનેક રીતે ભેટ આપી છે. ‘ટેએરા’ની ટિકિટ્સના દામ ખૂબ જ વધારે છે. એટલે એવું પણ બને જ કે કોન્સર્ટ જોવા માગતા બધા જ લોકો એ ટિકિટ્સ ખરીદીને જોઈ ન શકે. જેઓ તેની ટિકિટ્સ નથી ખરીદી શકતા તેમના માટે ‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ મૂવી ઓછી ટિકિટમાં મોટું પેકેજ છે. એ રીતે કોન્સર્ટ ફક્ત પૈસાદાર લોકો માટે જ ન રહેતા લગભગ દરેક માટે સુલભ બની છે અને જે પૈસાદાર લોકો એકવાર કોન્સર્ટ જોઈ આવ્યા છે તેમને પણ આ મૂવી થકી કોન્સર્ટનો આનંદ બીજી વાર લેવાની તક મળી છે અને એ પણ ખૂબ જ ઓછા પૈસે. ટેલરે તેની અનોખી રિલીઝ ડીલ અને આ બધી પદ્ધતિઓથી કોરોનકાળ પછી ઘટેલું થિયેટર્સનું મહત્ત્વ પણ ફરી વધાર્યું છે.

ખ્યાતનામ ‘ટેલર સ્વિફ્ટે મોટા સ્ટુડિયોઝ, ઇન્ડસ્ટ્રી અને દર્શકવર્ગને સાબિત કરી બતાવ્યું છે કે થિયેટર્સ ખૂબ જ મૂલ્યવાન છે.’ અને સ્ટુડિયોઝ સાચે જ થિયેટર્સ સાથે નવેસરથી ડીલ કરવા મજબૂર બન્યા છે.

ક્રિકેટ મેચ લાઈવ જોવી અને ઘરે ટીવીમાં જોવી એ બંને અલગ અનુભવ હોય છે. લાઈવની અલગ મજા છે તો ઘરે ટીવીમાં કેમેરાવર્ક અને એડિટિંગથી તમે બીજી રીતે એ ક્ષણોને વધુ નજીકથી નિહાળી શકો. આ જ વાત કોન્સર્ટ અને કોન્સર્ટ મૂવી માટે પણ લાગુ પડે છે.
આ કારણસર પણ કોન્સર્ટ મૂવીઝને દર્શકો સફળ બનાવતા હોય છે. પણ થિયેટરમાં જોતા દર્શકો માટે ટેલરે વધુ એક સરપ્રાઈઝ આપીને તેમની મજાને બેવડી કરી દીધી છે. મૂવી જોતી વખતે થિયેટરમાં સેલફોન કે કેમેરા વડે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાની મંજૂરી નથી હોતી. પણ ટેલરે આ નિયમ જ સ્વિફટીઝ માટે રદ કરી નાખ્યો. ઊલટાનું તે ‘ટેલર સ્વિફ્ટ: ધ એરા’જોતી વખતે પોતાના સેલફોન અને કેમેરામાં ફોટોઝ અને વીડિયોઝ લઈને તેમનો મૂવી જોવાનો આનંદ સોશ્યલ મીડિયા પર શેર કરવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. આનાથી દર્શકોને તેઓ કોન્સર્ટ જ જોઈ રહ્યા છે અને એ જોતી વખતે ગમતી પળોને પોતાની મેમરી માટે ફોનમાં કેપ્ચર કરી રહ્યા છે એવી અનુભૂતિ મળી અને ટેલરને આ કીમિયાથી વધુ માર્કેટિંગ મળ્યું.

ટેલરે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી લોકોને મૂવી જોતી વખતે કોન્સર્ટના જ કપડાં, ફ્રેન્ડશીપ બેલ્ટ્સ અને સિંગિંગ અને ડાન્સિંગ માટે અપીલ પણ કરી. મૂળ વાત એ કે તેને મૂવી નહીં પણ કોન્સર્ટ તરીકે જ માણવાનો આખો માહોલ ટેલરે તેના ચાહકો માટે ઊભો કર્યો. અને બસ આ માહોલ અને તેની વિશેષતાઓએ આખરે ‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ને આટલી સફળ બનાવી ૨૪૬ મિલિયન ડોલરની કમાણી કરાવવામાં યોગદાન આપ્યું.

લાસ્ટ શોટ
૨૦૨૨માં ટેલર સ્વિફ્ટ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી મ્યુઝિશિયન વુમન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?