મેટિની

‘ટેલર સ્વિફ્ટ : ધ એરાઝ ટૂર’ એટલે એક માસ્ટરસ્ટ્રોક

ટેલર સ્વિફ્ટની કોન્સર્ટ મૂવી કેમ બિગ બજેટ ફિલ્મ્સને હંફાવી રહી છે?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

હોલીવૂડમાં કોન્સર્ટ મૂવીઝની પ્રણાલી વર્ષોથી ચાલતી આવી છે. કોન્સર્ટ મૂવીઝ એટલે પ્રસિદ્ધ ગાયકોની અલગ-અલગ શહેરોમાં કરેલી પોતાની કોન્સર્ટ ટૂરની વીડિયો ફૂટેજનું વ્યવસ્થિત સંપાદન. લોકપ્રિયતાના રેકોર્ડ્સ સ્થાપિત કરતી ગાયિકા ટેલર સ્વિફ્ટની કોન્સર્ટ મૂવી એટલે આ યાદીમાં વધુ એક ઉમેરો. ટેલર આજકાલ તેની ધ એરાઝ ટૂર (ભારતમાં બ્રિટિશ ઇંગ્લીશ પ્રમાણે ઉચ્ચાર ઇરાઝ પણ થાય)ને લઈને ખૂબ ચર્ચામાં છે. તેના ચાહકોમાં સતત વધારો થઈ રહ્યો છે.

અવિશ્ર્વસનીય ફીઝ હોવા છતાં તેની ટૂરમાં સ્ટેડિયમ ભરચક જ રહે છે. હજુ પૂરી પણ નથી થઈ એવી તેની એ કોન્સર્ટ ટૂરને લઈને તો ઘણી વાતો છે, પણ આજે આપણે વાત કરવી છે તેની કોન્સર્ટ ટૂર મૂવીની. ‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ કોન્સર્ટ મૂવી ગયા મહિનાની ૧૩ તારીખે રિલીઝ થઈ છે અને હજુ સુધી એ થિયેટર્સમાં તહેલકો મચાવી રહી છે. આ કોન્સર્ટ મૂવી સાથે એક અભૂતપૂર્વ ખાસિયત જોડાયેલી છે. આ ફિલ્મે સામાન્યત: ફિલ્મની રિલીઝ માટે વપરાતું ડિસ્ટ્રિબ્યુશન મોડલ જ તોડી પાડ્યું છે. થતું એવું હોય છે કે ફિલ્મ બની ગયા પછી પ્રોડ્યુસર ડિસ્ટ્રિબ્યુટરને અને ડિસ્ટ્રિબ્યુટર એક્ઝિબિટરને ફિલ્મ વેચતા હોય છે. એક્ઝિબિટર એટલે થિયેટર માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર એટલે વચેટની કંપનીઓ. મોટાભાગે ડિસ્ટ્રિબ્યુટર પ્રોડક્શન કંપની જ હોય છે, પણ ટેલર સ્વિફ્ટે આ મૉડલમાં એક મોટો ફેરફાર કરી નાખ્યો. ‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ની રિલીઝ માટે તેણે ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતા મોટા સ્ટુડિયોઝને આ સાંકળમાંથી અલગ કરીને સીધો જ તેનો કોન્ટ્રાકટ થિયેટર માલિકો સાથે કર્યો. મતલબ કે પ્રોડ્યુસર પછી ડિસ્ટ્રિબ્યુટર નહીં, પણ સીધા જ એક્ઝિબિટર. આ માટે થિયેટર્સમાં અમેરિકામાં મોટું નામ ધરાવતા એએમસી થિયેટર્સ અને સિનેમાર્ક થિયેટર્સ સાથે ટેલરની ડીલ થઈ છે. અને ફક્ત અમેરિકા જ નહીં દુનિયાભરની બીજી થિયેટર ચેઇનમાં પણ તેણે ફિલ્મને આ જ રીતે રિલીઝ કરી બતાવી છે. જેમાં ટેલર સાથે ડિસ્ટ્રિબ્યુશન પ્રક્રિયામાં એએમસીનો પણ ફાળો ખરો. આ સમાચારથી મોટા સ્ટુડિયોઝ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને ટ્રેડ એનાલિસ્ટ્સને જબરો ઝટકો લાગ્યો છે, પણ ટેલર સ્વિફ્ટની ખ્યાતિ જ એટલી છે કે અંતે તો સૌને એમ જ લાગ્યું કે ટેલર તો આવું કરી જ શકે.

આ કોન્સર્ટ મૂવીની રિલીઝથી જોકે ડિસ્ટ્રિબ્યુશનને લઈને જ લોકોમાં ઊહાપોહ મચ્યો છે એવું નથી, ૩૧ ઓગસ્ટે જયારે ટેલરે તેની જાહેરાત કરી ત્યારે તેની રિલીઝ ડેટ ૧૩ ઓક્ટોબર કે તેની આસપાસ રિલીઝ થતી બધી મૂવીઝના ફિલ્મમેકર્સ પણ વિમાસણમાં મૂકાઈ ગયા હતા.

ટેલરની મૂવીના ડિસ્ટ્રિબ્યુશનનો મોકો જ હાથમાંથી ગયો તેમ નહીં, પણ સોની, યુનિવર્સલ, લાયન્સગેટ, વગેરે મોટા સ્ટુડિયોઝે તેમની ફિલ્મ્સની રિલીઝ ડેટ આ ટેલર નામના તોફાનથી બચવા બદલવી પડી. ‘ફ્રિલાન્સ’, ‘ડમ્બ મની’, ‘ધ એકઝોર્સીસ્ટ: બીલીવર’, ‘ધ પર્શિયન વર્ઝન’ જેવી ઓક્ટોબર મહિનાની આ ફિલ્મ્સની રિલીઝ ડેટ સપ્ટેમ્બર કે નવેમ્બર મહિનાની કરી દેવી પડી. આ વર્ષે નજીકના સમયગાળામાં રિલીઝ થયેલી અને સફળ થયેલી ફિલ્મ્સ ‘બાર્બી’ અને ‘ઓપનહાઈમર’ને લઈને લોકોએ હેશટેગ બાર્બનહાઈમર ટ્રેન્ડ કર્યો હતો. ‘ધ એકઝોર્સિસ્ટ’ જેવી તગડી ફ્રેન્ચાઈઝને રિલીઝ ડેટ બદલવી પડી એટલે એ માટે પણ એવો જ હેશટેગ ‘એક્ઝોર્સ્વીફ્ટ’ ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો. સોનીની ‘ઓર્ડિનરી એંજલ્સ’ની રિલીઝ ડેટ તો છેક ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી ખસેડી દેવામાં આવી, બોલો. પણ આ ફિલ્મમેકર્સનો ડર ખોટો પણ નહોતો જ. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૧૦થી ૨૦ મિલિયન ડૉલર્સમાં બનેલી ‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ ૨૪૧.૭ મિલિયન ડૉલર્સ સાથે વિશ્ર્વની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી કોન્સર્ટ ફિલ્મ બની ચૂકી છે. હાલના સમયમાં ટેલર લોકપ્રિયતાના મામલામાં અન્ય ગાયકોથી કેટલી આગળ છે તે સમજવા એ જાણી લો કે બીજા ક્રમની કોન્સર્ટ ફિલ્મ છેક ૯૯ મિલિયન ડોલર સાથે જસ્ટિન બીબરની છે. ટેલરની કોન્સર્ટ મૂવીએ આટલા દિવસમાં કમાણીના ફર્સ્ટ ડે ટિકિટ સેલ, કોન્સર્ટ મૂવી ઓપનિંગ વિકેન્ડ, કોન્સર્ટ મૂવી માટેના મહત્તમ થિયેટર્સ જેવા તો કેટલાય રેકોર્ડ તોડ્યા છે.

ફક્ત આટલું જ નહીં, ટેલરે રિલીઝ સ્ટ્રેટેજી સાથે માર્કેટિંગ સ્ટ્રેટેજીને લઈને પણ દર્શકોમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોપો પાડી દીધો છે. જે દિવસે ટેલરે જાહેરાત કરી એ જ દિવસે બુકીંગ પણ ઓપન કરી દેવામાં આવ્યું હતું, અને લોકો પણ એ માટે તૂટી પડ્યા હતા. અમેરિકાની જાણીતી બોક્સઓફિસ ડેટા વેબસાઈટ ‘ધ નંબર્સ’ના ફાઉન્ડર બ્રુસ નેશનું કહેવું છે કે ‘તમે કોઈ જ જાતની રૂઢિગત માર્કેટિંગ પ્રણાલી વગર ફક્ત એક ટ્વીટથી જ આખી ઇન્ડસ્ટ્રી હચમચાવી શકો તો તમે સાચે જ પ્રચંડ લોકપ્રિયતા ધરાવો છો તેમ કહેવું પડે.’ આ મૂવીથી ટેલરે મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આવા અનેક સમીકરણો તોડ્યા છે. ફક્ત તેની આ કોન્સર્ટની પ્રભાવી અસરો વિશે જ એક અલાયદો લેખ લખવો પડી શકે તેમ છે.

સ્વિફટીઝ કહેવાતા તેના ચાહકોનો ક્રેઝ જ એટલો છે કે એ માત્ર એક મ્યુઝિકલ ઇવેન્ટ મટીને એક વૈશ્ર્વિક ઐતિહાસિક ઘટના બની ચૂકી છે. અને એટલે જ ટેલર ઇન્ડસ્ટ્રીના સમીકરણો તોડી શકી છે. સેમ રેન્ચ દિગ્દર્શિત આ મૂવી હજુ ઓગસ્ટના ટેલરના ૩ કોન્સર્ટ શોમાં શૂટ થઈ અને ઓક્ટોબરમાં તો રિલીઝ પણ કરી દેવામાં આવી. અન્ય ફિલ્મ્સમાં લાગતા પ્રિ-પ્રોડક્શનથી લઈને પોસ્ટ પ્રોડક્શનના સમય અને ખર્ચની સરખામણીએ ટેલર માટે એ બંને ચીજનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે. ઉપરાંત ડિસ્ટ્રિબ્યુશન પણ જાતે જ સંભાળીને તેણે જગતભરની કંપનીઝને બિઝનેસ માસ્ટરસ્ટ્રોક શીખવાડ્યો છે. ટેલરની આ કોન્સર્ટ ફિલ્મની રિલીઝને લઈને બીજી પણ એક ખાસ વાત નોંધવા જેવી છે. હોલીવૂડમાં હમણાં હડતાળની સીઝન ચાલતી હતી. પહેલા રાઈટર્સ ગીલ્ડ ઓફ અમેરિકાની લેખકોની સ્ટ્રાઇક તદુપરાંત સેગ-એફટ્રાની એક્ટર્સની સ્ટ્રાઇકથી હોલીવૂડમાં મંદીનું વાતાવરણ હતું. બંને હડતાળ થોડા દિવસો પહેલાં જ પૂરી થઈ છે. તો ટેલરે આ મૂવી માટે ફક્ત સ્ટુડિયોઝને બાયપાસ કર્યા એટલું જ નહીં, પણ આ સ્ટ્રાઇક દરમિયાન પણ એક આર્ટિસ્ટ તરીકે તેણે મૂવીને રિલીઝ અને બ્લોકબસ્ટર કરી બતાવી છે. મતલબ જે સ્ટુડિયોઝ એસોસિએશન (એએમપીટીપી) સામે સ્ટ્રાઇક ચાલુ છે તેને અવગણવાના આયોજનથી પોતાના યુનિયન કોન્ટ્રાકટ અંતર્ગત તે ફિલ્મ રિલીઝ પણ કરી શકી અને વચેટ વ્યવસ્થા જ કાઢી નાખીને પોતાને નાણાકીય ફાયદો પણ કરાવ્યો. એટલા માટે જ ઇકોનોમિક સ્ટુડન્ટ્સ માટે આ મૂવી એક કેસ સ્ટડી સમાન છે. ‘

ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ની આ તો થઈ વાત રિલીઝ
અને માર્કેટિંગની અનોખી રીતની, પણ મૂવીમાં શું છે અને કઈ રીતે એ ખરા અર્થમાં એક મ્યુઝિક ડોક્યુમેન્ટ્રી નહીં, પણ કોન્સર્ટની જ ફીલ આપે છે એ જાણવું પણ રસપ્રદ છે. એ સઘળી વાતો આવતા સપ્તાહે!(ક્રમશ:)

લાસ્ટ શોટ
‘ટેલર સ્વિફ્ટ: ધ એરાઝ ટૂર’ની થિયેટર માલિકો સાથેની ડિસ્ટ્રિબ્યુશન ડીલ ટેલરના માતા-પિતાએ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button