મેટિની

ટેરેન્ટિનો: ટેન ઓન ટેનકવેન્ટીન ટેરેન્ટિનોની દસમી અને આખરી ફિલ્મ હવે કઈ હશે?

દસમી ફિલ્મ કઈ હતી અને શા કારણે કેન્સલ જાહેર થઈ એ જાણતા પહેલાં ટેરેન્ટિનો જેવા પ્રભાવશાળી દિગ્દર્શકની પહેલેથી નક્કી કરેલી લિમિટેડ ફિલ્મોગ્રાફીની સંખ્યાની ચર્ચા કરીએ. ૨૦૦૯માં એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે ‘હું ૬૦ની ઉંમરે નિવૃત્ત થઈ જવા ધારું છું. મારે એ પછી નવલકથાઓ લખવી છે, અને ફિલ્મ સાહિત્ય લખવું છે.’

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા કે અમેરિકન ફિલ્મ દિગ્દર્શક કવેન્ટીન ટેરેન્ટિનો એમની દસમી ફિલ્મ પડતી મૂકી રહ્યા છે. કોઈ ફિલ્મ અધવચ્ચેથી અટકી પડે એ જાણવા જેવા સમાચાર તો ખરા જ, પણ ટેરેન્ટિનો જેવા મોટા ગજાના દિગ્દર્શક ફિલ્મ બનાવવાનું અધૂરું મૂકે ત્યારે એક સિનેમા ચાહક તરીકે એ વિશે જાણવાની ઉત્કંઠા તો અચૂક વધે.

એક તો આ સમાચારમાં એમની આ દસમી ફિલ્મ હતી એ પણ મહત્ત્વનું છે, કેમ કે છેક ૨૦૦૯માં એમણે એવું જાહેર કરી દીધું હતું કે પોતે દિગ્દર્શક તરીકેની કારકિર્દીમાં ૬૦ વર્ષ પછી કાર્યરત નહીં રહે. કોઈ દિગ્દર્શક આ રીતે કોઈ એક વર્ષ નક્કી કરીને આવી જાહેરાત કરે એ નવીન ઘટના ગણાય. એ પછી ૨૦૧૪માં એમણે બીજો એક ચોક્કસ આંક આપ્યો કે એ માત્ર દસ જ ફિલ્મ્સ બનાવશે. એ વખતે પણ એ સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા. અત્યારે જયારે નવ ફિલ્મ્સ બનાવી લીધા પછી દસમી ફિલ્મને ટેરેન્ટિનોએ અધવચ્ચેથી છોડી છે ત્યારે એમની દસ ફિલ્મ્સની અને દસમી ફિલ્મની આ બંને જાહેરાતની ચર્ચા આવશ્યક છે.

દસમી ફિલ્મ કઈ હતી અને શા કારણે કેન્સલ જાહેર થઈ એ જાણતા પહેલાં ટેરેન્ટિનો જેવા પ્રભાવશાળી દિગ્દર્શકની પહેલેથી નક્કી કરેલી લિમિટેડ ફિલ્મોગ્રાફીની સંખ્યાની ચર્ચા કરીએ. ૨૦૦૯માં એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે ‘હું ૬૦ની ઉંમરે નિવૃત્ત થઈ જવા ધારું છું. મારે એ પછી નવલકથાઓ લખવી છે, અને ફિલ્મ સાહિત્ય લખવું છે.’

આ એલાનમાં મૂવીઝની દુનિયામાં દિગ્દર્શક તરીકે નિવૃત્ત થયા પછી પણ કળાના ક્ષેત્રે રહેવાની એમની ઈચ્છા તો દેખાઈ આવી. આ ઉપરાંત વધુ ફિલ્મ્સ ડિરેક્ટ નહીં કરવા પાછળ એમણે એક કારણ જણાવ્યું હતું એ હતું ૩૫ એમ એમ ફિલ્મ. ૩૫ એમ એમ ફિલ્મ એટલે સાચે જ જે ફિલ્મ કે રોલમાં ફિલ્મ શૂટ થઈને થિયેટરમાં બતાવવામાં આવે એ. હવે તેની જગ્યાએ ડિજિટલ ફિલ્મનું ચલણ આવી ગયું છે તો એ માટે ટેરેન્ટિનોનું કહેવું હતું કે ૩૫ એમ એમ ફિલ્મ બતાવવાનું જો સાવ બંધ થઈ જશે તો કદાચ એ ૬૦ વર્ષ સુધી પણ ફિલ્મ્સ ન બનાવે એવું પણ બની શકે.

એક દિગ્દર્શક તરીકે ટેરેન્ટિનોની પોતાની ફિલ્મ્સ બનાવવાની રીત અને સિનેમાની એક ખાસ પદ્ધતિ સાથેનું જોડાણ આવી જાહેરાત પાછળનું કારણ બન્યું. અને દસ ફિલ્મ્સનો આંક આપીને ટેરેન્ટિનોનું એ પણ માનવું હતું કે જો એ પોતે જ એક અંકમાં ખુદને બાંધી દેશે તો પછી એ ફિલ્મ્સની ગુણવત્તા પર વધુ ધ્યાન આપી શકશે. ગમે તેવી આડેધડ ફિલ્મ્સ બનાવીને સંખ્યાને વેડફશે નહીં. જો તમને ખબર પડી જાય કે તમે માત્ર આટલા દિવસ જ જીવવાના છો તો તમે એ દિવસોને બરબાદ ન કરો એવું જ કંઈક. એમની કક્ષાના બીજા દિગ્દર્શકે પણ એમના આ નિર્ણયની સરાહના કરી છે. લુક બિસન, માર્ટિન સ્કોર્સેસી જેવા દિગ્દર્શકોએ આ નિર્ણયને અને ટેરેન્ટિનોના કામને વખાણ્યા છે.

૨૦૧૯માં રિલીઝ થયેલી લિયાનર્દો ડી કેપ્રિયો અને બ્રાડ પીટ અભિનીત ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’ એ ટેરેન્ટિનોની નવમી ફિલ્મ હતી. ત્યારથી એમના પર એમની દસમી અને આખરી ફિલ્મ બનાવવાનું પ્રેશર છે. ટેરેન્ટિનોના કહ્યા મુજબ જોઈએ તો એ ૬૦ની ઉંમર તો વટાવી ચૂક્યા છે, પણ હજુ દસમી ફિલ્મ નથી બનાવી. એમની ફિલ્મોગ્રાફીમાં આમ તો ઘણા પ્રોજેક્ટ્સ હાથ પર લેવાયા અને અધવચ્ચે જ છૂટી ગયા, પણ દસમી ફિલ્મ કઈ હશે એ પર દુનિયાભરના સિનેમા ચાહકોની ખાસ નજર છે.

જાણીતી ફ્રેન્ચાઈઝ ‘સ્ટાર ટ્રેક’નું આર રેટેડ વર્ઝન બનાવવાની જાહેરાત થઈ હતી, પણ એ ન બની. ટેરેન્ટિનોની ખુદની ‘કિલ બિલ’નો વધુ એક ભાગ એમની દસમી ફિલ્મ હશે તેવા સમાચાર હતા, પણ એ પણ ન બની. ટેરેન્ટિનોનું માનવું છે કે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’ એમની આખરી બિગ બજેટ કમર્શિયલ ફિલ્મ હતી. એમને દસમી અને આખરી ફિલ્મ એ પ્રકારની નથી બનાવવી. એમને છેલ્લી ફિલ્મ તરીકે કંઈક એવું જોઈએ છે, જે એક એપિલોગ (ઉપસંહાર) તરીકે કામ કરે અને સમાપ્તિનો હળવો અનુભવ આપે.

ટેરેન્ટિનોની ઈચ્છા મુજબ એમણે બનાવવા ધારેલી ને જે કેન્સલ રહી છે એ દસમી ફિલ્મ એટલે ધ મૂવી ક્રિટીક’. આ ફિલ્મના કેન્દ્રમાં હતું ૧૯૭૦ના દશકના કેલિફોર્નિયામાં એક પોર્નોગ્રાફિક મેગેઝિનમાં કામ કરતા એક મૂવી ક્રિટીક-સમીક્ષક્નું પાત્ર.

આ ફિલ્મમાં બ્રાડ પીટનું ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’નું પાત્ર ક્લિફ પણ હતું એમ મનાય છે. ૨૦૨૩માં આ ફિલ્મની જાહેરાત થઈ હતી. પણ એ ફિલ્મની
સ્ક્રીપ્ટ લખાઈ પછી તેનું શૂટિંગ હોલીવૂડ ઇન્ડસ્ટ્રીની સેગ-એફટ્રા (SAG- AFTRA) હડતાલના કારણે અટકી પડ્યું. અને એ પછી હડતાલ તો પૂરી થઈ પણ ફિલ્મનું શૂટિંગ શરૂ ન થયું. એક રિપોર્ટના મુજબ ‘ધ મૂવી ક્રિટીક’ ફિલ્મ નહીં શરૂ નહીં કરવા પાછળ કવેન્ટીન ટેરેન્ટિનો પર રહેલું આખરી શ્રેષ્ઠ ફિલ્મ આપવાનું અતિશય પ્રેશર જવાબદાર છે. એમને એવું લાગ્યું કે ના આ ફિલ્મ પણ એમની આખરી ન હોઈ શકે. આખરી ફિલ્મ તરીકે કશુંક બીજું જ હોવું જોઈએ. પ્રેશર તો હોવાનું જ ને કેમ કે એમણે પોતાની કારકિર્દીમાં નિષ્ફ્ળ ફિલ્મ તો આપી જ નથી, પણ જે આપી છે એમાંની મોટાભાગની ક્લાસિક ફિલ્મ્સ ગણાય છે.

ટેરેન્ટિનો કોઈ ફિલ્મ કેન્સલ કરે એ જોકે દર્શકો માટે નવી વાત નથી, કેમ કે ભૂતકાળમાં પણ અનેક ફિલ્મ્સ કામ શરૂ કર્યા પછી એમણે અધૂરી મૂકી દીધી છે, જેમાં જેમ્સ બોન્ડથી માંડીને સ્ટાર ટ્રેક, આયર્ન મેનથી માંડીને ગ્રીન લેન્ટર્ન એમ ઘણા પ્રોજેક્ટ્સ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. એ વિશે વાત કરવા બેસીએ તો તો યાદી બહુ લાંબી થઈ જાય.

ભલે ‘ધ મૂવી ક્રિટીક’
અધૂરી રહી, પણ સારા સમાચાર એ તો ખરા જ કે ટેરેન્ટિનો એમની દસમી ફિલ્મ હજુ બનાવવાના છે. એ બનાવ્યા વગર એ દિગ્દર્શક તરીકે નિવૃત્ત નહીં થાય!

લાસ્ટ શોટ
કવેન્ટીન ટેરેન્ટિનોની ‘કિલ બિલ’ના બે ભાગ વોલ્યુમ ૧ અને ૨ને અલગ ગણીએ તો તેમની દસ ફિલ્મ્સ પૂરી થઈ ચૂકી છે, પણ એ તો તેને એક જ ફિલ્મ ગણે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button