મેટિની

જોખમ ને જટિલતાનો પર્યાયફિલ્મી અર્થશાસ્ત્ર

વિશેષ -ડી. જે. નંદન

ફિલ્મનો બિઝનેસ દૂરથી ખૂબ જ ગ્લેમરસ લાગે છે, પરંતુ છે નહીં. આ તો લાંબેથી જ રણ રળિયામણા લાગે. સાચું કહું તો, વિશ્ર્વના અન્ય કોઈ ઉદ્યોગનું અર્થશાસ્ત્ર ફિલ્મ અર્થશાસ્ત્ર કરતાં વધુ જોખમી અને જટિલ નથી. જ્યારે સેલિબ્રિટીઓ તેમના ચહેરા પર રંગબેરંગી સ્મિત સાથે રેડ કાર્પેટ પર પોઝ આપતા હોય છે, ત્યારે તે ખૂબ જ ગ્લેમરસ વ્યવસાય જેવું લાગે છે, પરંતુ જો આપણે પડદા પાછળ ફિલ્મ ઉદ્યોગના અર્થશાસ્ત્ર સાથે સંઘર્ષ કરતા વાસ્તવિક પાત્રોને સાંભળીએ, તો તેઓ તણાવપૂર્ણ વાતાવરણમાં વારંવાર ગણગણાટ કરતા જોવા મળશે કે, અહીં કોઈને કંઈ ખબર નથી. તેમની બડબડાટ એકદમ સાચી છે, કારણ કે કોઈને ખબર નથી કે કઈ ફિલ્મ કામ કરશે અને કઈ નિષ્ફળ જશે. પ્રખ્યાત સુપરસ્ટાર્સને ચમકાવતી ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ શકે છે, જ્યારે અજાણ્યા ચહેરાઓને ચમકાવતી ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અનુમાન મુજબ વર્ષ ૨૦૨૦માં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીએ ૧૫૧ અબજ રૂપિયાની કમાણી કરી હતી, તેમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાનો સ્થિર દર ૪૦ ટકા પણ નથી. મતલબ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેટલી પણ ફિલ્મોમાં રોકાણ કરે છે, તેમાંથી ૩૫ ટકા ફિલ્મોની તે સફળ થશે કે રોકાણ પર વળતર મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩, ફિલ્મ ઉદ્યોગ માટે સૌથી સફળ વર્ષોમાંનું એક માનવામાં આવે છે, તેમ છતાં આ વર્ષે મોટા બેનર્સની ૩૧માંથી ૨૨ ફિલ્મો ફ્લોપ થઈ છે. મતલબ કે બોલીવૂડમાં બનેલી મોટા બેનરની ૭૧ ટકા ફિલ્મો ફ્લોપ રહી છે. ટોચની ૩૧ ફિલ્મોમાંથી માત્ર ૯ ફિલ્મો સફળ રહી હતી, જેમાંથી બે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને ૬ ફિલ્મો સાધારણ સફળ રહી હતી. ભલે બોલીવૂડ ઈન્ડ્સ્ટ્રી, રાષ્ટ્રીય આવકમાં ૧૦ થી ૨૦ ટકાની દર વર્ષે વૃદ્ધિ સાથે ૪૦ ટકા જેટલો ફાળો આપી રહ્યું છે, પરંતુ બોલીવૂડનું અર્થશાસ્ત્ર ૩૫ ટકા રિટર્ન માટે પણ સુરક્ષિત નથી.

બોલીવૂડે વર્ષ ૨૦૨૨માં ૧૫ હજાર કરોડ રૂપિયાની આવક એકત્ર કરી હતી, પરંતુ તેની જટિલ રચનાને કારણે આ આવકમાં મોટો હિસ્સો મુઠ્ઠીભર પ્રોડક્શન હાઉસ અને બે ડઝનથી વધુ મોટા ફિલ્મ કલાકારોનો હતો. બોલીવૂડ લગભગ ૬ લાખ લોકોને પ્રત્યક્ષ રીતે રોજગાર પ્રદાન કરે છે અને આડકતરી રીતે એવું માનવામાં આવે છે કે ૨ લાખ કરોડ રૂપિયાથી વધુના કુલ ટર્નઓવર સાથેનો આ ઉદ્યોગ ૧૫ લાખથી વધુ લોકોની આજીવિકાનું સાધન બને છે. પરંતુ કોરોના મહામારી દરમિયાન જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છ મહિના સુધી કોઈ કામ નહોતું થયું ત્યારે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા ૫ લાખથી વધુ સામાન્ય લોકો ભૂખમરાની આરે આવી ગયા હતા. ૪૦ ટકાથી વધુ વરિષ્ઠ કલાકારો આર્થિક સંકટમાં હતા. તેનું સૌથી મોટું કારણ આ ઉદ્યોગની આર્થિક અનિશ્ર્ચિતતા અને ૯૯ ટકાથી વધુ લોકોની અનિયમિત કમાણી છે.

બોટમ લાઇન એ છે કે દેશના સિનેમા ઉદ્યોગમાં ૩૩ ટકાથી વધુ હિસ્સો ધરાવતા બોલીવૂડ ઉદ્યોગનું અર્થશાસ્ત્ર જોખમોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે. બોલીવૂડના આર્થિક આરોગ્યની નાજુકતા પર નજર કરીએ તો તેના બે મુખ્ય કારણો સ્પષ્ટપણે સમજાય છે. સૌપ્રથમ, બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કાસ્ટ સ્ટ્રક્ચર, એટલે કે ફિલ્મ બનાવવા માટેનો ખર્ચ, ખૂબ જ અનિયમિત છે. ફિલ્મ બનાવવાના ખર્ચમાંથી, જો ફિલ્મ મોટા બેનરની હોય, તો આ ખર્ચના લગભગ ૫૦ ટકા તેમાં કામ કરતા પ્રખ્યાત કલાકારોના ખાતામાં જાય છે, બાકીના ૫૦ ટકામાંથી લગભગ ૪૦ ટકા નાના કલાકારોના ખાતામાં, ફિલ્મ બનાવવા માટે જરૂરી ટેકનિકલ ખર્ચ અને ફિલ્મ બનાવવા માટે જરૂરી સાધનો માટે ખર્ચ કરવામાં આવે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ભાષામાં કહીએ તો આ રીતે સમજી શકાય. કોઈપણ ફિલ્મનું બજેટ ચાર કેટેગરીમાં વહેંચાયેલું હોય છે. પ્રથમને અબાવ ધ લાઈન કહેવામાં આવે છે, બીજાને બિલો ધ લાઈન કહેવામાં આવે છે. ત્રીજાને પોસ્ટ પ્રોડક્શન કહેવામાં આવે છે અને ખર્ચની ચોથી કે છેલ્લી શ્રેણી ફિલ્મના વીમા વગેરે સાથે સંબંધિત છે. અબાવ ધ લાઈનમાં ફિલ્મના બજેટના મહત્તમ ૪૦ થી ૫૦ ટકા ખર્ચ કરવામાં આવે છે, જેમાં હીરો, હિરોઈન, નિર્માતા, દિગ્દર્શક અને સ્ક્રિપ્ટ રાઈટર વગેરેને ચૂકવવામાં આવતી ફીનો સમાવેશ થાય છે. ફિલ્મના બજેટના બીજા ભાગમાં બિલો ધ લાઇનવાળા ખર્ચ આવે છે, જેમાં મોટા કલાકારો સિવાય તમામ નાના કલાકારો, હેર સ્ટાઈલિસ્ટ, કેમેરા ઓપરેટર્સ, સાઉન્ડ એન્જિનિયર, ટેક્નિકલ સ્ટાફ, ચાર-પાંચ મોટા લોકો જેવા કે દિગ્દર્શક, ગ્રાફિક આર્ટિસ્ટ, તમામ ફિલ્મ પ્રોડક્શન ક્રૂ, તેમનો તમામ ખર્ચ આ બીજી કેટેગરીમાંથી કરવામાં આવે છે. આ પછી, બજેટના માત્ર ૨૦ થી ૨૫ ટકા બાકી છે, જેમાં તમામ તકનીકી વેલ્યુ એડિશન અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

જો આપણે ઊંડાણપૂર્વક જોઈએ તો, ફિલ્મ નિર્માણના આ અર્થશાસ્ત્રમાં કોઈ તર્કસંગતતા (રેશનાલિટી) નથી. કારણ કે અહીં, તેમની લોકપ્રિયતાના કારણે, મોટા ફિલ્મ સ્ટાર્સ કોઈપણ ફિલ્મ પ્રોડક્શનના બજેટનો મોટો હિસ્સો પડાવી લે છે. આ કારણે, જો ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્મ બનાવવામાં આવે તો પણ, ફિલ્મનો વાસ્તવિક નિર્માણ ખર્ચ, જેમાં વિવિધ પ્રકારનાં સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તે માંડ ૩૦ થી ૪૦ કરોડ રૂપિયા છે. કહેવાનો મતલબ એ છે કે સૌથી મોટામાં મોટી બજેટના ફિલ્મમાં પણ ફિલ્મ માટે તો ઓછા જ પૈસા હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી જો દાયકાઓ સુધી કહેવાતા સેલિબ્રિટી કલાકારોની લોકપ્રિયતાનો બોજ ઉઠાવવાની ના પાડે અને તેમની લોકપ્રિયતા સામે બ્લેકમેલ થવાને બદલે તે નક્કી કરે કે કદાચ તેમને અન્ય કરતાં થોડું વધારે મહેનતાણું મળે, પરંતુ આ મહેનતાણું એટલું અસંતુલિત ન હોય કે તમામ ફિલ્મના બજેટનો જ નાશ કરે છે. તેથી કદાચ ફિલ્મ ઉદ્યોગનું જોખમી અર્થશાસ્ત્ર કેટલીક ખાતરીપૂર્વકની સફળતા તરફ પરત ફરી શકે છે, પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં સામાન્ય રીતે લોકોમાં પ્રવર્તતી લાર્જર ધેન લાઈફ સાયકોલોજીને કારણે, આ તાર્કિક અથવા તર્કસંગત અભિગમ કોને ગમશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button