‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મ વાદ-વિવાદ-સંવાદ
વિશેષ -યશ રાવલ
‘સરબજીત’ હોય, ‘હાઇ-વે’ હોય કે પછી ‘લાલ રંગ’, રણદીપ હૂડા પોતાની આગવી શૈલીના અભિનયથી અને પોતાના પાત્ર પ્રત્યેના સમર્પણથી બધાનું જ દિલ જીતી લે છે. રણદીપ હુડાની ફિલ્મો રેગ્યુલર ચીલાચાલુ ફિલ્મો કરતાં હંમેશા હટકે હોય છે અને તેની ફિલ્મોની પટકથા પણ તદ્દન જુદી જ હોય છે. હાલમાં રણદીપ હુડાની આવી જ એક ફિલ્મ આવી જે ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. ફક્ત સિનેમાપ્રેમીઓમાં કે ફિલ્મી જગતમાં જ નહીં, પણ રાજકીય વર્તુળોમાં પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતની આઝાદીની લડતમાં સિંહફાળો આપનારા વિનાયક દામોદર સાવરકર ઉર્ફે સ્વાતંત્ર્ય વીર સાવરકરના જીવન ઉપરથી બનેલી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની.
આ ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ ત્યારથી જ વિવાદોનો દોર શરૂ થયો હતો અને ચૂંટણી પહેલા જ આ ફિલ્મ રિલીઝ થતા હવે ફિલ્મ ઉપર પ્રોપોગેન્ડા ફેલાવવાનો અને એક ચોક્કસ પ્રકારની વિચારધારાને પ્રમોટ કરવા માટે ફિલ્મ બનાવવામાં આવી હોવાના આરોપો પણ થઇ રહ્યા છે. ખાસ કરીને ફિલ્મ રિલીઝ થવાના ટાઇમીંગને લઇને આ ફિલ્મ જે તે રાજકીય પક્ષની વિચારધારાને ફેલાવવા માટે અને તેમને ચૂંટણીમાં ફાયદો થાય એ માટે બનાવવામાં આવી હોવાની વાતો પણ થઇ રહી છે અને અંગ્રેજી અખબારોમાં આ વિશે મોટા મોટા લેખ પણ છપાઇ રહ્યા છે.
છેલ્લાં અમુક વર્ષોમાં કૉંગ્રેસે વીર સાવરકર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે અને સાવરકરે અંગ્રેજોની માફી માગી હોવાના નિવેદન કૉંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ તો ‘મારું નામ રાહુલ ગાંધી છે રાહુલ સાવરકર નહીં, હું માફી નહીં જ માગુ’, તેવું નિવેદન પણ આપ્યું હતું. આ ઉપરાંત સાવરકરને ‘માફીવીર સાવરકર’ની ઉપાધી પણ નેતાઓએ આપી દીધી છે. જોેકે, આ દરમિયાન આપણે ભૂતકાળમાં ડોકીયું કરીએ તો અમુક કૉંગ્રેસ અને સાવરકર વચ્ચેની અમુક રસપ્રદ વાતો ધ્યાનમાં આવે છે. હાલના કૉંગ્રેસના નેતાઓના નિવેદન ઉપર નજર નાંખીએ તો એવું જ લાગે કે કૉંગ્રેસને હંમેશાથી જ સાવરકર પ્રત્યે અણગમો હતો અને તેમની નિંદા કરતા આવ્યા હશે. જોકે, કૉંગ્રેસનો ભૂતકાળ વાગોળીએ તો કંઇક જુદા જ તથ્યો સામે આવે છે.
આપણે વાત કરી રહ્યા છીએ કૉંગ્રેસના અત્યાર સુધીના સૌથી લોખંડી નેતા તરીકે નામના પામેલા ઇન્દિરા ગાંધીની. ઇન્દિરા ગાંધી પોતે સાવરકર પ્રત્યે ખૂબ માન ધરાવતા હતા અને તેના પુરાવા પણ છે.
સૌથી પહેલું ઉદાહરણ છે જ્યારે સાવરકરનું મૃત્યુ થયું ત્યારનું. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ સાવરકર મુંબઈ(એ વખતે બોમ્બે)માં મૃત્યુ પામ્યા ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમના માનમાં અમુક શબ્દો કહ્યા હતા. ઇન્દિરા ગાંધીએ સાવરકર વિશે કહ્યું હતું કે “સાવરકર એ દેશભક્તિ અને શૌર્યનું બીજું નામ છે. તેમનું ઘડતર એક પારંપારિક ક્રાંતિકારી તરીકે થયું હતું અને અસંખ્ય લોકો માટે તે પ્રેરણાસત્રોત હતા. મૃત્યુ એ સમકાલીન ભારતમાં આપણા વચ્ચેથી એક મહાન હસતીને છીનવી લીધી છે. ઇન્દિરા ગાંધીના આ શબ્દો પરથી તેમને સાવરકર પ્રત્યે કેટલું માન હતું તે સ્પષ્ટ થાય છે. ફક્ત એટલું જ નહીં, તેમના મૃત્યુ બાદ ઇન્દિરા ગાંધીએ સાવરકરના માનમાં તેમની તસવીર ધરાવતી ટપાલ ટિકિટો પણ બહાર પાડી હતી. જો એવું માનીએ કે કૉંગ્રેસ અને સાવરકરની વિચારધારા વિપરીત હતી, તો પણ ઇન્દિરા ગાંધીએ સાવરકરના મૃત્યુ વખતે કહેલા શબ્દો અને તેમની તસવીરવાળા સ્ટેમ્પ બહાર પાડ્યા તે તથ્યથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે સાવરકરનું સન્માન તો તેઓ જાળવતા જ હતા.
જોકે, ઇન્દિરા ગાંધીનું સાવરકર પ્રત્યેનો આદર આટલે જ નથી અટકતો. સાવરકરનું સ્મારક ઊભું કરવા માટે તેમણે પોતે અંગત રીતે નાણાકીય મદદ પણ કરી હતી. તેમણે પોતાના અંગત ભંડોળમાંથી સાવરકરના સ્મારક માટે ૧૧,૦૦૦ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સાવરકર ઉપર ડોક્યુમેન્ટરી બનાવવાની પરવાનગી પણ આપી હતી. ઇન્દિરા ગાંધીએ લખેલો એક પત્ર પણ દસ્તાવેજોમાં મળી આવે છે. જેમાં તે સાવરકરની બ્રિટીશ રાજ સામેની લડતની પ્રશંસા કરતા જોવા મળે છે. આ જ પત્રમાં તે સાવરકરને ભારત માતાના મહાન સંતાન તરીકે પણ વર્ણવે છે.
ઇતિહાસ વાગોળતા આ તથ્યો સામે આવે છે ત્યારે કૉંગ્રેસના હાલના સાવરકર પ્રત્યેના વલણ સામે પ્રશ્ર્નાર્થ થાય છે અને અચાનક આ પ્રકારનો અભિગમ કેળવવા પાછળ શું કારણ હોય શકે તે રહસ્ય પણ આપણને વિચારતા કરી દે.