શાંત – સૌમ્ય સ્વરકાર સુધીર ફડકે
મુખ્યત્વે પંડિત નરેન્દ્ર શર્મા -ભરત વ્યાસ અને કમર જલાલાબાદીનાં ગીતો સ્વરબદ્ધ કરનારા ‘બાબુજી’એ થોડાં પણ અવિસ્મરણીય ગીતો આપ્યા છે
હેન્રી શાસ્ત્રી
સંગીતકાર સુધીર ફડકે અને ‘ભાભી કી ચુડિયાં’માં મીના કુમારી
મરાઠી ભાષાના વાતાવરણમાં ઉછરી મરાઠી અને હિન્દી ફિલ્મ સંગીતમાં પોતાનો અનોખો પ્રભાવ પાડનારા બે પ્રમુખ સંગીતકાર એટલે સુધીર ‘બાબુજી’ ફડકે અને સી. રામચંદ્ર ‘ચિતલકર’. ૧૯૫૦ના દાયકામાં આ બંને સંગીતકારોએ પોતાના સૂર – સ્વરાંકનની મદદથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોત પોતાની અલાયદી જગ્યા બનાવી હતી. બંનેમાં સંગીતની ઊંડી સૂઝ હતી, ગીતને એના ભાવ અનુસાર સ્વરબદ્ધ કરવાની આવડત હતી અને બીજા પણ કેટલાંક સામ્ય હશે, પણ એક મૂળભૂત ફરક એ હતો કે ‘બાબુજી’ હળવાશભર્યા સ્વરાંકન માટે જાણીતા હતા. શાસ્ત્રીય શૈલીનો આગ્રહ રાખતા ‘બાબુજી’ના ગીતોમાં પાશ્ર્ચાત્ય શૈલીનો પડછાયો પણ લગભગ નજરે નથી પડ્યો.
બીજી તરફ સી. રામચંદ્રએ હળવાશભર્યાં ગીત આપ્યાં (તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે) તો વેસ્ટર્નાઈઝડ શૈલીને પ્રાધાન્ય આપતા ‘આના મેરી જાન મેરી જાન સન્ડે કે સન્ડે’ જેવાં ગીતો પણ આપ્યા. સુધીર ફડકે એમની જ એક મરાઠી ફિલ્મ ‘હા માઝા માર્ગ એકલા’ (ભાવાર્થ એકલો જાને રે)ને છેવટ સુધી વળગી રહ્યા. એમને માત્ર બાવીસ ફિલ્મમાં જ સંગીતકાર તરીકે મોકો મળ્યો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમની પ્રતિભાને યોગ્ય ન્યાય ન આપી શકી એનાથી ઈન્ડસ્ટ્રીને નુકસાન થયું એનાથી અનેકગણું નુકસાન સંગીત રસિકોને થયું છે.
૨૫ જુલાઈએ જન્મજયંતી અને ૨૯ જુલાઈએ પુણ્યતિથિ હતી એવા આ ગુણી સંગીતકાર વિશે જાણવાની કલા રસિક તરીકે આપણી ફરજ છે.
સુધીર ફડકેના સ્વરાંકનમાં માધુર્ય છે, એમનાં સ્વરાંકનમાં મીઠાશ ભારોભાર છે, કર્કશતાનો પડછાયો નથી પડતો અને ગીતના શબ્દોને દાબી દેતી ધૂન ક્યાંય નથી જોવા મળતી. એનું મુખ્ય કારણ એમણે જે ગીતકારો સાથે પ્રમુખપણે કામ કર્યું એ હોઈ શકે છે. ‘બાબુજી’એ પંડિત નરેન્દ્ર શર્મા, ભરત વ્યાસ અને કમર જલાલાબાદીનાં ગીતો વધુ સ્વરબદ્ધ કયાર્ં છે. મહદંશે આ ત્રણેય ગીતકારની રચના સૌમ્ય પ્રકૃતિ ધરાવતી હોવાથી ‘બાબુજી’ના સ્વરાંકનમાં એનો પડઘો પડે એ સ્વાભાવિક હતું. સરળ ભાષા ધરાવતાં ગીતોનું રાગ આધારિત સરળ સ્વરાંકન ’બાબુજી’ની લાક્ષણિકતા રહી. સુધીર ફડકેની પ્રતિભાનું દર્શન કરવા ‘જ્યોતિ કલશ છલકે’ અને ’દિન હૈ સુહાના આજ પેહલી તારીખ હૈ’ એ બે છેડાના ગીતના ઉદાહરણ સાથે ‘આગે બઢો’ (૧૯૪૭) ફિલ્મનું ગીત ‘નૈના રસીલે મદભરે મૈં અલબેલી નાર, હાય સાઠ બરસ કે બાલમા કૈસે હોગા પાર, હાય મોરી દૈયા જીયા ઘબરાય’ પણ નોંધી રાખવું જોઈએ.
આ ગીતની લાક્ષણિકતા જાણવા જેવી છે. હિન્દી ફિલ્મ સંગીતમાં ગીતકારની પત્નીએ ગીત ગાયું હોય એવું આ સિવાય બીજું ઉદાહરણ કદાચ નહીં હોય. ગીતકાર હતા અમર વર્મા અને ગાયિકા હતાં એમનાં પત્ની માણિક વર્મા. હેરત પમાડનારી બીજી વાત એ છે કે આ ગીત મુજરા પ્રકારનું છે અને માણિક વર્મા નાટ્ય સંગીત અને ભક્તિ ગીતો ગાવા માટે જાણીતાં આવાં ગાયિકા પાસે મુજરા શૈલીનું ગીત રેકોર્ડ કરવું એ પણ એક અનન્ય બીના કહેવાય.
કહેવાય છે કે મરાઠી ચિત્રપટમાં સુવર્ણયુગ લાવવાનો શ્રેય લેખક, નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા રાજા પરાંજપે (એમની મરાઠી ફિલ્મ ‘પાઠલાગ’ પરથી હિન્દી ફિલ્મ ’મેરા સાયા’ બની હતી), ગીતકાર ગ. દિ. માડગૂળકર (‘ગદિમા’ તરીકે પ્રખ્યાત થયા) અને સંગીતકાર સુધીર ફડકેની ત્રિપુટીને જાય છે. રાજા પરાંજપેની ફિલ્મ, ગદિમાનાં ગીત અને બાબુજીનાં સંગીતની ત્રિરાશિએ અજરામર ગીત આપ્યા જે સુવર્ણયુગના છડીદાર બન્યા. ગીતકાર ગ. દિ. માડગૂળકર પણ ભાવમાં પંડિત નરેન્દ્ર શર્માની પંગતમાં બેસનારા હતા. રામાયણને ગીતબદ્ધ કરી ’ગીત રામાયણ’ રચવાના કારણે એમને આધુનિક ‘વાલ્મીકી’નું બિરુદ મળ્યું હતું. ‘ગીત રામાયણ’નું સ્વરાંકન સુધીર ફડકેએ કર્યું હતું. ‘ગીત રામાયણ’ને કારણે ગદિમા અને સુધીર ફડકેને અમરત્વ પ્રાપ્ત થયું છે. ‘બાબુજી’ના બે અવિસ્મરણીય ગીત વિશે જાણીએ.
જ્યોતિ કલશ છલકે – ભાભી કી ચુડિયાં (૧૯૬૧)
ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા, ગાયક: લતા મંગેશકર
હિન્દી ફિલ્મ સંગીતના ૧૦૦ – ૨૦૦ કે ૫૦૦ – ૧૦૦૦ વર્ષનાં અદભુત ગીતોની યાદી બનાવતી વખતે જે એક ગીતની અચૂક હાજરી હશે એ આ ગીત છે. એટલું જ નહીં લતાદીદીનાં વિશિષ્ટ ગીત ગણગણવા બેસીએ ત્યારે પણ આ ગીત યાદ આવ્યા વિના રહે નહીં એવો એનો જાદુ છે. ૧૯૬૦ના દોરના હિન્દી ગીતોમાં ઉર્દૂ – પર્શિયન શબ્દોનો વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે પંડિત નરેન્દ્ર શર્માના સંસ્કૃત પ્રચુર હિન્દી ભાષાના શબ્દોની સજાવટથી તૈયાર થયેલા આ ગીતને (પ્રભાતિયું) ઈશ્ક – મોહબ્બત કે સેડ સોંગ્સને જ પ્રાધાન્ય આપતા રસિકોએ પણ ગળે વળગાડ્યું હતું. ગીતના શબ્દો, એનું સ્વરાંકન, લતાદીદીનો સ્વર અને ફિલ્માંકનમાં મીના કુમારીનું પ્રેમળ સ્વરૂપ – ચાર રસાયણ અંતરના ઓરડે મઘમઘતો બાગ રચી દે છે. બહુ ઓછાં ગીત એવાં હોય છે જે ક્યારેય પૂરાં ન થાય એવી ઈચ્છા પ્રબળ કરે છે – ‘જ્યોતિ કલશ છલકે’ એવું જ ગીત છે. નરસિંહ મહેતાના પ્રભાતિયાએ જે ઉચ્ચતમ આનંદની અનુભૂતિ કરાવી છે એની સાથે હિન્દી ફિલ્મનું આ પ્રભાતિયું ટટ્ટાર ઊભું રહી શકે એવું છે.
દિન હૈ સુહાના આજ – પેહલી તારીખ હૈ (૧૯૫૪)
ગીતકાર: કમર જલાલાબાદી, ગાયક: કિશોર કુમાર
આ ગીતને પારાવાર લોકપ્રિયતા મળી એમાં રેડિયો સિલોનનો સિંહફાળો છે. ૧૯૬૦ – ૭૦ના દશકમાં સવારે સાડા સાતથી આઠ દરમિયાન જૂના ગીત વગાડવામાં આવતાં. આ અડધો કલાકના કાર્યક્રમની એક લાક્ષણિકતા એ હતી કે દર મહિનાની પહેલી તારીખે કિશોરકુમારના કંઠમાં ‘દિન હૈ સુહાના આજ પેહલી તારીખ હૈ, ખુશ હૈ ઝમાના આજ પેહલી તારીખ હૈ’ રજૂ થતું અને અનેક લોકો એ ગીત સાંભળી દર મહિનાની પહેલી તારીખે ઝૂમી ઉઠતાં. કોઈ કાવ્યાત્મક ઊંડાણ કે ચમત્કૃતિ નહીં, સ્વરાંકનમાં કોઈ અનોખી સજાવટ નહીં અને તેમ છતાં ૭૦ વર્ષ પછી પણ હૈયે સચવાયું છે અને હોઠ પર રમે છે એનો શ્રેય ગીતકાર – સંગીતકારને જાય છે. નોકરિયાત વર્ગના જીવનમાં પહેલી તારીખ એટલે પગારના દિવસનું અનેરું મહત્ત્વ રહેતું અને આ લાગણીઓનો ખણખણતો પડઘો ગીતની પંક્તિઓમાં પડે છે જેને ફડકે સાહેબનું સ્વરાંકન અને કિશોર કુમારનો સ્વર યાદગાર બનાવી દે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે રમતિયાળ કિશોર કુમારની કોઈ સ્વતંત્ર ઓળખ નહોતી બની એ સમયે સુધીર ફડકેએ આ ગીત તેમની પાસે ગવડાવવાનો નિર્ણય લીધો જે પરફેક્ટ સાબિત થયો હતો.