મેટિની

સફળ અભિનેતા અસફળ નેતા

વિશેષ -ડી. જે. નંદન

ભલે આ વખતે પણ ૨૦૧૯ની જેમ ૧૫ ફિલ્મી કલાકારો ચૂંટણી જીતીને સંસદમાં પહોંચી ગયા હોય, પરંતુ એકાદ સિવાય ભાગ્યે જ કોઈ ભવિષ્યમાં ચમકી શકશે. કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભલે ફિલ્મ સ્ટાર્સ ચમકતાં હોય, પરંતુ ભારતીય રાજનીતિના ઈતિહાસમાં જો દક્ષિણ ભારતના અમુક સ્ટાર્સને છોડી દઈએ તો, ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં હંમેશાંથી પોતાની છાપ છોડવા માટે તરસતા રહ્યા છે. તે પછી સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હોય કે જુનિયર હી-મેન સની દેઓલ. જે પ્રકારની વાહવાહી તેમને સિલ્વર સ્ક્રીન પર મળી છે, એ પ્રકારની વાહવાહી રાજકારણમાં મેળવવા માટે હંમેશાંથી ઝંખે છે. આ બધું યાદ કરવાનું તાત્કાલિક કારણ એ છે કે હિમાચલમાં મંડીથી કૉંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને ૭૪,૦૦૦ થી વધુ મતોથી હરાવીને સંસદમાં પહોંચેલી કંગના રનૌત તેના ઔપચારિક રાજકીય પ્રવાસના દસમા દિવસે હાંફવા લાગી છે. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કહ્યું કે ફિલ્મો કરવી ઘણી સહેલી છે, રાજનીતિ એ વધુ અઘરું કામ છે.

કંગના રનૌત ભલે સાંસદ બન્યાના માત્ર ૧૦ દિવસમાં આ નિષ્કર્ષ પર પહોંચી ગઈ હોય અને તેણે તેને ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હોય, પરંતુ તેના કરતાં વધુ ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સને રાજકારણ મુશ્કેલ લાગ્યું છે. આ જ કારણ છે કે બંને પોતાનો પ્રથમ કાર્યકાળ પણ યોગ્ય રીતે પૂર્ણ કરી શક્યા નથી. અમિતાભ બચ્ચને માત્ર દોઢ વર્ષમાં જ પોતાના હાથ ઊંચા કરી દીધા અને આખરે રાજીનામું આપીને રાજકારણથી દૂર ચાલ્યા ગયા અને ધર્મેન્દ્રએ પણ ૨૦૦૪માં ભાજપ વતી રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ તેમનો ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. વર્ષ ૨૦૦૮માં જ ધર્મેન્દ્રએ સાંસદ પદેથી રાજીનામું આપી, રાજકારણના મેદાનમાંથી એવી રીતે ભાગ્યા જેમ હારેલો કુસ્તીબાજ કુસ્તીના મેદાનમાંથી ભાગી જાય. જો કે તેમની પત્ની હેમા માલિનીને રાજનીતિથી બિલકુલ વાંધો નથી. મથુરા લોકસભા મતવિસ્તારમાંથી તેઓ આ વર્ષે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યાં છે અને ખુશ છે કે મથુરાના લોકો તેના પર વિશ્ર્વાસ મૂકી રહ્યા છે.

પરંતુ આ પરિવારના ત્રીજા રાજકીય સ્ટાર અને બોલીવૂડમાં જુનિયર હી-મેન કહેવાતા સની દેઓલનો રાજકારણમાં રેકોર્ડ તેના પિતા કરતાં પણ ખરાબ રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં ભાજપે તેને પંજાબના ગુરુદાસપુરથી ટિકિટ આપી હતી અને તેમણે ત્યાં કૉંગ્રેસના મજબૂત ઉમેદવાર સુનીલ જાખડને ૮૨,૪૫૯ મતોથી હરાવ્યા હતા. શાનદાર જીત નોંધાવી હોવા છતાં, રાજકારણમાં તેમનો રેકોર્ડ ખૂબ જ નબળો હતો. પાંચ વર્ષ સુધી સાંસદ રહ્યા હોવા છતાં તે દરમિયાન તેઓ થોડા જ દિવસ લોકસભામાં ગયા, અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વખતે મતદાન કરવા માટે પણ સંસદમાં ગયા ન હતા. તેમના સંસદીય ક્ષેત્રના લોકો તેમનાથી એટલા નારાજ હતા કે તેમના ગુમ થવાના કાયદેસર પોસ્ટર લગાવી દીધા હતા. બોલીવૂડના જે બે સ્ટાર્સે રાજકારણમાં થોડીક સહજતા અને જવાબદારી બતાવી છે, તેમાં એક હતા સુનીલ દત્ત અને બીજા હતા વિનોદ ખન્ના. બંને ચૂંટણી જીત્યા અને સરકારમાં પ્રધાન પણ બન્યા.

વિનોદ ખન્ના એકમાત્ર એવા ફિલ્મ સ્ટાર હતા જેમણે ચાર વખત લોકસભાની ચૂંટણી જીતી હતી. તેમણે એક જવાબદાર અને ગંભીર સાંસદ તરીકે પોતાની ભૂમિકા ભજવવાનો પ્રયાસ પણ કર્યો હતો. મોડે સુધી કામ કરવું અને સંસદમાં ઘણા પ્રકારના મૂળભૂત પ્રશ્ર્નો પૂછવા એ વિનોદ ખન્નાની વિશેષતા હતી. દક્ષિણ સિનેમાના કલાકારો ખાસ કરીને એમ.જી. રામચંદ્રન, એનટી રામારાવ, એમ કરુણાનિધિ અને જય લલિતા રાજકારણના એવા સુપરસ્ટાર સાબિત થયા કે રાજકારણમાં એમના જેવી લોકપ્રિયતા રાજકારણીઓને પણ નહીં મળી હોય. આવી જ હાલત અમુક ટીએમસી સ્ટાર્સની છે, જેમાં શતાબ્દી રોય અને રચના બેનર્જીનું નામ ખાસ ઉલ્લેખ કરી શકાય છે. આ બંનેએ સંસદમાં માત્ર ઉચ્ચ સ્તરની હાજરી જ નથી નોંધાવી પરંતુ સંસદમાં તેમણે તેમના પ્રશ્ર્નો દ્વારા મોટું રચનાત્મક યોગદાન આપ્યું છે. આ વખતે જીતીને સંસદમાં પહોંચેલા ૧૫ સાંસદોમાં સુરેશ ગોપી અને પવન કલ્યાણ જેવા સ્ટાર્સ પણ છે, જેમણે ચૂંટણીની શરૂઆત પહેલા જ જોરદાર હાજરી આપી હતી, સાથે સમાજમાં તેમના કામને પણ ગંભીરતાથી લેવામાં આવ્યું છે.

આ વખતે જે સ્ટાર્સ જીત્યા છે તેમાં કેરળમાં ભાજપ માટે પહેલીવાર લોકસભા જીતનાર સુરેશ ગોપી, રામાયણ સિરીયલમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ, ભોજપુરી ફિલ્મ સ્ટાર રવિ કિશન, બોલીવૂડના શત્રુઘ્ન સિંહા, હેમા માલિની, કંગના રનૌત ઉપરાંત ચિરાગ પાસવાન અને આંધ્ર પ્રદેશના પવન કલ્યાણનો સમાવેશ થાય છે, જેઓ હવે આંધ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન છે. આ વખતે ટીએમસીમાંથી જીતેલી ફિલ્મી હસ્તીઓમાં જૂન મલિયા, સયાની ઘોષ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને દેવ અધિકારીનો સમાવેશ થાય છે. સવાલ એ છે કે મોટી સંખ્યામાં મતો સાથે વિજય હાંસલ કરવા છતાં ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં ફ્લોપ શો કેમ સાબિત થાય છે? કદાચ આનું કારણ એ છે કે ફિલ્મોમાં જે કંઈ થાય છે તે અભિનય છે, ત્યાં આ લોકો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લે છે, પરંતુ રાજકારણમાં અભિનયની સાથે વાસ્તવિકતામાં પણ ઘણું બધું કરવું પડે છે. તેથી જ તેમનો પ્રભાવ અહીં સ્થાપિત નથી કરી શકાતો.

તેથી જ, જ્યાં અમિતાભ બચ્ચનથી લઈને ધર્મેન્દ્ર સુધી તેમની રાજકારણની એક ટર્મ પૂરી થાય તે પહેલાં જ દૂર ભાગી જાય છે, ત્યાં કંગના રનૌત જેવી વ્યક્તિ, જે દરેક મુદ્દા પર જોરદાર ટિપ્પણી કરે છે અને અભિનયમાં ચાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતી ચૂકી છે, તે સાંસદ બન્યાના માત્ર ૧૦ દિવસના અનુભવ પછી જ હાંફવા લાગી છે અને માન્યું કે રાજકારણ ફિલ્મો કરતાં વધુ
મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button