અરવિંદ વેકરિયા
અણછાજતી જગ્યાએથી માંડ-માંડ બહાર નીકળ્યાં. ‘ડાયમંડ ક્લબ’નું વિઝિટિંગ કાર્ડ હું વાંચતો હતો. કાર્ડ પર માત્ર સરનામું અને લેન્ડ-લાઈન ફોન નંબર જ લખેલાં હતાં. કોઈ નામનો ઉલ્લેખ નહોતો. ગભરાટ સાથે આગળ વધી જ રહ્યાં હતાં ત્યાં મારા ખભા પર હાથ પડ્યો :
‘દાદુ, આવી જગ્યાએ?’.
મારું દિલ ધબકારો ચુકી ગયું. કહે છે ને કે ન ડૂબકી મરાય, ન છબછબિયાં થાય, ઘાત જો પાણીની હોય તો મૃગજળમાં પણ ડૂબી જવાય. ‘મને થયું સાલુ, કિનારે આવીને ડૂબ્યાં? સવાલ પણ એવો હતો, દાદુ, આવી જગ્યાએ?’
મેં હળવેથી ડોકું ફેરવ્યું. સામે જેમને હું ઘણીવાર નાઝ કંપાઉંડમાં આવેલી એમની ઓફિસમાં મળતો હતો. એક સમયે ‘ચિત્રપટ’ નામનું સામયિક કાઢતાં હતાં.. એ હતા ચંદ્રકાંત શાહ. રાજેન્દ્રને પરિચય ઓછો. મારા નાટક ‘જીવન-ચોપાટ’ની વી. સી. આર. એમના દ્વારા બજારમાં આવેલી. મારે એમનાં સવાલનો શું જવાબ આપવો એની ગડમથલમાં પડ્યો. પહેલાં ઓપચારિક ‘હાય’, ‘હેલ્લો’ કર્યું. મને ન ગમતો સવાલ એમણે ચાલુ જ રાખ્યો.
Also read:૨૧ વર્ષની ઉંમરે છ બાળકના પિતા…! સંજીવ કુમારની આજે પુણ્યતિથિ નિમિતે સ્મરણ
‘કોઈ ખાસ…?’ બોલી એક નફ્ફટ સ્માઇલ આપ્યું. મારે દિલ મોટું રાખી સાચી વાત કહ્યાં વગર છૂટકો નહોતો. મેં સાચી વાત માંડીને કરી જ દીધી. રાજેન્દ્રની ઓળખ પણ તાજી કરાવી. એમણે અમારી શોધ માટે ‘એવી’ જગ્યાના બે વધુ એડ્રેસ આપ્યાં. એક-બે દિવસમાં તમારી ઓફિસે આવીને મળું છું’ કહી અમે છુટા પડ્યાં.
મેં રાજેન્દ્રને કહ્યું, ‘યાર, આ એનાં ‘ચિત્રપટ’ મેગેઝિનમાં મારું ખરાબ ચિતરામણ ન કરે તો સારું’. રાજેન્દ્ર મને કહે, ‘દાદુ, આવું તો થયા કરવાનું. આપણે રિસર્ચ કરવા નીકળ્યાં એમાં કઈ ખોટું નથી. છાપે તો છાપવા દે.’ હું સમસમીને ચુપ રહ્યો.
‘ચંદ્રકાંતભાઈએ આપેલા સરનામાં પર ટ્રાય કરવી છે?’ રાજેન્દ્રએ મને પૂછ્યું. મારો પિત્તો ગયો: ‘તારે જવું હોય તો જા, આમ પણ લખવાનું તો તારે જ છે ને?’ મને શાંત પાડતાં કહે. ‘કુલ..દાદુ..કુલ..’ રાજેન્દ્રએ પોતાની કલ્પનાશક્તિથી લખવાની બાંયધરી મને આપી.આવતી કાલથી લેખનનાં શ્રી ગણેશ કરશે એમ પણ કહ્યું. ચારેક દિવસમાં પહેલો સીન લખાય ગયો. પાંચમા દિવસથી અમે રિહર્સલનો શુભારંભ કરી દીધો. સીન સરસ લખ્યો હતો. બધા કલાકારો મસ્તીથી રિહર્સલમાં મચી પડ્યાં. આમ નાટક આગળ વધવા લાગ્યું. થિયેટરોની તારીખોનો પ્રોબ્લેમ નહોતો. એક બે રવિવારે ‘વાત મધરાત..’નાં શો કર્યા, જેમાં વધુ નુકસાન ન થયું એ પ્રભુકૃપા. એ દરમિયાન નાટક આગળ વધારતાં રહ્યાં.
તુષારભાઈ સૌથી વધુ ખુશ હતાં. ‘શક’ નાટકની પછડાટ પછી હું થોડો ઉચાટમાં હતો. હું મારા છુપા ડરની વાત તુષારભાઈને કહેતો પણ એમનો અભિગમ પોઝિટિવ હતો.
હવે નાટકનું નામ નક્કી કરી જા.ખ.આપવાની પળ આવી ગઈ. કથાવસ્તુને અનુરૂપ અને બધા કલાકારોનો ઓપિનિયન લઈ નાટકનું નામ રાખ્યું: ‘કલંક’. નાટકના જી.આર. અને સાથે જા-ખ બધું વ્યવસ્થિત અને સમયસર ગોઠવાય ગયું. આવા ‘બોલ્ડ’ વિષય માટે સંસ્થાઓ શો લેવા તૈયાર થશે કે નહિ એની પૂરી શંકા હતી. તુષારભાઈની આ ગમતી વસ્તુ હતી અને એ માટે એમની પૂરી તૈયારી પણ હતી.
‘આપણે વાત મધરાત..નાં ક્યાં સોલ્ડ-આઉટ શો કરેલા?’ આ એમની દલીલ રહેતી.
રેકોર્ડિંગ વખતે બાળકનાં અવાજની જરૂર પડી. ગુંડો ભૈરવીબહેનને કિડનેપ કરે છે ત્યારે બાળક બોલે છે : ‘ મમ્મી, મને છોડીને ન જા’. એ કામ મારા નાના દીકરા માનવીતે કર્યું. દીનુ ત્રિવેદી સાથે ‘સેતુ’ અને ગોપી દેસાઈ તેમજ સમીર ખખ્ખર સાથે ‘શ્યામલી’ નાટકમાં એણે અભિનય કરેલો.એટલે કામ સરળ રહ્યું.
તુષારભાઈની વેપારી કુનેહ આમાં પણ સફળ રહી. નાટક બીજા શોથી જ ઊપડ્યું. એક નવાઈની વાત કરું.. પહેલા શોથી એક પ્રેક્ષક સફેદ સફારી સૂટ પહેરી પહેલી રો ની કોર્નર સીટ પર આવે. શરૂઆતમાં તો ધ્યાનમાં ન લીધું. પણ શો જેમ થતાં ગયા એમ એમ ખબર પડતી ગઈ. એ વખતનાં અમારા બુકિંગ કલાર્ક પ્રભાકરે કહ્યું કે બુધવારે બુકિંગ ખુલે ને એ પહેલી રોની કોર્નર સીટનું બુકિંગ કરાવી જાય છે.
આ ખબર પડતા બધા કલાકારો વીંગમાં ‘કાણું’ પાડી એની જાણે હાજરી પૂરતાં. આ સિલસિલો નાટક બંધ થયું ત્યાં સુધી રહ્યો. (મુંબઈનાં શો પૂરતો). એ વ્યક્તિ હતી તો ઉંમરલાયક,કહે છે ને કે જીવનમાં એ મહત્વનું નથી કે તમારી ઉંમર શું છે, મહત્વનું એ છે કે તમારાં વિચારો કઈ ઉંમરનાં રાખો છો. નાટકની કોઈ એવી વાત તો હશે જે એને અપીલ કરી ગઈ હોય, કોને ખબર.! ક્યારે શું આકર્ષી જાય એ ખબર ન પડે.
આ નાટક મુંબઈમાં સારું ગયું એટલે અમદાવાદનાં ‘શક’ વખતે ન દેખાયેલ અભય શાહ અને ધનજી સોલંકીએ પણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ઘણાં શો કર્યા.‘કલંક’ સફળ રહ્યું એટલે ‘શક’ નાટકની થોડી કળ વળી… સફળ અને નિષ્ફળમાં ફરક ‘પાવર’નો નહિ. ‘વિલ-પાવર’નો હોય છે એ સમજાયું. ભોળાને એની દાદીમાએ કહ્યું, ‘બેટા, કોઈની પરિસ્થિતિ ઉપર હસવું નહી. ક્યારેક આપણી પરિસ્થિતિ એવી થઈ શકે..’ ત્યારથી ભોળો રોજ અંબાણી અને અદાણીનાં ફોટા સામે જોઈ હસ્યા જ કરે છે.