સ્ટાર-યાર-કલાકાર : એક અલગારી સર્જક સહજ સંવાદનો છલકાતો સાગર સરહદી

-સંજય છેલ
‘તુમને કભી તુમ્હારી આખેં દેખી હૈ? જહાં દેખતી હૈ એક રિશ્તા કાયમ કર દેતી હૈ.’
+++++++++++++++++++++++.
‘હમારે બીચ મેં એક એક કાંચ કી દીવાર હૈ, હમ એક દૂસરે કો દેખ તો સકતે હૈં પર સુન નહીં સકતે.’
+++++++++++++++++++++++++
‘જબ મુઝે કરાર ના હોગા તબ મેં દિસંબર કી શામોં મેં વિરાન સડકો પર ભટકુંગા..ચિનાર કે તલે મફલર
લપેટે ગુમનામ રાસ્તોં પર તુમ્હેં તલાશ કરુંગા. રોશની બંધ ઘરોં કે શીશોં સે છન કર આયેગી. કભી
તન્હાઇ કે ગીત હોંગે. કભી તુમ ગુનગુનાતી અપની યાદ કો વક્ત કે કોહરે સે નિકાલ દોગી. મૈં કભી સિસક
લૂંગા ઔર કભી આહ ભર લૂંગા ઔર તુમ્હેં ખબર તક ના હોંગી!…..ઔર કભી શામ કી બૈચૈની સે તંગ
આ કર તુમ દરિચા ખોલ દોગી ઔર કહોગી: કૌન બેચારા, મહોબ્બત કા મારા, કિસકો ગુમનામ રાસ્તોં
પર તલાશ કર રહા હૈ?…’
++++++++++++++++++++++++++
-આવા અનેક યાદગાર સંવાદો લખનાર નાટ્ય-ફિલ્મ લેખક સાગર સરહદીનો હમણાં 11મેના જન્મદિવસ હતો.
‘સિલસિલા’, ‘કભીકભી’, ‘નૂરી’, ‘ચાંદની’, ‘બાઝાર’, ‘દૂસરા આદમી’, ‘દીવાના’, ‘કહો ના પ્યાર
હૈ’….જેવી અનેક ફિલ્મોમાં સાગર સરહદીના સંવાદો સંતૂરના શીતળ સૂરની જેમ અલગ જ ગુંજી ઊઠતાં. ભારત-પાકિસ્તાનની સરહદ પાસેના અબોટાબાદમાં જન્મેલા સાગર સરહદી (1933-2021)નું મૂળ નામ ગંગા સાગર તલવાર..પણ સરહદથી ભારત આવેલા એટલે સાગર સરહદી નામ રાખેલું.
50-50ના દાયકામાં મુંબઇના આંતરકોલેજ નાટ્યસ્પર્ધાઓમાં સાગર સરહદીનાં નાટકો ખૂબ ભજવાતાં. મુંબઇની ખાલસા કોલેજમાં સાગર અને ગુલઝાર પાકા મિત્રો. ત્યારે ગુલઝાર કવિતાઓ સંભળાવે અને સાગર નાટકોના સંવાદો. બહુ ઓછા જાણે છે કે બેઉએ મળીને 1963માં એક ફિલ્મ પણ લખેલી પણ એ કદી પૂરી ના થઇ. 14 રીલ બનીને અટકી ગઇ, નહિં તો કદાચ સાગર અને ગુલઝારની જોડી આગળ પણ ચાલી હોત.
એ પછી ગુલઝારે આસિસ્ટંટ તરીકે નિર્દેશક બિમલ રોયનું ગ્રુપ જોઇન કર્યું અને સાગર સરહદીએ ‘ધ કર્ટન’ નામની નાટક કંપની ખોલી. ત્યારે સાગર સરહદી 400 રૂ.માં એક એડ એજેંસીમાં કામ કરતાં અને એના પગારમાંથી નાટકો કરીને કરજ ચૂકવતા. ‘મૈં આગ હોતા હૂં’, ‘ભગતસિંઘ કી વાપસી’, ‘તન્હાઇ’ જેવાં સુંદર નાટકો મુંબઇના તેજપાલ હોલમાં ભજવતાં. સાગરનાં એકાંકી નાટકો એમના ભત્રીજા અને જાણીતા નિર્દેશક રમેશ તલવાર હરીફાઇમાં ભજવે, જેમાંથી એક નાટક ‘મિર્ઝાસાહિબાં’ જોઇને યશ ચોપરાએ ‘કભી-કભી’ ફિલ્મના સંવાદો લખવા સાગરને બોલાવ્યા. એ અગાઉ 1971માં ‘પત્ની’ નામની ફિલ્મથી એમની કેરિયર શરૂ થઇ હતી અને ઓળખ બની સંજીવકુમાર અભિનીત બાસુ ભટ્ટાચાર્યની ઓફબીટ ફિલ્મ ‘અનુભવ’ થી….
સાગર સરહદીના ભત્રીજા અને ‘દૂસરા આદમી’ કે ‘બસેરા’ જેવી યાદગાર ફિલ્મોના નિર્દેશક રમેશ તલવારને ત્યાં હું સહાયક નિર્દેશક હતો પાંચ વરસ એટલે સાગર સાહેબને મળવાનું ઘણીવાર થતું. ગાળ આપીને ઉષ્માપૂર્વક વાત કરવાનો એમનો અંદાજ જ અલગ. જરાયે મોટા લેખક હોવાનો ભાર નહીં. સાગર સરહદીએ ખૂબ ઉતાર- ચઢાવ જોયા. એક સમયે પોશ કારમાં ફરનાર સાગર પછી સાઇકલ પર પણ ફરતા થયેલા કે લોકલ ટ્રેનમાં છેક છેલ્લે સુધી રખડતાં, પણ એ વાતનો કોઇ રંજ કે મલાલ નહીં.
1979માં યશ ચોપરાએ આખી ટીમને પાર્ટનર બનાવીને સાગર સરહદીની સ્ક્રિપ્ટ પરથી ‘નૂરી’ ફિલ્મ બનાવી , જેનું નિર્દેશન કર્યું રમેશ તલવારે. નાના બજેટની ફિલ્મ હિટ ગઇ સાગર સરહદીએ એ ફિલ્મના નફામાંથી જૂહુ પર શાનદાર ફ્લેટ લીધો.. પોતે ‘બાઝાર’ જેવી ફિલ્મ સાવ નાના બજેટમાં બનાવી જેને કોઇ ખરીદવા તૈયાર નહોતું, પણ નસીર- સ્મિતા પાટિલ-સુપ્રિયા પાઠક, ફારૂખ શેખ વગેરે સાથે બનેલી એ ફિલ્મે અને એના સંગીતે ઇતિહાસ રચ્યો. ‘કરોગે યાદ તો હર બાત’, ‘દિખાઇ દિયે યું’, ‘ફિર છિડી રાત બાત ફૂલોં કી’ જેવાં અનેક ગીતોમાં ખૈયામનું યાદગાર મ્યુઝિક આજે પણ સુપર હિટ છે!
મખદુમ મોઇનુદ્દિન, બશર નવાઝ, શહરયાર જેવા સાહિત્યકારોની રચનાઓને ફિલ્મમાં મૂકીને સાગર સરહદીએ અનેક મુશ્કેલીઓ સામે હિટ કરી બતાડી. અનેક ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યાં, પણ એ ફિલ્મે જેટલી ઇજ્જત કમાવી આપી એટલા પૈસા ના મળ્યાં. જિદ્દી સાગર સરહદીએ ‘બાઝાર’ની સફળતા પછી બીજા ભત્રીજા વિજય તલવાર માટે નસીર- શબાનાને લઇને ‘લોરી’ ફિલ્મ બનાવી, જે ફ્લોપ થઈ અને જૂહુનો શાનદાર ફ્લેટ વેંચવો પડ્યો અને છેક મલાડ માલવણીમાં નાના ફ્લેટમાં જવું પડ્યું!
સાગર સરહદી અલગારી આદમી હતા. એમને પોતાના પ્રકારની ફિલ્મો બનાવવી હતી એટલે ‘અગલા મૌસમ’ અને ‘તેરે શહેર મેં’ જેવી ઓફ બીટ ફિલ્મો બનાવી (જેમાં મારા પપ્પા છેલ-પરેશ આર્ટ ડિરેક્ટર હતાં એ આડવાત) પણ નિર્માતા અને ફાઇનાંસરના ઝગડામાં એ ફિલ્મો રિલીઝ જ ના થઇ શકી નહિં તો સાગર સરહદીનો ઇતિહાસ જુદો જ હોત! વળી એક જૂઠા કોર્ટ કેસમાં એક ફાઇનાંસરે એમને ફસાવીને ફ્લેટ હડપાવી લીધો અને સાગર સરહદીએ પાછું સાયન કોલીવાડા જવું પડ્યું, પણ આ બધા વચ્ચે ‘ચાંદની’ જેવી સુપર હિટ ફિલ્મ લખી. આમ તો દરેક સુપર સ્ટારની કેરિયરમાં સાગર સરહદીનો હાથ છે, જેમ કે રાજેશ ખન્નાએ સાગરનાં નાટકોથી શરૂઆત કરી, તો અમિતાભ(કભીકભી), શાહરૂખ(દીવાના) અને હૃતિક(કહો ના પ્યાર) પાછળ પણ સાગર સરહદીનો ફાળો છે! નવાઝુદ્દિન સિદ્દીકીને હીરો તરીકે લઇને 2004માં સાગર સરહદી ‘ચૌસર’ નામની ફિલ્મ બનાવેલી, પણ કોઇ કારણસર રિલીઝ ના થઇ. કદાચ હવે ઓટીટી પર થઈ જાય તો નવાઇ નહીં!
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : કર્નલ સોફિયા દેશ કી બેટી કે આતંકવાદીઓની બહેન?
આયુ 80 + હોવા છતાં છેલ્લાં કેટલાંય વરસોથી છેક સાયનથી અંધેરીની ઓફિસમાં સાઇકલ પર કે લોકલ ટ્રેનમાં અચૂક આવે-મિત્રોને મળે-નવા લેખકોને સાંભળે-એમને પ્રોત્સાહિત કરે-કવિતાઓની મહેફિલ જમાવે અને છેક છેલ્લાં વરસ સુધી ‘બાઝાર પાર્ટ-ટુ’ બનાવવાના પ્લાનમાં મશગૂલ હતાં. સંઘર્ષમાં પણ એમનો સ્પિરિટ મનોબળ એટલું જ મજબૂત. 88 વરસે પણ જુવાનો જેવી તાકાત અને ચહેરા પર બેફિકરાઇ. દરેક ઉમ્મરના માણસને ગાળ આપીને આત્મીયતા સાથે વાત કરે. દિલ્હી કે ગોવાના ફિલ્મ ફેસ્ટિવલોમાં સાગર સરહદી સાથે અનેક સાંજો ગાળી છે. એકવાર દિલ્હીના લેખકે ફેસ્ટિવલમાં બે ફિલ્મ વચ્ચેના ઇંટરવલમાં સહેજ ભાવ ખાતા કહ્યું કે ‘હું જરા ગાડીમાં બેસીને મારું નાટક પૂરુ કરીને આવું…, બે-ત્રણ પાનાં લખી લઉં!’
સાગર સાહેબે પેલાને તરત જ સંભળાવ્યું :
‘આબે સાલે, અજીબ (ગાળ) હૈ તું? આધે ઘંટે મેં કૌન સા શેક્સપિઅર બન જાયેગા?!’
…. ને બધા ખડખડાટ હસી પડ્યા!
આવા દરિયા જેવા દિલેર સાગર સાહેબે 22 માર્ચ-2021ના જિંદગી સાથે છેલ્લો સંવાદ કરીને હંમેશને માટે વિદાય લીધી…
સાગર સર, વી વિલ મિસ યોર મિજાજ!