સ્ટાર-યાર-કલાકાર : બોલિવૂડની પુરાણી પરંપરા: બંધ કરો યે નાચગાના!

-સંજય છેલ
આપણે ત્યાં ફિલ્મમાં વાર્તા કે પટકથા કે ઇવન સેટ પર ફિલ્મ શૂટ કરવા કેમેરા નહીં હોય તો ચાલશે પણ ફિલ્મોમાં નાચગાના તો જોઇએ જ. જ્યારથી બોલતી ફિલ્મો આવી ત્યારથી ગીતોનૃત્યો વિના ભાગ્યે જ કોઇ ફિલ્મ હશે. 1932ની ‘ઇંદ્રસભા’ ફિલ્મમાં પૂરા 71 ગીતો ને ભવ્ય નૃત્ય હતાં, એના પછી છેક 1994ની ‘હમ આપકે હૈં કૌન’માં 14 ગીત હતાં એવી ખબર હતી.પણ અમને હમણાં ખબર પડી કે 1984ની ‘બંસત રાસ’ નામની ઓડિયા ફિલ્મમાં કુલ 81 ગીત હતાં!
પહેલાં ગીતોને કારણે આપણી ફિલ્મો ઓસ્કાર કે બીજા વિદેશી એવોર્ડ્ઝમાં સૂગથી જોવાતી પણ હવે તો ‘નાટૂ નાટૂ’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ આપીને જગત આખાએ આપણાં સોંગ્સને સ્વીકારી લીધા છે. બોલિવૂડમાં નાચગાના પર અનેક મજેદાર વાતો છે.
એક ફિલ્મી પાર્ટીમાં 60ના દાયકાનો ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂર અને જ્યુબિલી કુમાર- રાજેન્દ્રકુમાર ભેગા થઈ ગયા.
શમ્મી કપૂર ડાન્સ માટે જાણીતો અને એની સામે રાજેન્દ્ર કુમારનો ડાન્સ એકદમ હાસ્યાસ્પદ..પણ કોણ જાણે શું થયું કે રાજેન્દ્રકુમારે એ પાર્ટીમાં શમ્મીકપૂરના એક ડાન્સની ભોળેભાવે ભૂલો કાઢી. આ સાંભળીને તોફાની શમ્મીકપૂરે એને ચણાના ઝાડ પર ચડાવ્યો અને કહ્યું, ‘ચાલ, મને કરીને બતાવો ને…! તમારા જેવો ગુરુ ક્યાં મળશે? ’ હવે રાજેન્દ્રકુમારે એક બે સ્ટેપ કરીને બતાવ્યા પછી તો શમ્મીકપૂરે કહ્યું કે હજુ બીજા બે -ચાર સ્ટેપ બતાવોરાજેન્દ્રકુમારે એ પણ કર્યા. બધાંએ તાળીઓ પાડી. શમ્મીકપૂરે કહ્યુ કે હજુ પેલા ગીતનો ડાન્સ કરીને બતાવો ને આમ એણે આખી રાત રાજેન્દ્રકુમારને લોકો સામે નચાવ્યો ને લોકો હસીને લોટપોટ! હવે આપણે જાણીએ છીએ કે રાજેન્દ્ર કુમારમાં ડાન્સની એવી કોઈ ટેલેન્ટ નહોતી. શમ્મી કપૂર માટે જે ડાન્સ હતો એ રાજેન્દ્ર કુમાર માટે કસરત હતી.
જોકે જંપિંગ સ્ટાર જીતેંદ્રના ધરતી પર અવતરણ પછી ફિલ્મી નૃત્યોમાં નૃત્ય કરતા કસરત વધી ગયેલ. હીરો-હીરોઈન નૃત્ય શરૂ કરે કે ત્યાં અચાનક આસપાસથી 10 છોકરાછોકરીઓનું ટોળું ધસી આવે ને હીરો- હીરોઈન આસપાસ ટોળું કસરત જેવા ડાન્સ કરે! જીતુજી તો સારા ડાન્સર પણ અજય દેવગણ, સની દેઓલ કે સુનીલ શેટ્ટી જેવા બોડી બિલ્ડરોએ પણ ડાન્સ કરવો પડતો હોય છે. ગોવિંદા જેવો સુપર્બ ડાન્સર એક્ટર એક બે ડગલા ચાલે પછી એમાં થોડા નૃત્યના સ્ટેપ ઉમેરી લે. એ જ રીતે રાજ કપૂરના ‘આવારા’ના ગીતોનું અને મિથુન ચક્રવર્તીના 1980ના દાયકાની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’નું ઘેલું તો રશિયાથી લઇને રોમાનિયા સુધી છેક 2006 સુધી અમે પોતે સગી આંખે જોયું છે.
‘જ્વેલથીફ’ ફિલ્મના જાણીતા ગીત ‘હોઠો પે એસી બાત’ ના શૂટિંગ અગાઉ નિર્દેશક વિજય આનંદની વિનંતીથી ત્યારની આસિસ્ટન્ટ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને સતત પાંચ મિનિટ સુધી એકધારું એ ગીત પર ડાન્સ કરી બતાવ્યો. દેવ આનંદ અને હીરોઇન બંનેના સ્ટરપ્સ એકલી છોકરીએ સતત 5 મિનિટ અટક્યા વિના કર્યા. આ જોઇને તો હીરોઇન વૈજન્તીમાલાના હાંજા ગગડી ગયા. એણે શૂટિંગ કેંસલ કરાવીને કહ્યું, ‘મારે એવો ડાન્સ કરવા માટે 4-5 દિવસના રિહર્સલ્સ જોઈશે, તો જ હું આવું કામ કરી શકું’ એ જ વૈજયંતીમાલા એ સૂરજ ફિલ્મના ગીત ‘કૈસે સમઝાઉ, બડી નાસમઝ હો’માં માત્ર એક જ ટેકમાં એટલે કે એક જ વારમાં આખું ગીત એક જ શોટમાં પરફોર્મ કર્યુ છે.
એક આડ વાત: 1941માં ચરોતર સામયિકમાં ગુજરાતીના બેસ્ટસેલર નવલકથાકાર શ્રી ર.વ. દેસાઈએ ગાંધીજીની અસરમાં આવીને લખેલું કે યુવાનોએ ડાન્સને બદલે કસરત કરવી જોઈએ્ તો આઝાદી જલ્દી મળશે! બોલો! આ જોઇને હાસ્યલેખક ધનસુખલાલ મહેતાએ ‘જ્યોતિર્ધર’માં જવાબ આપતા લખ્યું કે ડાન્સ ને કસરત એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે ને કસરત કરવાથી આઝાદી જલ્દી કેવી રીતે મળે ?’
એક ઓપેરા કે સંગીતનાટકમાં હીરોઈનને મંચ પરથી બહાર જવાની હતી ને ત્યાં ઉડતો વાંદો આવ્યો ને તેના ડ્રેસમાં ભરાઈ ગયો! એ હીરોઈનની ચાલ ડાન્સમાં ફેરવાઇ ગઇ! લોકોને મજા પડી ગઈ. ‘વન્સમોર’ના અવાજો આવ્યા!
આમ ક્યારેક એકની ગભરામણ બીજા માટે ડાન્સ બની જાય. ગોવિંદા અને હિૃતિક જેવા સુપર્બ ડાન્સ એક્ટર કોઇ નથી એ વાત પ્રભુદેવાથી માંડીને ફરાહ ખાન સુધી સૌ કોરિયોગ્રફરો માને છે, પણ જ્યારે ગોવિંદા સેટ પર મોડો આવે ત્યારે એ સૌને ગભરાવી મૂકે. ગીતનું શૂટિંગ ફટાફટ પતાવવા પોતાને મનમાં આવે એમ ડાન્સ કરે અને ચાલુ શોટમાં એને જોઇ જોઇને ડાન્સરો કોપી કરે કારણકે એમને તો તાલીમ મળી જ ના હોય ને?.
એક ડાન્સ સ્પર્ધામાં જજે એક કલાકારને પૂછ્યું: ‘તમે આવા ડાન્સની ટ્રેનિંગ ક્યાંથી લીધી?’
‘સર, મેં ડાન્સની નહીં પણ માર્શલઆર્ટની ટ્રેનિંગ લીધી છે!’
‘હંમમમ. લાગ્યું જ! જજે કહ્યું.’
જોકે માર્શલઆર્ટનો જાણકાર અક્ષયકુમાર અભિનય ભલે એકનો એક કરે પણ ડાન્સ સરસ કરી લે ! શાહરુખ માટે કહેવાય છે કે શરૂઆતમાં ડાન્સ સારો આવડતો નહીં તો એની પત્ની ગૌરી જે કોરિયોગ્રાફર શામક દાવરનાં ક્લાસમાં જતી ત્યાં જઇને ચોરી છૂપી ડાન્સના સ્ટેપ્સ શીખતો. અહીં સુધી ઠીક છે, પણ પાછલા જનમ વગેરેમાં માનતા શામક દાવરે એક પુસ્તકમાં લખ્યું છે કે શાહરુખ પછીથી સમય જતાં સારો ડાન્સર એટલે બની શક્યો, કારણ કે શાહરુખમાં સંધ્યા બોઝ નામની મૃત ડાંસરનો આત્મા પ્રવેશી ચૂક્યો છે!
વેલ, પોસિબલ છે! જે દેશમાં 1 ફિલ્મમાં 72થી 81 ગીતો મુકાતાં હોય ત્યાં કંઇપણ શક્ય છે. ક્યારેક અચાનક ટપકતા આઇટેમ સોંગ્સ જોઇને, મુજરાનાં અંતે જૂની ફિલ્મોનો બોલાતો સંવાદ યાદ આવે:
બંધ કરો યે નાચ-ગાના.!
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : સિંધુ જળ સંધિ સ્થગિત, ભારત પીછેહઠ ના કરે તો સારું