મેટિની

મસાલેદાર કિસ્સા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…

મહેશ નાણાવટી

બોલિવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે જે ‘તૂ-તૂ મૈં-મૈં’ ચાલી રહી છે એ તો હમણાં હમણાંની છે. એમાંય બોલિવૂડ છેલ્લે છેલ્લે તો સાઉથની ફિલ્મોને પોતાની ‘જીવાદોરી’ પણ કારગર ન નીવડી ત્યારે સાઉથને ખરીખોટી સંભળાવવા પણ ઉતરી આવ્યા!

જોકે સની દેઉલની છેલ્લી ફિલ્મ ‘જાટ’ અને શાહરુખ ખાનની ‘પઠાણ’ની સાથેસાથે બનેલી ‘જવાન’ એવાં ઉદાહરણો છે, જેનાં બાલિવૂડના સ્ટારો રીતસર સાઉથના ડિરેકટરોના શરણે ગયા છે! એમાંય, ‘જાટ’માં તો વાર્તા પણ આંધ્ર પ્રદેશમાં જ આકાર લે છે.

આ બધી કહેવાતી તાજી દુશ્મની છે, પરંતુ 70-80ના દાયકા સુધી તો બોલિવૂડના મોટા મોટા સ્ટાર ચેન્નાઈના સ્ટુડિયોમાં ત્યાંની તામિલ કે તેલુગુ ફિલ્મોના હિન્દી રિ-મેકમાં કામ કરવા માટે મુંબઈથી ત્યાં સુધી લાંબા થતા હતા.

એ વખતનો ટ્રેન્ડ હતો કે તામિલ-તેલુગુમાં જે ફિલ્મ હિટ ગઈ હોય તેનો હિન્દી રિ-મેક ત્યાંના સાઉથના જ નિર્માતાઓ બનાવતા. એના શૂટિંગ માટે સેટ વગેરે તો ચેન્નાઈના સ્ટુડિયોમાં લાગતા જ હતા, પરંતુ આઉટડોરના દૃશ્યો, ગાયનો વગેરે પણ દક્ષિણ ભારતના જ રમણિય લોકેશનો પર શૂટ થતા હતાં. બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાની ‘ચોરી ચોરી’, ‘દિલ તેરા દિવાના’ કે ‘સસુરાલ’ જેવી ફિલ્મો જુઓ કે રંગીન ફિલ્મો આવ્યા પછી ‘ખાનદાન’, ‘સાથી’, ‘સૂરજ’, ‘રામ ઔર શ્યામ’ વગેરે જોઈ લો.

વચમાં જ્યારે સાઉથમાં બનેલી હિન્દી ફિલ્મ ‘તોહફા’ હિટ થઈ ગઈ પછી જિતેન્દ્રને તો જાણે લોટરી લાગી હોય તેમ ધડાધડ સાઉથની રિ-મેકમાં હીરોના રોલ મળવા માંડ્યા હતા! એમાંય અમુક અડધો ડઝન ફિલ્મો તો એવી હતી જેમાં એકટરોની ટોળકી પણ એક જ હોય: જિતેન્દ્ર, શ્રીદેવી, જયાપ્રદા, શક્તિ કપૂર અને કાદર ખાન… આ બધા સાથે ને સાથે જ હોય!

આમાં કાદર ખાન પોતે એક્ટિંગ ઉપરાંત સંવાદ લેખનનું પણ કામ કરતા હતા.

અહીં બીજી એક વાત પર ધ્યાન દોરવું જરૂરી છે, કે સાઉથના ડિરેકટરોને હિન્દી ખાસ બોલતાં આવડે નહીં, એટલે સેટ ઉપર એક ‘લેગ્વેંજ ડિરેકટર’ રાખવામાં આવતો! એનું કામ એટલું જ કે હિન્દી સંવાદોનું તામિલ કે તેલુગુમાં ભાષાંતર કરીને ડિરેકટરને સમજાવવાનું અને શોટ લેવાતો હોય ત્યારે ડિરેકટરના કહ્યા મુજબ તે સંવાદના જે તે શબ્દ ઉપર ચોક્કસ ‘વજન’ મુકાયું છે કે નહીં તે જોતા રહેવાનું. ફિલ્મની શરૂઆતનાં ટાઈટલ્સમાં એમને ‘લેંગ્વેજ ડિરેકટર’ તરીકે ક્રેડિટ પણ આપવામાં આવતી હતી!

હવે થયું એવું કે મદ્રાસ (હવે ચેન્નાઈ)ના એક સ્ટુડિયોના બાજુબાજુના બે ફલોરમાં બબ્બે ફિલ્મોનાં શૂટિંગ ચાલે. બન્નેમાં એકટરો સરખા: જિતેન્દ્ર, શ્રીદેવી, જયાપ્રદા, શક્તિ કપૂર, કાદર ખાન! આ બન્ને ફિલ્મોના સંવાદ લેખક કાદર ખાન પોતે જ હતા. એ જમાનામાં તો એવી પદ્ધતિ હતી કે સંવાદો છેક છેલ્લી ઘડીએ જ લખાતા હતા. એટલે કાદર ખાને આગલી રાતે બન્ને અલગ અલગ ફિલ્મોના અલગ અલગ દૃશ્યો માટે સંવાદો લખી નાખ્યા. સવારે આસિસ્ટન્ટો તે લઈને પણ ગયા.

બીજા દિવસે કાદર ખાનનું શૂટિંગ બપોર પછી હતું. એટલે તે નિરાંતે ભોજન કરીને, આરામ કર્યા બાદ સેટ ઉપર પહોંચ્યા. અહીં આવતાંની સાથે એમને જે સંવાદોની સ્ક્રિપ્ટ આપવામાં આવી તે જોઈને કાદર ખાન ચોંકી ગયા! કેમ કે આ તો પેલી બીજી ફિલ્મનું દૃશ્ય હતું!

હવે? છતાં કાદર ખાન ચૂપ રહ્યા. આખું શૂટિંગ પતી જવા દીધું. પછી રાતે બન્ને ફિલ્મોના પ્રોડયુસરો અને ડિરેકટરોને બોલાવીને કીધું કે ‘એક કામ કરો, તમે શૂટ કરેલાં રિલ્સની અદલાબદલી કરી લો!’

એ સમયે બપ્પી લાહિરી પણ સાઉથના ફેવરિટ હતા. ત્યાં બનનારી હિન્દી રિ-મેકમાંથી અડધો અડધ ફિલ્મો બપ્પી લાહિરી પાસે આવતી હતી. આમાં એક કિસ્સો એવો બન્યાનું કહેવાય છે કે સાઉથના એક નાના પ્રોડ્યુસરની આવી એક ફિલ્મ કોઈ કારણસર વચ્ચેથી અટકી પડી. એમાં થોડા દૃશ્યો અને બે ગાયનો શૂટ થયેલાં પડયાં હતાં. પણ એનું કરવું શું?

આ પણ વાંચો બાબુભાઈ મિસ્ત્રીની અનોખી હૅટ-ટ્રિક…

ઊડતી ઊડતી આ વાત કાદર ખાન પાસે પહોંચી. કાદર ખાને રસ્તો બતાડયો. ‘બન્ને ગાયનોમાં જિતેન્દ્ર અને જયા પ્રદા છે ને? અને બન્ને રોમેન્ટિક ગાયનો જ છે ને? તો એને હું કોઈ બીજી ફિલ્મોમાં ફીટ કરી આપીશ!’

આમ જોવા જાવ તો આ ખૂબ જ સહેલું હતું, કેમ કે ગાયનોમાં ન તો બીજા પાત્રો હોય. ન તો સ્ટોરી આગળ ચાલતી હોય… અને પરદા ઉપર ઊટીના પહાડો અથવા દક્ષિણનો દરિયા કિનારો હોય! હા, બપ્પી લાહિરીને બે ગાયનનો ‘લોસ’ થયો કહેવાય.

સાઉથની આ ફિલ્મો ‘કાર્ડ-બોર્ડ-કેરેકટર્સ’ માટે જાણીતી હતી. મતલબ કે પાત્રોમાં ખાસ ઊંડાણ ના હોય. ઈન્સ્પેકટર ઈન્સ્પેકટર જેવો જ હોય. આવામાં મુંબઈની એક સારી અભિનેત્રીને રાજેશ ખન્નાની મા બનવાનું હતું.

એણે જઈને ડિરેકટરને પૂછયું:

‘મૈં કૈસી મા હું? ક્યા મૈં ઈમોશનલ હું?’

જવાબમાં ડિરેકટરે સિગારેટની રાખ ખંખેરતાં કહ્યું :

‘કુછ નહીં.. તુમ રાજેશ ખન્ના કી મા હો!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button