‘સાવન કો આને દો’માં ગીતકારની ફોજ
લતા મંગેશકર પાસે એક પણ ગીત નહીં ગવડાવનારા ઓ. પી. નય્યર વધુ કલમનો ઉપયોગ કરવાને પ્રાધાન્ય આપવામાં માનતા હતા
હેન્રી શાસ્ત્રી
*સંગીતકાર ઓ. પી. નય્યર
*રાજશ્રીની ફિલ્મમાં આઠ ગીતકાર
ફિલ્મ એક, ગીતકાર અનેકના આજના ત્રીજા અને અંતિમ હપ્તામાં સૂરીલી રસિક સફર આગળ વધારી હેરત પમાડે એવી વાતોનો આનંદ લઈએ.
ફિલ્મ સંગીતમાં ગીતકાર – સંગીતકાર વચ્ચે ટ્યુનિંગ હોય, તાલમેલ હોય એ ચિત્રપટના હિતમાં છે. બંને એકબીજાની ખાસિયતથી સુપેરે પરિચિત હોય તો અંતિમ પરિણામ કર્ણપ્રિય બને છે એના અનેક ઉદાહરણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળ્યા છે.
જોકે, લતા મંગેશકર પાસે એક પણ ગીત નહીં ગવરાવનારા સંગીતકારની ઓળખ
ધરાવતા ઓ. પી. નય્યરએ એમની ઘણી ફિલ્મમાં એકથી વધુ ગીતકારનો ઉપયોગ કર્યો
હોવાના દાખલા છે. સુપરહિટ ‘હાવડા બ્રિજ’માં બે પ્રસિદ્ધ ગીતકાર કમર જલાલાબાદી
(૬) અને હસરત જયપુરી (૨) ગીત લખાવ્યાં હતાં. ‘એક બાર મુસ્કુરા દો’માં ત્રણ
ગીતકાર (એસ. એચ. બિહારી, ઇન્દીવર અને શેવન રિઝવી) જ્યારે ‘દિલ ઔર મોહબ્બત’
અને ‘હોંગકોંગ’ ફિલ્મમાં ચાર ગીતકાર હતા. આમ ગીતકાર બાબતે નય્યર સાહેબ મુક્ત
વિચારસરણી ધરાવતા હતા.
એક ફિલ્મમાં એકથી વધુ ગીતકાર હોય ત્યારે કયું ગીત કોણે લખ્યું છે એ ખબર નથી
પડતી, કારણ કે ટાઈટલમાં એ સ્પષ્ટતા નથી કરવામાં આવતી.
જોકે, એસ. ડી. નારંગ નિર્મિત ‘મોડર્ન ગર્લ’ ફિલ્મનું ઉદાહરણ અનુસરવા જેવું છે. આ
ફિલ્મમાં ચાર ગીતકારનું યોગદાન છે અને ટાઈટલમાં ગીતકારના નામ સાથે તેણે લખેલા
ગીત વિશે જાણકારી આપવામાં આવી છે. એટલે પિક્ચર જોતી વખતે ટોપ ગીત ‘યે
મૌસમ રંગીન હૈ સમાં’ ગુલશન બાવરાએ લખ્યું છે એની જાણ દર્શકને શરૂઆતમાં જ થઈ
જાય છે. એક ફિલ્મ અનેક ગીતકારના અન્ય ત્રણ ઉદાહરણ તપાસીએ.
ઉપકાર (૧૯૬૭): સંગીતકાર – કલ્યાણજી આનંદજી, ગીતકાર – ચાર
વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ‘જય જવાન જય કિસાન’ નારાને કેન્દ્રમાં રાખી
બનેલી આ ફિલ્મથી મનોજ કુમાર ‘મિસ્ટર ભારત’ બની ગયા હતા. જમીનનું સંવર્ધન
કરતા ખેડૂત અને સરહદની સુરક્ષા સંભાળતા જવાનના મહત્ત્વને ઉજાગર કરતી આ
ફિલ્મને બહોળો આવકાર મળ્યો હતો. ફિલ્મની વાર્તા ઉપરાંત એના ગીત – સંગીત પણ
લોકોએ છાતી સરસા ચાંપ્યા હતા. સંગીતની સામાન્ય સમજણ ધરાવતો રસિક પણ
ગણગણવા લાગે એવી ધૂન બનાવવા માટે જાણીતા કલ્યાણજી – આનંદજીએ
‘ઉપકાર’ના ગીતો સ્વરબદ્ધ કર્યાં હતાં. આ ચિત્રપટમાં સંગીતકાર બેલડીના ફેવરિટ
ઈન્દીવર ઉપરાંત અન્ય ત્રણ ગીતકાર (કમર જલાલાબાદી, પ્રેમ ધવન અને ગુલશન
બાવરા)ની હાજરી છે. ફિલ્મનું સુપરડુપર હિટ સોન્ગ જે આજે પણ લોકો નથી ભૂલ્યા એ
‘મેરે દેસ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી’ ગુલશન બાવરાએ લખ્યું છે. આ
ગીત સોલો સ્વરૂપે મહેન્દ્ર કપૂરના અવાજમાં છે તો લતા દીદી અને મહેન્દ્ર કપૂરના યુગલ
ગીત તરીકે પણ હાજરી પુરાવી છે. લતાજીનું ‘હર ખુશી હો જહાં’ પણ ગુલશન બાવરાની
કલમની નીપજ છે. ફિલ્મનું અન્ય અવિસ્મરણીય ગીત ‘કસમે વાદે પ્યાર વફા સબ બાતેં
હૈ બાતોં કા ક્યા’ ઈન્દીવરની કમાલ છે. ‘દીવાનોં સે યે મત પૂછો (કમર જલાલાબાદી)
અને ‘આઈ ઝૂમ કે બસંત’ (પ્રેમ ધવન)ને પણ આવકાર મળ્યો હતો.
પાકીઝા (૧૯૭૨): સંગીતકાર – ગુલામ મોહમ્મદ અને નૌશાદ, ગીતકાર – ચાર
‘આયેગા આનેવાલા આયેગા’ ગીતવાળી ફિલ્મ ‘મહલ’ (અશોક કુમાર – મધુબાલા)થી
દિગ્દર્શક બનેલા કમાલ અમરોહીની આ ફિલ્મ હિન્દી ફિલ્મ ઈતિહાસનું સોનેરી પ્રકરણ છે.
મીના કુમારી, ફિલ્મમેકિંગની ભવ્યતા અને અદભુત ગીત – સંગીતના ત્રિવેણી સંગીતથી
‘પાકીઝા’ અમર બની ગઈ છે. ફિલ્મ રિલીઝ થઈ એના બે મહિના થવાને હજુ થોડા
દિવસની વાર હતી ત્યારે મીના કુમારીનું અવસાન થયું હતું. કારકિર્દીના પ્રારંભમાં
‘પુકાર’ વગેરે ફિલ્મમાં ગીતકાર તરીકે કલમ ચલાવનારા અમરોહીએ ‘પાકીઝા’ માટે
પણ એક ગીત લખ્યું હતું. લતા દીદીના સુકોમળ સ્વરમાં સ્વરબદ્ધ થયેલું ‘મૌસમ હૈ
આશિકાના, અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના’ એ શ્રીમાન અમરોહીની કમાલ
છે. ફિલ્મના અન્ય ત્રણ ગીતકાર છે કૈફી આઝમી (ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા),
કૈફ ભોપાલી (ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો અને આજ હમ અપની દુઆઓં કા
અસર દેખેંગે, તીર – એ – નઝર દેખેંગે, ઝખ્મ – એ – જીગર દેખેંગે) અને મજરૂહ
સુલતાનપુરી (થાડે રહીયો ઓ બાંકે યાર). આ સિવાય ‘ઇન્હી લોગોં ને લે લીના દુપટ્ટા
મેરા’ લોકસાહિત્યની નીપજ છે અને ‘આજ કૌન ગલી ગયો શ્યામ’ મીરાબાઇનું ભજન
છે.
એ જોતા ફિલ્મમાં પાંચ ગીતકાર છે એમ ટેકનીકલી કહી શકાય, પણ મીરાંબાઈને ગીતકાર
ગણવા એ ધૃષ્ટતા કહેવાય, ખરું ને!
સાવન કો આને દો (૧૯૭૯): સંગીતકાર – રાજકમલ – ગીતકાર આઠ
પારિવારિક ફિલ્મો બનાવવાની નામના ધરાવતા રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો એટલે સ્મોલ
બજેટ – બિગ બિઝનેસ એવી વ્યાખ્યા ધરાવતી હતી. ૧૯૬૦ – ૭૦ના દાયકામાં રાજશ્રીનો
એવો દબદબો હતો કે ફિલ્મ રસિકો ‘રાજશ્રીની ફિલ્મ’ છે એવું જાણી સહ પરિવાર જોવા
જતા. આ દર્શક વર્ગ માટે ફિલ્મની વાર્તા, એના ગીત – સંગીતની પ્રાથમિકતા ઓછી હતી.
પરિણામે રાજશ્રી બેનર નવા કે ઓછા જાણીતા સંગીતકાર ગીતકાર કે કલાકારને તક
આપતા અચકાતું નહીં. આ ફિલ્મના સંગીતકાર તરીકે રાજકમલનું નામ છે અને ‘સાવન
કો આને દો’ રિલીઝ થઈ ત્યારે ભાગ્યે જ કોઈ એમના નામથી પરિચિત હશે. નવોદિત
ગણાયેલા સંગીતકારે જોખમ લઈ નવા કે મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં સાવ અજાણ્યા એવા
ગીતકારોને મોકો આપવાનું જોખમ લીધું. આ જુગટુ સફળ થયું અને ફિલ્મના ગીત –
સંગીત એકંદરે હિટ થયા. ફિલ્મમાં કુલ ૧૦ ગીત છે જે ૮ ગીતકાર દ્વારા લખવામાં આવ્યા
હતા. ફૌક જામી નામના ગીતકારે ત્રણ ગીતો લખ્યા છે જ્યારે બાકીના સાત ગીતકારે એક
એક ગીત લખ્યું છે.
આ સાતમાં એકમાત્ર પ્રખ્યાત નામ છે ઈન્દીવરનું , જેમણે લખેલું ગીત લોકપ્રિય નહોતું
થયું. એ સમયે થોડા જાણીતા ગીતકાર ગૌહર કાનપુરીની રચના ‘તુમ્હે ગીતો મેં ઢાલુંગા,
સાવન કો આને દો’ હિટ થયું હતું.
પુરુષોત્તમ પંકજ લિખિત ‘ચાંદ જૈસે મુખડે પે બિંદીયા સિતારા’ પણ ખાસ્સું લોકપ્રિય થયું
હતું. ગીત આજે પણ અનેક લોકોના હોઠ પર રમતું હશે, પણ ગીતકાર ત્યારે પણ નહીં અને
આજે પણ સ્મરણમાં નહીં હોય. એક ગીત મહિલા ગીતકાર માયા ગોવિંદનું છે. અન્ય
ગીતકારના નામ છે પૂર્ણ કુમાર ‘હોશ’, અભિલાષ અને મદન ભારતી. એ સમયના
રાજશ્રીના ફેવરિટ ગાયક યશુદાસનો સથવારો સાત ગીતમાં છે.
(સમાપ્ત)