મેટિની

અલવિદા,અમીન સયાની

સ્મૃતિ વિશેષ – અભિમન્યુ મોદી

અનેક પેઢીઓને હુંફ આપનારો એક અમર અવાજ!

70-71 વર્ષની કારકિર્દી દરમિયાન 55 હજારથી વધુ રેડિયો કાર્યક્રમ અને આશરે 20 હજાર જેટલી રૂપક્ડી જિંગલ્સ પાછળ એક મોહક ને જાદુગરીભર્યા અવાજના સર્જક વિખ્યાત ઉદબોધક અમીન સાયાનીએ હમણામ વિદાય લીધી…
-પણ , એમના ચાહકોના જીવનમાં આવા અમીન સયાનીના પ્રવેશ માટે એ ચાહકોએ બી.વી. કેસકર નામના શખ્સનો આભાર
માનવો ઘટે…
વાત થોડી માંડીને કરીએ.. બાલક્રિશ્ન વિશ્વનાથ કેસકરના નામે ભારતના આજ સુધી સૌથી લાંબા સમયગાળા સુધી માહિતી –
પ્રસારણ ખાતાના મંત્રી રહેવાનો વિક્રમ બોલે છે. 1984 માં એ ગુજરી ગયા, પણ એમની કટ્ટરવાદી નીતિ ચાહકોને ફળી. કેસકર સાહેબ એ જમાનામાં પણ જૂની પેઢી'ના માણસ ગણાતા. ફક્ત શાસ્ત્રીય સંગીતને તે પ્રોત્સાહન આપતા. બ્રિટિશ શાસન અને મુસ્લિમોના પ્રભાવને કારણે ભારતીય સંગીતનું અધ:પતન થયું છે એ દ્રઢપણે માનતા. આ મરાઠી બ્રાહ્મણને ઇસ્લામિક સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિની એટલી બધી એલર્જી હતી કે એમણેઓલ ઇન્ડિયા રેડિયો’માં હિન્દી ફિલ્મ મ્યુઝિક, ક્રિકેટ કોમેન્ટરી અને હાર્મોનિયમ ઉપર આંશિક કે મહદઅંશે પ્રતિબંધ લાદી દીધો હતો!
ફિલ્મ મ્યુઝિક એમને સસ્તું – વલ્ગર અને પશ્ચિમી સંસ્કૃતિની અસરવાળું છે એવું માનતા કેસકર સાહેબે પહેલા તો ફિલ્મી મ્યુઝિક બ્રોડકાસ્ટ કરવાનો એરટાઈમ 10 ટકા કરી નાખ્યો (મ્યુઝિકમાં પણ અનામત!) અને પછી સાવ પ્રતિબંધ મૂકી દીધો.
દેશ આઝાદ થયે ખાસ્સો સમય થઇ ગયો હતો. હિન્દી ફિલ્મોના ચાહકોની સંખ્યા વધી રહી હતી. લોકો નવાં નવાં ગીતો સાંભળવા તલસતા હતા. ફિલ્મ નિર્માતાઓ પરેશાન હતા. એમનાં ગીતોની લોકપ્રિયતા ઉપર ફિલ્મોની સફળતાનો આધાર રહેતો.
રેડિયો સિલોને આ તક ઝડપી લીધી. અમેરિકનો સિલોનમાં શોર્ટવેવ ટ્રાન્સમીટરનું આખું વ્યવસ્થાતંત્ર છોડીને ગયા હતા. એના દ્વારા ભારત અને પાડોશી મુલ્કો માટે સિલોનથી રેડિયો પ્રોગ્રામ્સ શરૂ થયા અને એમાં આરંભ થયો ગીત-સંગીતનો બિનાકા ગીતમાલા' પ્રોગ્રામ..અને એની સાથે આપણા કર્ણ સુધી પહોંચવા માંડ્યો એક એવો મીઠાસભર્યો અવાજ જેને જલ્દી વિસરી ન શકાય.... દર બુધવારે- સાંજે આઠ વાગે બિનાકા ગીતમાલા બ્રોડકાસ્ટ થાય, જેમાં અમીન સાયાનીએ જાતે પસંદ કરેલા સોળ લોકપ્રિય ગીતો વાગે, બ્યુગલના અવાજ પછી નમસ્કાર બહેનો ઔર ભાઈઓ,મેં આપકા દોસ્ત અમીન સાયાની…’ અને ભાઈઓ ઔર બહેનો' સંબોધન ઔર અબ અગલી પાયદાન પર...' આ બધાં વાક્યો જાણે આપણાં પોતીકા થઈ ગયાં ! એ સમયે સોળ ગીત કઈ રીતે નક્કી થતા? શ્રોતાઓના ઢગલાબંધ પોસ્ટકાર્ડ આવતા. એના પરથી અમીનભાઈ ગીતોની પસંદગી કરતા. આ પ્રક્રિયામાં એવું પણ થતું કે અમુક ફિલ્મોના પ્રોડ્યુસરો પોતાની જ ફિલ્મોનાં ગીતો વગાડવા માટે એકસાથે ઢગલાંબંધ પોસ્ટકાર્ડનો મારો ચલાવે,પણ અમીનભાઈ આવા બધા દબાણને વશ ન થતાં. નવાં ગીતોમાંથી શ્રોતાઓને શુ પસંદ પડી રહ્યું છે એમની આગવી સુઝ અમીન સાયાનીને હતી અને એમની પસંદગીને શ્રોતાઓ વધાવતા... શ્રોતાઓને આપ્તજન કેમ બનાવવા એમની રીત અમીનભાઈને હસ્તગત હતી. ઘણી વખત એ સાવ અલગ કે જુદું પડતું પોસ્ટકાર્ડ ઉઠાવે અને તે રેડિયો ઉપર વાંચે. પોતાનું નામ અને ગાન-શહેરનું નામ સાંભળી શ્રોતા ઝુમી ઊઠતા.. જુમરીતલૈયા કે રાજનંદગાંવનાં નામ આ રીતે જાણીતાં થયાં... અમીન સયાની એમના ભાઈ હમીદના કારણે કોમર્શીયલ બ્રોડકાસ્ટિંગમાં આવ્યા. બિનાકા હીટ પરેડ’- આ પ્રોગ્રામ વેસ્ટર્ન મ્યુઝિક બ્રોડકાસ્ટ કરતો. હમીદ સયાનીએ જ બિનાકાને આ પ્રોગ્રામનું હિન્દી વર્ઝન ચાલુ કરવા માટે સમજાવ્યા હતા જેનું સુકાન અમીન સયાનીને સોંપવામાં આવ્યું.
અમીન સયાનીની સફળતાનું એક કારણ એમની કોમ્યુનિકેશન સ્કીલ હતી .એ બોલવા માટે સાદી હિન્દુસ્તાની ભાષાનો ઉપયોગ કરતા. આ વારસો અને શિક્ષણ એમને માતા કુલસુમ સાયાની તરફથી મળ્યો હતો… કુલસુમ સયાનીને મહાત્મા ગાંધીએ 1940માં સૂચન કર્યું હતું કે નવા નવા શિક્ષિતો માટે સાદી હિન્દી, ઉર્દુ અને ગુજરાતીમાં મેગેઝિન બહાર પાડે!
મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાં પહેલા પ્રોગ્રામ રેકોર્ડ થતા. એ જ કોલેજમાં અમીન
સયાની ભણ્યા હતા. રેડિયો સિલોન બીજા પ્રોગ્રામ પણ ચલાવતું. ગોપાલ શર્મા અને બલરાજ દત્ત અમુક પ્રોગ્રામ હેન્ડલ કરતા. બલરાજ દત્તને ફિલ્મોમાં કામ મળતું થયું તો એમણે પોતાનું નામ સુનીલ દત્ત કરી
નાખ્યું.!
અમીન સાયાનીનો લાઈવ અવાજ 1994 સુધી રેડિયોમાં ગુંજતો રહ્યો અને કરોડો ભારતીયો અને ન જાણે કેટકેટલી પેઢીઓનું સંસ્કૃતિક- સાંગીતિક સંવર્ધન કરતો રહ્યો. 42 વર્ષ સુધી અમીન સાયાનીના અવાજનો લાભ ભારતીયોને મળ્યો!
આ 21 ફેબ્રુઆરીના 91 વર્ષની આયુએ અમીનભાઈએ પોતાની શ્વાસની લીલા સંકેલી લીધી પણ એમનાં લીલાછૂમ્મ સ્વરની યાદ તાજી જ રહેશે…કહે છેને , `મરણ કરતાં સ્મરણ સદાય શક્તિશાળી !’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!