મેટિની

૭૫ વર્ષ પહેલાના ફિલ્મી ગીતમાં છ ભાષા

કમર જલાલાબાદીની રચના, શમશાદ બેગમનો સ્વર અને એસ ડી બર્મનનું સ્વરાંકન ધરાવતા ‘શબનમ’ના એક ગીતમાં હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી, મદ્રાસી અને પંજાબી ભાષાની પંક્તિઓ સાંભળવા મળે છે

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) શમશાદ બેગમ, કમર જલાલાબાદી અને એસ ડી બર્મન

હિન્દી ફિલ્મ સંગીતની સમૃદ્ધિ અફાટ છે. પ્રેમગીત છે, કરુણ ગીત છે, દેશભક્તિના ગીત છે, બાળકોના ગીત છે, કેબ્રે સોન્ગ્સ છે અને રમૂજી ગીતો પણ છે. આજે આપણે ૭૫ વર્ષ પહેલા આવેલી ‘શબનમ’ (રિલીઝ થવાની તારીખ ૨૨ એપ્રિલ,૧૯૪૯)ના એક એવા રમૂજી – મજેદાર ગીતની વાત કરવી છે જેમાં હિન્દી ઉપરાંત પાંચ ભાષા (ગુજરાતી, મરાઠી, બંગાળી, મદ્રાસી અને પંજાબી)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્રપટના મુખ્ય કલાકાર છે દિલીપ કુમાર અને કામિની કૌશલ. આ ગીત એવા તબક્કે આવે છે જ્યારે હીરો – હિરોઈનને ભૂખ લાગી છે, પણ બગાસું ખાવા સિવાય પાસે બીજું કશું નથી. નજીકમાં એક કાફલો વિશ્રામ કરી રહ્યો છે. એ કાફલાનું ભોજન સેરવી લેવાના આશય સાથે કામિની કૌશલ એમની વચ્ચે જઈ ગીત ગાવાની યોજના બનાવે છે અને બધા નાચ ગાનમાં વ્યસ્ત હોય ત્યારે દિલીપ કુમારે ખોરાક લઈ પલાયન થવું એવું નક્કી થાય છે. અને કામિની કૌશલ ગીત શરૂ કરે છે. આ ગીત લખ્યું છે કમર જલાલાબાદીએ (મૂળ નામ ઓમપ્રકાશ ભંડારી). શ્રી જલાલાબાદીની વિવિધ પ્રકારના લખ્યા છે જેમાં ‘દિન હૈ સુહાના આજ પેહલી તારીખ હૈ’ (પેહલી તારીખ) અને ‘ગુણીજનો ભક્તજનો’ (આંસુ ઔર મુસ્કાન) જેવા અવિસ્મરણીય હળવાફૂલ ગીતનો પણ સમાવેશ છે. ‘શબનમ’ના ગીતનાં ગાયિકા છે શમશાદ બેગમ. લતા મંગેશકર નામનો સૂર્ય ઉગ્યો એ પહેલા આકાશમાં જે તારલાઓનો ઝગમગાટ હતો એમાંના એકનું નામ હતું શમશાદ બેગમ. હિન્દી સિવાયની પાંચ ભાષાની પંક્તિઓ ગાવામાં શમશાદજીએ ખૂબ કાળજી રાખી છે. ગીતમાં કામિની કૌશલ દેશના વિવિધ પ્રાંતના લોકો કોઈ ક્ધયા સાથે ઈશ્કી ખેલ કરવાની કોશિશ કરે ત્યારે ક્ધયા કેવી લાગણી અનુભવે છે એનું રમૂજી શૈલીમાં વર્ણન કરે છે. અહીં બંગાળી, ગુજરાતી, મરાઠી, મદ્રાસી અને પંજાબી પ્રાંતના પુરુષ સાથેના અનુભવનું વર્ણન સંબંધિત પ્રાંતની શૈલી અનુસાર છે. આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે સચિન દેવ બર્મને. ‘દો ભાઈ’ના હિટ સોન્ગ ‘મેરા સુંદર સપના બીત ગયા’થી જાણીતા બનેલા બર્મનદાનું ‘શબનમ’નું આ ગીત એ સમયે લોકોના હોઠ પર રમતું થયું હતું. એપ્રિલ મહિનો શ્રીમતી શમશાદ બેગમની જન્મજયંતી અને પુણ્યતિથિનો પણ છે એ નિમિત્તે આ અનોખા ગીતને માણીએ. ગીત યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. સમય કાઢી જરૂર સાંભળજો. ચોક્કસ જલસા પડશે.

ગીતની શરૂઆત ‘યે દુનિયા રૂપ કી ચોર, બચા લે મુજે બાબુ’ પંક્તિથી થાય છે. પહેલી કડી છે ‘રાસ્તે મેં મિલા એક બંગાલી, દર્શન કા અભિલાષી, વો કેહને લગા જોલ ખાબે, રોશોગુલ્લા ખાબે, ઔર કેહને લગા આમી તુમી ભાલો બાશી, મૈં ક્યા જાનુ આમી તુમી, મૈં ભાગી તુમરી ઓર. ત્યારબાદ ગુજરાતીના મેળાપની વાત આવે છે. શબ્દો છે ‘હુઈ મુલાકાત મેરી એક ગુજરાતી સે, કેહને લગા મુજે સારું છે, સારું છે. શું છે, કેમ છે, સારું છે. છે છે છે. હેએએ મારે તે આંગણે એકવાર આવજો, મૈં ક્યા જાનુ આવજો આવજો, મૈં ભાગી તુમ્હારી ઓર. ગુજરાતી પછી મરાઠીભાષીનો વારો. શબ્દો છે ‘एक मराठी साहब आला, आते ही सब गडबड झाला, कभी कहे अस काय, कभी कहे तस काय, अस काय, बरं बरं बरं बरं बरं .चटक चांदणी जरा इकडे ये जरा इकडे ये जी जी जी जी जी जी, अग गुलाबाच्या कळी, जरा इकडे ये इकडे ये, मैं क्या जानू इकडे तिकडे, मै भागी तुम्हारी ओर. ત્યારબાદ મુલાકાત મદ્રાસી (૭૫ વર્ષ પહેલા દરેક સાઉથ ઈન્ડિયન મદ્રાસી તરીકે ઓળખાતો) સાથે થાય છે. શરૂઆત અસ્સલ કર્ણાટક સંગીતના લહેકાથી થાય છે અને શબ્દો સંભળાય છે ‘એક મદ્રાસી લગા બુલાને એ એ એ એ એ, મૈં લગી જાને તો વો લગા ગાને, ચક્રપાણી અડી રુક્મણિયે, ઉન્ને નાડી વંદદે એ નક્કી કેડ વંદદે.’ મદ્રાસી ઉચ્ચારણ પૂરા થતાની સાથે હિન્દીમાં પંક્તિઓ શરૂ થાય છે કે ‘હે હે હે સુન કે મુજે હો ગયા બુખાર, મૈં ભાગી તુમ્હારી ઓર.’ છેલ્લે વારો આવે છે પંજાબીનો. ‘રસ્તે મેં મિલા એક પંજાબી, કેહને લગા તેરી અખિયાં ગુલાબી, હો ઓ ઓ ઓ બલ્લે બલ્લેે બલ્લે, હો બલિયે, હો લસિયે, ઓ સોણીયે મલાઇયે, કિતાઈ મૈનું શરાબી, હો જા કાર કે ગડી હી વિચ બેહ જાતે રોયે ગીચ, પેડ ખાયેગી થૈ થૈ.’ પંજાબી પંક્તિઓ પૂરી થાય છે અને ગીત આગળ વધે છે ‘થૈ થૈ સુન કે ચંપલે ઉતાર કે મૈં ભાગી તુમ્હારી ઓર. અહીં ગીત પૂરું થાય છે અને વાર્તા આગળ વધે છે.

કમર જલાલાબાદી અને શમશાદ બેગમે ભાષાશુદ્ધિ જાળવવાની મહત્તમ કોશિશ કરી છે. મામૂલી ક્ષતિઓ છે, પણ ૭૫ વર્ષ પહેલાનો આવો પ્રયાસ આવકારદાયક તો ખરો જ, પણ એ આનંદદાયક બન્યો છે એ બહુ મોટી સિદ્ધિ કહેવાય.

હિન્દી ગીતમાં ગુજરાતી
વિદેશનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓને માફક આવે એવું ભોજન મળે છે અને અનેક હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ફ્લેવર ઉમેરી આકર્ષણ વધારવામાં આવે છે. બિન ગુજરાતી ગીતકારોએ સોન્ગના મૂડને ધ્યાનમાં રાખી કે પછી એની લોકપ્રિયતા વધારવા ગુજરાતી પંક્તિઓનો ઉપયોગ કર્યો હોવાનાં કેટલાંક ઉદાહરણો જોવા મળે છે. અમુક ગીતમાં સંગીતકારે ગુજરાતી ગાયકનો આગ્રહ રાખ્યો છે તો અમુક ઠેકાણે પંજાબી ગાયકોએ ગુજરાતી પંક્તિઓને ન્યાય આપ્યો છે. છેલ્લાં ૨૫ વર્ષના કેટલાક ઉદાહરણ જોઈએ.

મોટો ગોટાળો: ફિલ્મ: ગોરી તેરે પ્યાર મેં. ઈમરાન ખાન અને કરીના કપૂરની સુપરફ્લોપ ફિલ્મનું ગીત રિલીઝ વખતે અનોખી સ્ટાઇલનું હોવાથી યંગસ્ટર્સને ગમ્યું હતું. જોકે, ગુજરાતીનો જે થોડો ઘણો ઉપયોગ થયો છે એમાં બેદરકારી દેખાય છે. ‘મોટો ગોટાળો’ને બદલે ‘મોટો ઘોટાલો’ સાંભળવા મળે છે, કારણ એટલું જ કે ગોટાળો હિન્દીમાં ઘોટાલા કહેવાય છે. ગીતના પ્રારંભમાં, વચ્ચે અને અંતમાં ‘આઓ મારો છોકરા, મામા લાવે ઢોકલા, ઢોકલા તો ભાવે નૈ, નાકો ચને ચબાવે નૈ’ પંક્તિઓની મદદથી ગુજરાતી ફ્લેવરની કોશિશ કરવામાં આવી છે જે સાંભળવામાં કૃત્રિમ તો લાગે છે જ, કાનને ખટકે (ઢોકળાની બદલે ઢોકલા) પણ છે. મૂળ ગુજરાતી પંક્તિઓ આમ છે: ‘તાળી પાડે છોકરા, મામા લાવે ટોપરા, ટોપરા તો ભાવે નહીં, મામા ખારેક લાવે નહીં’. એ શબ્દો, એ લહેકો, એ ભાવની તો વાટ લગાડી દીધી છે.

શુભારંભ: ફિલ્મ કાઈપો છે. અભિષેક કપૂર દિગ્દર્શિત ફિલ્મની બહુ પ્રશંસા થઈ હતી. વાર્તા અમદવાદમાં આકાર લઈ રહી હોવાથી એક ગીત ગુજરાતી ફ્લેવરવાળું તૈયાર કરવાની કોશિશ થઈ છે. ‘રંગીન પરોઢ આવે, ખુશિયો સંગ લાવે, હરખાયે હૈયું હાય હાય’ પંક્તિ પછી હિન્દી – ગુજરાતી ભેળ ચાલે છે. જોકે, ગુજરાતી શબ્દો હિન્દી શૈલીમાં હોવાથી માતૃભાષા સાથે છેડછાડ થઈ હોય એવું
લાગે છે.

મોર બની થનગાટ કરે: ફિલ્મ ગોલિયોં કી રાસલીલા – રામલીલા. ઝવેરચંદ મેઘાણીની આ રચના ગુજરાતી સુગમ સંગીતોના શોખીનો માટે અજાણી નથી. ઓસમાણ મીર ગાયક છે અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી એમ બે ખમતીધર ગુજરાતી હોવાથી ભાષાનું લાલિત્ય જળવાયું છે. ‘હમ દિલ દે ચુકે સનમ’માં ‘ઢોલી તારો ઢોલ બાજે’ પંક્તિઓમાં ગુજરાતી ફ્લેવર અકબંધ છે, કારણ કે ડિરેક્ટર ભણસાલી છે અને સંગીતકાર ઈસ્માઈલ દરબાર.

જો તું નથી તો તારો ફોટો પણ ચાલશે, જો તારો ફોટો નથી તો ફોટો કોપી પણ ચાલશે – ફિલ્મ જય હો. હિમેશ રેશમિયા, કીર્તિ સાગઠિયા અને પલક મુછલએ જોડકણાં જેવા ગીતમાં ગુજરાતી ઉચ્ચારણમાં ધોરણ જાળવી રાખ્યું છે.

શું છે શું છે મને કહી દો, મનમાં શું છે એ કહી દ્યો – ફિલ્મ વોટ્સ યોર રાશિ.

મધુ રાયની અફલાતૂન નવલકથા ‘કિમ્બલ રેવન્સવૂડ’ પરથી આશુતોષ ગોવારીકરએ
બનાવેલી ફિલ્મના આ ગીતમાં ગુજરાતી પંક્તિઓ વખતે લહેકો સાંભળવાની મજા
પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button