મેટિની

યે ‘જીબલી… જીબલી’ ક્યા હૈ?

સ્ટુડિયો જીબલી ટ્રેન્ડના સિનેજગત સાથેના નાતા વિશે કેટલીક મજેદાર વાત

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

સ્ટુડિયો જીબલી (હા, ઘીબલી નહીં) એનિમેટેડ ઈમેજીસનો હમણાં ખૂબ ટ્રેન્ડ ચાલ્યો છે. દુનિયાભરના (વધુ તો ભારતના જ) લોકો ચેટજીપીટી, ગોર્ક, જેમિની જેવી વિવિધ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એપ્સ પર પોતાના ફોટોઝ અપલોડ કરીને જીબલી ઈમેજીસની મજા માણી રહ્યા છે.

તમને થશે કે આ જીબલી ટ્રેન્ડની વાત આ મનોરંજન અને સિનેમાની કટારમાં શા માટે?

Vel, એનું કારણ એ છે કે જીબલી એટલે સ્ટુડિયો જીબલી એ જાપાનનો એક અનોખો અને વિશ્વવિખ્યાત એનિમેશન સ્ટુડિયો છે, જેની શરૂઆત જાપાનમાં 1984માં હાયાઓ મિયાઝાકી, ઇસાઓ ટાકાહાતા અને તોશિયો સુઝુકી (જે 1991માં જોડાયા) દ્વારા કરવામાં આવી હતી.

આજની પેઢી માટે જ્યારે ફિલ્મ્સનું નિર્માણ મોટા પાયે કમ્પ્યુટર ઉપર થાય છે અને થોડીક મિનિટોમાં એનિમેટેડ દ્રશ્યો તૈયાર થઈ જાય છે, ત્યાં જીબલી હજી પણ હાથે બનાવેલી ચિત્રશૈલી એટલે કે પરંપરાગત એનિમેશન પર જ ભાર રાખે છે.

જીબલી માત્ર બાળકો માટે ફિલ્મ્સ બનાવતું એનિમેશન હાઉસ નથી. તેમની દરેક ફિલ્મમાં ઊંડો અર્થ છુપાયેલો હોય છે. જીવનના મહત્ત્વથી લઈને કુદરત સાથેના સંબંધ, પ્રેમ, વ્યક્તિગત વિકાસ અને માનવ સંબંધો સુધીના અનેક પાસાં તેમાં જોવા મળે છે. જીબલીની સૌથી જાણીતી ફિલ્મ ‘સ્પિરિટેડ અવે’ છે, જે 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક નાની છોકરી ચિહિરોની વાર્તા છે. ચિહિરો અચાનક એક જાદુઈ દુનિયામાં પહોંચી જાય છે, જ્યાં એનાં માતા-પિતાને એક શાપ લાગેલો હોય છે અને એમને બચાવવા માટે ખૂબ જ હિમ્મત, સમજદારી અને બળનો ઉપયોગ કરવો પડે છે. આ ફિલ્મ બેસ્ટ એનિમેટેડ ફિલ્મની કેટેગરીમાં ઓસ્કર જીતી હતી અને વિશ્વભરમાં તેના ખૂબ વખાણ થયા હતા.

આ જ રીતે, જીબલીની બીજી એક ખૂબ જ હૃદયસ્પર્શી ફિલ્મ છે : ‘માય નેઈબર ટોટોરો’, જે 1988માં આવી હતી. આ ફિલ્મમાં બે બહેન સાટ્સુકી અને મેઈ એક ગામમાં રહેવા આવે છે અને ત્યાં એમને ટોટોરો નામના એક મહાકાય અને રહસ્યમય પ્રાણી સાથે મૈત્રી થાય છે. ટોટોરો હવે જીબલીનું એક ખૂબ જ લોકપ્રિય પાત્ર બની ચૂક્યું છે. ત્યાં સુધી કે જીબલી સ્ટુડિયોનો લોગો પણ ટોટોરોના ચહેરાથી શોભે છે.

જીબલી ફક્ત કલ્પનાશક્તિથી ભરેલી ફેન્ટસી ફિલ્મ્સ જ નથી બનાવતું. જીબલી સ્ટુડિયોની ‘ગ્રેવ ઑફ ધ ફાયરફ્લાયઝ’ (1988) જેવી ફિલ્મમાં બીજું વિશ્વયુદ્ધ અને તેની અસર હેઠળ એક ભાઈ-બહેન કેવી રીતે જીવતાં રહે છે એની વેદનાભરી વાર્તા છે. એ કોઈ પરીકથા જેવી ફિલ્મ નથી, પણ તેમાં અત્યંત કડવી હકીકત દર્શાવવામાં આવી છે.

જીબલીની ફિલ્મ્સ ઘણીવાર એવાં વિષયોને સ્પર્શે છે, જે બાળકો અને મોટેરાઓ સૌ માટે મહત્ત્વ ધરાવે છે. 2008માં આવેલી ‘પોન્યો’ જેવી ફિલ્મ એક સમુદ્રની માછલી અને એક છોકરા વચ્ચેના નિર્દોષ પ્રેમ વિશે છે. આ ફિલ્મ પ્રેમ ઉપરાંત કુદરત અને માનવજાત વચ્ચેના સંતુલન વિશે પણ છે.

જીબલી સ્ટુડિયોની ફિલ્મ્સ આટલા દાયકાઓમાં ખૂબ જ લોકપ્રિયતા પામી છે. આટલી બધી સફળતા છતાં, જીબલી હંમેશાં પોતાની આગવી શૈલીમાં વિશ્વાસ રાખે છે. જીબલી સ્ટુડિયોના એક સંસ્થાપક એવા હયાઓ મિયાઝાકી પોતે પણ વારંવાર એવું કહેતા આવ્યા છે કે કલાનું મૂળ મનુષ્યના દિલથી આવે છે, એને મશીન કે કળિયુગની ટેકનોલોજીથી બદલી શકાય તેમ નથી. જોકે એ જ ટેક્નોલોજીના કારણે જે લોકો જીબલી ફિલ્મ્સ વિશે નહોતા જાણતાં એમના સુધી પણ આ AI ટ્રેન્ડના કારણે જીબલીનું નામ ઑપહોંચ્યું છે.

જોકે, તાજેતરમાં AI ના આ વ્યાપક ટ્રેન્ડના કારણે પણ એક વિવાદ ઊભો થયો છે. એ છે જીબલી આર્ટની ચોરીનો. વિવિધ પ્લેટફોર્મ્સ દ્વારા જીબલીની શૈલી જેવી તસવીરો બનાવવામાં આવી રહી છે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. એ સાથે જ જીબલીના માલિકો સહિત ઘણા કલાકારોએ અવાજ ઉઠાવ્યો છે કે આ બધું જ વગર પરવાનગીની નકલ છે, અને સર્જનાત્મકતા માટે નુકસાનદાયક છે. ‘જીબલી’ના મિયાઝાકીએ આ મુદ્દે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. 2016માં એક ડોક્યુમેન્ટરી લોન્ચ દરમિયાન જયારે એમને AI દ્વારા તૈયાર કરેલી એક એનિમેટેડ ક્લિપ બતાવવામાં આવી, ત્યારે પણ એમણે કહ્યું હતું કે ‘આ તો માનવજાત માટે અપમાન છે.’ મિયાઝાકી માટે એનિમેશન માત્ર ટેક્નિકલ પ્રક્રિયા નથી, એ જીવંત લાગણી છે, જે માત્ર માણસ જ આપી શકે.

બીજી તરફ, ઓપન AI ના સીઈઓ સેમ અલ્ટમેન એવું માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો લોકોને વ્યક્ત થવાનો મોકો આપે છે. એમનું માનવું છે કે દરેક વ્યક્તિ સર્જનાત્મકતા માટે યોગ્ય પ્લેટફોર્મ મળવાથી પોતાની શક્તિને આકાર આપી શકે છે, પણ જીબલી જેવાં સ્ટુડિયો કે જે એનિમેશન પણ હાથે બનાવે છે તેમના માટે આ પ્રકારની નકલ તેમનાં મૂલ્યો વિરુદ્ધ છે. જોકે, આજે જયારે લોકો જ જીબલી ટ્રેન્ડની મદદથી મનોરંજન મેળવી રહ્યા છે અને જીબલી સ્ટુડિયોની જ ફિલ્મ્સની વધુ નજીક જઈ રહ્યા છે ત્યારે જેમ સિનેમા જગતની ઘણી સ્ટાઇલ, સોન્ગ્સ કે ડાયલોગ્સ લોકપ્રિય થઈને દર્શકો રોજિંદા જીવનમાં વાપરે તેમ જીબલી આર્ટ પર પણ લોકોનો અધિકાર ખરો કે નહીં એ પ્રશ્ન હાલ ચર્ચામાં છે.

AI ની શક્તિના સ્વીકાર સાથે એક સિનેજગતના ચાહક તરીકે તમારું શું માનવું છે?

લાસ્ટ શોટ
હયાઓ મિયાઝાકીએ બનાવેલી લેટેસ્ટ ફિલ્મ છે, ‘ધ બોય એન્ડ ધ હેરોન’. એ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી.

આપણ વાંચો:  હે મા, માતાજી! દયાબેન ખરેખર આવે છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button