મેટિની

શો-શરાબા : જૂના ફિલ્મ ટાઇટલ્સ અને નવી ફિલ્મ્સના અતરંગી કિસ્સા જાણવા જેવા છે.

-દિવ્યકાંત પંડ્યા

25 એપ્રિલે ‘નેટફ્લિક્સ’ પર ‘જ્વેલ થીફ’ નામની સૈફ અલી ખાન, જયદીપ અહલાવત અને નિકિતા દત્તા સ્ટારર અને કૂકી ગુલાટી અને રોબી ગ્રેવાલ દિગ્દર્શિત ફિલ્મ રિલીઝ થઈ.

આપણે આ ફિલ્મ કેવી છે તેની અહીં ચર્ચા નથી કરવી, પરંતુ ફિલ્મના શીર્ષકમાં એક મજેદાર વિષય છુપાયેલો છે.

આજની ‘નેટફ્લિક્સ’ એન્ડ ચીલ કરતી યુવા પેઢીને કદાચ ખબર નહીં હોય, પણ ‘જ્વેલ થીફ’ નામની જ એક ફિલ્મ છેક 1967માં રિલીઝ થઈ હતી. તો શું આ નામ એ એક ફક્ત જોગાનુજોગ છે? ના. જૂની યાદગાર ફિલ્મ્સનાં શીર્ષક નવી ફિલ્મ્સ માટે વપરાયાના તો ઘણા કિસ્સાઓ છે. 1967માં આવેલી વિજય આનંદ દિગ્દર્શિત અને દેવ આનંદ, અશોક કુમાર, વૈજયંતીમાલા અને તનુજા અભિનીત ‘જ્વેલ થીફ’ પણ નામ પ્રમાણે એક ચોર અને ચોરીની આસપાસ ફરતી વાર્તા જ હતી. એ એક ક્લાસિક મિસ્ટ્રી થ્રિલર હતી, જે આજે પણ સૌથી સ્ટાઇલિશ ફિલ્મ્સમાંથી એક માનવામાં આવે છે.

એ જમાનામાં રૂપિયા 3.5 કરોડ કમાણી કરનાર આ સફળ ફિલ્મના નામનો નવી ફિલ્મ માટે ઉપયોગ એટલે ફાયદો તો થવાનો કેમ કે નવી ફિલ્મમાં પ્લોટ, પાત્રો, થીમ અને ટ્રિટમેન્ટ એકદમ આધુનિક છે. આંતરરાષ્ટ્રીય લૂંટ, ઇન્ટેલિજન્સ એજન્સી, વગેરે તેને ક્રાઇમ થ્રિલર બનાવે છે.

હવે ફિલ્મમેકર્સ આમ જ જૂની ક્લાસિક ફિલ્મ્સના નામ ફરીથી યુઝ કરે છે, પણ રિમેક કરવા માટે નહીં (રિમેક પણ થાય છે, પણ એ જુદો વિષય છે). જૂના શીર્ષકોથી જોડાયેલી થોડી ઇમોશનલ કે નોસ્ટાલ્જિક લિંક તો હોય છે, પણ આખો પ્લોટ, ટ્રીટમેન્ટ અને ઉદ્દેશ્ય જુદો જ હોય છે. નામ અને વાર્તાનું થોડું સંધાન રાખીને નવી ફિલ્મને થોડું બેકગ્રાઉન્ડ મળવા ઉપરાંત દર્શકો સાથે શીર્ષકના પરિચયનો લાભ પણ મળતો હોય છે.

2015માં આવેલી શાહરુખ ખાન અને કાજોલની રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ ‘દિલવાલે’ યાદ છે? આ નામ સાંભળતાં જ લોકો સીધા 1994ની અજય દેવગન અને સુનીલ શેટ્ટીની એક્શન ફિલ્મ યાદ કરે. 2015માં પણ એવું જ બન્યું હતું.

પણ રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરેલી નવી ‘દિલવાલે’નાં પાત્રો, સ્ટોરીલાઇન કે થીમને જૂની ફિલ્મ સાથે કોઈ જ સીધી લેવાદેવા નહોતી. એ એક અર્બન રોમેન્ટિક કોમેડી હતી, જેમાં કાર ચેઝ, હ્યુમર, રોમાન્સ અને રોહિત શેટ્ટી સ્ટાઇલ એક્શન હતી. અહીં માત્ર નામ જ જૂનું હતું, બાકીની આખી ફિલ્મ એકદમ નવીનકોર.

વિકાસ બહલની ‘શાનદાર’ (2015) પણ આવી જ એક બીજી એવી ફિલ્મ હતી, જેનું ટાઈટલ પહેલીવાર સાંભળીએ તો 1974ની સંજીવ કુમાર અભિનીત અથવા 1990ની મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ સાથે જોડાય, પણ ફિલ્મનો અંદાજ એકદમ જુદો જ હતો. શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની લીડ રોલવાળી આ ફિલ્મ એક ડેસ્ટિનેશન વેડિંગ કોમેડી હતી, જેમાં ફેન્ટસી-ફિલ્મ જેવો અંદાજ હતો. જૂની ‘શાનદાર’ ફિલ્મ્સ સાથે કોઈ સીધો સંપર્ક જોવા મળતો ન હતો, છતાં ફિલ્મમેકરે આ નામનું પુનરાવર્તન કર્યું હતું.

આવા બધાં કિસ્સા એક વાત સ્પષ્ટ કરે છે કે નવા ફિલ્મમેકર્સ જૂના ટાઈટલ્સને માત્ર મેમરી હૂક તરીકે વાપરે છે. એમને શોર્ટકટ જોઈએ છે દર્શકોના મનમાં પ્રવેશ મેળવવાનો અને એ માટે જાણીતું નામ એમના માટે એક ટૂલ છે. આ શીર્ષકોમાં નોસ્ટાલ્જિઆ પણ છુપાયેલી છે, જે માર્કેટિંગ માટે પણ કામ આવે છે.

સોનમ કપૂર અને ફવાદ ખાન અભિનીત ‘ખૂબસૂરત’ (2014) પણ આ જ ટ્રેન્ડનો ભાગ છે. રેખા સ્ટારર 1980ની ‘ખૂબસૂરત’, જે ઋષિકેશ મુખર્જીની ક્લાસિક ફેમિલી ડ્રામા હતી. પણ નવી ‘ખૂબસૂરત’ તો એક ફેરિટેલ જેવી હતી, જેમાં રજવાડી મહેલ, રાજકુમાર છતાં મોડર્ન વાર્તા હતી. આ ઉપરાંત 1999માં પણ ‘ખૂબસૂરત’ નામની જ એક ફિલ્મ આવી હતી. સંજય છેલ દિગ્દર્શિત સંજય દત્ત અને ઉર્મિલા માતોંડકર અભિનીત એ ફિલ્મ એક મજાની રોમેન્ટિક કોમેડી હતી, છતાં જૂની ‘ખૂબસૂરત’ ફિલ્મ્સ અને નવીની વચ્ચે માત્ર ટાઈટલ જ કોમન છે.

ટાઈગર શ્રોફની એક્શન-ફ્રેન્ચાઈઝી બનેલી ‘બાગી’ પણ એવો જ એક કિસ્સો છે. 1990ની ‘બાગી’ જેમાં સલમાન ખાન અને નગમાએ અભિનય કર્યો હતો. એ એક પ્રેમ કહાની હતી. જ્યારે નવી ‘બાગી’માં માર્શલ આર્ટ્સ, સ્ટન્ટ્સ અને એક્શનનો એવો તડકો હતો કે એ જૂની ફિલ્મથી સાવ જ અલગ લાગતી હતી. અહીં બાગીનો અર્થ માત્ર ‘બાગી માણસ’ એટલો જ હતો, પણ પ્લોટ એકદમ અલગ. 2000માં સંજય દત્ત, મનીષા કોઈરાલા અભિનીત પણ એક ‘બાગી’ ફિલ્મ રિલીઝ થઈ હતી.

એક રીતે જોતા આ સરખા શીર્ષકવાળી નવી ફિલ્મ્સ જૂની ફિલ્મ્સને એક પ્રકારનું ટ્રિબ્યુટ પણ આપે છે. એ ફિલ્મ્સ કે જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક સમય પર દિશા આપી તેના નામનો ફરી ઉપયોગ કરીને તેને યાદ કરાય છે, પણ એની સાથે એક ચિંતાનો વિષય એ પણ રહે કે આજના ફિલ્મમેકર્સ દ્વારા જૂના ટાઇટલ્સ માત્ર લાલચમાં વપરાય અને ફિલ્મ અંદરથી ખાલી હોય તો એ ભૂતકાળનો દુરુપયોગ પણ ગણાય. આખરે વાત એટલી જ છે કે, ઓળખીતા નામ જેટલી જ એ નામ પાછળની નવી કહાણી કેટલી મજબૂત છે એ પણ અગત્યનું છે.

આપણ વાંચો:  એક પાકિસ્તાની સ્ટારની નવ હિન્દી રિ-મેક!?

લાસ્ટ શોટ
1967 અને 2025 ઉપરાંત ‘જ્વેલ થીફ’ નામની વધુ એક ફિલ્મ છે. એ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 2024માં તેલુગુમાં રિલીઝ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button