મેટિની

શો-શરાબા : બોક્સ ઓફિસ માટે થિયેટર્સ ને ઓટીટી વચ્ચે બોક્સિગં!

-દિવ્યકાંત પંડ્યા

એક સમય હતો જ્યારે લોકો માટે નવી ફિલ્મ જોવી એટલે માત્ર થિયેટરમાં જ જોવી એવું હતું. ટિકિટ લઈ, મિત્રો કે ફેમિલી સાથે જઈને, પોપકોર્ન લઈને ફિલ્મ જોવાની, પણ હવે જમાનો બહુ ઝડપથી બદલાઈ ગયો છે. હવે એટલું પૂરતું નથી કે ફિલ્મમાં એ-લિસ્ટ હીરો હોય અને એક્શન અને સોન્ગ્સના દમ પર ફિલ્મ ચાલી જાય. હવેનો દર્શક ચતુર છે, એની પાસે પૂરતા વિકલ્પો છે. એમાં સૌથી મોટો વિકલ્પ છે ઓટીટી પ્લેટફોર્મ્સ.

હમણાંના જ કેટલાક કિસ્સા જોઈએ જેમ કે, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘મૈદાન’, ‘સિકંદર’, વગેરે. આ ફિલ્મ્સ મોટા સ્ટાર્સ અને તગડા બજેટ સાથે આવી હતી, પરંતુ થિયેટરમાં લોકો પહોંચ્યા નહીં. એ સાથે સામે આવેલા ચોંકાવનારા આંકડા કહે છે કે ‘બડે મિયાં છોટે મિયાં’ને 180 કરોડ જેટલું નુકસાન થયું છે અને ‘મૈદાન’ને તો 80 કરોડથી વધુની ખોટ સહેવી પડી છે. અમુક ફિલ્મ્સ જ્યાં આસાનીથી 300-400 કરોડ પહોંચી રહી છે ત્યાં સલમાન ખાનનો સ્ટાર પાવર પણ ‘સિકંદર’ને માંડ માંડ 100 કરોડ સુધી પહોંચાડી શકી.

હવે વિચારો, આજે કોઈ નિર્માતા 300-400 કરોડના રોકાણ સાથે ફિલ્મ બનાવે અને જો દર્શકો તેને થિયેટર સુધી જોવા ન જાય તો પછી એવું મોટું રોકાણ કરવાની હિંમત કોણ કરે?

તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ ના સીઈઓ ટેડ સેરેન્ડોસે એક ધારદાર કમેન્ટ કરી છે. એ કહે છે કે ‘કોવિડની મહામારી પછી સ્પોર્ટ્સ, કોન્સર્ટસ, બ્રોડવે, વિવિધ ઈવેન્ટ્સનો માહોલ ફરી લગભગ પહેલાં જેવો થઈ ગયો છે, પરંતુ થિયેટર્સની સ્થિતિ હજુ પાછી જેવી હતી તેવી થઈ નથી. અને એવી સ્થિતિ ફરી આવશે પણ નહીં. મૂવી થિયેટર્સ આર નોસ્ટેલ્જીયા, નોટ ધ ફ્યુચર ઓફ એન્ટરટેઇન્મેન્ટ.

આજના સમયમાં ટેડ સેરેન્ડોસની વાત સાચી હોય તેવું લાગી રહ્યું છે. નવા દાયકાનો દર્શક જુદો છે. એ પોતાની પસંદ મુજબ એન્ટરટેઇન્મેન્ટ ઈચ્છે છે અને એ પસંદનો પર્યાય વધુ ને વધુ થિયેટર નહીં, પણ ઓટીટી બનતો જાય છે. કોવિડ પછી થિયેટર બોક્સ ઓફિસ કલેક્શનમાં વૈશ્વિક સ્તરે 40-50% ઘટાડો થયો છે. એ સ્થિતિ બહેતર થવાના બદલે ચાલુ વર્ષે તેનાથી વધુ 8% ઘટાડો જોવા મળ્યો છે. મતલબ કે દર્શકો થિયેટર સુધી આવવાનું ઓછું કરી રહ્યા છે એ નક્કર તારણ છે.

અત્યારે ઓટીટીએ પોતાનું સામ્રાજ્ય ઊભું કરી લીધું છે. પહેલા લોકો માત્ર સિરિયલ કે ડોક્યુમેન્ટરી ઓટીટી પર જોતા. હવે એવી ફિલ્મ્સ જે થિયેટરમાં ન ચાલે, એ ઓટીટી પર ખૂબ ચાલે છે. આજના યુવાનો માટે, ખાસ કરીને મેટ્રો સિટીમાં રહેતા લોકો માટે, ઓટીટી એ ડિફોલ્ટ મનોરંજન માધ્યમ છે. રાત્રે બેડમાં પડ્યા પડ્યા મોબાઈલમાં કંઈ જોવું હોય તો તરત નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો કે યુટ્યૂબ ખોલાય છે. ઓફિસ પછી ડિનર કરીને પરિવાર સાથે સમય વિતાવવો હોય તો પણ એ જ. કોઈ થિયેટર સુધી જવાની જરૂર નહીં, કોઈ પાર્કિંગની તકલીફ નહીં, કોઈ ટિકિટનું ટેંશન નહીં. અને હવે તો મોટા સ્ટાર્સ પણ ઓટીટી માટે ફિલ્મ્સ બનાવે છે એટલે લોકો પાસે કોઈ કારણ રહેતું નથી થિયેટર સુધી જવાનું.

જોકે, એનો મતલબ એ પણ નથી કે થિયેટર સાવ ખતમ થઈ ગયા છે કે બહુ જલ્દી ઇતિહાસ બની જશે. થિયેટર આજે પણ જીવંત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હવે તે દરેક ફિલ્મ માટેનું માધ્યમ નથી રહ્યું. હવે થિયેટર એ ખાસ અનુભવ માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. જેમ ‘એવેન્જર્સ’ હોય કે ‘બ્રહ્મા’ હોય કે ‘ડ્યુન’ હોય કે પછી એવી જ કોઈ ભવ્ય વિઝ્યુઅલ્સવાળી ફિલ્મ હોય જે થિયેટર માટે જ બનેલી હોય તો દર્શકો જરૂર આકર્ષાય છે, પણ જ્યાં વાત હોય સુંદર વાર્તાની, ઇમોશનલ કનેક્ટની કે પર્સનલ ટચની, ત્યાં ઓટીટી વધારે અસરકારક સાબિત થાય છે થઈ રહ્યા છે. આથી હવે નિર્માતાઓ માટે એક જ રસ્તો છે, કોન્ટેન્ટ મુજબ આયોજનનો. એક જ નક્કી મોડેલ બધાં માટે કદાચ કારગત નહીં નીવડે. દરેક ફિલ્મનું ભવિષ્ય એના ક્ધસેપ્ટ અને કેટેગરી પર આધાર રાખે છે. મોટા પડદા માટે એવી ફિલ્મ્સ બનાવવી જોઈએ કે જે દર્શકને ખેંચે, માત્ર સ્ટાર પાવરથી નહીં, પણ અનુભવથી અને નાની-મધ્યમ ફિલ્મ્સ, જે સરળ પણ અસરકારક વાર્તાઓ કહે, એ ઓટીટી માટે. ત્યાં એને એની યોગ્ય ઓડિયન્સ પણ મળે અને પ્રોફિટ પણ.

આ બદલાવથી થિયેટરના માલિકો માટે પણ સંકેત છે. હવે માત્ર પોપકોર્ન અને કોલ્ડ્રિંક્સથી ચાલવાનું નથી. હવે એમણે એમ વિચારવું પડશે કે કઈ રીતે એમની સ્પેસનો ઉપયોગ થાય. એક ઇવેન્ટ સ્ટાઇલ એક્સપિરિયન્સ સેન્ટરમાં થિયેટર્સનો ફેરફાર થવો સમયની માગ છે. ભવિષ્ય તરફ જોઈને ઘણાં થિયેટર્સ ક્રિકેટ મેચીસ લાઈવ બતાવીને પણ પોતાને રિબ્રાન્ડ કરી રહ્યા છે (આવા અનેક મજેદાર ઉપાય અલાયદા લેખનો વિષય છે). એટલે ફિલ્મ્સ હવે કઈ જોવી એટલું મહત્વનું નથી, પણ એ ફિલ્મ કેવી રીતે અને ક્યાં જોઈશું એ સવાલ વધારે વજનદાર થઈ ગયો છે. જો ફિલ્મમેકર્સ સમયની નજાકત સમજી શકે તો એમની ક્રિએટિવિટી પણ જીતી જશે અને બિઝનેસ પણ. જો નહીં સમજે તો પછી દર્શક પાસે વિકલ્પો તો છે જ!

લાસ્ટ શોટ
‘તમારો દર્શક તમને શું કહેવાની કોશિશ કરે છે એ સમજવું રહ્યું.’

  • ટેડ સેરેન્ડોસ (‘નેટફ્લિક્સ’ )

આપણ વાંચો:  મૂછેં હોં તો નથ્થુલાલ જૈસી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button