સ્પિરીચ્યુઅલ સિક્વલ એટલે વળી શું?
સિક્વલ્સના મજેદાર પેટા પ્રકાર સ્પિરીચ્યુઅલ સિક્વલ વિશે તમે કેટલું જાણો છો ?
શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા
સમય સાથે જેમ જેમ નવા પ્લેટફોર્મ્સ અને મીડિયમ્સ વધતા જાય તેમ તેમ મનોરંજન દેવની કૃપાથી એન્ટરટેઇન્મેન્ટમાં પણ કોન્ટેન્ટના અવનવા પ્રકાર અને તેની માત્રામાં વધઘટ જોવા મળે. પહેલાં દર્શકો માટે સિક્વલ કે રીમેક કે બાયોપિક જેવા શબ્દો નવા હતા, પણ અત્યારે ફિલ્મમેકર્સ એ ભરપૂર બનાવે છે માટે આ શબ્દો હવે આપણા માટે અજાણ્યા નથી રહ્યા.
આજે સિક્વલ્સના પણ એક ખાસ પ્રકારની વાત કરવી છે. સિક્વલ એટલે કોઈ ફિલ્મનો બીજો ભાગ. એક સફળ ફોર્મ્યુલાને રિપીટ કરવા માટે દિગ્દર્શક કે ફિલ્મમેકર એ જ ફિલ્મનો બીજો ભાગ બનાવે કે, જેથી દર્શકો તેને પણ પસંદ કરે તેના ચાન્સ વધે અને એ ફિલ્મ સફળ થાય, પરંતુ દરેક સિક્વલ ફિલ્મ તેનો બીજો ભાગ બને એટલે એક જ પ્રકારની ગણાય એવું નથી. સિક્વલમાં પણ પેટા પ્રકાર છે.
સિક્વલનો મૂળ પ્રકાર એ કે જેમાં પહેલી ફિલ્મની વાર્તા જ્યાં પૂરી થાય ત્યાંથી જ સિક્વલ ફિલ્મની વાર્તા આગળ વધે મતલબ કે બીજા ભાગમાં પણ એ જ પાત્રો હોય અને તેમની વાર્તાને, તેમની સફરને એ જ વાર્તાવિશ્વમાં આગળ ધપાવવામાં આવે. ઉદાહરણ તરીકે, થોડા સમય પહેલાં રિલીઝ થયેલી સફળ સિક્વલ ફિલ્મ ગદર 2'. તેમાં બીજા ભાગમાં એ જ પાત્રો અને એમની જ વાર્તા ફિલ્મમાં આગળ વધે છે. તારા સિંઘ સામે બીજા ભાગમાં પણ પહેલા જેવી જ મુશ્કેલીઓ આવે છે અને એ તેને પાર કરવા મથે છે. બીજું ઉદાહરણ,
દબંગ’ સિરીઝ છે. આ સિરીઝમાં પણ એ જ પાત્રો અને એમની વાર્તા આગળ વધે છે. હા, ફિલ્મ બદલાય અને પાત્રો સામે સર્જાતા નવા સંઘર્ષો માટે તેમાં સ્થળ વગેરે બદલાય , પણ એ તો વાર્તા પ્રવાહનો જ ભાગ ગણવાનો, જેમ કે દબંગ'માં ચુલબુલ પાંડેની ડયૂટીનું સ્થળ બદલાય છે તેમ.
તનુ વેડ્સ મનુ’ સિરીઝમાં પણ બીજા ભાગમાં ફિલ્મ મુખ્ય પાત્રોની સફર જ્યાં પહેલામાં અટકી હતી ત્યાંથી જ આગળ વધે છે અને એમની જિંદગીમાં નવા પ્રશ્નોનો ઉમેરો થાય છે.
તમને એ પણ ખબર હશે કે દરેક સિક્વલમાં પાત્રો એના એ જ રહે અને એમની જ વાર્તા આગળ વધે એવું નથી હોતું ત્યારે સિક્વલના એ પેટા પ્રકારને કહેવામાં આવે છે : સ્પિરીચ્યુઅલ સિક્વલ' મતલબ કે સિરીઝની સ્પિરિટ જેમની તેમ રહે, તેની ખૂબી અને જોનર એ જ રહે, પરંતુ વાર્તા કે ઘણી વખત પાત્રો પણ બદલાઈ ગયેલા જોવા મળે. એક ફોર્મ્યુલા અને કોમ્બિનેશન હિટ જાય અને એ પરથી ફિલ્મમેકરને ફિલ્મ બનાવે તો પછી તેને વાર્તાની સારી કન્ટિન્યુઈટી મળે જ એ જરૂરી નથી. કે પછી કોઈ કારણસર એમને પાત્રો બદલીને બીજો ભાગ બનાવવો હોય ત્યારે આ સ્પિરીચ્યુઅલ સિક્વલનો ક્નસેપ્ટ કામ આવે. નામ એ જ વાપરીને, જોનર એ જ રાખીને પહેલી ફિલ્મના આધાર પર બીજી ફિલ્મ બનાવીને તેને સફળ બનાવવાનો પ્રયાસ કરે.
સ્પિરીચ્યુઅલ સિક્વલ્સ’ ના ભારતીય સિનેમામાં અઢળક ઉદાહરણ છે, પણ દર્શકોએ કદાચ એ દ્રષ્ટિથી સિક્વલ્સના પણ પેટા પ્રકારને ન જોયા હોય એવું બને. સ્પિરીચ્યુઅલ સિક્વલનું લેટેસ્ટ ઉદાહરણ એટલે 8 માર્ચે રિલીઝ થનારી ફિલ્મ કાગઝ 2'. આ ફિલ્મ એટલે 2021માં રિલીઝ થયેલી સ્વ. સતીશ કૌશિક દિગ્દર્શિત
કાગઝ’ની સિક્વલ. પહેલી ફિલ્મમાં એક વ્યક્તિને ખોટી મૃત જાહેર કરવામાં આવે છે અને તે પોતે જીવિત છે એ માટેના કાગળો દર્શાવવા માટે મથામણ કરે છે એવી એક સત્ય ઘટના આધારિત આ વાત હતી. મેકર્સને તેની સિક્વલ બનાવવાનો વિચાર આવ્યો પણ એ વાર્તા તો ત્યાં પૂરી થઈ ગઈ હતી.
તો કરવું શું? એટલે સામાજિક કટાક્ષ, કેન્દ્રમાં કાગળો અને એ પ્રકારના હ્યુમરને લઈને એમણે બીજી સત્ય ઘટના પરથી વાર્તા બનાવી અને નામ આપ્યું કાગઝ 2'. મતલબ કે પાત્રો અને વાર્તા અલગ પણ તેની સજાવટ અને આત્મા એ જ...! આ વિષયને સમજવા માટે વધુ ઉદાહરણ જોઈએ. 2013માં રિલીઝ થયેલી અને ખૂબ સફળ થયેલી મોહિત સુરી દિગ્દર્શિત ફિલ્મ
આશિકી 2′ એટલે 1990ની સફળ ફિલ્મ આશિકી'ની સિક્વલ. અહીં પણ વાર્તાના કેન્દ્રમાં ગીતો છે, ગાયક છે અને પ્રેમ છે, પરંતુ 1990ની વાર્તાની સાતત્યતા નથી, પરંતુ મેકર્સે પહેલી ફિલ્મ સાથે જોડાયેલી એ સિવાયની બાકીની ચીજોને એમ જ રાખીને એ જ પેકેજમાં દર્શકો સામે રાખી અને દર્શકોએ તેને સિક્વલ તરીકે અત્યંત સફળ બનાવી દીધી. આ જ તો કારણ છે કે કહેવાય સિક્વલ, પણ તેમાં મૂળ વાતનું જ સાતત્ય ન હોય છતાં ફિલ્મમેકર્સ તેને બનાવે અને દર્શકો તેને લોકપ્રિય બનાવે.
આશિકી 2′ એટલે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસની વિશેષ ફિલ્મ્સનું નિર્માણ. એમણે તો આનાથી પણ વધુ સ્પિરીચ્યુઅલ સિક્વલ્સ બનાવી છે. જન્નત 2',
જીસ્મ 2′, રાઝ' સિરીઝ, મર્ડર' સિરીઝ, વગેરે તેનાં જ આ ઉદાહરણો છે. આ ઉપરાંત
શૂટઆઉટ એટ લોખંડવાલા’ અને શૂટઆઉટ એટ વડાલા' પણ આ જ પ્રકારમાં આવી જાય. તેમાં પણ પોલીસ અને ગેંગસ્ટર વચ્ચેના શૂટઆઉટની સામ્યતાને બાદ કરતાં પાત્રો અને વાર્તા અલગ હતા. વિક્રમ ભટ્ટની રોમેન્ટિક હોરર સિરીઝ
1920′ પણ આ જ પ્રકારમાં સામેલ થાય. વિક્રમ ભટ્ટે 5 ફિલ્મ્સ બનાવી છે આ સિરીઝમાં. અલબત્ત, દિગ્દર્શકો દરેકમાં સરખા નથી, પણ વિક્રમ ભટ્ટની આ પાંચેય ફિલ્મ્સ એકબીજાથી ભિન્ન છતાં સમયગાળા, જોનર અને એક થીમના કારણે સિક્વલ ફિલ્મ્સ ગણાય ખરી. ફક્ત લવ સ્ટોરીઝ કે ગંભીર ફિલ્મ્સ જ આ પ્રકારમાં બને છે તેવું નથી. કોમેડી ફિલ્મ્સનાં પણ ઉદાહરણ છે જ. અક્ષય કુમાર અભિનીત હાઉસફુલ' સિરીઝમાં પણ આપણને એક થીમ અને કોમેડી જોનરની સામ્યતા જોવા મળે છે , પણ તેમાં પણ પાત્રો અને વાર્તા અલગ જ હોય છે. એ નાતે એ સીધી જ સિક્વલ્સ નહીં, પણ સ્પિરીચ્યુઅલ સિક્વલ ફિલ્મ્સ ગણાય. આ રીતે, હમણાં જાહેરાત થઈ એ
વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ' પણ આનું જ તો ઉદાહરણ. આ ઉપરાંત સિક્વલમાં ફિલ્મના સ્કેલને મોટો કરવા પણ તેમાં અમુક બદલાવ થતા હોય છે. જેમ કે અક્ષય કુમારની જ જોલી એલએલબી 2'માં તે અર્ષદ વારસીના સ્થાને ગોઠવાયો. ફિલ્મ તેની મૂળ થીમને વળગી રહી પણ પાત્રો બદલાયા અને કાસ્ટ બદલાઈ.
રેસ’ સિરીઝ પણ આ પ્રકારનું અનોખું ઉદાહરણ છે. આમાં તો બે ફિલ્મ્સ સુધી વાર્તા અને પાત્રો એ જ હોઈને મૂળ સિક્વલનો પ્રકાર જળવાયો, પણ ત્રીજી ફિલ્મ કાસ્ટમાં સલમાન ખાનની એન્ટ્રી અને વાર્તાના બદલાવ સાથે સ્પિરીચ્યુઅલ સિક્વલ બની ગઈ. મસ્તી',
દુલ્હનીયા’, યમલા પગલા દીવાના',
હેટ સ્ટોરી’, ગોલમાલ', વગેરે સિરીઝ પણ અચૂક આ યાદીમાં સામેલ કરી શકાય. આ ઉપરાંત પણ અલગ પડતાં ઉદાહરણો અને પ્રકારો સિક્વલમાં જોવા મળે છે. પણ તેની વાતો ફરી ક્યારેક.... --- લાસ્ટ શોટ
લગે રહો મુન્નાભાઈ’ સ્પિરીચ્યુઅલ સિક્વલનું એવું ઉદાહરણ છે કે જેમાં `મુન્નાભાઈ એમબીબીએસ’ની મૂળ થીમ કે કાસ્ટ નથી બદલાતી, પણ ફક્ત વાર્તા બદલાય છે.