મેટિનીસ્પેશિયલ ફિચર્સ

જ્યારે ડિરેકટરની ખોપડી હટી જાય…

મહેશ નાણાવટી

શેખર કપૂર ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘બેન્ડિટ કવીન’ અને ‘એલિઝાબેથ’ જેવી ફિલ્મો માટે મશહૂર છે. એ આમ તો બહુ સોફટ-સ્પોકન યાને કે મૃદુભાષી છે, પરંતુ ‘બેન્ડિટ કવીન’ના શૂટિંગ વખતે એમની ખોપડી, જેને કહેવાય ને, બરોબરની ‘હટી’ ગઈ હતી.

વાત એમ હતી કે ‘બેન્ડિટ…..’ના પ્રોડ્યુસર ‘બીબીસી’ની ચેનલ-નાઈન નામની એક ફિલ્મ પ્રોડકશન કંપની હતી. શેખર કપૂર સાથે એવું નક્કી થયું હતું કે એક્ટરો વગેરે ભારતના હશે, પણ સિનેમેટોગ્રાફર, રેકોર્ડિસ્ટ, એડિટર વગેરે વિદેશી હશે. કેમ કે આ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ હતો, જે ડાકુ રાણી ફૂલનદેવીની જીવનકથા ઉપર આધારિત હતો અને ફૂલનદેવી વિશે લખાયેલું એ પુસ્તક ફ્રેન્ચ ભાષામાં પ્રગટ થયું હતું તેથી આખા યુરોપમાં એની ચર્ચા હતી.

જોકે, શૂટિંગના પહેલા જ દિવસે શેખર કપૂરને વિદેશી કેમેરામેન ટીમ સાથે ‘બબાલ’ થઈ. એ લોકો એમ સમજતા હતા કે એ અહીં ઈન્ડિયાના ડેકોઈટ્સ – ડાકુની જે મૂવી શૂટ કરવાના છે તે કોઈ ‘એકશન’ મૂવી છે! શૂટિંગના પહેલા જ દિવસે વિદેશી કેમેરામેને જાણે કોઈ હોલિવૂડની ‘વેસ્ટર્ન’ (ક્લિન્ટ ઈસ્ટવૂડ ટાઈપની) ફિલ્મ શરૂ કરવાની હોય તેમ કેમેરા ઉપર લાંબા અને મોટા ‘ટેલિ-લેન્સ’ લગાડયા! ઉપરથી કેમેરાને ચલાવવા માટે ટ્રેક્સ (એક જાતના ટ્રેનના પાટા હોય છે તેવું) લગાડયા.

આ જોઈને શેખર કપૂર ભડક્યા, છતાં એમણે પોતાની મૃદુ ભાષામાં કહ્યું કે ‘આ ટેલિ લેન્સ નહીં, સાદો નોર્મલ લેન્સ લગાડો અને આ ટ્રેક્સ નહીં જોઈએ.પણ પેલા વિદેશી કેમેરામેને જે સામી દલીલ કરી એનો અર્થ કંઈક એવો થતો હતો કે ‘સિનેમેટોગ્રાફીમાં તમને શું સમજ પડે?’

આમાં શેખર કપૂરની છટકી! એમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ‘હું તમારી સાથે કામ નહીં કરી શકું. તમે લોકો આજે જ લંડન પાછા જાવ!’

શેખર કપૂરે તો એમને પાછા લંડન મોકલવા માટેની ટિકિટો પણ બુક કરાવી દીધી. પેલી બાજુ ‘ચેનલ – નાઈન’માં ટેન્શન થઈ ગયું. ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા?’

જોકે એ તો સારું હતું કે આ આખા કરારમાં વચ્ચે એક એજન્ટ હતો એણે જેમતેમ કરીને ‘ચેનલ-નાઈન’ના જે એક્ઝિકયુટિવ્સ હતા એમને સમજાવ્યા કે શેખર કપૂરને ફ્રિડમ આપવામાં જ પ્રોજેક્ટની ભલાઈ છે.
છેવટે શેખર કપૂરે એ ફિલ્મ માટે ભારતના જાણીતા સિનેમેટોગ્રાફર અશોક મહેતાની પસંદગી કરી. શેખર કપૂરે એ કિસ્સો યાદ કરતાં કહ્યું હતું:

‘હું કોઈ કાઉબોય મુવી નહોતો બનાવી રહ્યો. અહીં ચંબલના ડાકુઓ, જે ડકૈતીમાં કેરોસીનનો ડબ્બો, બકરીઓનું ઝૂંડ અને મરઘીઓ ઉઠાવી લાવતા હતા, એ વાસ્તવિકતા હતી. ત્યાં મને એવો કેમેરામેન જોઈતો હતો જે આ બધી ઘટનાનો ‘ઓવર ધ શોલ્ડર’ જોઈ રહ્યો હોય. (એમાંનો જ કોઈ માણસ ત્યાં કોઈના ખભા પાછળથી આ સમગ્ર સિનારિયો જોઈ રહ્યો હોય.)

જોકે ‘બેન્ડિટ કવીન’ એક રીતે ભારતીય સિનેમાનો માઈલસ્ટોન પણ બની, જેમાં પહેલી વાર ચંબલના ડાકુઓને ગ્લોરીફાય કરવાને બદલે એમની વાસ્તવિકતા બતાડવામાં આવી હતી.

આ તો રિયાલિસ્ટિક સિનેમાની વાત થઈ, પણ ટીનુ આનંદ જે એકટર હોવા ઉપરાંત ‘શહેનશાહ’, ‘મેજરસાબ’ અને ‘કાલિયા’ જેવી કોમર્શિયલ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. એમને એકવાર અમિતાભ બચ્ચન સાથે મોટી તડાફડી થઈ ગઈ હતી.

આ કિસ્સો ‘કાલિયા’નો છે. ફિલ્મના સંવાદો લખ્યા હતા ટીનુ આનંદના પિતા મુલ્કરાજ આનંદે, જે આ અગાઉ ડઝનબંધ હિટ ફિલ્મોના ડાયલોગ લખી ચૂકયા હતા. અહીં ‘કાલિયા’માં એક દૃશ્ય હતું , જેમાં જેલર બનેલા પ્રાણે જેલમાંથી ભાગેલા અમિતાભ બચ્ચનને શોધી કાઢયો છે અને એની સામે રિવોલ્વર તાકીને કહે છે: ‘તુમ હમારી જેલ સે ભાગે હુએ કૈદી હો. બેહતર હૈ કિ તુમ યે હથકડી પહનો ઔર વાપસ જેલ ચલો વરના ઈસમેં જિતની ગોલિયાં હૈ, મૈં તુમ્હારે સીને મેં ગાડ દૂંગા.’

જવાબમાં અમિતાભ બચ્ચનનો સંવાદ કંઈ ગજબ હતો (જે ટીનુ આનંદના પિતાએ આગલી રાત્રે જ લખ્યો હતો) કે ‘તૂ આતિશે દોઝખ સે ડરાતા હૈ ઉન્હેં જો આગ કો પી જાતે હૈ પાની કી તરહા.’

જોકે એ સીન લખાયો ત્યારે જ ટીનુ આનંદે એમના પિતાજી સાથે દલીલ કરી હતી કે ‘અહીં આવું ભારી ભરકમ ઉર્દૂ શાયરી જેવું લખવું જરૂરી છે?’ ત્યારે મુલ્કરાજ આનંદે કહ્યું હતું ‘બેટા, ઉર્દૂની એ જ મજા છે. અહીં ભલે એનો અર્થ લોકોને નહીં સમજાય, છતાં ડાયલોગ બોલે છે કોણ? અમિતાભ બચ્ચન! બસ, સિનેમા હોલમાં તાળીઓ વાગશે!’

જે ઉર્દૂ સમજી શકે છે એના માટે તો આનો અર્થ સ્પષ્ટ હતો કે ‘તૂ મને જે નરકના અંગારાથી ડરાવે છે એવી આગને તો હું પાણીની જેમ પી જાઉં છું!’ ટીનુ આનંદને આ વાત ગળે ઊતરી ગઈ, પરંતુ શૂટિંગ વખતે અમિતાભ બચ્ચનને પડ્યો વાંધો! એ કહેવા લાગ્યા કે ‘કાલિયા જે સાવ સડકછાપ કેરેકટર છે એ આવું બોલી જ શી રીતે શકે?! ’ અમિતાભ બચ્ચને એ સંવાદ બોલવાની ના પાડી દીધી!

ટીનુ આનંદે પોતાનું (અને પિતાજીનું) લોજિક સમજાવ્યું, છતાં અમિતજી માનવા જ તૈયાર નહીં. વાત વણસી ગઈ. ટીનુ આનંદે પ્રોડ્યુસરને કહ્યું :
‘હું આ ફિલ્મ છોડી રહ્યો છું, બચ્ચન સાહેબ એમના કોઈ પ્રિય ડિરેકટરને બોલાવશે, પણ તમે ચિંતા ન કરો. ફિલ્મ બંધ નહીં પડે.’

આ પણ વાંચો : તકલીફ પણ હોશિયાર હોય છે, સહનશક્તિવાળાને જ શોધી કાઢે!

ટીનુ આનંદ સાથે ફરી દલીલ થઈ તો એમણે કહ્યું : ‘મારા બાપે રાતના ત્રણ વાગ્યા સુધી જાગીને આ ડાયલોગ બનાવ્યો છે. જો આ ડાયલોગ પર તાળીઓ નહીં પડે તો હું આ ઈન્ડસ્ટ્રી છોડી દઈશ, પણ તમારેય સામે વચન આપવું પડશે કે જો તાળીઓ પડી તો તમે પણ એક્ટિંગ છોડી દેશો…! ’

એ પછી શું થયું, ખબર છે? અમિતાભ બચ્ચન ઊભા થયા અને કોઈ એક લાઈટમેનને જઈને કહેવા લાગ્યા :
‘યે બડા ઢીટ-જીદ્દી ડિરેકટર હૈ, માનેગા નહીં, લાઈટ્સ ઓન કરો… હમ શૂટ કરતે હૈ!’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત