મેટિની

શાંતારામની ફિલ્મ નામ બદલી રજૂ કરવી પડી

આજે પ્રજાસત્તાક દિન છે એ અવસરે આપણી સ્વાતંત્ર્ય લડતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહત્ત્વના યોગદાન વિશે કેટલીક રસપ્રદ વાત..

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) વી. શાંતારામ ‘ઉદયકાળ’માં અને માસ્ટર વિનાયકની ‘બ્રાન્ડી કી બોટલ’

મૂંગી ફિલ્મોના નિર્માણમાં ૧૯૨૦નો દાયકો ધીકતો સમય માનવામાં આવે છે. ગાંધીજીની અસહકાર ચળવળ પણ ત્યારે જ શરૂ થઈ હતી. શરૂઆતમાં સ્વદેશી ફિલ્મો એટલે ભારતીય ફિલ્મમેકરોએ દેશનાં નાણાં રોકી, દેશી કલાકારો – કર્મચારીઓની મદદ લઈ દેશી વાર્તા પરથી બનાવેલી ફિલ્મો એવો અર્થ ખુદ દાદાસાહેબ
ફાળકેએ કર્યો હોવાની નોંધ છે. જો કે, પછી ફિલ્મમેકરો કથામાં સ્વરાજ્યનો સ્પર્શ આપવા લાગ્યા. ૧૯૨૧માં બનેલી ‘ભક્ત વિદુર’ હતી તો પૌરાણિક ફિલ્મ પણ એમાં વિદુરનું પાત્ર ઘણે અંશે ગાંધીજીને મળતું આવતું હોવાથી બ્રિટિશરોને મરચાં લાગી ગયા પછી એના પર પ્રતિબંધ મૂકી દીધો.

એ પછી ભાલજી પેંઢારકરની ‘વંદે માતરમ આશ્રમ’ (૧૯૨૬)માં બ્રિટિશ શિક્ષણ પદ્ધતિ આપણા પર લાદવાનો વિરોધ કરવામાં આવ્યો અને એના પર પણ પ્રતિબંધ આવ્યો હતો. અલબત્ત,આ પ્રતિકૂળ પરિસ્થિતિથી વિચલિત થયા વિના દર્શકો સ્વાતંત્ર્ય ચળવળ તરફ આકર્ષાય એવી ફિલ્મો બનાવવાનું ચાલુ રહ્યું. સ્વદેશી ચળવળ, અસહકારની લડત જેવા પ્રયાસોથી સ્વાતંત્ર્ય લડત વેગ પકડી રહી હતી. ફિલ્મોમાં બ્રિટિશરોને હીણા – ખલનાયક ચીતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જે શાસનકર્તાઓને ખૂંચે એ સ્વાભાવિક હતું. પરિણામે દેશભક્તિ કે બ્રિટિશરોની નાલેશી થતી હોય એવી કોઈ પણ વાત જો કોઈ ફિલ્મમાં નજરે પડતી તો એની રિલીઝને-રજૂઆતને લાલ સિગ્નલ દેખાડી દેવામાં આવતું.

વી. શાંતારામની ‘સ્વરાજ્યાચે તોરણ’ (૧૯૩૧) એનો ક્લાસિક કેસ છે. ફિલ્મનો ખાસ ઉલ્લેખ એટલા માટે કરવો જોઈએ કે સેન્સરના સાણસામાં સપડાઈ હોવા છતાં વ્યવહારૂ અભિગમ અપનાવી ફિલ્મ રજૂ થઈ અને જનતા સુધી મેસેજ પહોંચાડવામાં સફળ રહી.

ફિલ્મના નાયક છે ૧૭મી સદીના મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ. ફિલ્મમાં દર્શાવેલો શિવાજી મહારાજનો બળવો ભારતની રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક હતી. જો કે, બ્રિટિશ સેન્સર બોર્ડને વાંકું પડ્યું ફિલ્મના ટાઈટલમાં આવતા સ્વરાજ શબ્દ સામે. આ સિવાય ફિલ્મના પોસ્ટરમાં શિવાજી મહારાજ ધ્વજ ફરકાવતા નજરે પડે છે એ વાત પણ સેન્સર બોર્ડને ખૂંચી.

મેજેસ્ટિક થિયેટરમાં દર્શાવાયેલી આ ફિલ્મ જોયા પછી એને સર્ટિફિકેટ આપવાની સેન્સર બોર્ડે ઘસીને ના પાડી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની વાત કરી. શાન્તારામ તો લમણે હાથ દઈ બેસી ગયા. સદનસીબે ફિલ્મ દર્શાવાઈ ત્યારે શાંતારામના મિત્ર અને એ સમયના અગ્રણી ડિસ્ટ્રિબ્યુટર બાબુરાવ પઈ હાજર હતા. એમણે સેન્સર બોર્ડના સભ્યો સાથે ચર્ચા કરી અને ઉકેલ તરીકે ત્રણ શરત સ્વીકારવા શાંતારામને સમજાવ્યા.

એ ત્રણ શરત હતી: ફિલ્મનું નામ બદલી નાખવું- કેટલાંક દ્રશ્યોમાં ફેરફાર કરવો અને ક્લાઈમેક્સમાં છત્રપતિ શિવાજી મહારાજ ધ્વજ ફરકાવે છે એ સીન પૂરેપૂરો કાઢી નાખવો. આનાકાની પછી વી. શાંતારામ ફેરફાર કરવા તૈયાર થયા અને ફિલ્મ ‘ઉદયકાળ’ નામ સાથે રિલીઝ થઈ. જો કે, દેશદાઝ ધરાવતા લોકો
સુધી શાંતારામનો સંદેશો પહોંચી ગયો અને ફિલ્મમાં શિવાજી મહારાજ જે ‘પૂર્ણ સ્વરાજ’ની વાત કરે છે એ ભારતની જ પૂર્ણ સ્વાતંત્ર્યની હાકલ હતી.

આ બધા વચ્ચે, આશ્ર્ચર્ય પમાડનારી વાત એ છે કે ભારતીય ફિલ્મ મેકરના પ્રયાસમાં અવરોધ કેટલાક ભારતીય લોકોએ જ ઊભો કર્યો હતો. વી. શાંતારામે ૧૯૩૫માં ‘ધર્માત્મા’ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું મૂળ નામ ‘મહાત્મા’ હતું જે બદલવાની શાંતારામને ફરજ પાડવામાં આવી હતી. ફિલ્મના નામ સામે વાંધો બ્રિટિશ સેન્સર બોર્ડે નહીં, બલકે એ સમયના બોમ્બે સ્ટેટના ગૃહ પ્રધાન કનૈયાલાલ મુનશીએ ઉઠાવ્યો હતો. બાલાજી વિઠ્ઠલના પુસ્તકમાં વી. શાંતારામનાં પુત્રી શ્રીમતી મધુરા જસરાજને ટાંકી જણાવવામાં આવ્યું છે કે ‘શ્રી મુનશીએ અંગત સ્વાર્થ માટે ગાંધીજીનું નામ વટાવી ખાવાનો આરોપ શાંતારામ પર કર્યો હતો. અલબત્ત, શાંતારામે દલીલ કરી હતી કે ફિલ્મના નાયક સંત એકનાથ મહારાજને ‘મહાત્મા’નું સંબોધન કરવામાં કશું ખાટુંમોળું નથી, કારણ કે એમણે અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ ઉપાડી હતી. જો કે, મુનશી એમની કોઈ દલીલ સાંભળવા તૈયાર નહોતા.’

અભિનેત્રી નંદાના પિતાશ્રી માસ્ટર વિનાયકની ‘બ્રાન્ડી કી બોટલ’માં શરાબના સેવનની ટીકા કરવામાં આવી હતી. શરાબ પરના પ્રતિબંધને પગલે વધુ લોકો સ્વાતંત્ર્ય ચળવળમાં સહભાગી થશે એવી માન્યતા હતી. સરદાર વલ્લભભાઈ પટેલને આ ફિલ્મ ગમી હતી અને એને ટેકો જાહેર કર્યો હતો. વિનાયકજીના આગ્રહને માન આપી વલ્લભભાઈએ શરાબના સેવન સંદર્ભે એક મેસેજ રેકોર્ડ કરાવ્યો, જે ફિલ્મના પહેલા જ સીન સાથે રજૂ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સેન્સર બોર્ડના ધ્યાનમાં આવતા એ સ્પીચ કાઢી નાખવી પડી હતી. આપણા અગ્રણી રાજકીય નેતા અને કેટલાક જાગૃત ફિલ્મમેકર જાતિય એકતા – મનમેળ બ્રિટિશરો સામે લડવાનું ધારદાર શસ્ત્ર છે એ વાતથી સારી પેઠે વાકેફ હતા. પોતાની મરાઠી ફિલ્મ ‘શેજારી’નો આધાર લઈ વી. શાંતારામે હિન્દીમાં ‘પડોસી’ (૧૯૪૧) ફિલ્મ બનાવી હતી. ફિલ્મની વાર્તામાં બ્રિટિશરોનો સીધો કોઈ ઉલ્લેખ નથી, પણ અંગ્રેજોની ‘ભાગલા પાડો ને રાજ કરો’ (ડિવાઈડ એન્ડ રુલ) નીતિને કથામાં વણી લઈ જનતામાં જાગૃતિ લાવવાની ઉમદા કોશિશ કરવામાં આવી હતી. મિર્ઝા (ગજાનન જાગીરદાર) અને ઠાકુર (મઝહર ખાન) પાડોશી હોવાની સાથે ઘનિષ્ઠ મિત્રો પણ છે. શહેરનો કોઈ બિલ્ડર બંધના બાંધકામ માટે જમીન હસ્તગત કરવા ગામમાં આવે છે ત્યારે બંનેની દોસ્તી અને જાતિય એકતા કસોટીની એરણે ચડે છે. પ્રારંભમાં ગામવાસીઓ એકતા જાળવી જમીન મેળવવાના બિલ્ડરના પ્રયાસનો વિરોધ કરે છે,પણ બિલ્ડરની ‘ભાગલા પાડો અને રાજ કરો’ સામે એમની એકતા તૂટી પડે છે. બિલ્ડર ગામમાં જાતિવાદથી ઊભી તિરાડ પાડવામાં સફળ રહે છે અને બે જીગરજાન મિત્ર જાની દુશ્મન બની જાય છે. બિલ્ડર જમીન મેળવી બંધ બાંધવામાં સફળ થાય છે. બિલ્ડર એ બ્રિટિશ હુકૂમતનું જ સ્વરૂપ છે એ જનતા સમજી ગઈ હતી. ફિલ્મના માધ્યમથી સ્વાતંત્ર્ય લડતનો એક હિસ્સો ગીત – સંગીત પણ હતો. એવી નોંધ છે કે બ્રિટિશરોને હિન્દી નહોતું સમજાતું એટલે એમના શાસનને પડકારતા ગીત સેન્સરના સાણસામાંથી સાંગોપાંગ નીકળી જતા હતા. જો કે, ‘દૂર હઠો અય દુનિયાવાલો, હિન્દુસ્તાન હમારા હૈ’ ગીત સામે બ્રિટિશ શાસને લાલ આંખ કાઢી હતી.

અહીં મેહબૂબ ખાનની ‘વતન’ (૧૯૩૮)નો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ફિલ્મની વાર્તામાં રશિયાના આંતરિક વિગ્રહની વાત છે, જેમાં કેટલાક કાલ્પનિક પાત્રો જુલમગાર રશિયન રાજાને ગાદી પરથી ઉથલાવી દેવામાં સફળતા મેળવે છે. ફિલ્મમાં રશિયાની વાર્તા હોવાથી સેન્સર બોર્ડ તરફથી કોઈ સમસ્યા નડી નહીં. વાત ભલે રશિયાની હતી, પણ આપણા ચતુર દર્શકો સમજી ગયા કે હકીકતમાં વાત ભારતની બ્રિટિશ શાસન સામેની લડતની છે… સમજનેવાલોં કો ઈશારા કાફી હોતા હૈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો