શાહરૂખ ખાન મન્નત છોડે છે, પણ…

ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા
મુંબઈની મુલાકાતે જનારો કોઈ પણ ફિલ્મી ફેન ત્રણ સ્થળે જવાની ઇચ્છા જરૂર ધરાવતો હોય છે. એક તો અમિતાભ બચ્ચનનું ઘર ‘જલસા’, જ્યાં દર રવિવારે બચ્ચનબાબુ ‘દર્શન’ દેતા હોય છે. આ ઉપરાંત બીજાં બે ઘર છે – સલમાન ખાનનું ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ અને શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’. અમિતાભની જેમ આ બંને કલાકાર રેગ્યુલર પોતાના ચાહકોને દેખા નથી દેતા, પરંતુ પોતાના જન્મદિવસોએ જો મુંબઈમાં હોય તો પોતાના ઘરની ગેલેરી કે ટેરેસ પર નજરે ચઢે છે.
આમ તો શાહરૂખનું નામ એના આઇકોનિક બંગલા ‘મન્નત’ સાથે જોડાઈ ગયું છે, પરંતુ મે મહિનામાં શાહરૂખ સહપરિવાર ‘મન્નત’ છોડે છે. અરે, ચિંતા ન કરો કાયમ માટે નહીં, પરંતુ થોડા મહિનાઓ માટે એ ‘મન્નત’ છોડે છે, કારણ કે ‘મન્નત’ માં હવે એક જબરું રિનોવેશન સમારકામથી સજાવટનું કામ શરૂ થવાનું છે. આ માટે ગત વર્ષે ગૌરી ખાને જરૂરી સરકારી વિધિ પણ શરૂ કરી દીધી હતી.
રિનોવેશન ચાલશે તે દરમિયાન શાહરૂખ ખાન પરિવારસહ પાલી હિલમાં આવેલા વાશુ ભગનાનીના ચાર માળના ફ્લૅટમાં કામચલાઉ રહેવા જવાનો છે. આના માટે શાહરૂખની કંપની ‘રેડ ચિલીઝ’ અને વાશુ ભગનાનીનાં બે સંતાન વચ્ચે કરાર પણ થઈ ગયો છે, જે મુજબ ખાન પરિવાર ત્રણ ફ્લોરના એ ફ્લૅટના ઉપયોગ માટે દર મહિને 24 લાખ રૂપિયાનું ‘ભાડું’ ચૂકવશે. આની સાથે એ સમાચાર પણ જાણી લો કે ભગનાની અને ‘નેટફ્લિક્સ’ વચ્ચે કોર્ટ બહાર સમાધાન થઈ ગયું છે.
થોડા ફલેશ બેકમાં જઈએ તો વાત એમ હતી કે નેટફ્લિક્સ દ્વારા ભગનાનીની ત્રણ ફિલ્મ: ‘મિશન રાનીગંજ’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘હીરો નં 1’ ના ઘઝઝ રાઈટ્સ લગભગ 45 કરોડમાં ખરીદ્યા હતા, પરંતુ આ રકમનું પૂરું પેમેન્ટ નહોતું કરી રહ્યું. આથી ભગનાનીએ નેટફ્લિક્સ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાવી હતી.
પછી તો જેમ બને છે તેમ એ બન્ને પાર્ટી વચ્ચે ચર્ચાવિચારણા પછી વિવાદનો અંત આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમાધાન અનુસાર હવે ‘નેટફ્લિક્સ’ વાશુુ ભગનાનીને 20 કરોડ રૂપિયા આપશે. આમ તો ખોટનો સોદો કહી શકાય, પરંતુ ત્રણેય ફિલ્મની બોક્સ ઑફિસ પર જે હાલત થઈ હતી એ જોતાં ભગનાની ફાયદામાં જ કહેવાય!
ગોવિંદા – સુનીતા છૂટાછેડા કે પછી..
લાગે છે કે આજ કાલ સેલિબ્રિટીસમાં છૂટાછેડા લેવાની સિઝન શરૂ થઈ ગઈ છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વચ્ચે સત્તાવાર છૂટાછેડા થઈ ગયા છે. આ પહેલાં વીરેન્દ્ર સહેવાગ અને પત્ની આરતીના ડિવોર્સની અફવા અને હવે ગોવિંદા અને પત્ની સુનીતા પણ છૂટાછેડા લઈ રહ્યાં હોવાની ચર્ચા
ચોતરફ ચાલી રહી છે. ગોવિંદા અને સુનીતાનું લગ્નજીવન લગભગ 37 વર્ષ પહેલાં શરૂ થયું હતું અને સુનીતાએ ગોવિંદાના તડકા-છાયા બંનેમાં સરખો સાથ આપ્યો છે, પરંતુ હાલમાં સુનીતાના અમુક ઇન્ટરવ્યુમાં એણે ગોવિંદાના ફલર્ટી સ્વભાવ અને પોતે મુંબઈમાં એક ફ્લૅટ પણ લઈ રાખ્યો છે એવી વાતો કરી હતી.
જોકે ગોવિંદાની ભત્રીજી અને એક્ટર આરતી સિંઘે હાલમાં એક ઇન્ટરવ્યુમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જે પ્રકારની વાત ચાલી રહી છે, વિશ્વાસ કરો એવું કશું જ નથી. ગોવિંદા અને સુનીતા વચ્ચે જે બોન્ડિંગ છે એ ઘણા ઈર્ષાળુ લોકોથી સહન નથી થતું માટે આવી અફવા ફેકાવે છે. જે હોય તે પણ, આગ વગર ધુમાડો ન જ નીકળે એ તો ખરુંને?
કટ એન્ડ ઓકે..
—————————
એક રિયાલિટી શોમાં ફરાહ ખાને હોળીને ‘છપરી ફેસ્ટિવલ’ કહેતાં ઈન્ટરનેટ પર ‘હિન્દુસ્તાની ભાઉ’ તરીકે પ્રખ્યાત એવા વિકાસ ફાટકે ફરાહ ખાન ઉપર ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપ હેઠળ કેસ કરી દીધો છે!