મેટિની

સિક્વલ તો ઠીક, પ્રિક્વલ બનાવે તો જાણું કે તું શાણો !

મૌલિક કથાના ફાંફાં હોય એ પરિસ્થિતિમાં બાયોપિક- રિમેક જેવા પ્રકારની ફિલ્મો બનાવવાનું ચલણ વધી જાય એ સ્વાભાવિક છે, પણ કોઈ ફિલ્મમેકર પ્રિક્વલ બનાવવાની હિંમત કરે તો?

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

રોહિત શેટ્ટીની ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ ગઈ. હવે એ ‘સિંઘમ ૩’ બનાવવાની તૈયારીમાં લાગી ગયો છે. અજય દેવગન ‘ભોલા’ની સિક્વલ ‘ભોલા ૨’ બનાવવાની તૈયારીમાં લાગી ગયો છે. વાત એમ છે કે અજયની ફિલ્મ જે તમિળ ફિલ્મ ‘કૈથી’ પર આધારિત છે એની સિક્વલ ‘કૈથી ૨’નું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. વરુણ ધવનની ’ભેડિયા’ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી નહોતી, પણ એની સિક્વલ ‘ભેડિયા ૨’ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ‘પુષ્પા ૨’ (આલુ અર્જુન) અને ‘ઈન્ડિયન ૨’ (કમલ હાસન) વગેરે માટે પણ સિનેરસિકોમાં કુતૂહલ છે. જો કે, સિક્વલના આ માહોલમાં ઈન્ડસ્ટ્રીમાં એક એવી ચર્ચા થઈ રહી છે જે હકીકત બને તો એક અનોખી ફિલ્મ જોવાનો લ્હાવો મળે. રિમેકની ચર્ચાઓ ચારેકોર થઈ રહી હતી ત્યારે કોઈએ રમેશ સિપ્પીને સવાલ કર્યો હતો કે તમે ‘શોલે’ની સિક્વલ બનાવશો?’ સિપ્પી સાહેબે લાગલો જ જવાબ આપ્યો : ‘નહીં, કભી નહીં.’ એના કારણમાં એ કહે: જયનું તો મૃત્યુ થઈ ગયું છે અને ઠાકુર સાબ વેરનો બદલો લેવામાં સફળ થયા છે. એટલે વાર્તા આગળ વધારવી મુશ્કેલ છે.’

જો કે, થોડી વાર વિચાર કરી એ કહે : ‘બનાવવી હોય તો એની પ્રિક્વલ બનાવી શકાય.’

આ વાત રસપ્રદ છે. હોલિવૂડમાં પ્રિક્વલની કોઈ નવાઈ નથી. સૌથી જાણીતું ઉદાહરણ છે ‘ધ ગોડફાધર ૨’ (૧૯૭૪) જે ‘ગોડફાધર’ (૧૯૬૯)ની પ્રિક્વલ છે. ૧૯૬૯ની ફિલ્મના વિટો કોલીઓનીના પાત્રના જીવનનો પ્રારંભિક તબક્કો દર્શાવવામાં આવ્યો છે. સ્ટીવન સ્પીલબગ, ‘રેઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક’ (૧૯૮૧)ની પ્રિક્વલ ‘ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ’ (૧૯૮૪) બનાવી હતી. આવા બીજા ઘણા ઉદાહરણ છે.

બીજી તરફ, હિન્દી ફિલ્મજગતમાં પ્રિક્વલ શોધવા દીવો નહીં- પાવરફૂલ ટોર્ચ લઈને નીકળવું પડે એવી પરિસ્થિતિ છે. રમેશ સિપ્પીના વિચારનો વિસ્તાર કરીએ તો ‘શોલે’ની પ્રિક્વલની કથામાં જય અને વીરુનું બાળપણ દેખાડી એ બન્ને કઈ રીતે ‘ચોરી મેરા કામ’ કરતા થયા એ દર્શાવી શકાય. ગબ્બર સિંહ ડાકુ કઈ રીતે બન્યો અને ડકૈતી પહેલા એનું જીવન કેવું હતું એ વાર્તાનો રસપ્રદ હિસ્સો જ્ર બને. મૌસીના પાત્રનો ભૂતકાળ પણ રોચક બનાવી દર્શાવી શકાય. અલબત્ત, બેકસ્ટોરી (મૂળ કથાના સ્વરૂપની પહેલાની કથા) તરીકે ઓળખાતો પ્રકાર બનાવવો આસાન નથી. પ્રિક્વલ જોતી વખતે દર્શકોના દિમાગમાં જય – વીરુ અને ગબ્બરનો પ્રભાવ અકબંધ રહ્યો જ હોય. એ પ્રભાવ સાથે તાલ મિલાવી શકે એવી બેકસ્ટોરી તૈયાર કરવી બહુ અઘરું કામ છે.

વિદેશમાં અને ખાસ કરીને હોલિવૂડમાં સિક્વલ અને પ્રિક્વલની ચોક્કસ વ્યાખ્યા બાંધવામાં આવી છે. ફિલ્મની વાર્તામાં મુખ્ય પાત્રોને સાંકળી લેતું કથાનક મૂળ ફિલ્મથી આગળ વધે તો એ સિક્વલ કહેવાય અને જો પાછળની – ભૂતકાળની વાત કરવામાં આવે તો એ પ્રિક્વલ કહેવાય.

વાડિયા મૂવીટોનએ ૧૯૩૫માં ‘હંટરવાલી’ નામની ફિલ્મ બનાવી હતી. ઓસ્ટ્રેલિયન અભિનેત્રી ફિયરલેસ નાદિયા (મેરી ઈવાન્સ)ને ટાઇટલ રોલમાં ચમકાવતી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા મળી હતી. ફિલ્મના યશથી પ્રેરાઈ વાડિયા બંધુઓએ સ્ટન્ટ ફિલ્મોને પ્રાધાન્ય આપવાનો દોર ચાલુ રાખ્યો. એના આઠ વર્ષ પછી ‘હંટરવાલી કી બેટી’ (૧૯૪૩) આવી જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી સિક્વલ ગણાય છે. હવે ૨૦૧૫ ની ’બાહુબલી: ધ બિગિનિંગ’ને યાદ કરો. ફિલ્મ જોયા પછી એની ભવ્યતા આંખોમાં આંજી લેનારા દર્શકના દિમાગમાં એક સવાલને કારણે ગજબનું કુતૂહલ નિર્માણ થયું હતું: ‘કટપ્પાને બાહુબલી કો કયૂં મારા?’ આ ‘સળગતા સવાલ’નો જવાબ દર્શકોને જણાવવા એસ એસ રાજામૌલીએ ‘બાહુબલી: ધ કનકલુઝન’ (૨૦૧૭) બનાવી હતી. બીજી ફિલ્મ પહેલીની સિક્વલ ગણવામાં આવે છે જ્યારે ૨૧૦૫ની ફિલ્મ અનેક લોકોના અભિપ્રાય અનુસાર બીજી ફિલ્મની પ્રિક્વલ છે. રસપ્રદ વાત એ છે કે ત્રણેક વર્ષ પહેલા ઓટીટી પ્લેટફોર્મે આ બંને ફિલ્મની પ્રિક્વલ તરીકે ‘બાહુબલી: બિફોર ધ બિગિનિંગ’ બનાવવાની યોજના તૈયાર કરી હતી, પણ થોડી તૈયારી પછી એ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.

‘નો એન્ટ્રી’, ‘દોસ્તાના’ અને ‘કિક’ની સિક્વલની ગુસપુસ લાંબા સમયથી સંભળાય છે પણ વાત આગળ નથી વધી રહી. સૌથી વધુ કુતૂહલ મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘મુન્નાભાઈ ૩’ માટે છે. ખુદ સંજય દત્તે એક ઈન્ટરવ્યૂમાં એ ફિલ્મ બને એ માટે આતુરતા દેખાડી છે.

એકવીસમી સદીની ફિલ્મોની વાત કરીએ તો સિક્વલનું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે ‘હેરાફેરી’ (૨૦૦૦). અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, તબ્બુની આ ફિલ્મ આઠ કરોડના બજેટમાં બની હતી અને તેણે ૧૮ કરોડનો વકરો કરી ‘પૈસા ડબલ’નો હરખ કરાવ્યો હતો. આઠ વર્ષ પછી એની સિક્વલ ‘ફિર હેરાફેરી’ આવી. દર્શકોએ એનાં પણ ઓવારણાં લીધાં અને ૧૮ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ૫૬૭ કરોડનો તગડો વકરો કરવામાં સફળ રહી. અલબત્ત, ‘બાહુબલી’ની સિક્વલની સફળતામાં ‘કટપ્પાને બાહુબલી કો કયૂં મારા’ એ હુકમનું પાનું હતું જ્યારે ’હેરા ફેરી’માં દર્શકોને વાર્તા વિસ્તાર કરતા રાજુ, શ્યામ અને ખાસ તો બાબુરાવ ગણપતરાવ આપટેમાં અને એ પાત્રોના અભિનયમાં વધુ રુચિ હતી. ‘હેરાફેરી’ હસાવવાની ગેરંટી બની ગઈ હતી અને સિક્વલે નિરાશ ન કર્યા. હવે ‘હેરા ફેરી ૩’ તૈયાર કરવા ચક્રો ગતિમાન થયા છે. બંને ફિલ્મ દર્શકોને પસંદ આવી હતી, પણ એમાં હુકમનો એક્કો તો પરેશ રાવલ જ હતા એ નિર્વિવાદ છે. એવું જ ‘વેલકમ’ની સિક્વલ વિશે કહી શકાય. અહીં પણ પરેશ ભાઈ મેદાન મારી ગયા છે. મૂળ ફિલ્મ અને સિક્વલમાં ડૉ. ઘૂંઘરુના પાત્રમાં પ્રભાવ પાડનારા અભિનેતા ‘વેલકમ ૩’માં પણ છે. ત્રણેય ફિલ્મ માટે પસંદ કરવામાં આવેલા મુખ્ય કલાકારમાં પરેશ રાવલ એક માત્ર અભિનેતા છે. કોમેડી ફિલ્મની સિક્વલ બનાવવી સરખામણીમાં વધુ જોખમી એટલા માટે છે કે એમાં ‘કટપ્પાને બાહુબલી કો કયૂં મારા’ જેવું વાર્તાનું એવું કોઈ જોરદાર તત્ત્વ નથી હોતું. ફિલ્મના કૉમેડી સીન અને એ સીનને પોતાની અભિનય આવડતથી અલગ ઊંચાઈ પર લઈ જનારા કલાકાર ફિલ્મનું પલડું ભારે રાખે છે. ઉદાહરણ બાબુ ભૈયાના પાત્રમાં પરેશ રાવલ.

વિદ્યા બાલનની ખૂબ વખણાયેલી ‘કહાની’ (૨૦૧૨) યાદ છે? માત્ર ૮ કરોડના બજેટમાં બનેલી સુજોય ઘોષ લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ટંકશાળ પડી હતી. અનોખી વાર્તા તેમજ ટ્વિસ્ટ અને ટર્ન ધરાવતી આ ફિલ્મની સફળતાને પગલે એની તેલુગુ અને તમિળ ભાષામાં રિમેક બની હતી. આ પ્રતિસાદથી ઉત્સાહિત થયેલા સુજોય ઘોષે ‘કહાની ૨’ (૨૦૧૬) બનાવી જેને ટાઇટલ પરથી અનેક લોકોએ પહેલી ફિલ્મની સિક્વલ માની લીધી હતી. હા, એની હિરોઈન વિદ્યા બાલન જ હતી અને લેખક – દિગ્દર્શક પણ સુજોય ઘોષ જ હતા અને ‘કહાની’ની જેમ કથા કોલકાતામાં જ કરવટ લે છે. જોકે, અહીં સામ્ય ખતમ થાય છે. ફિલ્મની વાર્તા, એના પાત્રો મૂળ ફિલ્મ કરતા સાવ અલગ હતા. એટલે ‘કહાની ૨’ ફિલ્મને ‘કહાની’ની સિક્વલ ન ગણી શકાય. ‘કહાની’ની લોકપ્રિયતાને વટાવી ખાવાનો સુજોય ઘોષનો ઈરાદો કામિયાબ ન થયો.

એ જ રીતે, ફરહાન અખ્તરની એક્ટિંગ પ્રતિભાથી આપણને પરિચિત કરનારી ‘રોક ઓન’ ( ૨૦૦૮) નેશનલ ઍવોર્ડ મેળવી ગઈ હતી. સાત વર્ષ પછી એની સિક્વલ આવી ‘રોક ઓન ૨’ (૨૦૧૫) જે ખરા અર્થમાં સિક્વલ હતી. પહેલી ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી બીજી ફિલ્મની કથા આગળ ચાલી હતી. ફિલ્મના મુખ્ય પાત્રોની જીવનકથા કઈ દિશામાં આગળ વધે છે એ દર્શાવવામાં આવ્યું હતું. એવી જ રીતે ૨૦૧૫ની ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ સુધ્ધાં ‘તનુ વેડ્સ મનુ’ (૨૦૧૧)ની સિક્વલ હતી. મજાની વાત એ છે કે સિક્વલ મૂળ ફિલ્મની સરખામણીમાં ધીકતી કમાણી કરવામાં સફળ રહી હતી. આવા બીજા ઘણા ઉદાહરણ છે.

સિક્વલ- પ્રિક્વલ-રિમેક- સ્પિન ઓફ… –
સિક્વલ મુખ્ય પાત્રોની કથા મૂળ ફિલ્મના અંત પછી આગળ વધે છે, જ્યારે પ્રિક્વલમાં મૂળ ફિલ્મની કથાના પૂર્વ હિસ્સા પર ફોકસ કરવામાં આવે છે. રિ-મેક એટલે મોટેભાગે એક ભાષાની ફિલ્મના આધારે બીજી ભાષામાં ફિલ્મ બનાવવી. ‘ડેઝ ઓફ તફરી’ (૨૦૧૬) ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ (૨૦૧૫)ની રિ-મેક હતી. જાણવા જેવી વાત એ છે કે બંને ફિલ્મના લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હતા. ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ (૨૦૨૦) મરાઠી ફિલ્મ ‘મુરબ્બા’ (૨૦૧૭)ની રિમેક હતી. ‘ગોડ તુસી ગ્રેટ હો’ (૨૦૦૮) હોલિવૂડ ફિલ્મ ‘બ્રુસ ઓલમાઈટી’ (૨૦૦૩)ની રિ-મેક હતી.

‘સ્પિન ઓફ’ તરીકે ઓળખાતો આ પ્રકાર જરા જુદો પડે છે. અહીં મૂળ ફિલ્મના પ્લોટનો એકાદો મુદ્દો આગળ વધારી ફિલ્મ તૈયાર કરવામાં આવે છે. ક્યારેક કોઈ એક પાત્રને કેન્દ્રમાં રાખી વાર્તા આગળ વધારવામાં આવે છે. નીરજ પાંડેએ એક્શન સ્પાય થ્રિલર ‘બેબી’ ૨૦૧૫માં બનાવી હતી. ‘બેબી’ના એક પાત્રને કેન્દ્રમાં રાખી નીરજ પાંડેએ ‘નામ શબાના’ (૨૦૧૭)માં રજૂ કરી. ‘નામ શબાના’ ફિલ્મ ‘બેબી’ની સ્પિન ઓફ કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button